'લતા દીદી તમે અમારાં દિલમાં છો, પાકિસ્તાનથી પ્રેમ...' દેશથી લઈને વિદેશ સુધી શ્રદ્ધાંજલિ

ભારતનાં 'સ્વર કોકિલા' લતા મંગેશકરના નિધનથી માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયામાં તેમના ચાહકોમાં શોકની લહેર દોડી ગઈ છે.

રવિવારે સવારે તેમનું મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં નિધન થયું છે. હૉસ્પિટલમાં તેમની સારવાર સાથે સંકળાયેલા ડૉક્ટર પ્રતિત સમદાણીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, કોરોનાની 28 દિવસથી વધુની સારવારનાં અંતે આજે સવારે 8:12 કલાકે નિધન થયું છે.

લતા મંગેશકરના નિધનના સમાચાર આવતાની સાથે જ ભારતનાં કદાચ અત્યાર સુધીનાં સૌથી લોકપ્રિય ગાયિકાના ચાહકોના શોક સંદેશોનું સોશિયલ મીડિયા પર પૂર આવી ગયું.

તેમની લોકપ્રિયતા ભારત સુધી મર્યાદિત નહોતી.

ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. આજે તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સરહદ પારથી પ્રેમ અને શોક સંદેશ

લતા મંગેશકરના નિધન બાદ વિશ્વભરમાંથી દિગ્ગજ હસતીઓેએ શોક વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ તેનાંથી બાકાત નથી.

પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું હતું કે,''એક મહાન વ્યક્તિ નથી રહી. લતા મંગેશકર સૂરોનાં રાણી હતાં. જેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું. સંગીત જગતમાં તેમના જેવું કોઈ ન હતું. તેમનો અવાજ આવનારા સમયમાં પણ લોકોના દિલો પર રાજ કરતો રહેશે.''

પાકિસ્તાનથી લતા મંગેશકરનાં એક ફૅન શકીલ અહેમદે લખ્યું, ''લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. ભગવાન તેમને આગળની દુનિયામાં શાંતિ આપે. અમનની આશા....''

જ્યારે પાકિસ્તાની પત્રકાર આમિર રઝા ખાને લતા મંગેશકરની બાળપણની તસવીરો શૅર કરીને લખ્યું હતું કે, ''હાર્ટબ્રેકિંગ, કોણે ખબર હતી કે આ નાની બાળકી એક દિવસે સંગીતના વિશ્વની રાણી બનશે.''

કામરાન રહેમત નામના એક યૂઝરે લતા મંગેશકર અને નૂરજહાનનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે,'' હવે તેઓ બન્ને પાછા એકબીજાને મળશે.''

મીર ચકર ખાન બલોચ નામના એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે, ''લતાજી એ ભારતીય ઉપખંડનાં એક ખ્યાતનામ ગાયિકા હતાં. તેઓ હંમેશા આપણા દિલમાં જીવિત રહેશે.''

રિઝવાન વસીર નામના એક યૂઝરે ટ્વિટમાં લખ્યું હતું કે,'જાદુઈ અવાજની એક પેઢી ખતમ થઈ ગઈ. લતા દીદી તમે અમારાં દિલમાં છો. પાકિસ્તાનથી પ્રેમ...'

"તેમના ચાહકો માટે ખૂબ મોટી ક્ષતિ"

ભારતમાં ઇઝરાયલના દૂતાવાસે લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. ટ્વિટર પર શોક વ્યક્ત કરતાં ઇઝરાયલી દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું કે, ''ભારતનાં સ્વર કોકિલા લતા મંગેશકરજીના નિધન વિશે સાંભળીને દુખ થયું. સંગીતમાં તેમનું યોગદાન અને તેમનો અવાજ હંમેશાં યાદ કરવામાં આવશે. અમે શોકમાં ભારતના લોકોની સાથે છીએ. ઓમ શાંતિ. ''

અભિનેતા ધર્મેન્દ્રે લતા મંગેશકરની સાથે પોતાની એક તસવીર શેર કરતાં લખ્યું, "આખો સંસાર દુખી છે. વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને જતાં રહ્યાં છો. અમે તમને યાદ કરતા રહીશું લતાજી, તમારા આત્માની શાંતિ માટે પ્રાર્થના."

ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાને લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યા છે, ''પ્યાર, સમ્માન અને પ્રાર્થના''

અભિનેત્રી ભૂમિ પેડનેકરે ટ્વિટર પર લખ્યું કે, "આપણા બધા માટે એક ખૂબ દુ:ખદ દિવસ છે અને તેમના ચાહકો માટે ખૂબ મોટી ક્ષતિ, તમારું યોગદાન હંમેશાં જિવિત રહેશે. પરિવાર અને દુનિયાભરના તેમના ચાહકો પ્રત્યે સંવેદના."

એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે, 'આજે સરસ્વતી પૂજાનો છેલ્લો દિવસ છે. જ્યારે દેવી સરસ્વતી પોતાના મંદિરમાં પરત જાય છે. લતાજી, જેમને પૃથ્વીનાં સરસ્વતી કહેવાય છે, તેઓ પણ આજે જ અંનતની યાત્રાએ નીકળ્યા છે.'

શુભમ નામના એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે, 'ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે તેઓ ગાયિકા તરીકે હાજર હતાં. ભારત-ચીન યુદ્ધ વખતે પણ યુદ્ધમાં શહીદ થયેલા લોકો માટે ગીત ગાવાં તેઓ ત્યાં હતાં, પણ દુઃખ એ વાતનું રહેશે કે આઝાદીનાં અમૃત મહોત્સવ દરમિયાન તેઓ નહીં હોય.'

દીપિકા નારાયણ ભારદ્વાજ નામનાં એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે, 'એક સારો આત્મા આપણી વચ્ચે રહ્યો નથી. તેઓ પોતાના અવાજ દ્વારા કાયમ યાદ રહેશે.'

અન્ય એક યૂઝર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, 'લતા મંગેશકર એવી તમામ બાબતોને રજૂ કરતાં હતાં જે સુંદર હતી. એવા સમયે જ્યારે તમામ બાબતો પર પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે, ત્યારે તેમની ખોટ પડશે.'

મિ. સિન્હા નામના એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે, '93 વર્ષની ઉંમર દરમિયાન 80 વર્ષથી લાંબી કારકિર્દી, 36 ભાષામાં 25 હજારથી વધુ ગીતો, ડઝનબંધ ઍવૉર્ડ્સ અને અસંખ્ય યાદો. લતા દીદીનાં મૃત્યુ બાદ ભારતે એક અદ્વિતિય વ્યક્તિ ગુમાવી છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો