'બૅડ બૅન્ક’ ભારતની બૅન્કોનું અબજો રૂપિયાનું ધિરાણ કઈ રીતે ‘ક્લિયર’ કરશે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય બૅન્કો દેશભરની 1.5 લાખ શાખાઓમાં 2 ટ્રિલિયન ડૉલર્સની થાપણો તથા કરોડો ગ્રાહકોનું ગુલાબી ચિત્ર રજૂ કરે છે.

વાસ્તવિક સ્થિતિ એવી છે કે આ બૅન્કોની સ્થિતિ કથળેલી છે, તે મુશ્કેલીમાં છે.

કેટલાક પ્રોજેક્ટોને કરોડોનું ધિરાણ આપ્યા બાદ વર્ષો પછી બૅડ લૉનના બોજ તળે બૅન્કો દબાઈ ગઈ છે અને અબજો રૂપિયા તેમાં ફસાયેલા છે.

આમાં 60 ટકા ધિરાણ જાહેર ક્ષેત્રની બૅન્કોનું છે. વર્ષ 2018થી પાંચ બૅન્કોને બચાવવામાં આવી છે.

બૅડ લૉનની રિકવરી પહેલાંની જેમ ઓછી જ રહી છે. તે કુલ લૉનના ત્રીજા ભાગ જેટલી છે. વળી વર્ષ 2016માં બૅન્કરપ્સીનો કાયદો આવ્યા બાદ તેમાં 40-45 ટકાનો સુધારો જ જોવા મળ્યો છે.

જોકે હવે મહામારીને લીધે દેણદારો વધુ ડિફૉલ્ટ કરી રહ્યા છે અને આગામી સમયમાં આ બૅડ લૉનનો પહાડ હજુ મોટો થઈ શકે છે.

વર્ષ 2005થી 2009 દરમિયાન બૅન્કો તૂટી ન જાય એટલે કરદાતાઓના કુલ 35 બિલિયન ડૉલર્સ સરકારે બૅન્કોને ઉગારવા માટે ઠાલવ્યા છે. જોકે તેનાથી પણ કોઈ નોંધપાત્ર મદદ નથી મળી.

2022 સુધી 15-58 બિલિયન ડૉલર્સના ભંડોળની જરૂર

ગત વર્ષે જુલાઈમાં ફિચ રૅટિંગ્સે કહ્યું હતું કે ભારતની સંઘર્ષ કરી રહેલી બૅન્કોને 2022 સુધીમાં 15-58 બિલિયન ડૉલર્સના ભંડોળની જરૂર પડશે.

હવે સરકાર બહુચર્ચિત ‘બૅડ બૅન્ક’ સ્થાપવાની યોજના ધરાવે છે જે 27 બિલિયન ડૉલર્સની બૅડ લૉન્સ ક્લિયર (રિકવર અથવા સરભર) કરવાની કોશિશ કરશે અને આ કરજનો પહાડ દૂર કરીને કૉમર્સિયલ બૅન્કોની બૅલેન્સ શીટ પણ ચોખ્ખી કરશે.

છતાં તે ભારતની કૉમર્સિયલ બૅન્કોની જે અંદાજિત કુલ 100 બિલિયન ડૉલર્સની બૅડ લૉન છે, તેનો માત્ર ત્રીજો ભાગ જ છે. આ સમગ્ર બોજને કારણે માત્ર ધિરાણને ફટકો નથી પડ્યો પરંતુ તેનાથી વિકાસને પણ ફટકો પડ્યો છે.

કેમ કે ખાનગી રોકાણને બૅન્કો મુક્તપણે ધિરાણ નહીં આપી રહી હોવાથી અસર પહોંચી છે.

કઈ રીતે કામ કરશે 'બૅડ બૅન્ક'?

'બૅડ બૅન્ક'ને એક ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરીકે પણ વર્ણવવામાં આવે છે. તે અસરગ્રસ્ત બૅન્કો પરસ્પર પાસેથી એક પરસ્પર સહમતી દ્વારા નક્કી થતી કિંમતે બૅડ લૉન ખરીદે છે.

પછી તે બૅડ લૉન ધરાવતા દેવાદારે સિક્યૉરિટી તરીકે જે સંપત્તિ આપી હોય છે તેને વેચીને નાણાં ઊભાં કરી લે છે. આ રીતે જે બૅન્કોને કેટલુંક ભંડોણ રિકવર કરવામાં મદદ મળે છે.

આ પહેલી વાર નથી કે ભારત બૅડ લૉન્સના સંકટનો સામનો કરી રહ્યું છે કે પછી તેણે બૅડ લૉન્સ લૉન્ચ કરી હોય.

આવી 28 કંપનીઓ છે. તે તમામ ખાનગી માલિકીની છે. છેલ્લા બે દાયકામાં આ કંપનીઓ સ્થપાઈ છે પણ તેમના દ્વારા થયેલી રિકવરી નોંધપાત્ર નથી.

પણ આ વખતે સરકારે બે કંપનીઓ બનાવી છે. એક બૅડ લૉન્સ ખરીદશે જે સરકાર હસ્તક રહેશે અને બીજી ખાનગી હશે જે સંપત્તિનું વેચાણ કરશે.

સંપત્તિના વેચાણથી જે કિંમત ઊભી થવાની હશે તે અને કૉમર્સિયલ બૅન્કને સંપત્તિની જે અપેક્ષિત રકમ હશે, તેની વચ્ચેનો તફાવત સરકાર ચૂકવશે.જોકે આ સરળ નહીં રહે.

કેમ કે પહેલાં તો બૅન્કે વેલ્યુએશન માટે તૈયાર અને સંમત થવું પડશે.

આઈ.સી.આર.એ ફાયનાન્સિયલ સેક્ટરની રૅટિંગ એજન્સી જે ઇન્વેસ્ટમૅન્ટ ઍન્ડ ક્રૅડિટ રૅટિંગ એજન્સી છે.

એજન્સીના વાઇસ-પ્રૅસિડેન્ટ અનિલ ગુપ્તા કહે છે, "ધારો કે એક કંપનીમાં 20 લેણદારો છે. તેઓએ બધાએ કેટલીક બાબતો પર સર્વસંમતિ સાધવી પડશે."

"જેમ કે આજે લૉનની કિંમત કેટલી છે? દેણદારની સંપત્તિની કિંમત કેટલી છે? વળી ખોટ ખાઈને લૉન વેચવા માટે બૅન્કને મનાવવી એ પડકારજનક પણ છે.”

“બૅન્ક મોટાભાગે ધિરાણ કરવામાં કુશળ હોય છે પરંતુ રિકવરી અને બૅડ લૉનના સમાધાનમાં કુશળ નથી હોતી.”

મિલકત કોણ કઈ રીતે વેચશે-ખરીદશે?

અહીં એક બીજી કંપની ભૂમિકામાં આવશે.

તે બંધ પડી ગયેલી અસરગ્રસ્ત કંપનીઓની સંપત્તિ-મિલકત માટે બોલી લગાવશે. જેમાં જમીન, પ્લાન્ટ અને મશીનરી તથા કેટલીક ભંગારની વસ્તુઓની કિંમત પણ સામેલ હશે.

80 ટકા બૅડ લૉન અડધો ડઝથી વધુ ઇન્ડસ્ટ્રીની છે. જેમાં આયર્ન, સ્ટીલ, ઍવિયેશન, માઇનિંગ, રોડ, પાવર અને ટેલિકૉમ સહિતનાં સૅક્ટરો સામેલ છે.

મોટી 12 ડિફૉલ્ટ કંપનીઓ જેને 'ધ ડર્ટી ડઝન' પણ કહેવામાં આવે છે. તેમાં સ્ટીલ, ટેક્સ્ટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપ બનાવતી કંપની, વીજ પુરવઠો ડિસ્ટ્રિબ્યુટ કરતી કંપની, રિયલ ઍસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સામેલ છે.

તેમાંથી કેટલાકની મિલકતો વેચવાની જરૂર છે. ધીમી અર્થવ્યવસ્થામાં આવું કરવું મોટો પડકાર રહેશે.

લાંબાગાળે ભારતે ઝડપથી તેની બૅન્કિંગ સિસ્ટમને સાફ કરવી પડશે. ભારતનો ક્રૅડિટ સંબંધિત જીડીપી રેશિયો 60 ટકા કરતાં પણ ઓછો રહે છે, જે નીચો છે. છતાં વિશ્વની નૉન-પર્ફૉર્મિંગ લૉન મામલે ભારતની બૅન્કોનું પ્રમાણ વધુ છે.

વર્ષ 2006થી 2008 વચ્ચે બૅડ લૉનનો પહાડ બનવાનો શરૂ થઈ ગયો હતો.

ત્યારે વિકાસ સારો હતો અને ધિરાણ પણ સરળથી મળતું. વર્ષ 2007-08*માં* મંદી આવી અને વિકાસદર ધીમો પડ્યો પણ ભારતને ગંભીર અસર ન થઈ અને રોકાણ પણ અટક્યું નહીં.

જોકે, કેન્દ્રીય બૅન્કના પૂર્વ ગવર્નર સી. રંગરાજન કહે છે, "સારો સમય હતો ત્યારે બૅડ લૉનનાં બીજ રોપાયાં."

નિષ્ણાતો કહે છે કે, “આના કારણે એક બિનતાર્કિક બહુમતવાદની સ્થિતિ પેદા થઈ.”

પૅન્ડેમૉનિયમ : ધ ગ્રેટ ઇન્ડિયન બૅન્કિંગ ટ્રૅજેડીના ઑથર તમલ બંદોપાધ્યાય અનુસાર તે એક ઊંચા ક્રૅડિટ ગ્રોથ અને નીચા ફુગાવા છતાં ઊંચા આર્થિક વિકાસદરનું કૉકટેલ હતું. તેનાથી નાણાકીય ખાધ ઘટતા કંપનીઓએ અને બૅન્કોએ જોખમ લીધાં.

તેમણે ઘણી લૉન આપવામાં ચોકસાઈ ન રાખી અને પૂરતી તપાસ ન કરી. બૅન્કરો અતિશય વિશ્વાસ કરી રહ્યા હતા.

બૅન્કો માત્ર આશા પર બેસી રહી. તે એક કૃત્રિમ નફા માટે અગાઉની લૉન પરનું વ્યાજ રિકવર કરીને નવી લૉન આપતી રહી.

તમલ બંદોપાધ્યાય કહે છે, "ભારતના મૂડીવાદીઓએ બૅન્કોની લૉનથી પોતાનાં દેવાં ચૂકવ્યાં અને પ્રોજેક્ટમાં પણ નાણાં ખર્ચ્યાં. મૂડીવાદી સિસ્ટમમાં બિઝનેસમૅન ઇક્વિટી લાવે એવી અપેક્ષા હોય છે."

નિષ્ણાતો કહે છે ‘બૅડ બૅન્ક’ કોઈ જાદુઈ કારતૂસ નહીં હોય જે ભારતીય બૅન્કિંગની મૂળભૂત સમસ્યાને ઠીક કરી દેશે.

જાહેરક્ષેત્રની બૅન્કોએ સંપૂર્ણપણે સ્વતંત્ર બનવું પડશે. તેમણે બજારનાં જોખમોને ધ્યાનમાં લઈને પોતાની જોખમ લેવાની ક્ષમતા ચકાસ્યા બાદ એક કાર્યક્ષમ ધિરાણ કરનાર તરીકે ધિરાણ કરવું પડશે. કામગીરી અને નિયમો પણ સુધારવા પડશે.

વળી ભારતની રિઝર્વ બૅન્ક દ્વારા નિયમનમાં સુધારો પણ મદદગાર સાબિત થઈ શકે છે. તથા લૉનના વેચાણમાં વધુ પારદર્શિતાની જરૂર છે.

અનિલ ગુપ્તા કહે છે, “બૅડ બૅન્ક સાચી દિશાનું એક પગલું છે. પણ તે કેટલું અસરકારક છે તે તો સમય જ બતાવશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો