ભોપાલ : મોહમ્મદ મહેબૂબ જેઓ સ્નેહાને બચાવવા માટે ચાલતી ટ્રેનની નીચે જતા રહ્યા

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, ભોપાલ

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના 37 વર્ષના મોહમ્મદ મહેબૂબ વ્યવસાયે સુથાર છે અને શહેરના બરખેડી વિસ્તારની એક દુકાનમાં કામ કરે છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એમનું જીવન બદલાઈ ગયું છે. હવે ઘણી જગ્યાએ એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એમને અભિનંદન આપનારા લોકો પણ સતત એમના ઘરે જઈ રહ્યા છે.

મહેબૂબે પાંચમી ફેબ્રુઆરીએ સ્વયંને જોખમમાં મૂકીને રેલવે ટ્રૅક પર ફસાઈ ગયેલી એક છોકરીનો જીવ બચાવ્યો હતો. છોકરી રેલવે ટ્રૅક પર ઊભી રહેલી માલગાડીને નીચેથી પાર કરી રહી હતી, એવામાં જ એ ટ્રેન ચાલવા લાગી.

છોકરીએ મદદ માટે પોકાર પાડ્યો અને નજીક ઊભેલા મહેબૂબ તરત જ ટ્રેનની નીચે જતા રહ્યા અને એમણે છોકરીને દબાવી રાખી.

દરમિયાન એમની ઉપરથી માલગાડીના ઘણા ડબ્બા પસાર થઈ ગયા. ટ્રેન પસાર થઈ ગયા બાદ મહેબૂબ અને છોકરી બંને સલામત હતાં.

મહબૂબે જણાવ્યું કે, “આ કામ બસ અલ્લાહે કરાવી દીધું. જ્યારે છોકરીએ મદદ માટે બૂમ પાડી ત્યારે હું એનાથી લગભગ 30 ફૂટ દૂર હતો. એ સમયે ત્યાં અંદાજે 30–40 લોકો જોઈ રહ્યા હતા, પરંતુ મને લાગ્યું કે એની મદદ કરવી જોઈએ અને મેં એ જ કર્યું.”

એમણે જણાવ્યા અનુસાર, ઘટના પાંચ ફેબ્રુઆરીની છે પરંતુ એમણે ખૂબ ઓછા લોકોને એના વિશે જણાવ્યું હતું. તેઓ પોતે નહોતા ઇચ્છતા કે આ ઘટના વિશે કોઈને ખબર પડે.

એમની આ બહાદુરીની કદાચ લોકોને જાણ પણ ના થઈ હોત જો એમનો વીડિયો વાઇરલ ન થયો હોત તો.

વીડિયો થયો વાઇરલ

ત્યાં ભીડમાં હાજર કોઈ વ્યક્તિએ એનો (ટ્રેનની નીચે છોકરી બચાવવાનો) વીડિયો બનાવીને 11 ફેબ્રુઆરીએ શેર કર્યો અને વીડિયો વાઇરલ થઈ ગયો. ત્યાર બાદ ભોપાલ શહેરના લોકો માટે મહેબૂબ ચર્ચાનો વિષય બની ગયા.

જોકે, મહેબૂબ એ છોકરી વિશે વધારે કશું નહોતા જાણતા. એને બચાવ્યા પછી છોકરી રોતી રોતી ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિ સાથે જતી રહી હતી.

મહેબૂબ ત્રણ વર્ષની એક દીકરીના પિતા છે. એમની સાથે એમનાં માતા–પિતા પણ રહે છે. મહેબૂબે જણાવ્યા અનુસાર, જ્યારે એ વાત એમણે પોતાનાં માતા–પિતા અને પત્નીને કહી ત્યારે એમણે કહ્યું કે સારું કામ કર્યું.

પરંતુ શનિવારે જ્યારે મહેબૂબે વાઇરલ થયેલો વીડિયો પત્નીને દેખાડ્યો ત્યારે એમનાં પત્નીને અનુભવ્યું કે એમણે કેટલું મોટું કામ કર્યું છે.

મહેબૂબનાં પત્ની રુહી અંસારીએ જણાવ્યું કે, “અમારા ધર્મમાં છે કે લોકોની મદદ કરવી જોઈએ.”

મહેબૂબે એ દિવસની ઘટનાને યાદ કરતાં જણાવ્યું કે, “જ્યારે હું પાટા પર સૂતો હતો ત્યારે મેં છોકરીના માથાને મારા હાથ વડે દબાવી રાખ્યું હતું. એવું એટલા માટે કર્યું કેમ કે એ ગભરાઈને માથું ઊંચું કરવાની કોશિશ કરતી હતી. મને લાગ્યું કે ક્યાંક એ માથું ઊંચું ના કરી નાખે.”

પાટા પરથી ઊભા થઈ ગયા બાદ છોકરી એના ભાઈ સાથે ત્યાંથી જતી રહી. મહેબૂબે જણાવ્યું કે એમને એ વાતનો આનંદ છે કે એમણે મુશ્કેલીમાં ફસાયેલી એક છોકરીની મદદ કરી. જો તેમણે જરાક પણ મોડું કર્યું હોત તો કદાચ એનો જીવ જઈ શકે એમ હતો.

એમણે જણાવ્યું કે, “મેં એ વખતે એ જ કર્યું જે મારા દિલે કહ્યું.”

મહેબૂબ એ સમયે ઈશા (રાત્રે કરવામાં આવતી)ની નમાજ અદા કરીને મસ્જિદમાંથી પાછા ફરી રહ્યા હતા અને શહેરના બરખેડી ફાટક પાસે પહોંચ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો.

શું ચાલી રહ્યું હતું મગજમાં?

ટ્રૅક પર સૂતા હતા એ સમય દરમિયાન મહેબૂબ બસ એટલું જ વિચારતા હતા કે ટ્રેનનો કોઈ ભાગ એમના કે છોકરીના માથાને ન ભટકાય.

જે છોકરીને મહબૂબે બચાવી એનું નામ સ્નેહા ગોર છે અને એ ભોપાલમાં એક ખાનગી સંસ્થામાં સેલ્સનું કામ કરે છે.

જોકે, સ્નેહા ગોર હજુ સુધી મહેબૂબને મળ્યાં નથી, પરંતુ એમણે જણાવ્યું કે મહબૂબે જ એમનો જીવ બચાવ્યો.

સ્નેહા ગોરને લેવા એમના ભાઈ આવેલા, જેઓ ટ્રૅકની બીજી તરફ ઊભા હતા. સ્નેહા ગોરનું કહેવું છે કે તે પોતાના ભાઈને કહેવા માગતાં હતાં કે પોતે સુરક્ષિત છે, તેથી એ પોતાનું માથું ઊંચું કરી રહ્યાં હતાં.

મહેબૂબની પાસે અત્યાર સુધી મોબાઇલ નહોતો, પરંતુ શહેરનાં ઘણાં સ્થાનિક સંગઠનો મહેબૂબનું સન્માન કરી રહ્યાં છે. એમાંની એક સંસ્થા બીબીએમના સંચાલક શોએબ હાશમીએ એમનું સન્માન કરીને એમને મોબાઇલ ફોન આપ્યો છે.

શોએબ હાશમીએ જણાવ્યું કે, “મોહમ્મદ મહેબૂબનું સન્માન તો થવું જ જોઈતું હતું. એમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજા માણસનો જીવ બચાવ્યો. જોકે તેઓ પોતે આ વાત કોઈને કહેવા નહોતા માગતા. પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયામાં વાત ફેલાઈ ગઈ એટલે તેઓ સંમત થયા.”

તો, સ્થાનિક પોલીસ અધિકારીઓએ પણ મહેબૂબનું સન્માન કર્યું છે.

એ વિસ્તારમાં કામ કરતા ઝીશાન કુરૈશી પણ એ વખતે ત્યાં હાજર હતા. એમણે જણાવ્યું કે, “હું સામે જ ઊભો હતો. મને ખૂબ આશ્ચર્ય થયું કે એમણે આટલું મોટું જોખમ કેમ માથે લઈ લીધું. એમનો પણ જીવ જઈ શકતો હતો.”

ફુટ ઓવર બ્રિજની માગ

એમણે એમ પણ જણાવ્યું કે, “ખૂબ મોટું કામ કર્યું. ટ્રેન પસાર થઈ ગયા બાદ છોકરી જ્યારે ઊભી થઈ તો ઘણી ગભરાયેલી હતી અને એ રડતી રડતી સીધી ત્યાં ઉપસ્થિત કોઈ સંબંધીની સાથે જતી રહી.”

ઝીશાને જણાવ્યું કે ત્યાં ઘણા લોકો હાજર હતા પરંતુ કોઈએ પણ આવી હિંમત ન કરી.

શહેરના ભીડથી ભરેલા વિસ્તારમાં સ્થિત બરખેડી ફાટકની પાસે ફુટ ઓવર બ્રિજ નથી. અહીં પહેલાં ફાટક હતું, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે સાત વર્ષ પહેલાં એને બંધ કરી દેવામાં આવ્યું. હવે નાનકડી જગ્યા છે અને આખા વિસ્તારની લગભગ 10 હજારની વસતી રોજ આ જ રીતે ટ્રૅકને પાર કરે છે.

વિસ્તારના રહેવાસી અલમાસ અલીએ જણાવ્યું કે, “એ જગ્યાએ ત્રીજી લાઇન બનવાના કારણે લગભગ દરરોજ માલગાડી ત્યાં ઊભી રહે છે. ઘણી વાર તો એ અડધો અડધો કલાક ઊભી રહે છે. એ કારણે જ લોકો મજબૂર બની જાય છે કે તેઓ ટ્રેનને આ રીતે પાર કરીને બીજી તરફ જાય.”

તો, સામેની તરફ જવા માટે જે રસ્તો બનાવાયો છે એ ખૂબ દૂર છે, તેથી લોકો આ રીતે જોખમ ઉઠાવી લે છે. પહેલાં પણ આ જ જગ્યાએ ઘણા અકસ્માત થઈ ચૂક્યા છે.

રેલવે પોલીસ અનુસાર, ગયા વર્ષે અહીં 18 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

લોકોએ ફુટ ઓવર બ્રિજ બનાવવાની ઘણી વાર માગ કરી છે. હવે આ અકસ્માત બાદ રેલવેએ ફુટ ઓવર બ્રિજને મંજૂરી આપી દીધી છે. એને બનતાં દોઢથી બે વર્ષનો સમય થઈ શકે એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો