You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી ભાજપને ફાયદો અને કૉંગ્રેસ નુકસાન કરી ગઈ?
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભાજપે સરળતાથી મહાનગરપાલિકામાં ભગવો લહેરાવી દીધો છે. ગઈ વખતે 44 બેઠકોમાંથી ભાજપ અને કૉંગ્રેસને સરખી બેઠકો મળી હતી. તો આ વખતે ભાજપને 41 બેઠકો મળી અને કૉંગ્રેસને બે બેઠકો પર સમેટાઈ ગઈ છે.
ગુજરાતના રાજકારણમાં આમ તો પરંપરાગત રીતે બે પક્ષો જ હાવી રહે છે પરંતુ આ વખતે આ ત્રિપાંખિયો જંગ હતો જેમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું.
વર્ષની શરુઆતમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખાતું ખોલ્યું હતું અને ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની સંભાવનાઓ જગાવી હતી.
આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની ભૂમિકામાં પોતાનું ખાતું ખોલ્યું ત્યાર બાદ ગુજરાતના રાજકારણમાં એક નાનકડો ભૂકંપ આવી ચૂક્યો છે. ભાજપે અચાનક મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખ્યું છે.
જોકે, ગાંધીનગરમાં પૂરું જોર લગાવ્યા છતાં આમ આદમી પાર્ટી સુરતના ચૂંટણીપરિણામનું પુનરાવર્તન કરી શકી નથી.
ગાંધીનગર મહાનગરપાલિકામાં 40 ઉમેદવાર ઉતારનાર આમ આદમી પાર્ટીના તુષાર પરીખ જ એક બેઠક જીત્યા અને બાકીના ઉમેદવારોને હતાશા હાથ લાગી છે.
જોકે, આ રાજકીય બાજીમાં ખેલ બગડ્યો હોય તો તે કૉંગ્રેસનો છે. ભાજપને નુકસાન થવાની વાત તો દૂર તેની તો બમ્પર જીત થઈ છે.
રાજકીય વિશ્લેષકોનો માનતા હતા કે આમ આદમી પાર્ટીના પ્રવેશથી ભાજપવિરોધી મતો કૉંગ્રેસ અને AAP વચ્ચે વહેંચાવાથી લાભ ભાજપને જ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ચૂંટણીપરિણામથી પણ સ્પષ્ટ છે કે આખરે આ ત્રિપાંખિયો જંગ ભાજપને ફળ્યો અને આમ આદમી પાર્ટી ભલે સુરતના ચૂંટણીપરિણામનું પુનરાવર્તન ન કરી શકી પણ ખાતું તો ખોલાવી જ શકી છે.
ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું કે, "હું ફરીથી કહું છું કે ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે કોઈ જગ્યા નથી."
તો શું ભાજપને મળેલી સફળતા અને કૉંગ્રેસનું ખાતું એક બેઠક સુધી સીમિત થવા પાછળ આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી પણ એક ફૅક્ટર છે?
ભાજપને ફાયદો અને કૉંગ્રેસને નુકસાન
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે પુરવાર તો એ જ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. કારણ કે આમ જોઈએ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ કૉંગ્રેસની વોટબૅન્ક તૂટી છે ભાજપની નહીં. સુરતમાં પણ આવું જ થયું હતું.
આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેવાનો તાત્પર્ય સમજાવતાં તેઓ કહે છે કે "સુરતમાં મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ જે બેઠકો જીતી એ કૉંગ્રેસની વોટબૅન્કને તોડીને જીતી હતી. પાટીદાર નેતાઓ જેમને કૉંગ્રેસમાંથી ટિકિટ નહોતી મળી એ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા હતા અને આ રીતે મત પણ આમ આદમી પાર્ટીની તરફેણમાં પડ્યા હતા."
જોકે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાના આ આરોપને નકારતી આવી છે.
સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે "જ્યારે પણ ભાજપને લાગે છે કે ગુજરાતમાં તેમની પરિસ્થિતિ કથળી રહી છે તો તે ત્રીજો ફ્રન્ટ ઊભો કરે છે. 2007માં મહાગુજરાત જનતા પરિષદ અને 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી કે પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને હવે આમ આદમી પાર્ટી."
તેમણે કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઊતરવું એ ભાજપની ચાલ છે જેનાથી ભાજપવિરોધ મતો કૉંગ્રેસ પાસેથી આંચકી લેવાય.
તો ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કેટલાય રોડશો કરીને એડીચોટીનું જોર લગાવનાર ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે ભાજપના કાર્યકરોની મહેનતના કારણે આ ચૂંટણીમાં જીત મળી છે.
તેમનો દાવો છે કે આ વખતે ભાજપને 41 બેઠકો મેળવી છે અને કૉંગ્રેસને બે બેઠક મળી છે.
પાટીલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે "જે ચૂંટણી પહેલાં બહુ ગાઝતા હતા, પણ વરસ્યા નહીં એમને એક જ બેઠક મળી છે."
આમ આદમી પાર્ટીની સંભાવનાઓ અંગે વાત કરત અજય ઉમટ કહે છે કે "આમ આદમી પાર્ટી માહોલ તો બનાવી શકે, ભાજપની સરકાર સામે માહોલ ઊભો થઈ જાય તો પણ પાર્ટી પાસે એટલું કાર્યબળ હોવું જોઈએ જે એ માહોલને વોટમાં પરિવર્તિત કરી શકે. પરંતુ આમ આદમી પાર્ટી પાસે હાલ એ ફાઇલ ઍન્ડ રૅન્ક નથી."
જોકે તેઓ કહે છે કે 2022ની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કેવી સંભાવનાઓ રહેશે એ વિશે અત્યારે કંઈ પણ કહેવું વહેલું હશે. રાજકીય પક્ષના નેતૃત્વ સહિત અનેક ફૅક્ટર છે જે કામ કરતા હોય છે.
ગુજરાતમાં એકછત્ર ભાજપનું રાજ?
વડોદરાની એમએસયુનિવર્સિટીના પ્રોફેસર અમિત ધોળકિયા પણ આ વાત સાથે સહમત થાય છે કે "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રીથી ફાયદો ભાજપને જ છે. ભાજપનો વોટ શૅર અકબંધ છે. આમ આદમી પાર્ટીએ પાટીદારોને રિઝવ્યા હતા પરંતુ ભાજપે પાટીદાર મુખ્ય મંત્રી બનાવી અને મંત્રીમંડળમાં પણ પાટીદારોને મહત્ત્વ આપીને બાજી પલટાવી નાખી છે. આમ આદમી પાર્ટી માટે એ રસ્તો પણ હવે સરળ નથી."
તેઓ આગળ કહે છે કે "હજુ આ વહેલું કહેવાય પણ એવું જોવા મળી શકે કે ભવિષ્યમાં કૉંગ્રેસની પરંપરાગત બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડે તો ભાજપવિરોધ વોટબૅન્ક જે પહેલાં કૉંગ્રેસના પક્ષમાં હતી એ તૂટે અને એ બેઠકો પર પણ ભાજપને ફાયદો થાય."
પ્રોફેસર અમિત ધોળકિયાનું કહેવું છે કે "આમ તો કૉંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ પણ વિઘટિત છે અને પાર્ટી વેરવિખેર છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કહેતા હોય કે રાજ્યમાં ત્રીજા પક્ષને સ્થાન જ નથી તો એમ કહી શકાય કે ભાજપને તો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોઈનો પણ પડકાર નથી દેખાતો. "
'આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી'
આમ આદમી પાર્ટીના નેતાઓ પણ માને છે કે પાર્ટીનું સંગઠન નાનું, સીમિત અને બિનઅનુભવી છે.
આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં પ્રચુર પ્રચાર કર્યો હતો. 40 ઉમેદવારો ઉતાર્યા હતા અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા પણ પ્રચાર માટે આવ્યા હતા. જોકે પાર્ટીને એક જ બેઠક પર સંતોષ કરવો પડ્યો હતો.
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બીબીસી ગુજરાતી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કહ્યું કહ્યું કે "આમ આદમી પાર્ટી પાસે ભાજપ અને કૉંગ્રેસ જેટલા પૈસા નથી, રાજકીય અનુભવ નથી. પહેલી વખત ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણી લડી અને મોટામોટા નેતાઓને રોડશો કરતા કરી દેવાનું કામ કર્યું."
"આમ આદમી પાર્ટીને જનતાએ 17 ટકા જેટલા મત આપીને અમારું સન્માન કર્યું છે."
આપ ભાજપની બી ટીમ છે એવા આરોપોનો જવાબ આપતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગાંધીનગરની ચૂંટણીમાં કૉંગ્રેસના એક પણ મોટા નેતા, પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિપક્ષના નેતા કે વર્તમાન વિપક્ષના નેતા કોઈ પણ ગાંધીનગરની ચૂંટણીમાં દેખાયા નથી.
તેઓ કહે છે, "કૉંગ્રેસના નેતાઓની ઝીરો મહેનત છતાં જનતાએ આટલા મત આપ્યા એમનો આભાર માનવાને બદલે અમારા ઉપર દોષારોપણ કરે છે."
તેમણે દાવો કર્યો, "હું પ્રદેશ પ્રમુખ તરીકે તથા પાર્ટીના દસ આગેવાનો ઘરેઘરે પરસેવો પાડતા હતા, એકએક મત મેળવવા માટે મહેનત કરતા હતા , ત્યારે 17 ટકા મત મળ્યા છે. કૉંગ્રેસના નેતાઓ એસીમાં બેસીને ટ્વીટ કરી છતાં લોકોએ મત આપ્યા એમનો આભાર માનવાને બદલે અમારા ઉપર હારનું ઠીકરું ફોડે છે. "
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી કેમ મહત્ત્વની?
ગાંધીનગરના 11 વૉર્ડમાં 162 ઉમેદવારો ચૂંટણીમેદાનમાં હતા. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા એ પછી પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી અને તેથી ભાજપ માટે આ ચૂંટણીનું મહત્ત્વ વધી ગયું હતું.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ ગાંધીનગરમાં રોડ શો યોજ્યા હતા, ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
ભાજપની સામે વિપક્ષ કૉંગ્રેસ મેદાનમાં હતી, સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણીમેદાનમાં હતા અને એથી આ ત્રિપાંખિયો જંગ થયો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે મુલતવી રાખવામાં આવી હતી.
આ વર્ષે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતી હતી.
ભાજપ અને કૉંગ્રેસે તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
2016માં કૉંગ્રેસ અને ભાજપને એકસરખી બેઠકો મળી હતી. ત્રણ કૉંગ્રેસ કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપના હાથમાં કૉર્પોરેશનની સત્તા આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો