ગાંધીનગરમાં ભાજપનો વિજય, પાટીલે કહ્યું, 'ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી'

ચૂંટણીપંચ પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકાની તમામ 44 બેઠકનું પરિણામ આવી ગયું છે. 41 પર ભાજપની જીત થઈ છે, જ્યારે બે બેઠક પર કૉંગ્રેસ અને એક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે.

આ વખતે ભાજપ અને કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઊભા રાખતાં ત્રિપાંખિયો જંગ હતો. જોકે, ભાજપે સરળતાથી મહાનગરપાલિકામાં ભગવો લહેરાવી દીધો છે.

આ પહેલાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અંકિત બારોટ અને આમ આદમી પાર્ટીના તુષાર પરીખની જીત સાથે બંને પાર્ટીએ તેમનું ખાતું ખોલાવ્યું હતું. જોકે, બન્ને પક્ષો ભાજપના વિજયને અટકાવી શક્યા નહોતા.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ગઈ વખતે ભાજપ પાસે 17 અને કૉંગ્રેસ પાસે 15 બેઠક હતી.

ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે જગ્યા નથી : સી. આર. પાટીલ

ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 44માંથી 41 બેઠક મળી, એ બાદ જીતની ઘોષણા કરવા માટે ભાજપે પત્રકારપરિષદ કરી હતી.

ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પત્રકારપરિષદને સંબોધી હતી.

સી. આર. પાટીલે કહ્યું કે, "ગાંધીનગર મહાનગરપાલિકામાં ગઈ વખતે ભાજપ પાસે 17 અને કૉંગ્રેસ પાસે 15 બેઠક હતી. ભાજપે 41 બેઠકો મેળવી છે અને કૉંગ્રેસને બે મળી છે."

પાટીલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે "જે ચૂંટણી પહેલાં બહુ ગાજતા હતા, તે વરસ્યા નહીં. એમને એક જ બેઠક મળી છે."

પાટીલે કહ્યું કે, "હું ફરીથી કહું છું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી."

આ ચૂંટણી નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે મહત્ત્વપૂર્ણ મનાતી હતી.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "ભાજપની જ્યારે ગાંધીનગરમાં અમે રેલી કરી ત્યારે જ કહ્યું હતું કે અમારી પાર્ટી ચૂંટણીલક્ષી કામો કરતી પાર્ટી નથી."

"આજે ભાજપની ગાંધીનગરમાં જ નહીં, જ્યાં-જ્યાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ હતી, ત્યાં-ત્યાં મોટા ભાગે જીત થઈ છે."

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા એ પછી પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી અને એથી ભાજપ માટે આ ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ ગાંધીનગરમાં રોડ શો યોજ્યા હતા, ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

ભાજપની સામે વિપક્ષ કૉંગ્રેસ તો મેદાનમાં હતી પણ સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણીમેદાનમાં હતા અને એથી આ ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે મુલતવી રાખવામાં આવી હતી.

આ વર્ષે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતી હતી. અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમદેવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપ અને કૉંગ્રેસે તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

2016માં કૉંગ્રેસ અને ભાજપને એકસરખી બેઠકો મળી હતી.

ત્રણ કૉંગ્રેસ કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપના હાથમાં કૉર્પોરેશનની સત્તા આવી હતી.

ત્રિપાંખિયો જંગ

ગાંધીનગરમાં ગત રવિવારે મતદાન થયું હતું અને કોરોના ગાઇડલાઇન્સને ધ્યાનમાં લઈને વ્યવસ્થા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતી લાવે છે, એની પર સૌની નજર હતી.

રાજકીય વિશ્લેષકોનો મત હતો કે આમ આદમી પાર્ટીના પ્રવેશથી ભાજપવિરોધી મતો કૉંગ્રેસ અને AAP વચ્ચે વહેંચાઈ જશે, જેનો લાભ ભાજપના થશે અને પરિણામ જોતાં એ સાચા ઠર્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો