'અમારા પટેલોમાં ભણેલો છોકરો નથી મળતો, એમાં પણ પ્રેમલગ્ન પર મનાઈ?'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા ખેડૂત પિતાને ગામમાં ખાસ્સી એવી જમીન છે. હું મારી માસીને ત્યાં રહી મેડિકલમાં ભણું છું. મારી સાથે ક્લાસમાં ટૉપર છોકરો છે. અમારા વિચાર મળે છે, સાથે ઇન્ટર્નશિપ કરીએ છીએ, પણ એની પાસે મારા કુટુંબ જેટલો પૈસો નથી એટલે મારા ઘરના લોકો મને એની સાથે પરણવાની ના પાડે છે. બધાને વહેમ છે કે ડૉક્ટરી કરીને દવાખાનું કરવા માટે એ અમારી પાસે પૈસા માગશે એટલે ના પાડે છે, એવામાં માતાપિતાની સંમતિ ક્યાંથી લાવવી?"

આ શબ્દો છે અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં એમબીબીએસ કરેલાં હર્ષિદા પટેલ (નામ બદલ્યું છે)ના.

મૂળ મહેસાણાનાં હર્ષિદા પટેલ એમબીબીએસનું ભણતાં અને હવે ગાયનેકોલૉજીમાં માસ્ટર્સ કરે છે. એમની સાથે એક ઓબીસી જ્ઞાતિનો યુવાન પણ ભણે છે.

મેરિટ પર અનામત ક્વૉટામાં એડમિશન લઈ સ્કોલરશિપ લઈને ભણતા યુવાનની આર્થિક સ્થિતિ સારી નથી. એ ઓર્થોપેસ્ટિક સર્જન તરીકે એમએસ કરે છે.

હર્ષિદાના ક્લાસમાં ભણતા આ છોકરાએ કૉલેજના પ્રથમ વર્ષથી હર્ષિદાને ભણવામાં મદદ કરી છે. હર્ષિદા એમને આર્થિક મદદ પણ કરતાં અને ભણતાંભણતાં પ્રેમ થઈ ગયો.

'સમાજ બહાર લગ્ન સામે વાંધો'

હર્ષિદાએ હિંમત કરીને એમના પિતાને લગ્નની વાત કરી અને ઘરમાં નારાજગીનું વાતાવરણ સર્જાઈ ગયું. બંનેએ નહીં મળવાની શરતે હર્ષિદાનું ભણવાનું ચાલુ રખાવ્યું છે.

હર્ષિદાને હૉસ્ટેલમાંથી કાઢી એમનાં માસીના ઘરે ભણવા મૂક્યાં છે. પહેલા એમના પૉકેટમની પર કોઈ નજર રાખતું નહોતું, હવે આખા ઘરની નજર રહે છે.

હર્ષિદાનાં માતાપિતા એમની દીકરી માટે છોકરો શોધી રહ્યાં છે, એમની ઈચ્છા ડોલરિયા દેશમાં દીકરીને પરણાવાની છે.

બીજી બાજુ હર્ષિદા અને એમની સાથે ભણતા જિજ્ઞેશે (નામ બદલ્યું છે) કોર્ટમાં લગ્ન કરી લીધાં છે, પણ જાહેર નથી કર્યું.

હર્ષિદાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારા સમાજમાં મારા જેટલું ભણેલા છોકરા બહુ ઓછા છે. હું ડૉક્ટર થાઉં એટલે એનઆરઆઈ મુરતિયો તરત મળી જાય. મારા બે ભાઈ બહુ ભણેલા નથી, એમને મારા પિતાએ દુકાન કરી આપી છે. બાપદાદાની જમીન ભાગિયાઓને આપી છે."

"હું પરદેશ જાઉં તો મારા કુટુંબના લોકોને પરદેશમાં સેટલ થવાનું સરળ રહે. અલબત્ત, આ કોઈ મુખ્ય કારણ નથી. મેં પરદેશ જવાની ના પાડી તો મારા પિતા અહીં અમારી જ્ઞાતિમાં સારો મુરતિયો મળે તો અમદાવાદ કે મહેસાણામાં દવાખાનું કરાવી આપવા પણ તૈયાર છે, પણ બીજી જ્ઞાતિના યુવાન સાથે પરણાવવા તૈયાર નથી."

તેઓ કહે છે કે હવે હું એમની સંમતિની રાહ જોઉં તો મને સમજી શકે અને એક જ વ્યવસાયમાં જોડાયેલા જીવનસાથી મળવા મુશ્કેલ છે. હકીકતે સમાજ બહાર લગ્ન કરવામાં એમનો વાંધો છે.

સમાજનો ઠરાવ શું છે?

હર્ષિદા જેવી અનેક છોકરીઓ 84 ગામ સમાજે ઘડેલા નવા નિયમથી પરેશાન છે, કારણ કે હવે 84 ગામ સમાજના નિયમ સાથે 22 ગામ અને 42 ગામ સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે.

84 ગામ સમાજની મિટિંગ થઈ ત્યારે 84 ગામ સમાજના લોકોએ એક ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવ અનુસાર, 'જે છોકરીએ પ્રેમલગ્ન કરવાં હોય એણે એનાં માતાપિતાની સંમતિ લેવી પડશે, અને જો સંમતિ નહીં લે તો દીકરીને બાપદાદાની મિલકતમાંથી બાકાત રાખવામાં આવશે.'

84 પાટીદાર સમાજ દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે વાત કરતા 84 પાટીદાર સમાજના આગેવાન જશુભાઈ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે એવો નિર્ણય લીધો છે એ વાત સાચી છે, પરંતુ એનું અર્થઘટન ઊંઘું કરવામાં આવી રહ્યું છે. છોકરીઓને ભણાવીએ છીએ, એટલે ગામડેથી શહેરમાં ભણવા મોકલીએ છીએ."

"આવા સમયે કેટલાક છોકરાઓ આર્થિક સદ્ધર ઘરની છોકરીઓને ફસાવે છે અને મિલકતમાં છોકરીને ભાગ આપવાનો (જે બંધારણીય અધિકાર છે) કોર્ટમાં કેસ કરે છે અને પૈસા મળે પછી એને પરેશાન કરે છે."

તેઓ વધુમાં કહે છે, "પ્રેમલગ્નના નામે નાનાં ગામોમાં અસંખ્ય ઝઘડા થાય છે. વૈમનસ્ય ઊભું થાય છે. એટલે અમે એવી માગ કરી છે કે જે છોકરીને પ્રેમલગ્ન કરવા હોય એનાં માતાપિતાની સંમતિ લેવી એવો કાયદો કરવામાં આવે."

"અમે પ્રેમલગ્નના વિરોધી નથી, પણ સામે પાત્ર કેવું છે એ તપાસવાનો માતાપિતાને હક હોવો જોઈએ. અમે બીજા સમાજના અગ્રણીઓ સાથે નજીકના દિવસોમાં એક મિટિંગ કરીશું અને પછી અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ કે પ્રેમલગ્ન કરનાર દીકરીનાં માતાપિતાની સંમતિ હોય એવી દીકરીઓને પ્રેમલગ્ન પછી માતાપિતાની મિલકતમાંથી હક આપવો, જેથી ગલીના બગડેલા છોકરાઓ દીકરીઓને ફોસલાવી ના જાય."

'પ્રેમલગ્નનો વિરોધ નહીં પણ...'

તો છેલ્લાં ચાર વર્ષથી પાટીદાર સમાજની દીકરીઓનાં પ્રેમલગ્ન રોકવા માટે મુહિમ ચલાવનાર એસ.પી.જી.ના નેતા લાલજી પટેલ પણ એવો જ મત ધરાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "અમે પ્રેમલગ્નનો વિરોધ કરતા નથી પણ પ્રેમલગ્નના નામે ગામડાંમાં આર્થિક રીતે સંપન્ન પરિવારની દીકરીઓને ટાર્ગેટ બનાવીને કેટલાક અસામાજિક તત્ત્વો કૉલેજમાં જતી 18 વર્ષની દીકરીને ભોળવે છે, કોર્ટમાં લગ્ન કરી લે છે, અને પછી માતાપિતાની મિલકતમાં ભાગ માગવા માટે એને ઉશ્કેરી કોર્ટમાં કેસ કરે છે."

"84 ગામ પછી હવે બીજા ગામ પણ અમારી સાથે જોડાઈ રહ્યાં છે. અમારો આશય કોઈ તાલિબાની રાજ લાવવાનો નથી, પણ સામે સારું પાત્ર છે કે નહીં એ જોવાનું છે."

તેઓ કહે છે, "આવી રીતે છોકરીઓને ભોળવીને એનાં માતાપિતાની મિલકતમાં ભાગ માગવા માટે રીતસર ટોળકી સક્રિય થઈ છે. અને ઘણી વાર બાળકના જન્મ પછી છોકરીએ આવા અસામાજિક તત્ત્વો સાથે પરાણે રહેવું પડે છે."

શા માટે પ્રેમલગ્નનો વિરોધ થઈ રહ્યો છે?

તો મહેસાણાનાં જાણીતાં મહિલા સામાજિક કાર્યકર અને સંખ્યાબંધ મહિલા સંસ્થાઓમાં કામ કરતા અંજુબહેન પટેલ લિન્ચ ગામનાં સરપંચ રહી ચૂક્યાં છે.

મહેસાણાનાં 22 ગામ પાટીદાર સમાજનાં અગ્રણી અંજુબહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મેં પોતે પ્રેમલગ્ન કર્યાં છે. હું પ્રેમલગ્નની વિરોધી નથી, પણ આ મુહિમમાં જોડાઈ એનું બીજું કારણ એ છે કે 84 પાટીદાર સમાજ જોડે અમે 22 પાટીદાર સમાજના લોકો પણ જોડાયા છીએ."

તેઓ પણ કહે છે કે "છેલ્લા કેટલાક વખતથી ગામમાંથી મહેસાણા કે અમદાવાદ વધુ અભ્યાસ માટે જતી કૉલેજની છોકરીઓને ફસાવવામાં આવે છે"

પોતાની વાત આગળ વધારતાં અંજુબહેન પટેલ પણ આવા કથિત કિસ્સા અટકે એના માટે કાયદો લાવવાની માગ કરે છે.

તેઓ કહે છે, "જો દીકરીના લગ્નમાં એનાં માતાપિતાની સહમતિ ના હોય તો એના બ્લડ રિલેશનમાં હોય એવા વ્યક્તિની સહી હોવી જોઈએ, જેથી સામેનું પાત્ર કેવું છે એની ચોક્સાઈ થઈ શકે."

નિર્ણય ખાસ પંચાયત સમાન?

તો જાણીતા સમાજશાસ્ત્રી રાજેન્દ્ર જાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પાટીદાર સમાજમાં છોકરા સામે છોકરીની સંખ્યા ઓછી છે. ઉત્તર ગુજરાતમાં આ સમસ્યા વધુ છે. પાટીદાર સમાજની દીકરીઓ પ્રેમલગ્ન કરે એટલે સમસ્યા વધે છે, ત્યારે એને રોકવા માટેનો પ્રયાસ છે."

"ગુજરાતમાં સૌથી વધુ સંગઠિત અને આર્થિક રીતે સંપન્ન પાટીદાર સમાજ છે, એમનું વેપાર-ધંધા અને સત્તામાં વર્ચસ્વ વધુ છે. જે જ્ઞાતિનું વર્ચસ્વ વધુ હોય એ જ્ઞાતિમાં આવા નિયમો બને, પણ એ બંધારણની વિરુદ્ધ છે. આને એક પ્રકારની ખાપ પંચાયત કહીએ તો ખોટું નહીં ગણાય."

"બીજું કે પાટીદાર સમાજની દીકરીઓનું પ્રમાણ 2011ના સેન્સેક્સ પ્રમાણે 1000 છોકરાએ 883 છોકરીઓનું છે. આવા સમયે એ લોકો બહારના સમાજમાંથી પુત્રવધૂ લાવે તો ઘરની મિલકત ઘરમાં રહે છે, પણ જો દીકરી બીજે પ્રેમલગ્ન કરે તો ભારતીય કાયદા પ્રમાણે એને મિલકત બીજે વહેંચવી પડે."

"આ સંજોગોમાં 84 ગામ સમાજે યુવતીઓને ગર્ભિત રીતે કહી દીધું છે કે પ્રેમલગ્ન કરનારને માતાપિતાની મિલકતમાં ભાગ નહીં અપાય. એટલે સામાજિક વર્ચસ્વ ધરાવતો આ વર્ગ સંગઠિત થઈને રહેવા માગે છે અને પોતાનું વર્ચસ્વ ગુમાવવા નથી માગતો એટલે આવા નિયમ બનાવાઈ રહ્યા છે."

તો ગુજરાત હાઈકોર્ટના સિનિયર ઍડવૉકેટ આશિષ શુક્લે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પુખ્ત વયની છોકરી પર ક્યાં લગ્ન કરવાં અને ક્યાં નહીં એના પર નિયંત્રણ લાદી શકાય નહીં, આ કાનૂની રીતે ગેરબંધારણીય છે અને કાનૂને આપેલા હક પ્રમાણે દીકરીને માતાપિતાની મિલકતમાંથી હિસ્સો મળવો જોઈએ.

"એને અટકાવવું ગેરકાનૂની છે, જો પ્રેમલગ્ન માટે માતાપિતા રાજી થતા હોય તો કોઈ કોર્ટમાં લગ્ન કરે જ નહીં, માટે આવા કાયદા બનાવવા એ પાછલે બારણેથી ખાપ પંચાયતને ઘુસાડવા સમાન છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો