You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકમાં હિજાબવિવાદ પર હિંદુ અને મુસ્લિમ સંગઠનોનું શું કહેવું છે? ઉડુપીથી ગ્રાઉન્ડ રિપૉર્ટ
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા, ઉડુપી
મોં પર કાળું માસ્ક, ગળામાં ભગવો ખેસ અને સૂત્ર, “જય શ્રીરામ”. 8 ફેબ્રુઆરીએ આકાંક્ષા એસ. હંચિનામઠ એ હજારો વિદ્યાર્થી–વિદ્યાર્થિનીઓમાં સામેલ હતાં જેઓ હિજાબની માગ કરી રહેલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓની સામે ઊભાં હતાં.
કર્ણાટકના તટીય શહેર ઉડુપીના મહાત્મા ગાંધી મેમોરિયલ (એમજીએમ) કૉલેજના કૅમ્પસમાં પછીના તાસ માટેનો ઘંટ વાગ્યો જ હતો ત્યાં આ વિદ્યાર્થીઓ આમનેસામને આવી ગયાં.
એ દિવસે એમજીએમ કૉલેજ સહિત કર્ણાટકની ઘણી કૉલેજોમાં ભગવો ખેસ અને પાઘડી પહેરીને આવેલાં વિદ્યાર્થીઓ–વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરનારાઓનો વિરોધ કરી રહ્યાં હતાં.
જ્યારે આકાંક્ષાના ઘરે એમની સાથે અમારી મુલાકાત થઈ ત્યારે એમણે પોતાનો ભગવો ખેસ બતાવ્યો અને જણાવ્યું કે તેઓ (આકાંક્ષા) એ દિવસે પૂરી તૈયારી સાથે કૉલેજ ગયાં હતાં.
તેમણે કહ્યું, “અમે બધાંએ સાથે મળીને નક્કી કરેલું. મેં બૅગમાં મારો ભગવો ખેસ મૂકી દીધો હતો. અમે એ બતાવવા માગતાં હતાં કે ધર્મને વચ્ચે લાવવાનું પરિણામ શું આવશે.”
આગળના દિવસે ઘણા હિંદુ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને કહેલું કે જો મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરતી રહેશે તો તેઓ પણ ભગવો ખેસ પહેરશે. ત્યાર બાદ પ્રિન્સિપાલે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને મળીને ‘વિનંતી કરી’ કે હવેથી તેઓ ક્લાસરૂમમાં હિજાબ ન પહેરે.
એના એક દિવસ પહેલાં સુધી એમજીએમ કૉલેજના ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી હતી.
કેટલીક મુસ્લિમ છોકરીઓએ ઓળખ છતી નહીં કરવાની શરતે અમારી સામે પ્રિન્સિપાલ સાથે થયેલી એ વાતચીતની પુષ્ટિ કરી અને જણાવ્યું કે તેઓ પ્રિન્સિપાલની એ વિનંતીથી “આશ્ચર્યચકિત થઈ ગઈ” હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ કહ્યું કે, “એમણે ઍડમિશન વખતે કહેલું કે હિજાબ પહેરી શકો છો. માત્ર એ કારણે જ મેં બીજી કૉલેજમાં ઍડમિશન ન લીધું. હવે સત્રની વચમાં આ નવો નિયમ કરવો એ ખોટું છે. આ અમારી અસ્મિતા અને બંધારણીય અધિકારની વાત છે. અલ્લાહ ફરમાન છે.”
આકાંક્ષાના ક્લાસમાં પણ ત્રણ છોકરીઓ હિજાબ પહેરતી હતી.
આકાંક્ષાએ જણાવ્યા અનુસાર, એમણે ક્યારેય એ છોકરીઓ સાથે અસહજ નથી અનુભવ્યું. “મેં મારાં મિત્રોને ક્યારેય ધર્મના આધારે નથી વહેંચ્યાં. પસંદગીના ધોરણે મિત્રો બનાવ્યાં છે. હિંદુ–મુસલમાન કોઈ મુદ્દો નહોતો.”
તો પછી અચાનક એ મુદ્દો કઈ રીતે બની ગયો?
વિવાદની શરૂઆત
ઉડુપીની કૉલેજોમાં હિજાબ પહેરવા અંગે કશી નીતિ નથી.
એમજીએમ કૉલેજની જેમ જ ઘણી ખાનગી કૉલેજ પોતાના નિયમોમાં હિજાબને મંજૂરી કે ના-મંજૂરીનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. બીજી તરફ, સરકારી કૉલેજોમાં આ નિયમ દર વર્ષે નક્કી કરાય છે.
ડિસેમ્બરમાં ઉડુપીની જે કૉલેજમાંથી હિજાબની માંગણી શરૂ થઈ ત્યાં ગયા વર્ષથી હિજાબ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
કોવિડ લૉકડાઉન પછી જ્યારે સરકારી પીયૂ કૉલેજ ફૉર ગર્લ્સ ખૂલી અને અગિયારમા ધોરણ (પ્રી–યુનિવર્સિટી)માં દાખલ થયેલી વિદ્યાર્થિનીઓને ખબર પડી કે એમની સીનિયર વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરતી હતી તો એમણે પણ એની મંજૂરી માગી.
બધી સરકારી પ્રી–યુનિવર્સિટી કૉલેજોમાં યુનિફૉર્મ અંગેનો નિર્ણય જે-તે વિસ્તારના ધારાસભ્યની અધ્યક્ષતાવાળી કૉલેજ ડેવલપમૅન્ટ કમિટી કરે છે.
ઉડુપીના ભાજપના ધારાસભ્ય રઘુવીર ભટ્ટે વિદ્યાર્થિનીઓની વાત ન માની. બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે આ “શિસ્તનો મામલો છે અને બધાએ એક જ યુનિફૉર્મ પહેરવો પડશે.”
એમનો નિર્ણય એમની પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત છે, એવું તેઓ નથી માનતા. ભટ્ટે જણાવ્યું કે, “રાજકારણ કરવા માટે બીજા મુદ્દા છે, આ તો શિક્ષણની બાબત છે.”
જોકે, એમણે સ્વીકાર્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને હિંદુ જાગરણ વેદી જેવાં હિંદુવાદી સંગઠનોએ હિંદુ વિદ્યાર્થીઓના ધાર્મિક ચિહ્નો સાથેના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા ઘણા વીડિયોમાં જોવા મળે છે કે ભગવી પાઘડીઓને નવા પૅકેટમાંથી બહાર કાઢીને વહેંચવામાં આવી રહી છે.
ભટ્ટે કહ્યું કે, “મૅડમ, ઍક્શનનું રિઍક્શન તો હોય છે. જ્યારે કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા જેવું સામ્પ્રદાયિક સંગઠન વાતાવરણ ડહોળી રહ્યું છે, છોકરીઓને નિયમો તોડવાનું કહી રહ્યું છે, તો અમારાં સંગઠન, અમારી હિદુ છોકરીઓ બેસીને જોતાં રહેશે?”
એક કૉલેજથી શરૂ થયેલા વિવાદને આખા રાજ્યમાં ફેલાવવા માટે એમણે 'કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા' નામના સંગઠનને જવાબદાર ગણાવ્યું.
ઍક્શન અને રિઍક્શન
ઍક્શન–રિઍક્શન – ઉડુપીમાં આ શબ્દ વારંવાર સાંભળવા મળ્યા.
મંદિરોના શહેરના તરીકે ઓળખાતા ઉડુપીમાં 10 ટકા મુસલમાન અને 6 ટકા ખ્રિસ્તી રહે છે.
મુસલમાન અને ગેર-મુસલમાન જુદા જુદા વિસ્તારોમાં નથી રહેતા. બધા ધર્મના લોકો એક જ મહોલ્લામાં મળી આવે છે. ઘણા વ્યવસાયોમાં સાથે કામ પણ કરે છે અને રસ્તા પર બુરખા કે હિજાબ પહેરેલી મહિલા દેખાવી સામાન્ય છે.
પરંતુ હાલના તણાવગ્રસ્ત વાતાવરણમાં મુસલમાન અને હિંદુ વિદ્યાર્થીઓ સાથે એકસાથે વાત કરવાના અમારા બધા પ્રયાસો નિષ્ફળ ગયા.
એમજીએમ કૉલેજની એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ કહ્યું કે 8 ફેબ્રુઆરીની યાદ એના મનમાં એકદમ તાજી છે.
એમણે કહ્યું, “તેઓ બધા અમારી કૉલેજના હતા. મોટા ભાગના મારા ક્લાસના હતા. જેના કારણે મને ખૂબ દુઃખ થયું, કેમ કે મારી સાથે ભણનારા મારી વિરુદ્ધ પ્રદર્શન કરતા હતા.”
8 ફેબ્રુઆરીએ એમજીએમ સહિત ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ ભગવા ખેસ ધારણ કર્યા, સૂત્રોચ્ચાર કર્યા, ત્યાર બાદ કર્ણાટક સરકારે બધી કૉલેજો બંધ કરી દીધી અને એ ખૂલવાનો વિચાર પણ મનમાં આશંકાઓ ભરી દે છે.
વિદ્યાર્થિનીએ કહ્યું, “દેખીતું છે કે એનાથી નફરત ફેલાશે. અમે વિચારીશું કે તેઓ હિંદુ છે તેથી અમારી વિરુદ્ધ છે અને તેઓ વિચારશે કે એ મુસ્લિમ છે તેથી એમની વિરુદ્ધ છે. એમાં નફરતનું વાતાવરણ ઊભું થઈ જશે.”
‘કર્ણાટક કમ્યુનલ હાર્મની ફોરમ’ છેલ્લાં 30 વર્ષથી કર્ણાટકમાં વધી રહેલી સામ્પ્રદાયિકતાના વિરોધનું કામ કરી રહી છે.
એના વરિષ્ઠ સભ્ય પ્રોફેસર ફણિરાજ કે.એ જણાવ્યું કે, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ધીમે ધીમે સામ્પ્રદાયિક શક્તિઓ મજબૂત બની છે અને હાલના વિવાદમાં ઍક્શન–રિઍક્શનને ઐતિહાસિક નજરે જોવાં જરૂરી છે.
સામ્પ્રદાયિકતાનો ઇતિહાસ–વર્તમાન
ફણિરાજના સંગઠને ઈ.સ. 2010થી દક્ષિણ કર્ણાટક અને ઉડુપી જિલ્લામાં સામ્પ્રદાયિક ઘટનાઓની માહિતી એકઠી કરી છે.
દરેક વર્ષના ડેટામાં ‘મોરલ પુલિસિંગ’, ‘હેટ સ્પીચ’, ‘શારીરિક હુમલા’, ‘ધાર્મિક સ્થળોને નુકસાન’, ‘કૅટલ વિજિલાન્ટિઝમ’ સહિત લગભગ 100 બાબતોની માહિતી છે.
પ્રોફેસર ફણિરાજે કહ્યું કે, “1990 પછી, રામ જન્મભૂમિ આંદોલન પછી તમે અહીં એબીવીપીનો ઝડપથી ઉદય જુઓ છો; અને પહેલાં એસએફઆઇ પછી એનએસયુઆઇનું પતન. દેખીતું છે કે વિદ્યાર્થીઓમાં હિંદુત્વની ઉગ્ર વિચારધારા સ્થાયી થઈ ગઈ છે.”
એમના જણાવ્યા અનુસાર, એનું એક બીજું રિઍક્શન છે માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓના અધિકારો માટે બની રહેલાં સંગઠનો; જેમ કે, કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા.
રૅડિકલ ઇસ્લામી સંગઠન ‘પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા’ની વિદ્યાર્થી-સંસ્થા મનાતી સીએફઆઇ પર રાજકીય લાભ માટે આ મુદ્દાને ચગાવવાનો અને અદાલતમાં ગયેલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ‘વચલો માર્ગ’ અપનાવવાથી રોકવાનો આરોપ છે.
સીએફઆઇના રાષ્ટ્રીય મહાસચિવ અશવાન સાદિક એનો ઇન્કાર કરતાં દાવો કરે છે કે એમના તરફથી આ મામલામાં ઉશ્કેરણીજનક કોઈ બયાનબાજી નથી થઈ.
સાદિકે જણાવ્યું કે, “જ્યારે કેસરી ખેસ સામે આવ્યા, એબીવીપીએ દખલગીરી કરી, ભાજપના એમપી અને એમએલએએ રાજકીય સ્ટેટમેન્ટ આપવાનાં શરૂ કર્યાં ત્યારે મામલો વિસ્તરતો ગયો.”
વાતાવરણ ડહાળાવા માટે બે બયાનોને અશવાન કારણરૂપ ગણાવે છે – પહેલું, મંત્રી સુનીલકુમારનું બયાન – “અમે કર્ણાટકને તાલિબાન નહીં બનવા દઈએ.” અને બીજું, ભાજપના નેતા વાસવગૌડા પાટિલનું બયાન – “હિજાબ જોઈએ તો પાકિસ્તાન જતા રહો.”
કન્નડ ન્યૂઝ ચૅનલો પર ચર્ચાઓ ઉગ્ર છે અને સોશિયલ મીડિયા પર મીમ્સ પણ આવી લાગણીઓ વધારે ઉશ્કેરી રહ્યાં છે.
પહેલાં પણ હિજાબ સામે સવાલ ઊઠ્યા છે
ઉડુપીમાં જે થયું એ પહેલો આવો મામલો નથી. તટીય કર્ણાટકમાં મુસલમાન છોકરીઓના કૉલેજમાં હિજાબ પહેરવા સામે ઈ.સ. 2005થી સવાલો ઊઠતા રહ્યા છે.
અત્યાર સુધી આવા મામલા પ્રિન્સિપાલ, કૉલેજ કમિટી અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે વાતચીત દ્વારા થાળે પાડી દેવાતા રહ્યા છે. મીડિયાએ પણ આવી બાબતોને વધારે મહત્ત્વ નથી આપ્યું.
આ વખતે મામલો એટલો ગૂંચવાયો કે કોર્ટ સુધી જઈ પહોંચ્યો અને ધાર્મિક સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારનો પ્રશ્ન બની ગયો.
એક મૂળ પ્રશ્ન એ પણ છે કે હિજાબ અને ભગવો ખેસ પહેરવાની આ ‘પસંદગી’ કેટલી સ્વતંત્ર છે; અર્થાત્, એ નિર્ણયો વિદ્યાર્થીઓના પોતાના કેટલા છે અને પરંપરાઓ, સમાજ, પરિવાર અને ધાર્મિક નેતાઓના કેટલા છે.
મહિલા મુન્નાડે નામના મહિલા અધિકાર સંગઠનનાં માલિગે શ્રીમાને અનુસાર, ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ ત્યારે વધે છે જ્યારે સમુદાયને લાગે છે કે એમને નિશાન બનાવાઈ રહ્યા છે.
માલિગેએ કહ્યું કે, “કર્ણાટકમાં બુરખાની પ્રથા નહોતી, માત્ર માથા પર દુપટ્ટો રાખવામાં આવતો હતો, પરંતુ બાબરી મસ્જિદ પછી એ બદલાઈ ગયું અને એ જ યુવાવર્ગ શીખી રહ્યો છે.”
કર્ણાટકમાં આંતરધર્મી પ્રેમ, બીફ ખાવું, ગાય લઈ જવા જેવા મુદ્દા પર વારંવાર હુમલાના રિપૉર્ટ મળતા રહે છે.
માલિગે અનુસાર, હિજાબ અને બુરખા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ સામે સવાલ કરવો જરૂરી છે, પરંતુ સાથે એ પણ જરૂરી છે કે એને અલ્પસંખ્યક સમુદાય પર સતત થઈ રહેલા હુમલાનાં ચશ્માંથી જોવું.
એમજીએમ કૉલેજનાં આકાંક્ષાને જ્યારે અમે પૂછ્યું કે, જ્યારે હિજાબે તમને ક્યારેય પરેશાન નથી કર્યાં તો ભગવો ખેસ પહેરવાની સ્થિતિ કેમ ઊભી થઈ? તો એમણે કહ્યું કે, “ખેસ વિરોધ નથી, રિઍક્શન છે.”
તેઓ જે ‘રિઍક્શન’ની વાત કરી રહ્યાં છે, તે એમને અને એમના જેવી વિદ્યાર્થિનીઓને જોઈને સમજમાં આવ્યું.
હવે તેઓ સમાનતા ઇચ્છે છે, જે એમની દૃષ્ટિએ એકસરખા યુનિફૉર્મથી અપરિવર્તનીય હશે.
મુસ્લિમ વિદ્યાર્થિનીઓ માટે સમાનતા દર્શાવતો યુનિફૉર્મ ધાર્મિક ભેદભાવનું પ્રતીક છે. એમણે કહ્યું, “અમે રાહ જોઈએ છીએ, કૅમ્પસમાં શાંતિ પાછી ફરે એની, બધું પહેલાં જેવું થઈ જાય એની.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો