ગુજરાતમાં હજારો કરોડોનું ડ્રગ્ઝ કોણ મંગાવે છે અને તે જાય છે ક્યાં?

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં ગુજરાત પાસે ભારતીય જળસીમામાંથી અંદાજે 250 કિલોગ્રામ હેરોઇન સાથે નવ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં ગયા અઠવાડિયે કંડલા પોર્ટ પર ઉત્તરાખંડની એક કંપની દ્વારા ઇમ્પોર્ટ કરાયેલા 17 કન્ટેનર 'જિપ્સમ પાઉડર'માંથી રૂપિયા 1,439 કરોડની કિંમતનું 205.6 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.

જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એનસીબી અને ભારતીય નૌસેનાએ ગુજરાતના દરિયાકાંઠામાં એક જહાજમાંથી 750 કિલોગ્રામ ડ્રગ્ઝ ઝડપી પાડ્યું હતું.

આ થઈ આ વર્ષની વાત, પણ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશના ઇતિહાસમાં ડ્રગ્ઝનો સૌથી મોટો જથ્થો પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયો હતો. જેમાં અંદાજે 21 હજાર કરોડની કિંમતનું ત્રણ ટન ડ્રગ્ઝ પકડાયું હતું.

ગુજરાતમાંથી જે રીતે વારંવાર ડ્રગ્ઝ પકડાઈ રહ્યું છે તેનાથી એવું પ્રતીત થાય છે કે ગુજરાત એ દેશમાં ડ્રગ્ઝના ટ્રાન્ઝિટ રૂટનો મુખ્ય બિંદુ બની ગયું છે પરંતુ એ પ્રશ્ન યથાવત છે કે આ ડ્રગ્ઝની ડિલિવરી ગુજરાતમાં લઈને આગળ પહોંચાડતું કોણ હશે.

તો 26 જૂન, વિશ્વ ડ્રગ્ઝ પ્રતિકાર દિવસ નિમિત્તે જાણીએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ મંગાવીને તેને આગળ ક્યાં અને કેવી રીતે પહોંચાડવામાં આવે છે.

'ગુજરાતમાંથી પંજાબ અને દિલ્હી મોકલાય છે'

ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાંથી પકડાતું ડ્રગ્ઝ મુખ્યત્વે ઉત્તર ભારત જ પહોંચાડવાનું હોય છે.

તેઓ કહે છે, "ડ્રગ્ઝ ગુજરાતની ધરતી પર પહોંચ્યા બાદ દરેક વખતે જુદા-જુદા માણસો દ્વારા તેને આગળ પહોંચાડવામાં આવે છે. મુખ્યત્વે આ ડ્રગ્ઝ પંજાબ અને દિલ્હી જ પહોંચાડવાનું હોય છે."

ડ્રગ્ઝ માફિયાઓની મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતા તેઓ જણાવે છે કે એક વખત ગુજરાતમાં ડ્રગ્ઝ પહોંચે ત્યાર બાદ તેને ટ્રેન, બસ કે કારમાં ગુજરાતમાંથી બહાર લઈ જવામાં આવે છે.

ગુજરાતમાં પકડાઈ રહેલા ડ્રગ્ઝ સાથે સંકળાયેલા લોકો વિશે ભાવેશ રોજીયા જણાવે છે, "છેલ્લા આઠેક મહિનામાં પકડાયેલું ડ્રગ્ઝ ગુજરાતમાં કોઈ એક વ્યક્તિએ મંગાવ્યું હોય તેમ નથી. દરેક વખતે અલગ-અલગ લોકો દ્વારા મોકલાતું હોય છે અને જુદા-જુદા લોકો તેને ગુજરાત બહાર લઈ જવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે, મોટાભાગના લોકો તે પહેલાં જ પકડાઈ જતા હોય છે."

પાકિસ્તાનના માફિયા મુસ્તુફાનું ડ્રગ્ઝ

તાજેતરમાં જ ભારતીય જળસીમામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઑપરેશન પાર પાડીને અંદાજે 280 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું છે.

ગુજરાત એટીએસ પ્રમાણે, પાકિસ્તાનના ડ્રગ્ઝ માફિયા મુસ્તુફાએ 'અલ હજ' નામની બોટમાં પાકિસ્તાનથી કરોડોનું ડ્રગ્ઝ મોકલ્યું હતું.

જોકે, આ ડ્રગ્ઝ ગુજરાત થઈને ઉત્તર ભારતમાં પહોંચાડવાનું હતું. આ અંગેની બાતમી પહેલેથી જ ગુજરાત એટીએસને મળી જતા કોસ્ટગાર્ડ સાથે મળીને તેમણે મધદરિયે જ આ બોટને ઝડપી પાડી હતી.

કોસ્ટગાર્ડે આ બોટને ઘેરી લેતા બોટના ચાલકે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંતે તેમને પકડી લેવામાં આવ્યા હતા.

તપાસ કરતાં બોટમાંથી અંદાજે એક-એક કિલોગ્રામ વજનનાં 56 પૅકેટ મળી આવ્યાં હતાં. જેમાં હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્ઝ ઉત્તર ભારતમાં ક્યાંક મોકલવાનું હતું.

આ બોટમાં હાજર નવ પાકિસ્તાની નાગરિકોની હેરોઇન સાથે અટકાયત કરીને એટીએસ અને એનસીબી દ્વારા જુદી-જુદી ટીમો બનાવીને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

પંજાબના કંપનીમાલિકે ગુજરાતમાં ડ્રગ્ઝ કન્સાઇન્મેન્ટ મંગાવ્યું

21 એપ્રિલે ગુજરાતના કંડલા પોર્ટ પરથી 1,439 કરોડ રૂપિયાની કિંમતનું 205.6 કિલોગ્રામ હેરોઇન ઝડપાયું હતું. જોકે, ડીઆરઆઈ અને એટીએસ દ્વારા પકડાયેલું આ ડ્રગ્ઝ એક દિવસ કે એક અઠવાડિયામાં કરાયેલી કામગીરી ન હતી.

સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ઉત્તરાખંડમાં નોંધાયેલી કંપની 'બાલાજી ટ્રેડર્સ'ના માલિક જોબનજીતસિંહ બલવિંદરસિંહે નવેમ્બર 2021માં 'જિપ્સમ પાઉડર'ના 17 કન્ટેનર મગાવ્યા હતા. જે ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ પરથી કંડલા પહોંચ્યા હતાં.

કંડલા પોર્ટ પહોંચ્યા બાદ ડાયરેક્ટોરેટ ઑફ રૅવન્યુ ઇન્ટેલિજન્સને મળેલી બાતમીના આધારે આ કન્ટેનર્સની તપાસ કરતાં તેમાં જિપ્સમ પાઉડરની સાથેસાથે 205.6 કિલોગ્રામ હેરોઇન ઝડપાયું હતું.

જ્યાર બાદ તપાસ શરૂ થતા કંપનીના માલિક ફરાર થઈ ગયા હતા. જેને રવિવારે પકડીને ટ્રાન્ઝિટ વૉરન્ટ મારફતે ગુજરાત લાવવામાં આવ્યા હતા અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત ડ્રગ્ઝની હેરાફેરી માટે હૉટ ફેવરિટ રૂટ

ગુજરાત 1600 કિલોમિટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતમાં નોંધાયેલાં છે. આથી, ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ બીબીસી સાથે અગાઉ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, "અફઘાનિસ્તાનમાં મોટા પાયે અફીણનું ઉત્પાદન થાય છે, જેમાંથી હેરોઇન બનાવીને તેને ભારતમાં ઘૂસાડવા માટે પ્રયાસ થતા રહે છે."

"ગુજરાત અને પંજાબની સરહદ સીલ થઈ ગઈ છે. વધુમાં એલઓસી માર્ગે વેપાર પણ બંધ થઈ ગયો છે. એટલે ડ્રગ્સને ઘૂસાડવા માટે અન્ય માર્ગો પર નજર દોડાવવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારત અને પાકિસ્તાનની બોટો સાથે જ માછીમારી કરતી હોય છે, એટલે તેમની ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે."

"ડ્રગ્સને ભારતમાં લાવવામાં સફળતા મળે તો તેને અલગ-અલગ સ્થળોએ મોકલી દેવામાં આવે છે અને પછી તેને એક-બે કિલોગ્રામના નાના-નાના જથ્થામાં ખાડી કે પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવે છે, એવું અગાઉની તપાસમાં બહાર આવ્યું છે."

સુરક્ષા એજન્સીઓ, નૌસેના, કોસ્ટગાર્ડ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક, દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રિક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે, ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો