ગુજરાતના અંદાજે 9 હજાર તલાટીઓ ગુજરાત સરકારથી નારાજ કેમ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"હું સંયુક્ત પરિવારમાં રહું છું, મારા ઘરમાં આઠ સભ્યો છે, મારે એક વર્ષનું બાળક છે. કામનું ભારણ હોય છે, ઘરની જવાબદારી, બાળકને સાચવવાના- આ બધાને સાથે રાખીને નોકરી કરવું બહુ મુશ્કેલ બની જાય છે."

મનીષાબહેન ચોટીલા તાલુકામાં તલાટી તરીકે છેલ્લાં છ વર્ષથી સેવા બજાવે છે.

તેમને તલાટીની નોકરીમાં એક મહિલા તરીકે કેવીકેવી સમસ્યાનો સામનો કરવો પડે છે એ તેમના શબ્દોમાં વર્ણવે છે.

તેઓ કહે છે કે "ચોટીલામાં તલાટીની જગ્યાઓ બહુ ઓછી છે, અહીં એક તલાટી પાસે ચાર-પાંચ ગામનો ચાર્જ હોય છે."

"હું બાળકને સાથે લઈને નોકરી પર જાઉં છું. સામાજિક સંઘર્ષ પણ રહે છે, મહિલા તરીકે તલાટીની નોકરીમાં બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે."

ગુજરાતના પંચાયત વિભાગના તલાટીઓએ તેમની કેટલીક પડતર માગણીઓને લઈને ગુજરાત સરકાર સામે બાંયો ચડાવી છે.

પહેલી ઑક્ટોબરે રાજ્યમાં તાલુકાકક્ષાએ તલાટીઓએ માસ સીએલ પર ઊતરીને વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં પણ તલાટીઓ તેમના વિરોધ-કાર્યક્રમો યોજવાના છે.

ફિક્સ ભરતી, એક ગામ, એક તલાટી, પ્રમોશન, કામગીરી વગેરે મુદ્દાઓને લઈને તેઓ સરકાર સામે છેલ્લા કેટલાક સમયથી માગણીઓ કરી રહ્યા હોવાનું તલાટીમંડળનું કહેવું છે.

તાલુકાકક્ષાએ તલાટીઓ ભેગા થયા હતા અને તેમની માગણીઓને બેનરના સ્વરૂપથી રજૂ કરી હતી.

તલાટીઓની મુખ્ય માગણી ફિક્સ પગાર બાદ તેમની નોકરી સળંગ ગણવાની છે.

ગુજરાત તલાટી-મંત્રી મહામંડળના પ્રમુખ પંકજ મોદીએ બીબીસી સાથેની વાતચીતમાં તેમની પડતર માગણીઓનું એક લિસ્ટ રજૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે "વર્ષ 2004-05-06માં ફિક્સ પગારની જે ભરતી કરવામાં આવી હતી, એ લોકોને પાંચ વર્ષ પૂરાં થયાં અને પછી બીજાં 12 વર્ષ થયાં એટલે કે 17 વર્ષ નોકરીને થઈ ગયાં છે, તો એમની નોકરી સળંગ ગણવાની અમારી સરકાર પાસે એક પડતર માગણી છે."

તેમણે વધુમાં કહ્યું કે "2018માં (ત્યારે નીતિન પટેલ નાયબ મુખ્ય મંત્રી હતા) અમને તલાટીને વિસ્તરણ અધિકારી, સર્કલ ઇન્સ્પેક્ટરનું જે પ્રમોશન મળતું હતું એ જગ્યા રદ કરી નાખવામાં આવી. અને અપગ્રેડમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) બનાવ્યા. વિસ્તરણ અધિકારી તરીકે સહકાર અને આંકડા વિભાગમાં પ્રમોશન આપવું જોઈએ. આની ફાઇલ અમારી ત્રણ વર્ષથી ચાલે છે, પણ સરકાર કોઈ નિરાકરણ લાવતી નથી."

પંકજ મોદીનું કહેવું છે કે અમારા પંચાયતના તલાટીને 568 પ્રકારની કામગીરી કરવી પડે છે.

તેઓ સરકાર સામે માગ કરે છે કે રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટીને મર્જ કરવા મહેસૂલ વિભાગના 2017માં થયેલા પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી-કમ-મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 રૂપિયા આપવો જોઈએ.

તલાટીઓની મુખ્ય શું માગણી છે?

  • 2006માં નિમણૂક પામેલા તલાટી-કમ-મંત્રીને 18-01-2017ના પરિપત્ર મુજબ લાભો આપીને પ્રથમ ઉચ્ચતર ધોરણ મંજૂર કરવામાં આવે.
  • આંતરજિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવાની નીતિ નક્કી કરવામાં આવે.
  • પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગોની વધારાની કામગીરી ન સોંપવામાં આવે.
  • E-tas કે અન્ય ઉપકરણથી તલાટી-કમ-મંત્રીની હાજરી પૂરવાના નિર્ણયો રદ કરવામાં આવે.
  • તલાટી-કમ-મંત્રીનું નવીન મહેકમ મંજૂર કરીને નવી ભરતી કરીને 'એક ગામ એક તલાટી'ની નિમણૂક કરવામાં આવે.

અત્યાર સુધીમાં તલાટીઓએ કેવા કાર્યક્રમો આપ્યા?

પંકજ મોદીએ કહ્યું કે "અગાઉ તેમણે તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પણ તેમની પડતર માગણીઓને લઈને આવેદનપત્ર આપેલું છે. બાદમાં આખા ગુજરાતમાં ડીડીઓ અને કલેક્ટરને પણ આવેદન આપ્યું હતું. ત્યારબાદ રાજ્યના તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો."

એ બાદ તલાટીઓએ 'પેન ડાઉન'નો કાર્યક્રમ આપ્યો, જેમાં ગામે તલાટીઓ હાજર થયા હતા, પણ કામ નહોતું કર્યું.

અને હવે પહેલી ઑક્ટોબરે તલાટીઓએ માસ સીએલ મૂકીને તમામ તાલુકાકક્ષાએ ધરણાં કર્યાં હતાં.

તલાટીઓએ તેમની માગણીઓને લઈને મહેસૂલી અને તમામ ઑનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

તલાટીઓનો દાવો છે કે ગુજરાતના આશરે નવ હજાર તલાટીઓ આ પડતર માગણીના કાર્યક્રમમાં જોડાયા હતા.

તેમનું કહેવું છે કે સરકાર અમારી સમસ્યા નહીં સાંભળે ત્યાં સુધી અમે આ રીતે કાર્યક્રમો આપતા રહીશું.

પંકજ મોદીએ કહ્યું કે "આગામી સાત ઑક્ટોબરે પણ અમે જિલ્લામથકે ધરણાં કરવાના છીએ અને છતાં જો સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો 12 ઑક્ટોબરે ગાંધીનગરમાં અમે હડતાળનો પ્રારંભ કરીશું."

તલાટી-મંત્રી મહામંડળના પ્રમુખનું કહેવું છે કે "એવું નથી કે આ અમે પહેલી વાર વિરોધ કર્યો છે. અમારે વર્ષોથી અમારી માગણીઓ સરકાર સામે મૂકતા આવ્યા છીએ અને અમે જે તે સમયે નક્કી કરેલા વિરોધ-કાર્યક્રમના ભાગરૂપે હવે તેને મૂકી રહ્યા છીએ."

તો પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ બીબીસી સાથેની વાતચીતમાં તલાટીઓના પડતર પ્રશ્નો મામલે સરકાર હકારાત્મક હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે "અમે સંબંધિત વિભાગને આ અંગે સૂચના આપી છે અને તલાટીઓના જે કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવી રહ્યા છીએ અને તલાટી ઍસોસિયેશન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો