રશિયામાં ફરી કોરોના બેકાબૂ, 24 કલાકમાં 929 દર્દીઓનાં મૃત્યુ - Top News

યુરોપિયન દેશ રશિયામાં કોરોના વાઇરસના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રશિયામાં છેલ્લા 24 કલાકમાં 929 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થયાં છે.

મહામારી ફેલાયા બાદ રશિયામાં દૈનિક મૃત્યુઆંકનો આ સૌથી મોટો આંકડો માનવામાં આવે છે.

રશિયામાં ઑગસ્ટ મહિનાથી ચેપી ડેલ્ટા વૅરિયન્ટ અને ધીમા રસીકરણને કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.

જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, રશિયા હાલમાં કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દેશોમાં છઠા સ્થાને છે.

બુધવાર સુધીમાં રશિયાની 146 મિલિયન વસ્તીમાંથી માત્ર 30 ટકાથી ઓછી વસ્તીનું રસીકરણ કરવામાં આવ્યું હતું છે.

રશિયાના નાયબ વડા પ્રધાન તાત્યાના ગોલિકોવાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે રસી વિનાના રશિયનોમાં મૃત્યુદર વધારે છે.

લખીમપુરી ખીરીમાં 'ચાર ખેડૂતોનાં મૃત્યુ ગાડી નીચે કચડાવાથી થયાં હતાં'

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ભાજપના નેતાઓએ કથિતરૂપે પોતાની કાર ખેડૂતો પર ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં આઠ લોકો માર્યાં ગયા હતા જેનો પોસ્ટમૉર્ટેંમ (પીએમ) રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ અનુસાર ચાર ખેડૂતોનું મૃત્યુ કાર નીચે કચડાઈ જવાથી થયું હતું જ્યારે ચાર લોકોનું મોત લિંચિંગ (ટોળા દ્વારા હિંસા) કારણે થયું છે.

‘નવભારત ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર ગુરવિન્દરના પરિવારને રિપોર્ટ પર વિશ્વાસ નહોતો તેથી મૃતકનું ફરી પોસ્ટમૉર્ટેંમ કરવામાં આવ્યું હતું.

ફરીથી પોસ્ટમૉર્ટેંમ બાદ તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. મૃત ખેડૂત દલજિતસિંહના પણ અંતિમસંસ્કાર કરી દેવાયા છે. પરિવારનો આરોપ હતો કે તેમનું મૃત્યુ ગોળી વાગવાથી થયું.

જોકે રિપોર્ટ અનુસાર કોઈનું પણ મૃત્યુ ગોળી વાગવાથી નથી થયું. લખીમપુર ખીરીની હિંસામાં જે આઠ લોકો માર્યાં ગયા છે તેમાં ચાર ખેડૂતો, ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકાર રમન કશ્યપનો સમાવેશ થાય છે.

સૌથી પહેલાં ખેડૂતો પર નેતાઓેએ કથિતરૂપે કાર ચડાવી દીધી હતી, જેમાં ચાર ખેડૂતો મૃત્યુ પામ્યાં. આને પરિણામે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ કથિતરૂપે નેતાઓની કારો સળગાવી હતી. જ્યારે ચાર લોકોનું કથિતરૂપે લિંચિંગ પણ થયું હતું. જેમાં ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકારનો સમાવેશ થાય છે.

આ સમગ્ર મામલામાં પોલીસે મંત્રીના પુત્ર સહિત 14 સામે ફરિયાદ દાખલ કરી છે જેમાં કેટલાક વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે.

કેન્દ્રીય મંત્રીના ડ્રાઇવર હરી ઓમ મિશ્રા અને અન્ય ભાજપના કાર્યકર્તાના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેમને ડંડા ફટકારવામાં આવ્યા હતા, પત્રકાર રમન કશ્યપને પણ લાઠીથી માર મારવામાં આવ્યો હતો.

લખીમપુર ખીરીની આ ઘટના બાદ માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને મળવા જઈ રહેલા કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, દીપેન્દર હુડ્ડા, અજય કુમાર લલ્લુની અટકાયતના 24 કલાક બાદ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કુલ 10 લોકોની ધરપકડ કરાઈ છે. જેને પગલે કૉંગ્રેસે આ કાર્યવાહી સામે સવાલો ઊઠાવ્યા હતા.

ફેસબુક ખોટકાતા ઝુકરબર્ગના 7 બિલિયન ડૉલર્સનું ધોવાણ?

સોશિયલ મીડિયા ઍપ્લિકેશન ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સૅપની સર્વિસ સોમવારે રાતે બંધ થઈ ગઈ હતી અને તે લગભગ સાત-નવ કલાક કરતાં વધુ સમય સુધી ઠપ રહેતા ત્રણે સોશિયલ મીડિયા સર્વિસના કરોડો યુઝર્સ પરેશાન થઈ ગયા હતા.

‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના રિપોર્ટ અનુસાર ફેસબુકના માલિક ઝુકરબર્ગને કુલ રૂ. 3.53 લાખ કરોડથી વધારે નુકસાન થયું છે, જેમાં ફેસબુકની માર્કેટ કૅપના ધોવાણ અને સાતથી નવ કલાક દરમિયાન કંપનીને જાહેરાતની આવક તરીકે અંદાજે 10 કરોડ ડૉલરના નુકસાનનો સમાવેશ થાય છે. જોકે, ત્રણેય સોશિયલ મીડિયા ઍપની સર્વિસ મંગળવારે વહેલી સવારે પુનઃ શરૂ થઈ ગઈ હતી.

ફેસબુક ઇન્કે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સૅપની સેવા વૈશ્વિકસ્તરે આઉટેજના લીધે ઠપ થઈ એ અંગે શરૂઆતમાં કોઈ કારણ જાહેર કર્યું નહોતું.

જોકે, રૉયટર્સે ફેસબુકના કર્મચારીઓને ટાંકીને એક રિપોર્ટમાં કહ્યું કે તેમને લાગે છે કે આંતરિક રાઉટિંગમાં એક ભૂલના કારણે આ આઉટેજ સર્જાયું હતું. અનેક સિક્યૉરિટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફેસબુક, વૉટ્સૅપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાનું કારણ આંતરિક ભૂલ હતી.

આ આઉટેજના કારણે ફેસબુક ઇન્ક.ને જંગી નુકસાન થયું હતું. અમેરિકન શૅર બજારમાં ફેસબુકના શૅરના ભાવમાં 4થી વધુ ટકાનો ઘટાડો થતા કંપનીની માર્કેટ કૅપમાં 47.3 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. પરુણામે ફેસબુકના માલિક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ 7 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો