અમદાવાદની હૉસ્પિટલમાં આગ ફેલાતા 13 નવજાત સહિત 200થી વધુ લોકોને બચાવાયાં - પ્રેસ રિવ્યૂ

અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે આવેલી એક ઇમારતમાં શનિવારે સાંજના સમયે આગ લાગી હતી. આ આગને પગલે નવજાત બાળકો માટેના હૉસ્પિટલમાંથી 13 બાળકો સહિત ઇમારતમાંથી 200થી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓને ટાંકીને લખે છે કે આ આગ પરિમલ ચાર રસ્તા પાસે આવેલા 'દેવ કૉમ્પલેક્સ'માં ત્રીજા માળે આવેલી એક સીએની ઑફિસમાં લાગી હતી.

આ આગ ચોથા માળે આવેલી 'ઍપલ સુપરસ્પેશિયાલિટી' સુધી પ્રસરી હતી, જેના કારણે હૉસ્પિટલમાંથી 13 નવજાત બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.

સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, આ ઇમારતમાંથી 200થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 75 લોકોને છત પરથી ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની સાથેસાથે રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાનો ખતરો: સેના

કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સેનાએ શનિવારે બૉર્ડરને અડીને આવેલી આઠ કિલોમીટર લાંબી ગુફા શોધી છે.

હિંદી દૈનિક હિંદુસ્તાન સાંબાના પોલીસ અધિકારી જી. આર. ભારદ્વાજને ટાંકીને લખે છે કે કેટલીક ગુપ્તા માહિતીના આધારે ખબર પડી છે કે ચરમપંથીઓ યાત્રાને ખલેલ પહોંચાડવા માટે બૉર્ડર પારથી ઘુસણખોરી કરવાનો કારસો ઘડી રહ્યા છે, જેના લીધે સતર્કતા વધારી દેવામાં આવી છે.

43 દિવસની અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. આ યાત્રા બે રસ્તા પરથી યોજાય છે. પહેલો રસ્તો દક્ષિણ કાશ્મીરના પહલગામમાં નુનવાનના પારંપરિક 48 કિલોમીટરનો અને બીજો રસ્તો મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં બાલટાલથી 14 કિલોમીટરનો છે.

યુક્રેન યુદ્ધ વચ્ચે બેલારુસને મહત્ત્વપૂર્ણ મિસાઇલ સિસ્ટમ આપશે રશિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ પોતાના સહયોગી દેશ બેલારુસને આવનારા કેટલાક મહિનાઓમાં નાના અંતરે હુમલો કરે તેવી પરમાણુ સંપન્ન મિસાઇલ સિસ્ટમ આપશે.

તેમણે કહ્યું કે 'ઇસકંદર-એમ' પ્રણાલીથી બૅલેસ્ટિક અને ક્રૂઝ બંને પ્રકારની મિસાઇલો છોડી શકાય છે. સાથે જ પરમાણુ અને બિનપરમાણુ મિસાઇલો છોડવા માટે પણ તે સક્ષમ છે.

આ મિસાઇલની રેન્જ 500 કિલોમીટર સુધીની છે.

રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલા બાદથી તણાવ વધી ગયો છે. બેલારુસ પણ રશિયાની જેમ યુક્રેનનો પાડોશી દેશ છે.

પુતિને ત્યારથી લઇને અત્યાર સુધીમાં ઘણી વખત પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખને શરૂઆતમાં પશ્ચિમી દેશો માટે ધમકી માનવામાં આવતો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો