'મારા જીવનનો કોઈ અર્થ નથી, મેં મારી ત્રણ દીકરી અને ચાર પૌત્રને મરતાં જોયાં', અફઘાનિસ્તાનમાં ભૂકંપથી બેઘર બનેલા લોકોની વ્યથા

    • લેેખક, સિકંદર કિરમાણી
    • પદ, બીબીસી ન્યૂઝ, પક્તિકા પ્રાંત, અફઘાનિસ્તાન

રહેમત ગુલનો પરિવાર એક તંબુ તાણી રહ્યો છે. આ તંબુ તેમને ભૂતપૂર્વ અફઘાન રાજનેતાએ સહાયરૂપે આપ્યો છે.

તેની બાજુમાં બીજો તંબુ બંધાઈ રહ્યો છે, જેને રેડ ક્રેસન્ટ દ્વારા સહાયરૂપે આપવામાં આવ્યો છે, ખાલી જગ્યામાં બાંધવામાં આવેલા તંબુને આ લોકો હવે ઘર કહે છે.

તાજેતરમાં દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ એવા પક્તિકા પ્રાંતના ગયન જિલ્લામાં આ તંબુ બાંધી રહેલા બધાનાં ઘરો નાશ પામ્યાં છે.

પરિવારના સાત સભ્યો સૂતા હતા ત્યારે તેમનાં મોત થયાં હતાં.

રહમત ગુલ અમને કહે છે, "મારા જીવનનો હવે કોઈ અર્થ નથી, મેં મારી ત્રણ દીકરી અને ચાર પૌત્રને મરતા જોયા છે, હું હવે ભાંગી પડ્યો છું."

જોકે રહમત માથે અન્ય બાળકોની સંભાળ રાખવાની જવાબદારી પણ છે. પરિવારે ભૂકંપ બાદની પ્રથમ રાત ખુલ્લામાં ભારે વરસાદમાં પલળતા વિતાવી હતી.

રહમત કહે છે, "અમને મદદની જરૂર છે, અમારી પાસે કંઈ નથી, અમારી પાસે જે હતું તે નાશ પામ્યું છે."

સંયુક્ત રાષ્ટ્ર સહિતની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સખાવતી સંસ્થાઓ તેમજ તાલિબાન સરકાર તરફથી પીડિતો માટે સહાય આપવામાં આવી રહી છે. રહેમત ગુલના તંબુની નજીક રેડ ક્રેસન્ટ સંસ્થા ખાદ્યતેલ અને ધાબળા સહિતની આવશ્યક વસ્તુઓની કિટનું વિતરણ કરી રહી છે.

ભારે ભીડ વચ્ચે પોતાને રાહત કિટ મળે એની રાહ જોઈ રહેલી એક વ્યક્તિ કહે છે, "અમારે તમામ વસ્તુની જરૂર છે, કારણ કે અમારી પાસે હતી તે બધી જ વસ્તુ હવે ખંડેરમાં દફન થઈ ગઈ છે."

બજાર એક ઓપન-એર સહાય ડેપોમાં ફેરવાઈ ગયું

ગ્યાન શહેરની મધ્યમાં આવેલું નાનું બજાર એક ઓપન-એર સહાય ડેપોમાં ફેરવાઈ ગયું છે, જેમાં પુરવઠો ભરેલી ટ્રકો આવી રહી છે. અફઘાનિસ્તાન માટે આ ભૂકંપ પડ્યા ઉપર પાટુ સમાન છે, કેમ કે આ દેશ પહેલાંથી જ આર્થિક અને માનવતાવાદી સહાયની કટોકટીનો સામનો કરી રહ્યો છે.

ગયા ઑગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યું ત્યારથી સરેરાશ આવક ઘટીને ત્રીજા ભાગની થઈ ગઈ છે અને લાખો લોકો ભૂખમરામાં સપડાયા છે.

જ્યારે માનવતાવાદી સહાય ચાલુ રાખવામાં આવી છે, ત્યારે અગાઉની સરકારને જે વિકાસ ભંડોળ મળતું હતું તેમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. ત્યારે હવે પક્તિકા અને ખોસ્ટ વિસ્તારમાં ભૂકંપને કારણે સેંકડો પરિવારો બેઘર બન્યા છે.

હજુ પણ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. હેલો ટ્રસ્ટ ચેરિટી લૅન્ડમાઈન સાફ કરવાનું કામ કરે છે અને તેમણે મોબાઈલ હેલ્થ ક્લિનિક્સ શરૂ કર્યાં છે.

તંબુમાં બેઠા ચિકિત્સક નકીબુલ્લાહ ઘાયલ બાળકોની સારવાર કરી રહ્યા છે.

ખાડા અને ધૂળિયા રસ્તાથી શહેર ઓછામાં ઓછા ત્રણ કલાકના અંતરે

કાટમાળ પડતાં પાંચ વર્ષના બરાકુતુલ્લાના હાથને ઈજા થઈ હતી. નકીબુલ્લાહ બાળકને લગાવેલું પ્લાસ્ટર તપાસે છે અને હજુ પ્લાસ્ટ લગાવેલું રાખવાનું કહે છે.

નકીબુલ્લાહ અમને કહે છે, "ઘણાં બાળકો ઘાયલ થયાં છે."

સ્પેશિયાલિસ્ટની સારવારની જરૂર હોય તેવા કેટલાક દર્દીઓને આર્મી હેલિકૉપ્ટર દ્વારા કાબુલ લઈ જવામાં આવે છે. મોટા પડેલા ખાડા અને ધૂળિયા રસ્તા સાથેનાં ગામો નજીકના મોટા શહેરથી ઓછામાં ઓછા ત્રણ કલાકના અંતરે છે.

ઝર્મા ગુલને પગમાં નાની ઈજા થઈ હતી અને તેની સારવાર ચાલી રહી છે. ઝર્મા અમને તેનું ઘર બતાવે છે, જે ઢોળાવમાં આવેલું છે. ઘર તો શું, તે હવે કાટમાળનો ઢગલો છે.

ભૂકંપ આવ્યો ત્યારે ઝર્મા ગુલ એ વાતે મૂંઝાયા હતા કે પરિવારમાંથી પહેલાં કોને બચાવવા?

"પત્નીને બચાવવા પાછો આવ્યો ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું"

ઝર્મા ગુલ કહે છે, "જ્યારે છત અને દીવાલો તૂટી પડી, ત્યારે મેં મારી પત્નીએ બૂમ પાડી, 'મને મદદ કરો', પરંતુ મારી પુત્રી પણ રૂમમાં હતી અને મેં તેને પહેલાં બહાર કાઢી."

"તે પછી બીજાં બાળકોની ભાળ લેવા બીજા રૂમમાં ગયો અને પત્નીને બચાવવા પાછો આવ્યો ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું."

વર્ષોના યુદ્ધથી કંટાળી ગયેલા લોકો, પડી ભાંગતા અર્થતંત્ર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તેવામાં તેમના ભાગે હવે નવા સંકટનો સામનો કરવાનો આવ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો