You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લતા મંગેશકરના પાર્થિવ દેહ પર શાહરૂખ ખાનની ફૂંકને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ કેમ?
રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં લતા મંગેશકરના અંતિમસંસ્કાર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા ખ્યાતનામ લોકોએ તેમના પાર્થિવ દેહ પાસે જઈને પ્રાર્થના કરી હતી.
શાહરૂખ ત્યાં પોતાના સેક્રેટરી પૂજા દદલાણી સાથે પહોંચ્યા હતા. એક તરફ શાહરૂખ હાથ ખોલીને દુઆ કરી રહ્યા હતા. ત્યારે બાજુમાં પૂજા હાથ જોડીને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં.
શાહરૂખ ખાને દુઆના અંતમાં નીચે ઝૂકીને માસ્ક હઠાવીને પાર્થિવ શરીર તરફ ફૂંક મારી હતી, જેને લઈને કરાયેલી એક ટિપ્પણીએ ટ્વિટર પર વિવાદ ઊભો કર્યો હતો.
હરિયાણા ભાજપના આઈટી સેલના પ્રભારી અરુણ યાદવના ટ્વીટે આ વિવાદને વધુ હવા આપી હતી. તેમણે શ્રદ્ધાંજલિ આપી રહેલો વીડિયો શૅર કરીને લખ્યું કે, 'શું શાહરૂખ થૂંક્યો હતો?'
સોશિયલ મીડિયામાં શું થઈ રહી છે ચર્ચા?
તેમની ફૂંકને 'થૂંક' ગણાવીને એક વર્ગ શાહરૂખને ટ્રોલ કરવા લાગ્યો હતો. જ્યારે અન્ય એક વર્ગ તેમની અને પૂજા દદલાણીની તસવીરને ભારતની અસલ તસવીર કહીને તેમની પ્રશંસા કરી રહ્યો છે.
આ વિવાદમાં કેટલાક જાણીતા લોકો પણ ઊતરી પડ્યા અને શાહરૂખની ટીકા કરનારાઓને આડે હાથ લીધા.
શિવસેનામાંથી રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું કે, "કેટલાક લોકો ન તો દુઆ માટે યોગ્ય છે, ન તો દયા માટે. તેમને માત્ર દવાની જરૂર છે. મનના ઝેરને ખતમ કરવા માટે."
કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતેએ પણ શાહરૂખ ખાનના પક્ષમાં ટ્વીટ કરીને તેમના પર સવાલ ઉઠાવનારાઓને ઘેર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રિયાએ લખ્યું છે કે, "તમે માત્ર બંધ દિમાગની વ્યક્તિ જ નહીં, પરંતુ દુષ્ટ વ્યક્તિ પણ છો. જે દિવંગત આત્મા માટેની દુઆને પણ નફરત ફેલાવવા માટે ઉપયોગ કરો છો. તમામ લોકો વિચારે કે શું આપણે દુષ્ટતાને જીતવા દઈ શકીએ."
સુપ્રિયાએ શાહરૂખની દુઆ પઢતી તસવીરને ટ્વીટ કરીને લખ્યું છે કે - "મારો દેશ"
જાણીતા સમાચાર પોર્ટલ ધ વાયરના સંસ્થાપક વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ વરદરાજને લખ્યું હતું કે, "આ ટ્વીટ ભાજપના એક પદાધિકારીનું છે. હવે તેમાં કોઈ શંકા નથી કે સમાજમાં કયા-કયા લોકો ઝેર ફેલાવી રહ્યા છે. જો અરુણ યાદવ દુઆથી અજાણ છે, તો દાવો કરતાં પહેલાં તેમણે કોઈને પૂછી લેવું જોઈતું હતું."
જ્યારે અન્ય એક વરિષ્ઠ પત્રકાર ઓમ થાનવીએ આ અંગે કહ્યું કે ટ્વિટરે આ પોસ્ટ મામલે કાર્યવાહી કરવી જોઈએ.
તેમણે લખ્યું છે કે, "સમજાતું નથી કે ટ્વિટરવાળા આ રીતે જાણીજોઈને ફેલાવવામાં આવી રહેલા ઝેર સામે આંખ આડા કાન કેમ કરે છે? શું આ માટે કે આવા થૂંક-ચાટનાં ટ્વીટ ચર્ચિત થાય છે, વિવાદને હવા આપે છે? આ તો ચૅનલ ચલાવવા માટે ગાળાગાળી કરનારાઓને જમા કરવા જેવું જ થયું ને."
ઇતિહાસકાર રાણા સફવીએ લખ્યું છે કે, "ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન."
ઇતિહાસકાર એસ ઇરફાન હબીબે શાહરૂખની દુઆવાળી તસવીરને રીટ્વીટ કરીને લખ્યું હતું કે, "આ કેટલી સુંદર તસવીર છે."
ફિલ્મકાર અશોક પંડિતે પણ શાહરૂખની ટીકા કરનારાઓને આડે હાથ લીધા છે.
અશોક પંડિત લખે છે, "ગણતરીના લોકો જે શાહરૂખ ખાન પર લતા મંગેશકરની અંત્યેષ્ટિ પર થૂંકવાનો આરોપ લગાવે છે, તેમને શરમ આવવી જોઈએ. તેમણે દુઆ કરી અને તેમના પાર્થિવ દેહની રક્ષા અને તેમની અનંતની સફર માટે દુઆઓ આપવા ફૂંક મારી હતી. આપણા દેશમાં આવા સાંપ્રદાયિક કચરા માટે કોઈ સ્થાન નથી."
રેડિયો જોકી સાયમાએ લખ્યું કે દુઆની ફૂંકને થૂંક કહેનારાઓની વિચારધારા જ થૂંકવાલાયક છે. આ લોકો ઝેર અને નફરતની ખેતી કરે છે.
મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ઝફર સરેશવાલાએ લખ્યું છે કે, "કેટલાક ધર્માંધ લોકો ભારતની એકતાના આ સુંદર નજારાને પચાવી શકે તેમ નથી. ખરેખર લતા મંગેશકરજી એવી વ્યક્તિ હતી, જેમણે લોકોને જીવિત અને મૃત્યુપર્યંત એકતામાં બાંધીને રાખ્યા. શાહરૂખ ખાન પણ આ કડીમાં એક છે."
ઝફર સરેશવાલાએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, "આ થૂંકવાનું નથી, ફૂંકવાનું છે. આને કહેવાય છે દુઆઓને ફૂંકવી."
ઓડિશાના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અરુણ બોધરાએ આ અંગે ટ્વીટ કરીને લખ્યું છે કે, "ઇસ્લામમાં દુઆ પઢ્યા બાદ ફૂંક મારવાનો રિવાજ છે. બાળકો પર કેટલીક બીમારીમાં ઝાડફૂંક કરાવવામાં આવે છે, જે લગભગ મોટા ભાગના લોકોને ખબર છે. શાહરૂખ ખાને દુઆ પઢી અને ફૂંક મારીને વિધિ પૂર્ણ કરી."
શું છે ફૂંક મારવાનો રિવાજ
મુસ્લિમ લોકોમાં આ એક સામાન્ય રિવાજ છે. કોઈના મૃત્યુ પર કે પછી અન્ય કોઈ કિસ્સામાં પણ ફૂંક મારીને દુઆ પઢવામાં આવે છે.
આ દુઆ મુસ્લિમોના પવિત્ર ધાર્મિક ગ્રંથ કુરાન શરીફની આયતો હોય છે.
કોઈના મૃત્યુ પર પઢવામાં આવતી દુઆમાં દિવંગતની આત્માની શાંતિ માટે દુઆ માગવામાં આવે છે.
આ સિવાય કોઈના લાંબા આયુષ્ય, જીવનમાં સફળતા અથવા તો અન્ય બાબતો માટે પણ દુઆ પઢવામાં આવે છે.
દુઆ પઢ્યા બાદ પઢનાર જેના માટે દુઆ માગી હોય જો તે નજીકમાં હોય તો તેની સામે જઈને ફૂંક મારે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો