You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : 'પતિએ સાથ ન આપ્યો હોત તો મારા પિતા હજુ મારા પર બળાત્કાર કરતા હોત'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'મારાં લગ્ન થયાં પછી જ્યારે જ્યારે મારા સસરા મારી પત્નીને પોતાના ઘરે લઈ જવા બોલાવે ત્યારે મારી પત્ની ઉદાસ થઈ જતી, પિયર જવાની ના પાડતી અને પિયરથી પરત આવે એટલે ઝઘડાળુ થઈ જતી.'
'થોડા સમય પહેલાં મારા સસરા બપોરે ઘરે આવ્યા ત્યારે એણે પિયર જવાની ના પાડીને ઝઘડો કર્યો, મેં ઘણું સમજાવ્યા પછી એણે કહ્યું કે એના પિતા એના પર બળાત્કાર કરે છે, એટલે અમે ના છૂટકે પોલીસ ફરિયાદ કરી છે....'
આ શબ્દો છે અમદાવાદના ગોમતીપુરમાં રહેતા એક પતિના.
તેમના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે બે વર્ષ પહેલાં અમદાવાદના જુહાપુરામાં થયાં હતાં. લગ્નજીવન સારું ચાલતું હતું.
જોકે પીડિતાનો આરોપ છે કે તેમના પિતા તેમના પર વારંવાર બળાત્કાર કરતા હતા. પરણ્યાં પહેલાં પણ અને પરણ્યાં પછી પણ.
પીડિતાને તેમના પતિએ સાથ મળ્યો અને તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે જરૂરી પુરાવા એકત્ર કરીને આરોપી પિતાની ધરપકડ કરી છે.
'માતા અને બહેન બહાર જાય એટલે શોષણ કરતા'
પોતાના પિતા પર બળાત્કારની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું અંગ્રેજી માધ્યમમાં ભણતી હતી. મારે 11મા ધોરણમાં સાયન્સ લઈ કમ્પ્યુટર ઍન્જિનિયર થવું હતું. પણ મારા પિતાએ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું કહીને મને અભ્યાસ છોડાવ્યો."
"મારી માતા અને બહેનો મારી મોટી બહેનને ત્યાં ઉનાળું વૅકેશનમાં રાજસ્થાન ગયાં ત્યારે હું મારા પિતાને જમાડીને સૂતી હતી. એ રાત્રે એમણે મારા પર બળાત્કાર કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો કોઈને કહેશે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અને મારી નાની બહેન પર પણ બળાત્કાર કરશે એમ કહી ધમકાવી હતી."
પીડિતા કહે છે, "હું ડરી ગઈ એટલે મારા પિતાની હિંમત ખૂલી ગઈ. મારી માતા સિલાઈકામ માટે જાય અને મારી બહેન સ્કૂલે જાય ત્યારે મારા પર બળાત્કાર કરતા."
"મારી તબિયત બગડી ગઈ એટલે એમના પરિચિત ડૉક્ટરને ત્યાં દવા કરાવી રાત્રે મને બળજબરીથી દવા આપી. ઘરના લોકો સૂઈ જાય પછી મારા પર ફરી બળાત્કાર કરતા."
"દરમિયાન મારાં લગ્ન થયાં. પણ મારા પિતા મારો પીછો છોડતા નહોતા. વારંવાર મારા સાસરે આવી મને પોતાના ઘરે લઈ જવાની વાત કરતા. મારા પતિ ભલા માણસ એટલે મને મોકલી આપતા અને ફરી મારા પિતા મને ચૂંથતા હતા."
"મને ડર હતો કે મારા પતિને ખબર પડશે તો મારું લગ્નજીવન પણ ભાંગી જશે. પણ એક દિવસ મારા પિતાએ હદ વટાવી દીધી."
"એ મારા સાસરે આવ્યા, ઘરે કોઈ ન હતું અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની જીદ કરી, મેં ના પડી તો મને મારા મારવા લાગ્યા."
"ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો હતો, મારી ચીસો સાંભળીને મારા પાડોશીએ મારી નણંદને ફોન કર્યો. મારાં નણંદ ઘરે આવ્યાં એટલે એ ચુપચાપ જતા રહ્યા."
જોકે પીડિતાનું કહેવું છે કે તેમના પતિ હવે જૂની વાત ભૂલી ગયા છે અને નવેસરથી જિંદગી શરૂ કરી છે.
શારીરિક શોષણનો ભોગ બનતી દીકરી
પીડિતાના પતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારાં લગ્ન થયાં પછી એના પિતા વારંવાર એને પોતાના ઘરે રહેવા બોલાવતા હતા, પણ મારી પત્ની પિયર જવાની ના પાડતી હતી."
"મને કાયમ કહેતી કે તમારા વગર પિયર નહીં જાઉં, પણ મને એમ થતું કે એક પિતાને દીકરી માટે લાગણી હોય એટલે પોતાના ઘરે લઈ જાય અને એક જ શહેરમાં રહેવાનું હોય એટલે મને વાંધો પણ નહોતો, પરંતુ મારી પત્ની પિયર ગયા પછી મોડી રાત્રે ફોન કરીને રડતી, પરત આવવા કહેતી હતી."
તેમના જણાવ્યા અનુસાર, "એક વાર મારા સસરા મારા ઘરે આવ્યા અને ઘરે કોઈ નહોતું. બંને વચ્ચે ઝઘડો થયો. એ સમયે મારી બહેન ઘરે આવી અને મારા સસરા મારી બહેનને જોઈ નીકળી ગયા, મારી પત્ની ખૂબ રડતી હતી."
"મારી બહેને એને ખૂબ સમજાવી ત્યારે એણે કહ્યું કે એના પિતા એના પર વારંવાર બળાત્કાર કરે છે એટલે લગ્ન પછી એને પિયર લઈ જાય છે."
તેઓ વધુમાં કહે છે, "મારી બહેન અને પત્નીએ બંનેએ માંડીને વાત કરી ત્યારે મને એનું પિયર નહીં જવાનું કારણ સમજાયું. પછી મેં મારા સસરાને મારા ઘરે નહીં આવવાનું કહ્યું તો એમણે મારી સાથે ઝઘડો કર્યો અને સમાજમાં બદનામ કરવા ખોટા આક્ષેપો કરવા લાગ્યા. છેવટે મારી પત્નીએ મારા સસરાના ત્રાસથી બચવા માટે પોલીસ ફરિયાદ કરી."
શારીરિક શોષણ કરનાર પિતાની ધરપકડ
આ કેસની તપાસ કરી રહેલા વેજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.બી. રાજવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી પાસે આ 22 વર્ષનાં બહેન એમનાં પતિ સાથે આવ્યાં હતાં. તેમણે તેમના પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે."
"લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ પિતા દ્વારા એનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી છે. જુહાપુરાના એક ફ્લેટમાં રહેતા અને નાનો ધંધો કરતા આરોપી પિતાએ એની દીકરી પર વારંંવાર બળાત્કાર કર્યાના કેટલાક પુરાવા મળ્યા છે."
"જે ડૉક્ટર પાસે બળાત્કાર થયા પછી પીડિતાની દવા કરાવી હતી એમની પાસેથી તથા પીડિતાએ આપેલા કેટલાક પુરાવાઓને જોતા અમે આરોપી પિતાની ધરપકડ કરી છે." (આરોપી પક્ષ સાથે વાતચીત થઈ શકી નથી.)
એક પિતા આવું કેવી રીતે કરી શકે?
પોતાની પુત્રી પર બળાત્કાર કરવાવાળા બાપની માનસિકતા અંગે વાત કરતા જાણીતા મનોચિકિત્સક ડૉ. એમ.એન. યાદવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આવું થવા પાછળનું મુખ્ય કારણ લોઅર ઈન્ક્મ ગ્રૂપમાં જ્યારે પત્નીથી પાંચ બાળકો થયાં પછી ઈમોશનલ ઍટેચમેન્ટ ઘટી જાય અથવા પત્ની તરફથી એની જાતીય ઇચ્છા ના સંતોષાય તો આવા 'સેક્સ્યુઅલી પર્વર્ટ' લોકોનો પહેલો શિકાર નબળા અને પ્રતિકાર ના કરી શકે એવા લોકો હોય છે."
"એની દીકરીને ભણવામાંથી ઉઠાડી લીધા પછી એ પોતાના પિતા પર આધારિત હતી એની આ લાચારીનો લાભ લઈ જાતીય શોષણ કર્યું. એની દીકરીને એના પતિએ સાથ આપ્યો ત્યારે એને પિતાના જુલમ સામે બંડ પોકાર્યું છે, પણ જો એને કોઈ સાથ ના મળ્યો હોત કદાચ એ પિતાનો જુલમ સહન કરતી હોત."