You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખીમપુર ખીરી : આરોપી મંત્રીપુત્ર આશિષ મિશ્રાની ધરપકડ પણ યુપી પોલીસની કામગીરી પર સવાલ કેમ?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, લખીમપુરથી, બીબીસી ગુજરાતી માટે
લખીમપુર ખીરીમાં ખેડૂતોને જીપ હેઠળ કચડી નાખવાની ઘટનાના મુખ્ય આરોપી આશિષ મિશ્રની તપાસ ટુકડી(એસઆઈટી)એ શનિવારે મોડી રાતે ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી આપ્યા હતા.
એસઆઈટીના ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે આશિષની ધરપકડ બાબતે કહ્યું હતું કે "મિશ્ર તપાસમાં સહકાર આપતા નથી અને સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે. પોલીસે તેમની એ બદલ ધરપકડ કરી છે."
જોકે, આશિષ મિશ્રના વકીલ અવધેશકુમાર સિંહે દાવો કર્યો હતો કે તેમના અસીલે પોલીસ તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે.
તેમણે બીબીસીને કહ્યું હતું કે "બધી તપાસ થઈ છે. પોલીસે તેમને જેટલા સવાલ પૂછ્યા હતા એ બધાના લેખિત જવાબ આશિષ મિશ્રએ આપ્યા છે."
આશિષ મિશ્રનું મેડિકલ ચેકઅપ શનિવારે મોડી રાતે પોલીસ લાઇન્સમાં જ કરવામાં આવ્યું હતું.
એ પછી તેમને સ્થાનિક મૅજિસ્ટ્રેટ દીક્ષા ભારતી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે આશિષના ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા.
મૅજિસ્ટ્રેટે આગામી સુનાવણી સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરતાં આશિષને લખીમપુર ખીરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી છે, જે દર્શાવે છે કે તેઓ આશિષની ઘટનાનાં અનેક પાસાં વિશે પૂછપરછ કરવા ઇચ્છે છે. એસઆઈટીની ટીમ સોમવારે આશિષને રિમાન્ડ પર લેવાના પ્રયાસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશિષ મિશ્રના મોબાઇલ ફોનના ઉપયોગ અને ઘટનાના દિવસે બપોરના અઢીથી ચાર વાગ્યા સુધી તેમની હાજરી વિશે પોલીસ વધારે પૂછપરછ કરવા ઇચ્છે છે.
અત્યાર સુધીની પોલીસ પૂછપરછ વિશે આશિષ મિશ્રના વકીલ અવધેશકુમારે કહ્યું હતું કે "પોલીસે તેમને પૂછ્યું હતું કે કુસ્તી-દંગલનું આયોજન ત્રીજી તારીખે જ શા માટે કરવામાં આવ્યું હતું? તેના જવાબમાં આશિષે જણાવ્યું હતું કે મુખ્ય અતિથિની હાજરીની ઍપૉઇન્ટમૅન્ટ ત્રીજી તારીખની જ મળી હતી."
"પોલીસે એવું પણ પૂછ્યું કે તે કાર્યક્રમ માટે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં? એ સવાલના જવાબમાં આશિષે જણાવ્યું હતું કે દંગલનો કાર્યક્રમ 40 વર્ષથી યોજાય છે. અત્યાર સુધી ક્યારેય પરવાનગી લેવી પડી નથી. તેથી આ વખતે પણ પરવાનગી લેવામાં આવી ન હતી."
SITની ટીમ આશિષ મિશ્રના રિમાન્ડ મેળવી શકી ન હતી, કારણ કે આશિષના વકીલોએ રિમાન્ડ મૅજિસ્ટ્રેટ સમક્ષ આરોપીનો પક્ષ રજૂ કરવાની તક આપવા માગણી કરી હતી અને તેમને એ તક આપવામાં આવી હતી.
યુપીના પૂર્વ ડીજીપીનું શું કહેવું છે?
આ સમગ્ર ઘટનામાં યુપી પોલીસ, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર સાથે જે રીતે જોવા મળી રહી છે તેને કારણે યુપી પોલીસ પર સતત સવાલ કરવામાં આવી રહ્યા છે.
લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડવા સંબંધી એફઆઈઆરમાં આશિષ મિશ્ર પર હત્યા, હત્યાનું કાવતરું અને સદોષ માનવવધ ઉપરાંત બીજી પાંચ કલમો મુજબ કેસ નોંધવામાં આવ્યો છે.
તેથી સૌથી મોટો સવાલ એ છે કે એફઆઈઆર નોંધાવામાં આવી અને હત્યા જેવા જઘન્ય અપરાધનો આરોપ મૂકવામાં આવ્યો હોવા છતાં પોલીસને આશિષ મિશ્રની ધરપકડ કરવામાં પાંચ દિવસનો સમય કેમ લાગ્યો અને તેને 12 કલાક પૂછપરછ કરવાની શું જરૂર પડી?
આ ઘટનાની તપાસ કરી રહેલી એસઆઈટીના વડા અને લખનૌના ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે આ સવાલનો કોઈ જવાબ આપ્યો ન હતો.
બીજો સવાલ એ છે કે આશિષ મિશ્રની ધરપકડ કરતાં પહેલાં તેને બે વખત સમન્સ શા માટે મોકલવામાં આવ્યા હતા, કારણ કે હત્યાના બીજા મામલાઓમાં આરોપીઓ સામે સમન્સ બહાર પાડવાની પ્રક્રિયાનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી.
ઉત્તર પ્રદેશ પોલીસના પૂર્વ ડીજીપી વિક્રમસિંહે કહ્યું હતું કે "સમન્સ બહાર પાડવા એ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ હાઈ-પ્રોફાઇલ કેસ છે. તેથી પોલીસે ઝડપભેર પગલાં લેવાની જરૂર હતી. સુપ્રીમ કોર્ટે પણ પોલીસને કહ્યું છે કે તમે એવું તો કંઈક કરો કે જેથી લાગે કે તમે આ મામલે ગંભીર છો."
સામાન્ય રીતે હત્યાના મામલાની તપાસમાં પોલીસ ફરિયાદીના નિવેદનને આધારે પૂરાવા એકઠા કરીને ગુનો સાબિત કરતી હોય છે, પરંતુ આ હાઈ-પ્રોફાઇલ કેસમાં પોલીસે આરોપી આશિષને પોતાના બચાવમાં પૂરાવા રજૂ કરવાની તક આપી છે.
મહત્ત્વની વાત એ પણ છે કે આશિષ મિશ્ર, હત્યાના મામલામાં એકમાત્ર આરોપી છે. તેઓ ઘટનાના સાક્ષી નથી.
આ સંજોગોમાં એ સમજવું મુશ્કેલ નથી કે પોલીસના આ શિષ્ટાચારનું એક કારણ આશિષ મિશ્રના પિતાનું કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી હોવું પણ હોઈ શકે છે.
સ્થાનિક પોલીસના પહેલાં સમન્સ વખતે આશિષ તપાસ માટે હાજર થયા ન હતા. એ પછી તેમને બીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું અને શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું.
વિક્રમસિંહ કહે છે, "પહેલી નોટિસ વખતે તેઓ બીમાર પડી ગયા હતા. આ તો મીડિયાના દબાણને કારણે તેઓ હાજર થઈ ગયા. નહીંતર તેઓ વધુ બીમાર પડ્યા હોત."
"પોલીસ પાસે સારી સુવિધાઓ છે. તેઓ બીમાર પડ્યા હોત તો તેમની સારવાર લખનૌની હૉસ્પિટલમાં કરવામાં આવી હોત. સૌથી સારો ઇલાજ જેલમાં થઈ શકે છે. આ મામલામાં આટલો ઉદાર અભિગમ દાખવવો યોગ્ય નથી."
વિરોધપક્ષ આ મુદ્દાને બરાબર ચગાવી રહ્યો છે.
કૉંગ્રેસના પ્રવક્તા અખિલેશ પ્રતાપસિંહે કહ્યું હતું કે "ખેડૂતોને કચડનારા આરોપીની ધરપકડ જરૂર થઈ છે, પરંતુ તેના પિતા હજુ કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી છે."
"સમગ્ર હિન્દુસ્તાનના પોલીસ તેમને આધિન છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે તેમનો દીકરો નિર્દોષ છે. તેઓ ક્લીનચિટ આપી રહ્યા છે ત્યારે તેમના હાથ નીચે કામ કરતી પોલીસ નિષ્પક્ષ તપાસ કઈ રીતે કરશે"?
જોકે, આ ઘટનાની તપાસ સાથે જોડાયેલા તમામ પોલીસ અધિકારીઓ પહેલા દિવસથી જ કહી રહ્યા છે કે તેમની અગ્રતા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની છે. તેથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.
પોલીસ પર દબાણ
રાજ્યના વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી પણ માને છે કે પોલીસ પર દબાણ છે.
ત્રિપાઠી કહે છે કે "પોલીસ પર સરકારનું દબાણ છે તેમાં કોઈ શંકા નથી. પ્રદેશના મુખ્ય મંત્રી કહી ચૂક્યા છે કે પુરાવા વિના ધરપકડ કરવામાં આવશે નહીં."
"મંત્રીના દીકરા જીપમાં હતા કે નહીં અથવા તો આ ઘટનામાં તેમની શું અને કેટલી ભૂમિકા છે એ બાબતે શંકા હોઈ શકે, પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જીપ બહુ બેદરકારીથી ચલાવવામાં આવી હતી. વળી તેઓ એકમાત્ર આરોપી છે. તેથી તેમની ધરપકડ પહેલા જ દિવસે થવી જરૂરી હતી."
પ્રદેશ ભાજપના પ્રવક્તા નવીન શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, યોગી આદિત્યનાથની સરકારે શક્ય હોય એ તમામ કાર્યવાહી કરી છે.
તેમણે કહ્યું હતું કે "લખીમપુર ખીરીની ઘટના કમનસીબ છે અને એસઆઈટી તેની તપાસ કરી રહી છે. આરોપીઓની પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે."
"કોઈ કેન્દ્રીય મંત્રીના દીકરીની પૂછપરછ અને તેની ધરપકડ થાય એ યોગી સરકારમાં જ શક્ય છે. ઘટના બહુ મોટી અને દુર્ભાગ્યપૂર્ણ હતી. તેથી પોલીસની અગ્રતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી."
આ ધરપકડ બાબતે સમાજવાદી પાર્ટીના નેતા અભિષેક મિશ્રાએ કહ્યું હતું કે "ધરપકડ ક રીતે પોલીસનો દેખાડો છે. તેનો ખાસ કોઈ અર્થ નથી, કારણ કે તેમના પિતા આજે પણ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી છે."
"પોલીસદળમાં ખાસ કરીને આઈપીએસ અધિકારીઓ પર તેમના મંત્રાલયનું નિયંત્રણ હોય છે. તેથી આ કિસ્સામાં કોઈ અધિકારી બરાબર તપાસ કરી શકશે કે કેમ એ બાબતે સૌને શંકા છે."
આશિષ મિશ્રની ધરપકડ ઉપરાંત આ મામલાની તપાસમાં પણ થોડો વિલંબ થયો છે. ઘટનાસ્થળે પાંચ દિવસ સુધી મીડિયા અને બીજા તમામ લોકોની આવ-જા ચાલુ રહી હતી. તેથી ઘટનાસ્થળેથી પૂરાવા નાબૂદ થયાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિક્રમ સિંહે કહ્યું હતું કે "પોલીસે ઘટનાસ્થળને સિક્યૉર શા માટે કર્યું ન હતું. ત્યાં હોબાળો થયો હતો. મીડિયા તથા અન્ય લોકોની અવરજવર હતી."
"પોલીસે હથિયારના ઉપયોગની વાત કરી છે ત્યારે દરોડા પાડીને અત્યાર સુધી હથિયાર જપ્ત કેમ કર્યાં નથી? પિસ્તોલ સાથે છેડછાડ કરવામાં આવશે તો તેની જવાબદારી કોણ લેશે? "
આશિષ મિશ્રની 'થાર' જીપમાંથી જીવંત કારતૂસ મળી હોવા બાબતે તેમના વકીલ અવધેશકુમારે કહ્યું હતું કે "જીપ સળગાવી દેવામાં આવી હતી તો કારતૂસ કઈ રીતે બચી ગઈ. કોઈ બહારથી નાખી ગયું હોય એ શક્ય છે. પોલીસ કહે છે એ બધું જ સાચું હોય એ જરૂરી નથી. ફેંસલો તો અદાલતમાં થશે."
અવધેશકુમારના જણાવ્યા મુજબ, ઘટના બની ત્યારે આશિષ મિશ્રા ઘટનાસ્થળથી દૂર હતા. એ જણાવવા માટે પોલીસ સમક્ષ લગભગ 150 તસવીરો અને વીડિયો રજૂ કરવામાં આવ્યાં છે.
મંત્રી માટે ઢગલાબંધ મુશ્કેલીઓ
બીજી તરફ ખેડૂતોએ તેમનું આંદોલન આગળ વધારવાની જાહેરાત કરી છે.
લખીમપુરના તિકુનિયાસ્થિત ઘટનાસ્થળે 12 ઑક્ટોબરે એક શોકસભાનું આયોજન કરવામાં આવશે. તેમાં સેંકડો ખેડૂતો તથા ખેડૂત નેતાઓ હાજરી આપશે. એ પછી 26 ઑક્ટોબરે કિસાન પંચાયત યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેની ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થચિન્હ લાગેલું છે.
જોકે, દુર્ઘટના પછી તેઓ અમિત શાહને મળી ચૂક્યા છે એટલું જ નહીં, તેમણે ચૂંટણીની તૈયારી સંબંધે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે યોજાયેલી બેઠકમાં ભાગ પણ લીધો હતો.
લખીમપુર ખીરીની ઘટના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી લખનૌમાં એક સભાને સંબોધી ચૂક્યા છે, પરંતુ તેમણે આ ઘટના બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બીજી તરફ વિરોધ પક્ષ અને મૃતક ખેડૂતોના પરિવારજનો માને છે કે ઘટનાની નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે મંત્રી અજય મિશ્ર ટેનીએ રાજીનામું આપી દેવું જોઈએ.
વિરોધ પક્ષનો આક્ષેપ છે કે મંત્રીપદ અને સ્થાનિક વર્ચસ વડે મંત્રી તેમના દીકરા વિરુદ્ધની તપાસમાં દખલ કરી શકે છે અને તેને પ્રભાવિત કરી શકે છે.
કેન્દ્રીય મંત્રી હાલ લખીમપુર ખીરીમાં હાજર છે.
તેમણે તેમના દીકરાની ધરપકડ પહેલાં પોતાના સંસદીય કાર્યાલયમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે "દેશમાં કાયદાનું રાજ છે અને અમારી સરકાર નિષ્પક્ષ રહીને કામ કરશે. તપાસ એજન્સીઓ યોગ્ય રીતે કામ કરશે, દોષીઓ સામે કાર્યવાહી થશે અને નિર્દોષ સામે કોઈ પગલાં લેવાશે નહીં."
આ મુદ્દે કૉંગ્રેસના પ્રવક્તા અખિલેશ પ્રતાપસિંહે કહ્યું હતું કે "મંત્રીએ જ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં, પડકાર ફેંક્યા હતા, ધમકીઓ આપી હતી. તેઓ તો ષડયંત્રકારોમાં સામેલ છે. આવા મંત્રી પાસેથી મંત્રીપદ આંચકી લેવું જોઈએ, પરંતુ અત્યાર સુધી મોદીજીએ એવું કેમ કર્યું નથી? "
વરિષ્ઠ રાજકીય પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, "રાજકારણમાં ઘણાં પગલાં લોકમિજાજ માટેનાં હોય છે. મંત્રી ઘટનામાં સામેલ ભલે ન હોય, પણ એમની નૈતિક જવાબદારી તો છે જ. દુઃખદ વાત એ છે કે વડા પ્રધાને આ બાબતે શોક વ્યક્ત કર્યો નથી, જે વાસ્તવમાં અમલદારશાહી માટે એક મોટો સંકેત છે."
સમાજવાદી પાર્ટીના નેતા અભિષેક મિશ્રા કહે છે કે "અજય મિશ્ર રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ મામલાની તપાસ યોગ્ય રીતે થશે નહીં અને તપાસના નામે જે કંઈ થશે તે દેખાડો હશે. અમારી માગ છે કે અજય મિશ્રને મંત્રીપદેથી પરથી હઠાવવામાં આવે. એ પછી જ આ મામલાની તપાસ થવી જોઈએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો