ગુજરાતીઓને ગેરકાયદે વિદેશ મોકલતી ગૅન્ગ દ્વારા બંધક બનાવેલા 15 લોકોને છોડાવાયા- પ્રેસ રિવ્યૂ

દોઢ વર્ષની બાળકી સહિત ગુજરાતના કુલ 15 લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતી ગૅન્ગે બંધક બનાવીને રાખ્યા હતા. આ તમામ લોકોને ગુજરાત પોલીસે બચાવ્યા છે.

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ લોકોનું અપહરણ કરીને તેમના પરિવારજનો પાસેથી ખંડણી માગવામાં આવી હતી.

ગુજરાત પોલીસે આ મામલે અત્યાર સુધી એક એજન્ટની ધરપકડ કરી છે.

ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "આ લોકોનું અપહરણ કર્યા બાદ ખંડણીખોર એજન્ટોએ તેમના પરિવારજનોને ફોન કર્યા હતા, પરંતુ તમામ લોકોને સુરક્ષિત રીતે દિલ્હીથી બચાવી લેવામાં આવ્યા છે."

તેમના પ્રમાણે, આ 15 લોકો ગયા વર્ષે નવેમ્બર મહિનાથી અત્યાર સુધી ગુમ હતા.

ગૅન્ગના સભ્યો સૌથી પહેલા તેમને મુંબઈ લઈ ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ, જ્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા, ટૉર્ચર કરવામાં આવ્યા અને તેમના પરિવારજનો પાસેથી મોટી રકમ પડાવવામાં આવી હતી.

જે પરિવાર તરફથી પૈસા મળી જતા હતા, તેમને એ લોકો દિલ્હી લઈ આવતા હતા. જ્યાંથી આ 15 લોકોને બચાવવામાં આવ્યા છે.

હાલમાં પોલીસ આ મામલે હ્યુમન ટ્રાફિકિંગ અંગે પણ તપાસ કરી રહી છે.

ભારતે વધુ 54 ચાઇનીઝ મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લાદ્યો

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભારત સરકારના સૂત્રો પ્રમાણે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધુ 54 ચીનની મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, આ 54 મોબાઇલ ઍપ્લિકેશનોમાં મોટાભાગની કૅમેરા અને ફોટો તેમજ વીડિયો ઍડિટિંગ માટેની ઍપ્લિકેશન છે.

ગયા વર્ષે જૂન મહિનામાં ભારતે 59 ચીનની મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લાદ્યો હતો. જેમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટિકટૉક, વીચૅટ અને હેલોનો સમાવેશ થાય છે.

ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનામાં ભારતે વધુ 118 ચાઇનીઝ મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લાદ્યો હતો.

તમામ મોબાઇલ ઍપ્લિકેશનના પ્રતિબંધ પાછળ ભારત તરફથી 'રાષ્ટ્રની સુરક્ષા' નું કારણ આપવામાં આવ્યું હતું. જેનો ચીન દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

ઇસરોનું 2022માં પ્રથમ લૉન્ચિંગ, ત્રણ સૅટેલાઇટ અવકાશમાં મોકલ્યાં

25 કલાકના કાઉન્ટડાઉન બાદ સોમવાર વહેલી સવારે ઇસરોએ વર્ષ 2022માં પ્રથમ સૅટેલાઇટ લૉન્ચિંગ કર્યું છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, શ્રીહરિકોટા ખાતે આવેલા સતીષ ધવન સ્પેસ સૅન્ટરના લૉન્ચપેડ પરથી સોમવાર સવારે 5:59 વાગ્યે આ સૅટેલાઇટ લૉન્ચ કરાયાં હતાં.

લૉન્ચ કરાયેલાં સૅટેલાઇટમાં એક 'રડાર ઇમેજિંગ સૅટેલાઇટ'નો સમાવેશ થાય છે. જે ખેતી, જંગલો, વૃક્ષો, જમીનમાં ભેજ, હાઇડ્રોલૉજી અને ફ્લડ મૅપિંગ જેવી બાબતોની હાઇક્વૉલિટી તસવીરો ખેંચી શકે છે.

આ સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍૅન્ડ ટેકનૉલૉજીએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને તૈયાર કરેલ સૅટેલાઇટનો પણ સમાવેશ થાય છે.

ત્રીજું અને અંતિમ 'ટેકનૉલૉજી ડેમોન્સ્ટ્રેટર સૅટેલાઇટ' છે. જે ભારત-ભુતાનનું સંયુક્ત સૅટેલાઇટ છે. જે થર્મલ ઇમેજિંગ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો