You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખીમપુર હિંસા અને એ બાદના રાજકારણ અંગે પ્રિયંકા ગાંધીએ બીબીસીને શું કહ્યું?
બુધવારે રાત્રે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ લખીમપુર ખીરીમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
આ સમયે તેમની સાથે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ, પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની, હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા, કૉંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલા તથા કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અજયકુમાર લલ્લુ પણ હાજર હતા.
પ્રિયંકા ગાંધીએ મુલાકાત દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે જ્યાં સુધી અજય મિશ્રા ટેની ભારત સરકારમાં પ્રધાનપદે હોય, ત્યાં સુધી આ મામલે નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે છે ?
મૃત ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત બાદ કૉંગ્રેસના નેતાઓ સ્થાનિક પત્રકાર રમન કશ્યપના પરિવારજનોને પણ મળ્યા હતા.
આ પહેલાં સીતાપુર ખાતે પ્રિયંકા ગાંધીને 60 કલાક કરતાં વધુ સમય સુધી અટકમાં રાખવામાં આવ્યા હતા, તે પછી તેમને છોડી દેવામાં આવ્યાં હતાં અને તેમને તથા તેમના ભાઈ રાહુલ ગાંધીને લખીમપુર જવાની મંજૂરી ઉત્તર પ્રદેશના ગૃહવિભાગ દ્વારા આપી દેવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
પ્રિયંકા ગાંધીએ અટકાયત દરમિયાન બીબીસી સંવાદદાતા વિનીત ખરે સાથે ફોન પર વાતચીત કરી હતી.
કૉગ્રેસ દ્વારા આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે, તેવા ભાજપના આરોપો ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું, "સૌથી વધુ રાજકારણ ભાજપ કરે છે, પરંતુ તેને બીજું નામ આપ્યું છે. રાષ્ટ્રવાદી છે એવું કહે છે. કયો રાષ્ટ્રવાદી ખેડૂતોને આ રીતે કચડાવા દે અને તેમના પર (આરોપીઓ) કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. કયો રાષ્ટ્રવાદી પોતાના રાજ્યની આખી પોલીસને લઈને એક મહિલાને અટકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આરોપીને પકડવા માટે પ્રયત્ન નહીં કરે."
"હું વડા પ્રધાનને પૂછવા માગુ છું કે આ ગૃહરાજ્યમંત્રી તેમની કૅબિનેટમાં છે. સમગ્ર પોલીસ તેમના હેઠળ આવે છે. તો શું પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે, જે મંત્રીને તેઓ રિપોર્ટ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં સપા તથા બસપા સરકાર પર દબાણ લાવવા માટે પ્રયાસ નથી કરી રહી, પરંતુ કૉંગ્રેસ સતત ધરાતલ પર સંઘર્ષ કરી રહી છે.
પ્રિયંકાએ મીડિયા ઉપર આરોપ મૂકતા કહ્યું, "હા એ સમસ્યા છે કે મીડિયા દેખાડવા તૈયાર નથી. મીડિયા પક્ષપાત કરે છે . મોટા ભાગના મીડિયાનું એક સ્વરૂપ થઈ ગયું છે અને તે સરકારનો જ પ્રૉપેગૅન્ડા ચલાવે છે."
પ્રિયંકા ગાંધીના કહેવા પ્રમાણે, તેઓ આ ઘટનાક્રમને ચૂંટણીના દૃષ્ટિકોણથી નથી જોતા.
તેમણે કહ્યું, "આખો દેશ જોઈ રહ્યો છે. તમે વીડિયો જોયો હશે, કેવી રીતે જીપ ચઢાવીને નિર્મમ રીતે લોકોને મારી નાખવામાં આવ્યા છે. આ ચૂંટણીનો મુદ્દો નથી. બધાના હૃદય દ્રવી ઊઠ્યા છે. બધાની માગ છે કે ન્યાય થાય. કોઈ નથી ઇચ્છતું કે આપણો દેશ એવો બની જાય કે જ્યાં અકસ્માત થાય અને ન્યાય ન મળે."
મૃતકોમાં ભાજપના કાર્યકર્તાઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે શું પ્રિયંકા તેમના પરિવારજનોને પણ મળશે, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "જે કોઈની સાથે હિંસા થઈ રહી છે, તે ખોટું છે. તેમના પ્રત્યે પણ હું સંવેદના વ્યક્ત કરું છું. મને જ્યારે પૂછવામાં આવ્યું કે 'હું કોને-કોને મળવા માગું છું?' તો મેં કહ્યું કે જો તેઓ મને મળવા રાજી હોય તો હું તેમને પણ મળવા માગું છું. જેમને કોઈને ઈજા પહોંચે, જે કોઈના પરિવારજનો ગુજરી ગયા છે. તેમને સંવેદના મળવી જોઈએ. ચાહે તે ભાજપનો હોય કે અન્ય કોઈ."
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું- લખીમપુર હિંસા મામલે કેટલી ધરપકડ થઈ?
સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી મામલે આજે સુનાવણી કરી હતી. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કાલે એક વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે.
કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે આ મામલે કોણ-કોણ આરોપી છે, કોની સામે એફઆઈઆર નોંધાઈ છે અને અત્યાર સુધીમાં કોની ધરપકડ થઈ છે, આ અંગે બધી જાણકારી કોર્ટ સમક્ષ રજૂ કરે.
આ મુદ્દે ચાલી રહેલી જ્યુડિશિયલ તપાસનું વિવરણ આપવા પણ સર્વોચ્ચ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્દેશ આપ્યા હતા.
આ ઘટનાક્રમમાં મૃત્યુ પામેલા યુવકની માતાને સારવાર માટે સહાય આપવા માટે પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા.
ગુરુવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે આ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી.
મુખ્ય ન્યાયાધીશ સિવાય જસ્ટિસ સૂર્યકાંત તથા જસ્ટિસ હિમા કોહલી પણ આ ખંડપીઠમાં બેઠા.
કેસને 'લખીમપુર ખીરીમાં હિંસાને કારણે જાનનું નુકસાન' એવું શીર્ષક આપવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં લખીમપુર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 75 કિલોમીટર દૂર નેપાળની સીમા સાથે જોડાયેલા તિકુનિયા ગામમાં રવિવારે થયેલી હિંસા અને આગચંપીમાં આઠ લોકોના મૃત્યુ થયા હતા.
મૃતકોમાં ખેડૂતો, સ્થાનિક પત્રકાર, ભાજપના કાર્યકર તથા ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આ સિવાય 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
લખીમપુર મામલે અત્યાર સુધીમાં શું-શું થયું?
ગત રાતે ઉત્તર પ્રદેશના લખીમપુર પહોંચેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળ્યાં હતાં.
તેમણે પીડિત પરિવાર સાથે બેસીને વાતો કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં પીડિતોના ઘરની બહાર ભીડ પણ જામી હતી.
તેમની સાથે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્ય મંત્રી ચરણજિત ચન્ની, કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ સાથે હતા.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચાર કૉંગ્રેસી નેતાઓ સાથે લખનૌ ઍરપૉર્ટથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા અને સીતાપુર પહોંચીને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધી લખીમપુર જવા ઇચ્છતાં હતાં પણ પોલીસતંત્રે તેમને સીતાપુરમાં જ રોકી રાખ્યાં હતાં.
રાહુલ ગાંધી આજે લખનૌ પહોંચ્યા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે યુપી પોલીસ તેમને ઍરપૉર્ટની બહાર નીકળવા નહોતી દેતી.
ઍરપૉર્ટથી રાહુલ ગાંધી પોતાની ગાડીઓમાં લખીમપુર જશે કે ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓમાં એના પર વિવાદ થયો હતો.
જોકે, પોલીસતંત્ર સાથેના વિવાદનો અંત આવતાં રાહુલ ગાંધી અને તેમના સાથીઓ પોતાની ગાડીઓમાં સવાર થઈને નીકળી ગયા હતા.
રાહુલ સાથે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ અને પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની તથા કૉંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ હતા.
દરમિયાન બુધવારે સવારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તથા સંસદસભ્ય રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી જવાની જાહેરાત કરી હતી.
ઘટનાસ્થળે જતા પહેલાં રાહુલ ગાંધીએ પત્રકારપરિષદને સંબોધી હતી.
બીજી બાજુ, ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે લખીમપુર ખીરીના ઘટનાક્રમ માટે જે કોઈ જવાબદાર હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
'ખેડૂતો ઉપર આક્રમણ'
રાહુલ ગાંધીએ કહ્યું, "છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ખેડૂતો ઉપર આક્રમણ થઈ રહ્યું છે. ખેડૂતોને જીપ નીચે કચડવામાં આવી રહ્યા છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના ગૃહમંત્રી વિશે વાત થઈ રહી છે, તેમના દીકરા વિશે વાત થઈ રહી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "ખેડૂતો ઉપર સતત હુમલા થઈ રહ્યા છે, આ પહેલાં તેમની જમીન ઝૂંટવી લેવામાં આવી. ત્રણ કાયદા લાગુ કરવામાં આવ્યા છે, આથી ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. સરકારને ખેડૂતોની શક્તિનો અંદાજ નથી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, "ગઈ કાલે મોદી લખનૌમાં હતા પણ તેઓ લખીમપુર ખીરી ના જઈ શક્યા. પોસ્ટમૉર્ટમ યોગ્ય રીતે નથી કરાઈ રહ્યું અને આ વિચારેલી રણનીતિ હેઠળ જો કોઈ કંઈ કહી રહ્યું છે તો એને બંધ કરી દેવામાં આવે છે."
રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી જવાની પોતાની યોજના અંગે ખુલાસો કરતાં કહ્યું કે, "144ની કલમ લાગુ છે એટલે પાંચ કરતાં વધુ લોકો જઈ ન શકે. એટલે અમે માત્ર ત્રણ જવા માગીએ છીએ. આ સંદર્ભે અમે વહીવટી તંત્રને પત્ર પણ લખ્યો છે."
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે અન્ય પક્ષના નેતાઓને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ માત્ર તેમની પાર્ટીના નેતાઓને જ અટકાવવામાં આવી રહ્યા છે. હાથરસ દુષ્કર્મકાંડનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું :
"ઉત્તર પ્રદેશમાં ક્રિમિનલ કંઈ પણ કરી શકે છે. મર્ડર કરનારા, રેપ કરનારા બહાર ફરે છે તથા પીડિત જેલમાં સબડે છે અને પછી મૃત્યુ પામે છે."
'પ્રિયંકાનો નહીં, ખેડૂતોનો મુદ્દો'
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ લખીમપુર ખીરી જઈને પીડિતોના પરિવારને મળવા માગે છે. ત્યાંની પરિસ્થિતિને જોવા માગે છે તથા ધરાતલ પરની વાસ્તવિકતાને જાણવા માગે છે.
પ્રિયંકા ગાંધી અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ અટકમાં છે, તે વાત ખરી, પરંતુ આ ખેડૂતોનો મુદ્દો છે અને વિપક્ષનું કામ દબાણ લાવવાનું હોય છે.
પ્રિયંકા ગાંધી દ્વારા પોલીસ ઉપર મૂકવામાં આવેલા આરોપો અંગે પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યું, "અમને મારી નાખો, દાટી દો, અમારી સાથે ખરાબ વર્તન કરો, તેનાથી કોઈ ફેર નથી પડતો. એ અમારી તાલીમ છે. આ મુદ્દો ખેડૂતોનો છે તથા તેમની વાત કરતા રહીશું."
રાહુલે કહ્યું, "અમારું કામ દબાણ લાવવાનું છે. હાથરસમાં અમે દબાણ વધાર્યું હતું, ત્યારે કાર્યવાહી થઈ હતી. જો અમે હાથરસ ગયા ન હોત તો ગુનેગાર બચી નીકળ્યા હોત. સરકાર અમને આ મુદ્દાથી દૂર રાખવા માગે છે, જેથી કરીને તેમની ઉપર દબાણ ન આવે."
મીડિયા પર નિશાન સાધતાં રાહુલે કહ્યું કે દબાણ લાવવાનું કામ મીડિયાનું હોવું જોઈએ, પરંતુ મીડિયા પોતાનું કામ નથી કરતું અને ભૂલી ગયું છે. મીડિયાની સાથે ભારતની દરેક સંસ્થા ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે ભારતમાં અગાઉ લોકશાહી હતી, પરંતુ હવે સરમુખત્યારશાહી છે.
તેમણે કહ્યું : "આ સરમુખત્યારશાહી એટલા માટે છે કેમ કે મોટા પાયે ચોરી થઈ રહી છે. દરેક સ્તર ઉપર ચોરી થઈ રહી છે. પહેલાં ભારતમાં લોકશાહી હતી, હવે સરમુખત્યારશાહી છે. રાજનેતા યુપી નથી જઈ શકતા."
'રાજા હોય કે રંક, કાર્યવાહી થશે'
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સિદ્ધાર્થસિંહના કહેવા પ્રમાણે, લખીમપુર ખીરીના મામલે રાજા હોય કે રંક દરેકની સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું :
"ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સત્યને બહાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. જે કોઈ દોષિત હશે, ચાહે રાજા હોય કે રંક તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે."
રાહુલ તથા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર નિશાન સાધતાં સિંહે કહ્યું :
"વિપક્ષ આ સંવેનશીલ મુદ્દે નકારાત્મક વલણ દાખવ્યું છે. તેમના માટે આ ફોટો ખેંચાવવા માટેની તક છે અને એજ તેમનો હેતુ પણ છે."
પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને સીતાપુરમાં અટકાવી દેવામાં આવ્યાં હતાં અને ગેસ્ટહાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં.
યુપી સરકારનું કહેવું છે કે જે કોઈને પીડિતોના પરિવારને મળવું હોય તેમને આગામી દિવસોમાં મળવા દેવામાં આવશે. અત્યારે તપાસપ્રક્રિયામાં અવરોધ ઊભો ન થાય, તે માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે અને કોઈને માહોલને ખરાબ કરવા દેવામાં નહીં આવે.
પોસ્ટમૉર્ટમમાં ખોટું થયું હોવાના આરોપોને સિંહે નકારી કાઢ્યા છે. એક પરિવારે આશંકા વ્યક્ત કરી હતી તો ચાર સભ્યોની કમિટી પાસે ફરીથી પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું હતું.
જોકે બાદમાં બુધવારે યુપીના ગૃહ વિભાગે રાહુલ ગાંધી, કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ત્રણ અન્ય નેતાઓને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી દીધી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો