You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હસ્તમૈથુનનું જાહેર જગ્યાએ વધતું પ્રમાણ, મહિલાઓએ શું કરવું જોઈએ?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
21 જુલાઈ, અંદાજે સાંજના સાત વાગ્યા હતા
બૅંગલુરુના ટાઉન હૉલમાં મણિપુરમાં થયેલી હિંસાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનમાં ભાગ લીધાં બાદ અથિરા પુરુષોત્તમે ઘરે પાછાં આવવાં માટે ટૅક્સી ન મળતાં તેમણે રેપિડો બાઇક બુક કરી.
મૂળ કેરળનાં અથિરા પુરુષોત્તમ એક સ્વયંસેવી સંસ્થામાં કામ કરે છે. અને યુવાનોને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યના અધિકારો અંગે જાગૃત કરવાનું કામ કરે છે.
અથિરા કહે છે કે રેપિડો ડ્રાઇવરે તેમને બીજો નંબર આપ્યો અને કહ્યું કે તે ટ્રાફિકમાં ફસાયા છે. ડ્રાઇવરે કહ્યું કે તેને આવવામાં મોડું થશે.
અથિરા પુરુષોત્તમે બીબીસી સાથેની વાતમાં કહ્યું કે જે બાઇક તેમણે બુક કર્યું હતું અને જે તેમને લેવા આવ્યું હતું તેની નંબર પ્લેટ અલગ હતી.
જ્યારે અથિરાએ ડ્રાઇવર સાથે બદલાયેલી નંબર પ્લેટ અંગે પૂછ્યું તો ડ્રાઇવરે જવાબ આપ્યો રેપિડો બાઇક સર્વિસ માટે ગઈ છે. એટલે તે બીજી બાઇક લાવ્યા છે.
અથિરા પુરુષોત્તમે બુકિંગ અંગે જાણકારી પાક્કી કરી અને તેઓ ઘરે જવાં માટે બાઇક પર બેઠાં.
એ દિવસે શું થયું?
તે કહે છે કે તેમનાં ઘરે જવાનાં રસ્તામાં એક એવી જગ્યા આવે છે, જ્યાં એક કન્સ્ટ્રક્શન સાઇટ છે અને તે ઘણી સુમસામ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અથિરાએ કહ્યું, "આ રસ્તામાં ડ્રાઇવરે બાઇકની ગતિ ધીમી કરી દીધી અને એ બાઇકને માત્ર જમણા હાથેથી ચલાવવા લાગ્યો. અને તેનો ડાબો હાથ હલી રહ્યો હતો. તેની હાઇટ નાની હતી. તો મેં ધ્યાનથી જોયું તો ખબર પડી કે તે હસ્તમૈથુન કરી રહ્યો હતો."
અથિરા પુરુષોત્તમે ઉમેર્યું "જ્યાં આ ઘટના બની ત્યાં કોઈ ઘર નહોતું. હું ગભરાઈ ગઈ. મને લાગ્યું કે ચુપ રહેવું યોગ્ય છે કારણ કે હું પોતાને ખતરામાં મૂકવા નહોતી ઈચ્છતી. મને ડર હતો કે ત્યાં જ એ મારો રેપ ના કરી નાખે."
અથિરા પુરુષોત્તમે આગળ કહ્યું, "હું નહોતી ઇચ્છતી કે આ વ્યક્તિને મારા ઘરનું સરનામું ખબર પડે તો મેં તેને 200 મીટર દૂર છોડવાનું કહ્યું. અને તેના ગયા બાદ મેં ઘર તરફ જવાનું શરૂ કર્યું."
અથિરા કહે છે કે આ વ્યક્તિએ ત્યાર બાદ તેને વ્હૉટ્સઍપ મૅસેજ મોકલવાના શરૂ કર્યાં. તો મેં તેને બ્લૉક કરી દીધો.
સમગ્ર મામલે અથિરાએ રેપિડોમાં ફરિયાદ નોંધાવી છે. અને તાત્કાલિક કાર્યવાહી કરતા રેપિડોએ ડ્રાઇવરને બ્લૅક લિસ્ટ કરી દીધો છે.
સમગ્ર કેસમાં અથિરા પુરુષોત્તમે એફઆઈઆર પણ નોંધાવી છે. જેમાં આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354(એ) 354(ડી) અને 294 લગાવાઈ છે.
આ એકમાત્ર કેસ નથી
અથિરા પુરુષોત્તમ સાથે બૅંગલુરુમાં જે થયું તે પહેલો કેસ નથી. તાજેતરમાં જ દિલ્હી મેટ્રોમાં સરાજાહેર હસ્તમૈથુન કરતી એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો.
આ ઘટનાને દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શર્મનાક ગણાવતા તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. અને દિલ્હી પોલીસે નોટિસ જાહેર કરી હતી.
સમગ્ર કેસમાં પોલીસે એફઆઈઆર પણ નોંધી છે.
તો કર્ણાટકમાં પણ તાજેતરમાં એક મહિલા યાત્રાળુએ ફરિયાદ કરી હતી કે ડ્રાઇવરે તેમને પોર્ન બતાવ્યું અને હસ્તમૈથુન કર્યું.
વિકૃત માનસિકતાની નિશાની
મનોચિકિત્સકો અનુસાર આ એક બીમાર માનસિકતાની નિશાની છે. અને તેને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારી ન માની શકાય છે.
મનોચિકિત્સક ડૉક્ટર પૂજાશિવમ જેટલીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે જાહેરમાં મહિલાઓની સામે કરાયેલા આવાં કૃત્યો દર્શાવે છે કે આવી વ્યક્તિ માટે જાતીય સુખ સર્વોપરી હોય છે. અને તે એ સમજી નથી શકતી કે આવું કરવું એ સમાજમાં અસ્વીકાર્ય છે.
તેમના અનુસાર "આ વિચાર સદીઓથી ચાલતો આવ્યો છે. જ્યાં પુરુષોનાં જનનાંગને શક્તિના પ્રતીક તરીકે રજૂ કરાય છે."
"તો સાર્વજનિક જગ્યાએ, મહિલાઓ અથવા બાળકો સમક્ષ પોતાના ખાનગી ભાગોને બતાવવું કે પોર્ન જોવું એ બતાવે છે કે તે નબળી છે. અને વ્યક્તિ જે ચાહે એ કરી શકે છે. તેઓ તેને રોકી નથી શકતા."
આવા પુરુષોની વિચારસરણી કેવી?
આ વાતને આગળ વધારતા જેન્ડરના મુદ્દાઓ પર કામ કરતા પત્રકાર નાસિરુદ્દીન કહે છે તે જાહેરમાં આ રીતની હરકત દબંગ મરદાનગી, પિતૃસત્તા અને વિકૃત જાતીય માનસિકતાની નિશાની છે.
તેઓ કહે છે, "પુરુષોના અંગને મરદાનગી સાથે સાંકળીને જોવાય છે. અને તેનાથી જ તે પોતાની મરદાનગી સાબિત કરવા માગે છે. તો તેના સફળ પ્રદર્શનને લઈને તે ચિંતિત પણ રહે છે."
નાસિરુદ્દીન અનુસાર, "સમાજમાં તમે ઘણીવાર જોયું હશે કે પુરુષો ગંજી અંડરવૅર પહેરીને ખુલ્લેઆમ ફરતા દેખાય છે. તો એ ક્યાં પણ ઊભા રહીને પેશાબ કરી શકે છે."
"પણ આ વાત કોઈને અટપટી નથી લાગતી. તો મહિલાઓને તે ઢાંકેલા કપડાંનાં જુએ છે. અને તેને પોતાની જાતીય ઇચ્છાને પૂર્ણ કરવાની નજરથી જોવે છે."
ડૉક્ટર પૂજાશિવમ જેટલી કહે છે કે આવા લોકો વાસ્તવિકતાથી દૂર રહે છે અને તેમને સમજાતું નથી કે આવી હરકતથી અન્ય લોકોને કેટલા દુઃખી થાય છે.
એ જોઈ શકાય છે કે સમાચારોમાં આવા કેસ વધુ સામે આવી રહ્યા છે. પણ એનો અર્થ એ નથી કે તેમાં વધારો થયો છે. પણ આવા મુદ્દાઓનું રિપોર્ટિંગ વધી ગયું છે.
કાયદાનો સહારો
કોઈ પણ મહિલા ક્યારેકને ક્યારેક કોઈને કોઈ ઉંમરે પોતાના ઘર અથવા સાર્વજનિક જગ્યાઓ પર ખરાબ અનુભવોમાંથી પસાર થાય છે.
જેમાંથી હજી પણ કેટલીક મહિલાઓ શરમથી ચુપ રહી જાય છે અને કેટલીક મહિલાઓ તેની સામે પોતાનો અવાજ ઉઠાવે છે.
પળભર માટે અથિરા પુરુષોત્તમ પણ નબળાં પડ્યાં પરંતુ બાદમાં તેમણે રેપિડો, સોશિયલ મીડિયા અને બાદમાં પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી.
ભારતીય કાયદા અનુસાર જો કોઈ મહિલાની સાથે આવી ઘટના થાય તો તે ઝીરો એફઆઈઆર નોંધાવી શકે છે. એટલે કે ઘટના કોઈ પણ જગ્યાએ થઈ હોય, તે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પોતાની એફઆઈઆર નોંધાવી શકે છે.
તો ઑનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકે છે.
મહિલાઓના મુદ્દાઓ પર સ્પષ્ટપણે બોલનારાં અને હાઇકોર્ટનાં વકીલ સોનાલી કડવાસરા કહે છે કે સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકવી ઠીક છે પણ કાયદાના રસ્તે ચાલવું યોગ્ય છે. કારણ કે તે એક ઔપચારિક રીત હોય છે.
તેમના મુજબ, "જો મહિલા ખરેખર આવા કેસમાં કાર્યવાહી ઇચ્છે તો એફઆઈઆર વહેલામાં વહેલી તકે નોંધાવે અને શાંતિથી વિચારીને પોતાની સાથે થયેલી ઘટનાની જાણકારી આપે."
તો તેઓ આવા કેસમાં તે વધુ એક મહત્ત્વપૂર્ણ વાત કહે છે અને તે એ છે કે જો કોઈ પણ મહિલા ટૅક્સીની સુવિધા લે, સલૂન કે સાફ સફાઈ માટે કંપનીના કર્મચારીને ઘરે બોલાવે અને ઘરે આવનારી વ્યક્તિ કોઈ અયોગ્ય હરકત કરે તો મહિલાએ કંપનીમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
આ કંપનીઓ વર્કિંગ પ્લેસ અથવા કાર્યના સ્થળે જાતીય સતામણીને લઈને બનેલા POSH ઍક્ટ 2013 અંતર્ગત કાર્યવાહી કરવાં માટે બંધાયેલી હોય છે.
સોનાલી કડવાસરા કહે છે કે "ભલે જે પણ મહિલા ફરિયાદ કરે છે તે તેમની કંપનીમાં કામ નથી કરતી. પણ જે સતામણી કરી રહ્યો છે તે કંપનીનો કર્મચારી છે અને કંપની તેના વિરુદ્ધ આંતરિક ફરિયાદ સમિતિ આઈસીસી અંતર્ગત કાર્યવાહી આગળ વધારે છે."
અથિરાના કેસમાં પણ રેપિડોએ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી. બૅંગલુરુમાં થયેલી આ ઘટનામાં આપીસીની કલમ 354(એ) 354(ડી) અને 294 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો.
સોનાલી કડવાસરા કહે છે કે "આ બન્ને કલમો અંતર્ગત જાતીય સતામણીનો કેસ બને છે. જ્યાં 354 કોઈ મહિલા સાથે અભદ્રતા કરવાની સાથે કરાયેલી જબરદસ્તી સાથે જોડાયેલી છે. તો, 354(એ) અંતર્ગત મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 354 સ્ટૉકિંગ અથવા પીછો કરવાને લગતી છે."
તો કલમ 294 જાહેર જગ્યાઓ પર અશલીલ હરકતો કરવાને લગતી છે. જેમાં ત્રણ મહિનાની સજા અને દંડની જોગવાઈ છે.
દિલ્હીમાં આવેલી સ્વયંસેવી સંસ્થા પરીનાં સ્થાપક યોગિતા ભયાને પોતાનો અંગત અનુભવ જણાવતા કહ્યું કે તેમની સાથે પણ આવી ઘટના બની છે અને તે પણ ડરી ગયાં હતાં.
પણ આવી ઘટનાઓથી ગભરાવવું ન જોઈએ અને મદદ માગવી જોઈએ. સાથે જ આવા મુદ્દાઓને અંગે ફરિયાદ પણ નોંધાવવી જોઈએ.
કારણ કે કદાચ તમે અવગણીને આગળ વધી જશો તો આવી વ્યક્તિનો બીજો નિશાનો અન્ય કોઈ છોકરી બનશે. અને પછી તે આવી આવી હરકતો કરતા રહેશે.
સાથે જ જ્યારે પણ આવી સેવાઓ જેમ કે તને ટૅક્સી લો તો બુકિંગની બધી જ જાણકારી બીજીવાર ચૅક કર્યાં બાદ જ યાત્રા કરો.