You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર રાજકીય સંકટ : એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, ગેરલાયક ઠેરવવા મુદ્દે ઉદ્ધવ સમર્થકોને પડકાર
- રવિવારે એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
- ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યોને મનાવવા પ્રયત્ન સતત ચાલુ
- શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની મુંબઈમાં બેઠક
- બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા
- થાણેમાં કલમ 144 લાગુ, 30મી જૂન સુધી કોઈપણ પ્રકારની રાજકીય રેલી પર પ્રતિબંધ
- એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોએ તેમના જૂથનું નામ 'શિવસેના બાળાસાહેબ' રાખ્યું
- મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણનો નવા જૂથના નામને અધ્યક્ષની માન્યતા વગર સ્વીકારવો ઇનકાર
- ઉપાધ્યક્ષ દ્વારા બળવાખોર જૂથને સસ્પેન્ડ કરવાના અહેવાલ વચ્ચે રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (આઠવલે)એ કહ્યું, "દાદાગીરીનો જવાબ દાદાગીરીથી આપીશું"
રવિવારે પણ મહારાષ્ટ્રમાં સત્તાસંગ્રામ યથાવત્ રહેવા પામ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર શિવસેનાના બળવાખોર જૂથમાં એકનાથ શિંદે આગેવાનીમાં અત્યાર સુધી મહારાષ્ટ્ર સરકારના આઠ મંત્રી અને 39 ધારાસભ્યો સામેલ થઈ ચૂક્યા છે.
એક તરફ આ જૂથ દ્વારા પોતે 'અસલ શિવસેના' હોવાનો દાવો કરાઈ રહ્યો છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને તેમના સમર્થકોએ વિદ્રોહી ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.
આ પગલાની પ્રતિક્રિયાના ભાગરૂપે એકનાથ શિંદે જૂથે ડિસ્ક્વોલિફિકેશન નોટિસ, અવિશ્વાસની દરખાસ્તનો અસ્વીકાર તેમજ વિધાન પરિષદના પક્ષના નેતાની નિમણૂક સહિતના વિવિધ મુદ્દે સુપ્રીમ કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ સાથે અરજી કરી છે.
આમ આ સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.
આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચમાં સોમવારે થશે.
નોંધનીય છે કે શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મુંબઈમાં પૂર્ણ થઈ હતી.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બેઠકમાં રાજ્યમાં વર્તમાન રાજકીય સંકટને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા.
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 જેટલા ધારાસભ્યોએ બળવો કર્યા બાદ રાજ્ય સરકાર ખતરામાં આવી ગઈ છે.
દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકનાથ શિંદેના મતક્ષેત્ર થાણેમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને 30મી જૂન સુધી કોઈપણ પ્રકારની રાજકીય રેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે પણ શહેરમાં સીઆરપીસીની કલમ 144 પણ લાગુ કરી છે, જેમાં પાંચ કે તેથી વધુ લોકોને એકઠા થવાની મનાઈ છે.
બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાના નેતા સંજય રાઉતે બેઠકમાં વિદ્રોહી ધારાસભ્યો સામે યોગ્ય કાર્યવાહી કરવાની સત્તા ઉદ્ધવ ઠાકરેને આપી હોવાનું જણાવ્યું હતું.
આ સિવાય બળવાખોરોને કઠોર સંદેશ આપતાં તેમણે કહ્યું કે, "મુખ્ય મંત્રીએ વિદ્રોહીઓને બાળાસાહેબના નહીં પોતાના પિતાના નામે મત માગવાનો પડકાર ફેંક્યો છે."
આ સિવાય શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને પાર્ટી વ્હીપ સુનિલ પ્રભુ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાંથી દૂર રહેવા બદલ અયોગ્યતાની નોટિસ આપવામાં આવી હતું.
તેમને 27 જૂન સુધીમાં સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં ગેરહાજર રહેવાનાં કારણોને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજો સાથે લેખિત જવાબ આપવા કહેવામાં આવ્યું હતું.
એકનાથ શિંદે જૂથનું નામ 'શિવસેના બાળાસાહેબ' અને નવા જૂથનો વિરોધ
એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોએ તેમના જૂથનું નામ 'શિવસેના બાળાસાહેબ' રાખ્યું છે.
ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા ધારાસભ્ય ડૉ. બાલાજી કિનીકરે આ સમાચારની પુષ્ટિ કરી છે.
શિંદે જૂથના નામ બાદ શિવસેનાએ વાંધો વ્યક્ત કર્યો છે. નામની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.
ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું, "અમે બાળાસાહેબની વિચારધારાને વરેલા છીએ. અમે એક સ્વતંત્ર જૂથ બનાવ્યું છે. અમે કોઈની સાથે ભળીશું નહીં. જૂથનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે. કોઈએ પક્ષ છોડ્યો નથી."
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ રાજ્ય સરકાર ખતરામાં આવી ગઈ છે.
એકનાથ શિંદે કૅમ્પ દ્વારા રચાયેલા 'શિવસેના બાળાસાહેબ' નવા જૂથ પર ન્યૂઝ એજન્સી એએનઆઈ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણને ટાંકીને ટ્વીટ કર્યું હતું. જેમાં ચવ્હાણે કહ્યું કે જ્યાં સુધી તેને અધ્યક્ષ પાસેથી કાનૂની માન્યતા નહીં મળે ત્યાં સુધી આવાં જૂથોને અધિકૃત માનવામાં આવશે નહીં.
શિવસેનાની કાર્યકારિણીની બેઠક બાદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, "બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સત્તા અપાઈ છે. આ સિવાય બાળાસાહેબના નામનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરાશે. અને પડકાર ફેંકવામાં આવ્યો છે કે જનતા વચ્ચે જઈને અમારા પિતા બાળાસાહેબના નામે નહીં પરંતુ પોતાના પિતાના નામે મત માગી બતાવો."
તેમણે આ સિવાય પક્ષના તમામ લોકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત કરી હતી.
દાદાગીરીનો જવાબ દાદાગીરીથી આપીશુંઃ રામદાસ આઠવલે
દરમિયાન રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ના પ્રમુખ રામદાસ આઠવલે શનિવારે મુંબઈમાં ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.
આ મિટિંગ પછી, તેમણે કહ્યું, "દેવેન્દ્ર ફડણવીસજીએ મને કહ્યું છે કે તેમને શિવસેનાના વર્તમાન રાજકીય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વિવાદ ખુદ ઉકેલી લેશે."
તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, એનસીપી પ્રમુખ શરદ પવાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જેવા નેતાઓના દાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જેમાં આ નેતાઓએ ધારાસભ્યોના બળવા છતાં તેમની તરફેણમાં બહુમતીનો દાવો કર્યો છે.
રામદાસ આઠવલેએ કહ્યું કે, "આટલા ધારાસભ્યો સાથ છોડી ગયા છે તો તેઓ કેવી રીતે કહી શકે કે તેમની પાસે પૂરતી બહુમતી છે."
વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલે 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની નોટિસ મોકલી હોવાના અહેવાલો પર તેમણે કહ્યું કે ઉપાધ્યક્ષને આમ કરવાનો કોઈ અધિકાર નથી.
તેમણે બળવાખોર જૂથને શિવસેના તરીકે માન્યતા આપવાની માંગ કરી છે.
આઠવલેએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રયાસો વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું, "દેવેન્દ્ર ફડણવીસે તેમને કહ્યું છે કે તેઓને ઉતાવળમાં નથી. ભાજપ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યો છે."
બીજી તરફ શિવસેના દ્વારા ધારાસભ્ય તાનાજી સાવંતના કાર્યાલયમાં તોડફોડ ગેરકાનૂની હોવાનું કહેતા તેમણે કહ્યું કે, "દાદાગીરી નહીં ચલાવી લેવાય અને જો આવું થશે તો અમે પણ દાદાગીરીનો જવાબ દાદાગીરીથી આપીશું."
શું છે સમગ્ર મામલો?
વિધાનપરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ તેમના પક્ષ સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે. એકનાથ શિંદે 40 ઉપરાંત ધારાસભ્યોને લઈને સુરત ગયા અને ત્યાંથી બીજા દિવસે ગુવાહાટી જતા રહ્યા છે.
શિવસેનાના ટોચના નેતા અને મંત્રી એકનાથ શિંદેના વિદ્રોહ બાદ પાર્ટીમાં ફાડ પડી ગઈ છે.
એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો છે પણ તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમણે શિવસેના છોડી નથી. એકનાથ શિંદે સાથે કૅબિનેટ મંત્રી પણ સુરત ગયા. તેમાં ગૃહ રાજ્યમંત્રી શંભુ દેસાઈનો પણ સમાવેશ થાય છે. તેઓ કૉંગ્રેસ-એનસીપીનો સાથ છોડી ભાજપ-શિવસેના સરકારની તરફેણ કરે છે.
બીજી બાજુ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમને ભાવનાત્મક અપીલ કરીને મુંમઈ આવી વાત કરવા જણાવ્યું છે. પોતાના સંદેશમાં તેમણે અનેક વખત રાજીનામું આપવાની પણ વાત કહી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો