You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લતા મંગેશકર પંચતત્ત્વમાં વિલીન, નાના ભાઈ હૃદયનાથ મંગેશકરે આપ્યો મુખાગ્નિ
મુંબઈના શિવાજી પાર્કમાં લતા મંગેશકરના પાર્થિવ શરીરના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરી દેવાયા છે.
મંત્રોચ્ચાર વચ્ચે તેમના નાના અને એકમાત્ર ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપ્યો.
તેમના અંતિમ સન્માનમાં ત્રણેય સેના અને પોલીસના જવાનોએ સલામી આપી હતી.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ હાજર હતા. લતાજીનાં ત્રણેય બહેન ઉષા, આશા અને મીના પણ ત્યાં હાજર હતાં.
ફિલ્મજગતના લોકોમાં ઍક્ટર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, સંગીતકાર શંકર મહાદેવન પણ ત્યાં જ હાજર હતા. સાથે જ હજારોની સંખ્યામાં લતા મંગેશકરના પ્રશંસકો પણ તેમનાં અંતિમ દર્શાનાર્થે પહોંચ્યા હતા.
રવિવારે સવારે લગભગ સવા આઠ વાગ્યે લતા મંગેશકરનું મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. તેઓ 92 વર્ષનાં હતાં.
અમિતાભ બચ્ચને પોતાના નવા બ્લૉગમાં શ્રદ્ધાંજલિ આપી
રવિવારે આ દુનિયાને અલવિદા કહી ગયેલાં સ્વરકોકિલા લતા મંગેશકરને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના નવા બ્લૉગમાં શ્રદ્ધાંજલિ આપી છે.
અમિતાભે પોતાના બ્લૉગ "બચ્ચન બોલ"માં લતા મંગેશકર માટે લખ્યું છે, "તેઓ આપણને છોડીને ચાલ્યાં ગયાં. લાખો સદીઓનો એક અવાજ આપણને છોડીને ચાલ્યો ગયો. હવે તેમનો અવાજ સ્વર્ગમાં ગૂંજશે. શાંતિ માટે પ્રાર્થના."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લતા મંગેશકરના નામે અમિતાભ બચ્ચનનો બ્લૉગ અહીં વાંચી શકાશે.
અમિતાબ બચ્ચન લતા મંગેશકરના અંતિમ દર્શન માટે તેમના ઘર "પ્રભુકુંજ" પણ ગયા હતા. અમિતાભ બચ્ચન સાથે તેમનાં દીકરી શ્વેતા પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યાં હતાં.
લતા મંગેશકરનું રવિવારે સવારે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ લતા મંગેશકરનાં અંતિમ દર્શન માટે મુંબઈ પહોંચ્યા હતા.
તો નેપાળનાં રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ ગાયિકા લતા મંગેશકરના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
નેપાળનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નેપાળનાં ઘણાં ગીતોને પોતાનો સુરીલો અવાજ આપી ચૂકેલાં લતા મંગેશકરના નિધનથી તેઓ શોકગ્રસ્ત છે.
વિદ્યાદેવી ભંડારીએ ટ્વીટ કર્યું, "પોતાના સુરીલા અવાજથી ઘણાં નેપાળી ગીતોને સુશોભિત કરનાર ભારતીય ગાયિકા લતા મંગેશકરના નિધનથી દુ:ખી છું. અસાધારણ પ્રતિભા ધરાવનારાં લતા મંગેશકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય બોલીવૂડના અનેક કલાકારો પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
તેમના નિધન પર ભારત સરકારે બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત સરકાર આજે અત્યંત દુ:ખ સાથે સુશ્રી લતા મંગેશકરના નિધનની ઘોષણા કરે છે. દિવંગત મહાન ગાયિકાના સન્માનમાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે આજથી આખા ભારતમાં બે દિવસનો રાજકીય શોક રહેશે."
સરકારના નિવેદન મુજબ રાષ્ટ્રીય ધ્વજ છ ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી આખા ભારતમાં ઝૂકેલો રહેશે અને કોઈ પણ આધિકારિક મનોરંજન સંબંધિત આયોજન નહીં થાય.
આ સિવાય સરકારે લતા મંગેશકરના રાજકીય સન્માનની સાથે અંતિમસંસ્કાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
લતા મંગેશકરે ખૂબ નાની ઉંમરમાં ફિલ્મજગત પદાર્પણ કર્યું હતું અને તેમની સાત દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર ગીતોને સ્વર આપ્યો છે.
બોલીવૂડનાં હજારો ફિલ્મી ગીતોનાં ગાયિકા લતા મંગેશકરે 36 કરતાં વધુ ભાષામાં ગીતો ગાયાં છે.
ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ અને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી તેઓ વિભૂષિત હતાં.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, "આજે સાંજે 6.30 કલાકે શિવાજી પાર્કમાં પૂર્ણ રાજકીય સન્માન સાથે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ કોવિંદે શ્રદ્ધાંજલિ આપી
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા મુંબઈ જઈ રહ્યા.
આ પહેલાં વડા પ્રધાને ટ્વિટર પર તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, 'હું અવર્ણનીય રીતે વ્યથિત છું. દયાળુ અને સંભાળ રાખનાર લતા દીદી આપણને છોડીને ચાલ્યાં ગયાં છે. તેઓ આપણા રાષ્ટ્રમાં એવો શૂન્યાવકાશ છોડી ગયાં છે જે ભરી શકાશે નહીં. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિનાં આદર્શ તરીકે યાદ કરશે, જેમના મધુર અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી.'
પીએમ મોદીએ ટ્વીટની શ્રેણીમાં લખ્યું કે, 'લતા દીદીના ગીતોએ લાગણીઓના વિશ્વને ઉજાગર કર્યું હતું. તેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ જગતના કાળના પ્રવાહોને બદલાતા નજીકથી જોયાં છે. ફિલ્મો ઉપરાંત, તે હંમેશા ભારતના વિકાસને લઈને ઉત્સાહી હતાં. તેઓ હંમેશાં મજબૂત અને વિકસિત ભારત જોવાં માંગતા હતાં.'
વધુ એક ટ્વીટમાં પીએમ મોદી લખે છે, 'મને લતા દીદી તરફથી હંમેશા અપાર સ્નેહ મળ્યો છે તેને હું તેને મારું સન્માન માનું છું. તેમની સાથેની મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. લતા દીદીના નિધન પર હું મારા સાથી ભારતીયો સાથે શોક વ્યક્ત કરું છું. તેમના પરિવાર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.'
કૉંગ્રેસનાં કાર્યવાહક અધ્યક્ષા સોનિયા ગાંધીએ ટ્વિટર પર લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું કે, "એક યુગનો અંત થઈ ગયો છે. લતાજી આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણાનું કામ કરશે."
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, 'કલાકારો તો જન્મતા રહે છે પરંતુ સદીઓમાં એકવાર જન્મ લેતાં લતા-દીદી અસાધારણ માનવી હતાં, હૂંફથી ભરેલાં હતાં. હું જ્યારે પણ તેમને મળ્યો ત્યારે તેની મને અનુભૂતિ થઈ. દૈવી અવાજ હંમેશાં માટે શાંત થઈ ગયો છે પરંતુ તેની ધૂન અમર રહેશે, અનંતકાળમાં ગૂંજતી રહેશે. તેના પરિવાર અને દુનિયાભરના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.'
ભારતના ગૃહમંત્રી અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટમાં લખ્યું છે કે 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સમયાંતરે લતા દીદીના સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે. તેમની અજોડ દેશભક્તિ, મધુર વાણી અને સૌમ્યતાથી તે હંમેશાં આપણી વચ્ચે રહેશે. હું તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ શાંતિ'
ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટમાં લખ્યું હતું, 'લતાજીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેના મધુર ગીતોએ વિશ્વભરના લાખો લોકોને સ્પર્શી લીધા. એ સંગીત અને યાદો માટે આભાર. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના.'
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટમાં શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું છે કે, 'દેશનું ગૌરવ અને સંગીત જગતનાં શિરમોર સ્વર કોકિલા ભારતરત્ન લતા મંગેશકરજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. પવિત્ર આત્માને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેમનું નિધન એ દેશ માટે અપૂરતી ખોટ છે. તે સંગીત સાધકો માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યાં હતાં.'
ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ટ્વીટમાં લખ્યું કે, 'ભારતીય સિનેમાનાં નાઇટિંગેલ અને સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરજીના નિધનથી હું અત્યંત દુખી છું. લતાજીના અવસાનથી ભારતે પોતાનો એક અવાજ ગુમાવ્યો છે. તેમણે ઘણા દાયકાઓ સુધી ભારતમાં અને વિશ્વભરના સંગીતપ્રેમીઓને પોતાના મધુર અને ઉત્કૃષ્ટ અવાજથી મંત્રમુગ્ધ કર્યા છે.'
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મશહૂર ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરતાં આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ મૅચમાં હાથ પર કાળા બૅન્ડ બાંધીને મેદાનમાં ઉતરી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે "રવિવારે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે મૅચમાં ટીમ ઇન્ડિયા પર કાળા રંગના આર્મબૅન્ડ બાંધીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઊતરશે. રાજકીય શોકના નિયમ હેઠળ તિરંગો અડધો ઝૂકેલો રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો