સેલવાસમાં નવ વર્ષના બાળકની ‘નરબલિ’ના આરોપીઓ સુધી પોલીસ કેવી રીતે પહોંચી?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

દક્ષિણ ગુજરાતના વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણગંગા નહેરમાંથી થોડા દિવસ પહેલાં એક બાળકનો ક્ષતિગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહનો અડધો ભાગ ગાયબ હતો.

આ અવસ્થામાં મૃતદેહ મળતાં પોલીસતપાસમાં જે બહાર આવ્યું એ જાણીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.

મૃતદેહ મળ્યા બાદ વલસાડ પોલીસ અને દાદરા નગરહવેલી પોલીસે આ મામલે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.

દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીની સેલવાસ પોલીસે મૃત બાળકની ઓળખ ચૈતા કોહલા તરીકે કરી હતી.

અગાઉ ચૈતાના પરિવારજનોએ તેના ગુમ થવાની પોલીસ ફરિયાદ પણ કરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી અને આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે દાવો કર્યો છે કે આ બે આરોપીઓએ નવ વર્ષના ચૈતાની કથિતપણે નરબલિ ચઢાવવા માટે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

સાથે આ કેસમાં સંડોવાયેલા ત્રીજા સગીરની પણ અટકાયત કરવામાં આવી છે.

પરંતુ ભૂલકાની નરબલિ કરવાનો શો હેતુ હતો? અને આરોપીઓએ કેવી રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો?

દમણગંગા કૅનાલમાંથી મળી આવેલ નવ વર્ષીય બાળકના મૃત્યુનો મામલો કેવી રીતે ઉકેલાયો?

  • દાદરા નગરહવેલીના એક નવ વર્ષીય બાળકનો મૃતદેહ દમણગંગા કૅનાલમાંથી મળી આવ્યો હતો
  • બાળકનો મૃતદેહ જ્યારે મળ્યો એ સમયે શરીરનો અડધો ભાગ ગાયબ હતો
  • પોલીસતપાસમાં માલૂમ પડ્યું કે આ મૃતદેહ નવ વર્ષીય બાળક ચૈતાનો છે
  • પોલીસે આપેલ જાણકારી અનુસાર ત્રણ આરોપીઓએ બાળકનું અપહરણ કરી તેનો ‘બલિ’ આપ્યો હતો
  • પરંતુ આખરે ભૂલકાની બલિ શું કામ? ભૂલકાનું મૃત્યુ નિપજાવ્યા બાદ આખરે કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી પોલીસ?

‘પૈસાદાર થવાની લાલચમાં તાંત્રિક વિધિ કરાવવા માટે કરાઈ બાળકની હત્યા’

આ સમગ્ર ઘટનાની તપાસમાં દાદરા નગરહવેલીની પોલીસે ખુલાસો કર્યો છે કે ‘તાંત્રિકવિદ્યા માટે બાળકનું અપહરણ કરી અને નરબલિ અપાયો હતો.’

પોલીસને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, “પૈસાદાર થવા અલૌકિક શક્તિ મેળવવા માટેની તાંત્રિકવિધિ માટે આ બાળકની નરબલિ આપવામાં આવ્યો હતો.”

પોલીસના જણાવ્યાનુસાર આ કામના આરોપી એવા રમેશ ભાડીયા સંનવરને પૈસાદાર થવું હતું.

રમેશ દાદરા નગરહવેલીના અથાલ વિસ્તારમાં રહેતા હતા.

આ અંગે રમેશે ગુજરાતના ડાંગના સુબીર તાલુકાના ઉપલામહલ ગામમાં રહેતા તેમના મિત્ર શૈલેશ કોહકેરાને વાત કરી હતી.

શૈલેશે એક સગીર સાથે મળીને રમેશને પૈસાદાર બનાવવા માટે તાંત્રિકવિદ્યા કરવાનું આયોજન કર્યું.

આ કેસમાં સંડોવાયેલ ત્રીજી વ્યક્તિ સગીર છે અને પોલીસના કહેવા પ્રમાણે તેઓ તાંત્રિકવિદ્યા જાણતા હોવાના દાવા કરતા હતા.

આ સગીર આરોપી દાદરા નગરહવેલીના સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરે છે.

પોલીસના કહેવા મુજબ આ સગીરે ચૈતાનું અપહરણ કર્યું અને પછી તેના પર તાંત્રિકવિદ્યા કરવા માટે નરબલિ ચઢાવવા તેની હત્યા કરી દેવાઈ.

આ કેસમાં સંડોવાયેલા સગીરને પોલીસે સુરત ખાતેના જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યા છે.

જ્યારે રમેશ અને શૈલેશ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સગીર આરોપીને રમેશે મદદ કરી હતી. પોલીસે તાંત્રિકવિધિ માટે આપવામાં આવેલ નરબલિ ચઢાવવા માટે ચૈતાની જેના વડે હત્યા કરી હતી તે હથિયારો પણ જપ્ત કર્યાં છે.

સાયલીના સ્મશાનમાંથી ચૈતાના શરીરના અવશેષો પણ પોલીસે પુરાવા તરીકે મેળવ્યા છે.

કેવી રીતે મળી હત્યા ઉકેલવાની પહેલી કડી?

પોલીસને ચૈતાના ગુમ થવાની ફરિયાદ 30મી ડિસેમ્બરે મળી હતી.

ચૈતાના પિતા ગણેશ માહ્યા કોહલાએ પોલીસને ફરિયાદ કરી કે તેમનો નવ વર્ષનો ચૈતા 29મી ડિસેમ્બરથી ગુમ છે.

તેઓ દાદરા નગરહવેલીના સાયલીના રહેવાસી છે.

પોલીસે આ મામલે આઇપીસી કલમ 363 મુજબ અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

પણ ત્યારબાદ 31મી ડિસેમ્બરે ગુજરાતની વાપી પોલીસ તરફથી તેમને સૂચના મળી કે તેમને દમણગંગા નહેરમાંથી એક બાળકની ક્ષતિગ્રસ્ત લાશ મળી છે.

આ પરથી દાદરા નગરહવેલી પોલીસને લાગ્યું કે ગુમ થયેલા ચૈતા અને આ ક્ષતિગ્રસ્ત મૃતદેહના કેસમાં કડી મળી રહી છે.

પોલીસે તપાસ હાથ ધરી. દમણ પોલીસ, હોમગાર્ડ સહિત કુલ 100 તપાસકર્મી આ કેસને ઉકેલવામાં કામે લગાડાયા.

તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. આસપાસના લોકોની પૂછપરછ કરી. મોબાઇલ ફોન ટ્રેસ કર્યા.

પીડિત પરિવારો પાસેથી વિગતો લીધી. ત્યાર બાદ પોલીસને સાયલીમાં ચિકન શોપમાં કામ કરતા એક સગીરની હિલચાલ પર શંકા ગઈ.

પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ કર્યું કે તેણે તેમના મિત્રો સાથે મળીને તાંત્રિકવિધિ માટે નરબલિ આપવા ચૈતાનું અપહરણ કર્યું હતું.

પોલીસે આ ગુનો 48 કલાકમાં ઉકેલી નાખ્યો. પોલીસે સગીરને સુરત ખાતેના જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યા છે.

દાદરા નગરહવેલીના એસપી આર. પી. મિણાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, “કેસ ઉકેલાઈ ગયો છે, હવે આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે. અમને પહેલા પીડિત પરિવારોના ઘર પાસેથી જે સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા તેના પરથી જ અમને ચિકન શોપ પર કામ કરતા સગીર પર શંકા ગઈ અને પછી અમને એક બાદ એક કડીઓ મળતી ગઈ અને પછી કેસ ઉકેલાયો.”

બીજી તરફ આ કેસની તપાસ કરતી ટીમના સભ્ય અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ ટી. કે.એ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે આ ‘નરબલિ’ કેસની તપાસ ચાલી રહી છે તેથી હાલ કશું કહેવું ઉચિત નથી.

શું કહેવું છે પરિવારજનોનું?

ચૈતાના પિતા ગણેશ માહ્યા કોહલાએ તેમનો પુત્ર ગુમાવ્યો તેથી દુ:ખી અને હતાશ છે.

બીબીસીના સહયોગી જાવેદ ખાને આ મામલે કરેલ તપાસ પરથી જાણવા મળ્યું છે કે, ચૈતાનો કુટુંબ ભાંગ્યાતૂટ્યા ઘરમાં રહે છે. રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

કોઈક વાર મજૂરી ન મળે તો પૈસા મળતા નથી. ચૈતા ત્રણ વર્ષનો હતો ત્યારે જ તેમનાં માતાનું અવસાન થયું હતું. ચૈતાને તેનાં દાદા-દાદીએ મોટો કર્યો હતો.

જોકે જે પ્રકારે પોલીસતપાસ થઈ તેનાથી ચૈતાનો પરિવાર ખુશ નથી.

પરિવારજનોની માગ છે કે, “ચૈતાની હત્યા કરનારાઓને કડક સજા થવી જોઈએ.”

હાલ ચૈતાના પરિવારમાં પિતા, ભાઈ અને દાદા-દાદી છે.

ચૈતાના પિતા ગણેશ બીબીસી સહયોગી જાવેદ ખાન સાથે વાતચીતમાં જણાવે છે કે, “પોલીસ ફરિયાદ કરી તેના એક સપ્તાહ પહેલાં જ તેમનો પુત્ર ગુમ થઈ ગયો હતો પણ તેમના પુત્ર વિશેની આવી માહિતી તેમને બહુ મોડી મળી.”

ચૈતાનાં દાદી જલીબહેન જાવેદ ખાન સાથેની વાતચીતમાં માગણી કરે છે કે જેણે તેમના પૌત્ર સાથે આ કૃત્ય કર્યું છે તેમને કડક સજા થવી જોઈએ.

તેમજ ચૈતાના કાકા બુધાભાઈ કહે છે કે, “ચિકન શોપમાં કામ કરતો સગીર ઘણીવાર ચૈતાને રમાડતો હતો. પણ ક્યારે તેને લાલચ આપીને ઉપાડી ગયો તે ખબર જ ન પડી.”

“જ્યાં સુધી સમાજને જાગૃત નહીં કરાય ત્યાં સુધી અંધશ્રદ્ધા નાબૂદ નહીં થાય”

અંધશ્રદ્ધાની આ ઘટના વિશે તર્કવાદીઓ કહે છે કે જ્યાં સુધી સમાજને શિક્ષિત અને જાગૃત નહીં કરાય ત્યાં સુધી અંધશ્રદ્ધાને અટકાવવું એ મુશ્કેલ છે.

અમદાવાદ રેશનાલિસ્ટ એસૉશિયેશનના સચિવ સુનિલ ગુપ્તા બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહે છે કે, “આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ જોવા મળે છે. આદિવાસીઓમાં કેટલીક રૂઢિવાદી પરંપરા અને માન્યતાઓમાં બદલાવ લાવવો જરૂરી છે.”

“21મી સદીમાં પણ જો લોકો લાલચમાં આવીને આવા અંધશ્રદ્ધાના પ્રયાગો કરતા હોય તો તે બતાવે છે કે આપણે સમાજને હજુ શિક્ષિત કે જાગૃત નથી કરી શક્યા. તેમને શિક્ષિત અને જાગૃત કરવા માટે સરકાર અને સમાજ એમ બંનેએ આગળ આવવાની જરૂર છે.”