અરવિંદ ત્રિવેદી : 'રામાયણ' સિરીયલના 'રાવણ'નું નિધન

દિગ્ગજ ગુજરાતી અભિનેતા અને રામાનંદ સાગરની પ્રખ્યાત રામાયણ સિરીયલમાં રાવણની ભૂમિકા નિભાવનાર અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે.

તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગુજરાતી અભિનેતા ઘનશ્યામ નાયકના નિધન બાદ ગુજરાતી મનોરંજન જગત માટે આ ફરી એક માઠા સમાચાર છે.

અહેવાલો અનુસાર અરવિંદ ત્રિવેદીનું નિધન હાર્ટ ઍટેકને કારણે થયું છે. એમની ઉંમર 83 વર્ષની હતી.

1987-88ના સમયમાં રામાનંદ સાગર નિર્મિત રામાયણ સિરીયલે ભારતમાં મનોરંજનમાં નવો ઇતિહાસ સર્જ્યો હતો અને લોકોમાં તેને ખૂબ ક્રેઝ હતો.

અરવિંદ ત્રિવેદી આમાં રાવણની ભૂમિકા ભજવી હતી. ધારાવાહિકમાં રામની ભૂમિકા અરૂણ ગોવિલે ભજવી હતી તો સીતાની ભૂમિકા દીપિકા ચિખલિયાએ ભજવી હતી.

રામાયણ સિરીયલ સિવાય તેમણે ચારેક દાયકામાં 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો અને અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી.

રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી ગુજરાતની સાબરકાંઠા બેઠક ઉપરથી ભાજપની ટિકિટ ઉપર સંસદસભ્ય બન્યા હતા.

રામાયણનો ક્રેઝ

પ્રો. રાજગોપાલે ગતવર્ષે બીબીસીને જણાવ્યું, "ઉત્તર ભારતમાં રામાયણનાં પ્રસારણ સમયે જનજીવન ઠપ થઈ જતું. સ્ટેશન પર ટ્રેનો ઊભી રહી જતી, બસો અટકી જતી અને મુસાફરો ઉતરી જતાં. રસ્તા ઉપર જ્યાં ક્યાંય ટીવી જોવાં મળે ત્યાં મોટી સંખ્યામાં એકઠાં થઈ જતાં."

"કશું સંભળાતું કે દેખાતું ન હોય તો પણ, ત્યાં હાજર રહેવું મહત્ત્વપૂર્ણ હતું."

બીબીસી સંવાદદાતા સૌતિક બિશ્વાસના કહેવા પ્રમાણે, "એ સમયે રવિવારે સવારે રસ્તા સૂમસામ ભાસતાં, દુકાનો બંધ રહેતી. સિરિયલ શરૂ થાય તે પહેલાં લોકો સ્નાન ઇત્યાદિ પતાવીને ટીવીને હાર ચડાવતા."

બીબીસીના રાહુલ વર્માએ 2019માં લખ્યું કે મારા દાદી 'રામાયણ'નાં પ્રસારણ પહેલાં ઘરમાં દીવા-અગરબતી કરતાં અને પૂજાપાઠનો ક્રમ પતાવી લેતાં. પ્રસારણ પહેલાં તેઓ ઘરમાં જમીન ઉપર ખુલ્લાંપગે બેસતાં અને માથે ચુંદડી ઓઢતાં. પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે આ કાર્યક્રમને માણતી.

વિશ્વના પાંચ ખંડોમાં દેખાડવામાં આવેલી રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધુ લોકોએ ટીવી પર જોઈ હતી.

કહેવાય છે કે તે સમયમાં રામાયણના પ્રસારણ દરમિયાન ઑફિસરથી લઈને નેતાઓ સુધી કોઈને મળવાનું તો શું પરંતુ ફોન ઉપાડવાનું પણ પસંદ કરતા ન હતા.

જ્યારે 'રામાયણ'માં રાવણનું મૃત્યુ થયું ત્યારે રાવણનો રોલ ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો