You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
100 મૃતદેહ સાથે સેક્સ કરનાર શખ્સ 30 વર્ષ બાદ કેવી રીતે પકડાયો?
- લેેખક, ટોમ સાયમન્ડ્સ
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ 35 વર્ષ પહેલાં બે યુવતીની હત્યા કરવામાં આવી હતી. ખૂની 30 વર્ષથી સમાજ વચ્ચે જ રહેતો હતો.
આ સમય દરમિયાન તેણે બે હૉસ્પિટલોના શબઘરમાં કામ કર્યું, જ્યાં તેમણે 100થી વધુ મહિલાઓના મૃતદેહ સાથે સમાગમ કર્યો હતો.
આ વ્યક્તિનું નામ ડેવિડ ફુલર હતું. ઈંગ્લૅન્ડના આ કુખ્યાત કેસમાં આરોપીને સળંગ ત્રણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યાં સુધી તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તે ક્યારેય જેલમાંથી બહાર નીકળી શકશે નહીં.
આવો જોઈએ શું હતો સમગ્ર કેસ અને આ વ્યક્તિ સતત 30 વર્ષ સુધી પોલીસને કેવી રીતે થાપ આપતી રહી?
1987માં વૅન્ડી નેલ અને કૅરોલિન પિયર્સની ઉંમર 20ની આસપાસ હતી. બંને એકબીજાને ઓળખતાં નહોતાં, પરંતુ બંનેની નોકરી અને નિવાસ તે વખતના ધબકતા શહેર કૅન્ટના ટ્યુનબ્રિજ વેલ્સમાં હતો.
25 વર્ષીય વૅન્ડી નેલ લગ્નજીવનમાં ભંગાણ સર્જાતાં અહી સ્થળાંતરિત થયાં હતાં.
તે સમયના તેમનાં બહેનપણી જુલી મૉન્ક્સ માને છે કે બ્રેક-અપ તેમના માટે એક ઝટકો હતો. વૅન્ડી સ્વતંત્રમિજાજી અને મહેનતુ હતાં, પરંતુ તેમને બાળકો પેદા કરવાની અને ઘર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
વૅન્ડી ફોટોશોપ 'સુપાસ્નેપ્સ'માં નોકરી કરતાં હતાં અને 22 જૂનની રાત્રે તેમના બૉયફ્રેન્ડ તેમને ઘરે મૂકી ગયા હતા. બીજા દિવસે પલંગ પર લોહીના ખાબોચિયા વચ્ચે વૅન્ડીનું મૃત નગ્ન શરીર ચાદરમાં વીંટાળેલું મળી આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાડોશીઓએ પાતળી દીવાલની પેલે પાર શું બન્યું હતું તે કંઈ સાંભળ્યું નહોતું, પરંતુ વૅન્ડી સાથે મારપીટ કરવામાં આવી હતી, જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનું ગળું દબાવવામાં આવ્યું હતું એવાં ચિહ્નો મળી આવ્યાં હતાં.
કૅરોલિન પિયર્સ 20 વર્ષનાં હતાં અને લોકપ્રિય ટનબ્રિજ વેલ્સ રેસ્ટોરાં 'બસ્ટર બ્રાઉન્સ'માં કામ કરતાં હતાં.
જે રાત્રે તે ગુમ થયાં તે સમયે તેમના ઘરમાંથી ચીસો સંભળાઈ હોવાના અહેવાલ હતા. ત્રણ અઠવાડિયાં પછી 40 માઇલ દૂર દક્ષિણે રોમની માર્શના એક ખેતરમાંથી પસાર થતી ડ્રેનેજમાં એક ખાડામાં કૅરોલિનનો નગ્ન અવસ્થામાં ચાદરમાં વીંટાળેલો મૃતદેહ મળી આવ્યો.
એક ટ્રેક્ટર-ડ્રાઈવરને ઊંચી સીટને કારણે ખાડામાં પડેલો કૅરોલિનનો મૃતદેહ દેખાઈ ગયો હતો.
કૅરોલિનના શરીર પરની ઇજાઓ વૅન્ડી જેવી જ હતી અને તપાસકર્તાઓને ખાતરી હતી કે "બૅડસીટ મર્ડર્સ" તરીકે જાણીતો થયેલો એક જ હત્યારો આમાં સંડોવાયેલો હતો.
1980ના દાયકામાં મોબાઈલ ફોન કે સીસીટીવી કૅમેરા નહોતા અને ડીએનએ પૃથક્કરણ પણ હજુ પ્રારંભિક તબક્કાનું હતું.
અપરાધી પ્રોફાઇલના નેશનલ ડેટાબેઝ આ ઘટનાનાં આઠ વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યા હતા. તપાસકર્તાઓ પાસે શૉપિંગ બૅગ પર લોહીવાળી ફિંગરપ્રિન્ટ અને વૅન્ડીના ફ્લેટમાંથી સફેદ બ્લાઉઝના કફ પર પગની નિશાની જેવા ફોરેન્સિક પુરાવા હતા.
1999માં ડીએનએ નમુના નવા ડેટાબેઝની કોઈ વ્યક્તિ સાથે મૅચ ન થતાં તપાસકર્તાઓની આશા પર પાણી ફરી વળ્યું.
બીબીસી ક્રાઈમવૉચની બે અપીલનું પણ કોઈ પરિણામ ન આવ્યું. 2007માં આ કેસની તપાસ કરનાર પીઢ ડિટેક્ટિવ ડેવ સ્ટીવન્સે બીબીસીને કહ્યું હતું, "અમે તપાસને ધીમી પાડી છે પરંતુ ક્યારેય બંધ નથી કરી."
2019 સુધીમાં ફોરેન્સિક્સ નિષ્ણાતોએ કૅરોલિનાના શરીર પરના ક્ષતિગ્રસ્ત શુક્રાણુના નમૂનામાંથી ડીએનએ એકત્રિત કરવા માટે નવી તકનીકો વિકસાવી હતી.
હવે, આ કેસમાં નવી તકનિક "ફેમિલીઅલ ડીએનએ"નો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં વૈજ્ઞાનિકોને એ જાણવામાં મદદ મળે છે કે ગુનાના સ્થળેથી મળી આવેલા ડીએનએ તેમના કોઈ પરિચિત સાથે સંબંધિત છે કે કેમ?
કૅન્ટના તપાસકર્તાઓના સલાહકાર અને હવે નેશનલ ક્રાઈમ એજન્સી માટે કામ કરતા ભૂતપૂર્વ મેટ્રોપોલિટન પોલીસ ડિટેક્ટિવ નોએલ મૅકહ્યુગના જણાવ્યા અનુસાર, આ કેસમાં આ તકનીકની "એકદમ નિર્ણાયક ભૂમિકા હતી."
જો હત્યારાની અન્ય ગુનામાં ધરપકડ ન થઈ હોત અને તેમના ડીએનએ લેવામાં ન આવ્યા હોત અને ડેટાબેઝમાં પ્રોફાઇલ દાખલ કરવામાં ન આવ્યો હોત તો ક્યારેય હત્યારાની ઓળખ થઈ શકી ન હોત.
મૅકહ્યુગે કહ્યું, "પરંતુ ફેમિલીઅર ડીએનએએને કારણે તપાસકર્તાઓએ આખરે નેશનલ ડીએનએ ડેટાબેઝ પરના 6.5 મિલિયન પ્રોફાઇલમાંથી એકને હત્યારા તરીકે ઓળખી કાઢ્યો."
પછી અધિકારીઓએ જોયું કે ડેટાબેઝમાંથી કોણ છે જે હત્યાના સ્થળની આસપાસ રહેતું હતું.
વરિષ્ઠ તપાસ અધિકારી, ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ ઇવાન બેસ્લેએ જણાવ્યું હતું કે, "અમે અપરાધી સાથે મેળ ખાતા લોકોની વિસ્તૃત યાદી બનાવી હતી."
સૌથી નજીકનું આંશિક ડીએનએ મૅચ ફુલરના પરિવાર સાથે થતું હતું. પોલીસે તેમના કુટુંબીજનોનો અભ્યાસ કર્યો.
ડેવિડ ફુલરનો જન્મ 1950ના દાયકાના મધ્યમાં થયો હતો અને તેમણે પોર્ટ્સમાઉથના નૌકાદળના શિપયાર્ડ્સમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન અને મૅન્ટેનન્સ મૅન તરીકે તાલીમ લીધી હતી.
શાળામાં બાઇકની ચોરી કરવા અને આગ લગાવીને મિલકતને નુકસાન પહોંચાડવા બદલ તેનુ નામ પોલીસના ચોપડે ચડ્યું હતું.
1970ના દાયકામાં પોલીસ ચોપડે તેનું નામ "ઘરફોડ ચોરી"માં સંડોવાયું હતું.
2020માં ડેવિલ ફુલર ત્રીજી પત્ની અને કિશોર પુત્ર સાથે વેસ્ટ સસેક્સના હીથફિલ્ડમાં રહેતો હતો. 3 ડિસેમ્બર 2020ના રોજ, પોલીસે તેના સીસીટીવી કૅમેરાથી સજ્જ ઘરનો દરવાજો ખખડાવ્યો.
પૂછપરછમાં ડેવિડ ફુલરે દાવો કર્યો કે તે ટ્યુનબ્રિજ વેલ્સ શહેર વિશે કશું જાણતો નથી, તેણે સુપાસ્નેપ્સ શૉપ કે બસ્ટર બ્રાઉનની કદી મુલાકાત લીધી નથી અને તેને હત્યા સાથે કંઈ લેવાદેવા નથી.
જોકે તપાસકર્તાઓ ટૂંક સમયમાં જ ડેવિડનું જુઠ્ઠાણું ઉઘાડું પાડી દીધું. ડેવિડ ફુલરે જૂના કમ્પ્યુટર, હાર્ડ ડ્રાઈવ, ડિસ્ક, ફોન અને 34,000 જેટલા પ્રિન્ટેડ ફોટોગ્રાફ્સ સાચવી રાખ્યાં હતાં.
તેમની પાસેથી મૅન્ટેનન્સ મૅન અને ઇલેક્ટ્રિશિયન તરીકેનાં બિલો મળી આવ્યાં, રેસ્ટોરાંમાં રાત્રિના સમયની વિગતો આપતી ડાયરીઓ, સાઇકલિંગ ક્લબ સાથેની સવારી દર્શાવતા ફોટા મળી આવ્યા.
પોલીસે શોધી કાઢ્યું કે એ બિલો ટનબ્રિજ વેલ્સની આસપાસનાં કામ માટેનાં હતાં. ડાયરીઓમાંથી પકડાયું કે તે નિયમિતપણે બસ્ટર બ્રાઉન્સમાં જતો હતો.
સાયકલિંગ ક્લબના સભ્યોએ મસ્તિષ્ક પર જોર આપીને રોમની માર્શના રૂટનું વર્ણન કર્યું, જ્યાંથી કૅરોલિનનો મૃતદેહ મળી આવ્યો હતો.
ડેવિડ ફુલર પણ હકીકતે 1970 અને 80ના દાયકામાં વૅન્ડી રહેતાં હતાં તે જ શેરીમાં રહેતો હતો.
1980ના દાયકાના એક ફોટોગ્રાફમાં ફુલર ચાદર પર ઊંધો સૂતો દેખાય છે. જેમાં તેના ક્લાર્કના બૂટનાં તળિયાં દેખાતાં હતાં.
બૂટનાં તળિયાંની પેટર્ન વૅન્ડીના ફ્લેટમાં મળેલી પ્રિન્ટ સાથે મેળ ખાતી હતી અને તેની ફિંગરપ્રિન્ટ શૉપિંગ બૅગ પરની લોહીની પ્રિન્ટ સાથે આંશિક રીતે મેળ ખાતી હતી.
ફુલરમાંથી લેવામાં આવેલ ડીએનએના નમૂના કૅરોલિનના શરીર પરના વીર્યના ડીએનએ સાથે મેળ ખાતા હતા.
આખરે તપાસ-અધિકારીઓએ 33 વર્ષ પછી હત્યારાને શોધી કાઢ્યો હતો, પરંતુ તપાસ પૂરી થઈ ન હતી. તપાસમાં હજી તીવ્ર વળાંક આવવાનો બાકી હતો.
ડેવિડ ફુલરના ઘરેથી નિષ્ણાતોને 80ના દાયકાથી સંગ્રહિત સેંકડો હાર્ડ ડ્રાઈવ, મેમરી કાર્ડ અને 2,200 સ્ટોરેજ ડિસ્ક મળી આવી હતી. તેની પાસે 30 મોબાઈલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યાં હતાં.
તપાસકર્તાઓએ એક અલમારી તપાસી, જેમાં એક બૉક્સ હતું. તેને ખેંચ્યું. પાછળની બાજુએ એક "ચોરખાનું" મળી આવ્યું, જેમાં ચાર હાર્ડ ડ્રાઈવ હતી.
તેમાં વીડિયો હતા, હૉસ્પિટલના શબઘરની અંદરના આ વીડિયો ફુલરે બનાવ્યા હતા.
તપાસ-અધિકારીઓએ વીડિયો જોયા તો તેમાં કંપારી છૂટે તેવી વિગતો બહાર આવી. ડેવિડ ફુલર મૃતદેહો સાથે સમાગમ કરતો હતો.
નોએલ મેકહ્યુનેએ દિવસ બરાબર યાદ છે. તેઓ કહે છે, "હું માની ન શક્યો. મને તો ન્યાયની આશમાં 33 વર્ષથી ઝુરતાં વૅન્ડી અને કૅરોલિનનો પરિવાર જ યાદ આવ્યા કરતો હતો."
"પરંતુ હવે પરિવારને ખબર પડી છે કે તેમના પ્રિયજનનું કાસળ ડેવિડ ફુલરના હાથે કઢાયું છે."
તે જે હૉસ્પિટલોમાં કામ કરતો હતો ત્યાં ડેવિડ ફુલર પાસે "ઍક્સેસ ઑલ એરિયા" સ્વાઇપ કાર્ડ હતું, અને શબઘર એક એવો વિસ્તાર હતો જેની તે નિયમિત મુલાકાત લેતો હતો.
નવી હૉસ્પિટલમાં મૃત દર્દીઓના મૃતદેહને સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ફ્રીઝમાં દરેક છેડે દરવાજા હોય છે.
એક છેડો સીસીટીવી કૅમેરા દ્વારા આવરી લેવામાં આવ્યો છે, પરંતુ બીજા છેડે પોસ્ટમૉર્ટમ થતું હોવાથી ત્યાં સીસીટીવી કૅમેરા નથી.
ડેવિડ ફુલર આ જાણતો હશે. પોલીસને હૉસ્પિટલમાંથી તે શું કરી રહ્યો હતો તેના કોઈ ફૂટેજ મળ્યા નથી. પરંતુ નાના કૅમેરામાં તેમણે પોતે ફિલ્માવેલા વીડિયો ભારે ઘૃણાસ્પદ હતા.
તપાસકર્તાઓ તેમને પોઝ કરીને દર્દીઓનાં કાંડા પરની વિગતો વાંચવામાં સક્ષમ હતા.
તપાસકર્તાઓએ વીડિયો પર મેટાડેટાનો ક્રોસ-રેફરન્સ કર્યો, જેમાં તે સમયે શબઘરમાં દર્દીઓનાં નામ સાથે, તેઓ ક્યારે ફિલ્માવવામાં આવ્યા હતા તે દર્શાવે છે.
ડેવિડ ફુલરે જે મૃતદેહો સાથે સમાગમ કર્યો હતો તેમનાં નામ ધરાવતી એક નાનકડી કાળી બુક પણ રાખી હતી.
"તે આ બુકને રેઢી મૂકતો નહોતો," એમ વરિષ્ઠ ક્રાઉન પ્રૉસિક્યુટર લિબી ક્લાર્કે કહ્યું. તેઓ ઉમેરે છે, "તે અલગ-અલગ પ્રસંગે આ બુક તેમની પાસે રાખતો હતો. મેં જોયેલો અને હાથમાં લીધેલો આ અત્યાર સુધીનો સૌથી જટિલ કેસ હતો."
આ વિશ્વના સૌથી ભયાનક કેસ પૈકીનો એક છે, જેમાં પોલીસે 100 પીડિતોની ગણતરી કરી છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 85 વર્ષ સુધીની છે.
ફુલર પાસેથી પોલીસને અત્યાર સુધીની બાળ જાતીય શોષણની તસવીરો પણ મળી આવી હતી.
એનએચએસ સૂત્રો કહે છે કે સાથીદારો ફુલર મદદગાર તરીકે જોતા હતા - ઊડી ગયેલા લાઇટ બલ્બને બદલતો કે હળવા સ્મિત સાથે ફ્યુઝને ઠીક કરતો મદદગાર.
કન્સલ્ટન્ટ ફોરેન્સિક મનોચિકિત્સક ડૉ. રિચાર્ડ બેડકોક માને છે કે ફુલરના ગુનાઓ એક વિશિષ્ટ પેટર્નને અનુસરતા હતા.
"અહીં કાર્યસ્થળે સાઇકોપેથોલોજી એકદમ સાડો-માસોચિઝમ પ્રકારની છે."
"સાર કહીએ તો, વિકૃત વર્તન સિવાય તે પોતાની સમસ્યાઓનો સામનો કરવામાં સક્ષમ નથી."
"1970ના દાયકામાં આચરવામાં આવેલી ફુલરની "ઘરફોડ ચોરીઓ" સૂચવે છે કે આની શરૂઆત વોયુરિઝમથી થઈ હતી પરંતુ ધીમે ધીમે આ વર્તન ખૂનીમાં તબદિલ થયું હતું."
"જેમાં આત્યંતિક વલણ ગુનાની ક્ષણમાં જ જીવંત હોવાનો અનુભવ કરાવે છે."
ડૉ. બેડકોક વૅન્ડી અને કૅરોલિનના "સેક્સ હત્યાકાંડ" અને પછીના ગુનાઓ વચ્ચે સીધો સંબંધ જુએ છે, જેને તે હત્યા કરતાં મનોવૈજ્ઞાનિક રીતે વધુ આત્યંતિક ગણે છે.
"આ નેક્રોફિલિયા છે. તેની આગળ કશું નથી."
વક્રતા તો એ છે કે આવા ગુનામાં હત્યા માટે આજીવન કારાવાસની જગ્યાએ મહત્તમ બે વર્ષની સજાની જોગવાઈ છે. આ કેસ સરકારમાં પુનર્વિચારણા માટે જાય તેવી શક્યતા છે.
ફુલર 2008 અને 2020ની વચ્ચે મૃતદેહ સાથે સમાગમ કરતો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તેના રેકૉર્ડમાં એક અસ્પષ્ટ બાબત એ રહી જાય છે કે, જેમાં 1987 અને 2008ની વચ્ચે કોઈ મોટો અપરાધ કરતો નથી.
ફુલરે અન્ય લોકોને મારી નાખ્યા અથવા તેમની સતામણી કરી હોઈ શકે એવી આશંકા સાથે કૅન્ટ પોલીસ હવે ગુમ થયેલા લોકોના રેકૉર્ડની તપાસ કરી રહી છે.
2007માં વૅન્ડી નેલના પિતા બિલે બીબીસીને કહ્યું હતું, "એક દિવસ તો કોઈ દરવાજો ખખડાવશે અને અને કહેશે કે 'અમે તેને પકડી લીધો છે', પરમાત્મા તેને લાંબો સમય સુધી સજા કરશે."
તે દિવસ આવી ગયો છે, પરંતુ દુર્ભાગ્યે 2017માં મૃત્યુ પામ્યાં હતાં તે બિલ નૅલ તે જોવા માટે આપણી વચ્ચે નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો