You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા: ગુજરાતનું એ તરસ્યું ગામ જ્યાં કોઈ દીકરીનું સગપણ કરવા તૈયાર નથી થતું
"પાણીના અભાવે ગામમાં કોઈ સગપણ કરવા તૈયાર નથી થતું. અત્યારે કેટલાય દીકરાઓ વાંઢા બેઠા છે." આ શબ્દો છે બનાસકાંઠાના સરહદી કૂંડાળિયા ગામના પશુપાલક ઈશ્વરસિંહ રાજપૂતના.
ભારત-પાકિસ્તાનની સરહદે અડીને આવેલા બનાસકાંઠાના સરહદી કૂંડાળિયા ગામ અને રાધા નેસડા ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે.
ગરમી વચ્ચે વયસ્કો સહિત નાનાં બાળકો ભણવાની જગ્યાએ હાથમાં મોટાં બેડાં લઈને દૂર સુધી પાણી ભરવા માટે નીકળી પડે છે.
એક તરફ ગુજરાતમાં હિટવૅવની આગાહી છે તો બીજી તરફ ગુજરાતના જળાશયોમાં પાણીની ઘટ ચર્ચાઈ રહી છે. ચોમાસું બેસવાને હજી ઘણી વાર છે ત્યારે અનેક ગામોમાંથી પાણીની રાવ શરૂ થઈ છે.
"બાળકોને પણ અમારે કહેવું પડે છે કે થોડું થોડું પાણી પીજો"
બીબીસી ગુજરાતી સાથે કરતા કૂંડાળિયા ગામનાં રહેવાસી રમિલા કહે છે, "અહી પાણીની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. દૂર દૂર પાણી ભરવાં જઈએ છીએ. બે કલાકે એક બેડું લાવી શકીએ છીએ. બાળકોને પણ અમારે કહેવું પડે છે કે થોડું થોડું પાણી પીજો નહીં તો સાંજ પહેલા પાણી ખાલી થઈ જાય છે."
તેઓ ઉમેરે છે, "ગામમાં કોઈ દીકરી પરણાવવાં તૈયાર નથી થતું. કહે છે કે દીકરી દેશો તો મરી જાશે. નાહવા-ધોવાની પણ ખૂબ તકલીફ રહે છે."
ગામલોકોનું કહેવું છે કે અમે જ્યારે સગપણ માટે જઈએ છીએ ત્યારે સામેવાળા કહે છે કે ગામમાં પાણી ન હોવાના કારણે તેઓ તેમની દીકરીનું ભવિષ્ય ખરાબ કરવા નથી ઇચ્છતા.
બનાસકાંઠા ગુજરાતનો સરહદી જિલ્લો છે. અંતરિયાળ અને રણ વિસ્તાર હોવાના કારણે મોટા ભાગના વિસ્તારોમાં ખારું પાણી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર દ્વારા બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલનું નૅટવર્ક ઊભું કરવામાં આવ્યું છે પરંતુ નર્મદા કેનાલનું પાણી તમામ ગામડાંમાં પહોંચતું નથી જેના કારણે કેટલાંક ગામડાં ઉનાળામાં પાણી માટે વલખા મારે છે.
પ્રશ્ન એટલો વિકટ બની ગયો છે કે ગામના છોકરાંનાં લગ્નો થતાં નથી. પરણીને ગામમાં આવેલી મહિલાઓ પણ ફરિયાદ કરે છે.
થોડાં વરસો પહેલાં પરણીને ગામમાં આવેલાં ચંદ્રિકા પસ્તાવાનાં સૂરમાં કહે છે, 'પાણીની તકલીફ એટલી છે કે સાસરે આવીને કોઈ સુખ ભાળ્યું જ નથી. કઈ ધરતી માથે આવી ગયા એવો પસ્તાવો થાય છે.'
ગામલોકો પીવાના પાણી માટે પૈસા ખર્ચી રહ્યા છે
ઉનાળાની શરૂઆત થતાં જ દર વર્ષે પાણીની અછત વર્તાવા લાગે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામમાં પાણી નહીં આવવાથી તેઓ પીવાના પાણી માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે.
સ્થાનિક દશરથ કહે છે, "અમે ઊંટગાડી ભાડે કરીને રોજ દૂર પાણી ભરવા જઈએ છીએ. ઊંટગાડીવાળાને 200 રુપિયા ભાડું આપીએ છીએ. જ્યારે 50 રૂપિયા કૂવામાલિકને ભાડું આપીએ છીએ."
પાણીના ટૅન્કરથી પણ તેમનો પ્રશ્ન ઉકેલાતો નથી. કેમકે પાંચસોથી હજાર રૂપિયા ટૅન્કરના આપ્યા પછી પણ ટૅન્કરનું પાણી પીવાલાયક નથી હોતું એમ પણ તેઓનું કહેવું છે.
બનાસકાંઠા જિલ્લો પશુપાલન પર નભતો જિલ્લો છે ત્યારે તેમના પશુઓ માટે ઘાસચારો અને પાણી ન મળતાં લોકોએ પશુઓને છોડી મૂક્યાં છે. ગાયો, ભેંસો તરસ્યે મરી જાય છે. પાણી માટે તરફડતાં પશુઓ આખરે મોતને ભેટે છે એમ સ્થાનિકોનું કહેવું છે.
બીબીસી સમક્ષ વાત કરતા કૂંડાળિયા ગામ અને રાધા નેસડા ગામની મહિલાઓનું કહેવું છે કે તેમનો આખો દિવસ પાણી લાવવામાં જ નીકળી જાય છે. મહિલાઓનાં કહેવા પ્રમાણે ક્યારેક એવું પણ બને છે કે દૂર-દૂર સુધી પાણી ભરવાં જાય છે અને ત્યાં પાણી ભરવા નથી દેવાતું.
ગામલોકોનું કહેવું છે કે વારંવાર સરકારને રજૂઆત કરી હોવા છતાં પણ પાણીની કોઈ જ સગવડ આ ગામમાં કરવામાં આવતી નથી.
મુખ્ય મંત્રીને પાણી મામલે રજૂઆત
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના લોદ્રાણી ગામના સરપંચ ભૂપાભાઈ બારોટનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી. અમે આ બાબતે સીએમને ગાંધીનગર જઈ બે દિવસ પહેલાં રજૂઆત કરી હતી.
તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને એક અઠવાડિયામાં લોદ્રાણી ગામમાં પાણી પૂરું પાડવાની ખાતરી આપી છે. તેમની નાયબ કલેક્ટર સાથે પણ બેઠક થઈ છે. તેમને ટેન્કરથી પાણીની વ્યવસ્થા પણ કરી આપવાની ખાતરી અપાઈ છે.
1800ની વસ્તી ધરાવતા આ ગામમાં બે ટેન્કર પાણી અપૂરતું હોવાથી તેમને વેચાતું પાણી લાવવું પડે છે.
ગામના સરપંચ ભૂપાભાઈ બારોટનું કહેવું છે કે અમે એક મહિનાથી પાણી માટે વલખાં મારીએ છે. ગામલોકો પોતાના પૈસે વેચાતું પાણી લાવીને કામ ચલાવી રહ્યા છે.
વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે
સરદાર સરોવર ડૅમના ભાગે આવતાં કુલ નવ મિલિયન એકર ફૂટ પાણીમાંથી આશરે એક મિલિયન એકર ફૂટ કરતાં પણ ઓછું પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવે છે.
વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કરે અગાઉ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "સરદાર સરોવર પ્રોજેક્ટના ભાગે આવતા કુલ પાણીમાંથી પીવાના પાણીનો ભાગ માત્ર દસ ટકા જેટલો છે. તો શું સરકારે માત્ર દસ ટકા ભાગ જ બચાવ્યો છે?"
અલગ-અલગ જિલ્લાઓમાં પીવાનું પાણી સ્રોતોની જગ્યાએ નર્મદા કૅનાલ મારફતે પહોંચતું કરાયું છે. એ પરિસ્થિતિમાં મુશ્કેલી એ છે કે સરદાર સરોવર ડૅમ અને નર્મદા કૅનાલ પર પીવાના પાણી માટે બહુ મોટા વિસ્તારમાં રહેતા કરોડો લોકો નિર્ભર છે.
સ્થાનિક પાણીના સ્રોતોને વિકસાવવા પર ભાર મૂકતાં કર્મશીલ સાગર રબારીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન છે, પરંતુ વિકલ્પના સ્વરૂપમાં સ્થાનિક સ્રોતો અને જળાશયોનો વિકાસ પણ જરૂરી છે."
નિષ્ણાતો માને છે કે દુષ્કાળ ન સર્જાય એ માટે માત્ર ડૅમના પાણી પર આધાર રાખવાને બદલે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
શહેરોમાં અને ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જરૂરી માળખું તૈયાર કરવાથી જેટલો પણ વરસાદ થાય તેનું પાણી સ્થાનિક સ્તરે સચવાઈ જાય છે.
સાગર રબારીએ સરદાર સરોવર ડૅમનો દાખલો આપતાં કહ્યુ હતું કે, "નર્મદાનું પાણી છેક વેરાવળ સુધી પહોંચે છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ જો સ્થાનિક સ્રોતોની જાળવણી થઈ હોત તો હજારો કિલોમિટરની પાઇપલાઇનોના ભરોસે લોકો ન રહ્યા હોત."
હિમાંશુ ઠક્કરે કહ્યું હતું, "જેટલો પણ વરસાદ પડ્યો હોય, તેનો સંગ્રહ કરવાથી મુશ્કેલીમાં રાહત મેળવી શકાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો