You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રી પદ્મનાભસ્વામી મંદિર : દુનિયાના આ સૌથી સમૃદ્ધ મંદિરના અબજો રૂપિયાના ખજાનાનું શું થશે?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી માટે
એવું લાગે છે કે કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિર માટે જ આ કહેવત બની હશે - તમે જેટલા સમૃદ્ધ હો એટલી તમારી સમસ્યા વધારે અને કાનૂની લડાઈ પણ મોટી લડવી પડે.
દુનિયાના આ સૌથી સમૃદ્ધ મંદિર માટે પણ હાલમાં જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મંદિરના ટ્રસ્ટના 25 વર્ષના (1989-90થી 2013-14 સુધીના) હિસાબોનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે.
છેલ્લા કેટલાંક વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહેલા સંચાલકો અને તેના ઑડિટરો માટે આ એક નવી મુશ્કેલી આવી છે.
અદાલતે નીમેલા એમિકસ ક્યૂરી (ન્યાયમિત્ર)ના એક રિપોર્ટ અનુસાર દેશના તે વખતના કૅગના વડા વિનોદ રાયે મંદિરના હિસાબોનું સીમિત ઑડિટિંગ કર્યું હતું. તે પછી કેરળ સરકારે ઉતાવળે મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડી હતી.
કૅગના અહેવાલ અનુસાર મંદિરના જુદાંજુદાં ભોયરાંમાં અથવા તિજોરીમાં રાખવામાં આવેલા આભૂષણોની કિંમત લગભગ એક લાખ કરોડ હોઈ શકે છે.
આટલી મોટી રકમનાં ઘરેણાં હોવાની વાત પછી કેટલાક લોકોએ કહેલું કે દેશની નાણાકીય ખાધ પૂરવા માટે આ ખજાનો કામ આવી શકે તેમ છે. જોકે મંદિરમાં બીજી પ્રાચીન વસ્તુઓ પણ છે અને તેનું મૂલ્યાંકન હજી સુધી કરવામાં આવ્યું નથી.
જરૂરી ખર્ચ માટે અદાલતનો આશરો લીધો વ્યવસ્થાપક સમિતિએ
એક દાયકા પછી મંદિરની સંપત્તિઓનું મૂલ્ય વધીને કેટલાય ગણું થઈ ગયું હશે તેમ માનવામાં આવે છે. જોકે વિડંબના એ છે કે મંદિરની વ્યવસ્થાપક સમિતિએ સંચાલન માટે જરૂરી ખર્ચ માટે નાણાંની માગણી સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવા પડ્યા છે.
કેરળના સૌથી સિનિયર જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ મંદિરની વ્યવસ્થાપક સમિતિ કામ કરે છે. સમિતિએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેની સામે 'અભૂતપૂર્વ નાણાકીય સંકટ' આવીને ઊભું છે. મંદિરના નિભાવ માટેનો રોજિંદો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાને કારણે એક વર્ષ કરતાંય વધુ સમય મંદિર બંધ રહ્યું હતું અને તેના કારણે શ્રી પદ્મનાભસ્વામી મંદિરની માસિક આવક ઘટીને 50-60 લાખ રૂપિયા થઈ ગઈ છે.
તેની સામે મંદિર સાથે જોડાયેલા કર્મચારીઓનો પગાર તથા પૂજા-અનુષ્ઠાન માટે મંદિરને દર મહિને 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ સ્થિતિમાં મંદિરે બચત અને ફિક્સ્ડ ડિપોઝિટને તોડીને તેમાંથી ખર્ચ કરવો પડી રહ્યો છે.
વ્યવસ્થાપક સમિતિએ આ મુશ્કેલી માટે પ્રથમ તો મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી નિરાશા જ મળી. ટ્રસ્ટ તરફથી કોઈ મદદ મળી નહીં.
ઇતિહાસકાર એમ.જી. શશિભૂષણે આ મંદિર વિશે જ 'વર્લ્ડસ રિચેસ્ટ ટૅમ્પલ: ધ શ્રી પદ્મનાભસ્વામી ટૅમ્પલ' નામનું પુસ્તક લખ્યું છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વ્યવસ્થાપક સમિતિ અને મંદિર ટ્રસ્ટ વચ્ચે શિતયુદ્ધ જેવી સ્થિતિ છે. બહારથી ભલે ના દેખાતું હોય, પણ મામલો એવો જ છે.
શ્રી પદ્મનાભસ્વામી મંદિરનો ઇતિહાસ
ભગવાન વિષ્ણુની આરાધના માટે 8મી સદીમાં બનેલું આ મંદિર ભારતના 108 વિષ્ણુ મંદિરમાંનું એક છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમનું નામ પણ શ્રી અનંત પદ્મનાભસ્વામી ભગવાન પરથી જ પડ્યું છે.
મંદિરના એક કાર્યકર રાહુલ ઈશ્વરે બીબીસીને જણાવ્યું કે, ''આ મંદિર અદ્વિતિય છે, કેમકે ત્રાવણકોરના મહારાજા (ચિતિરા તિરુનલ બલરામ વર્મા)એ પોતાનું સંપૂર્ણ રાજ્ય ભગવાનને સમર્પિત કરેલું હતું. અહીંના દેવતાને જ કાનૂની સત્તા માનવામાં આવે છે. મહારાજાએ આ મંદિર માટે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. ટેકનિકલી મંદિરની આવક થાય તે આ ટ્રસ્ટને મળતી નથી.''
રજવાડાં ભારતમાં વિલય કરી દેવાયાં ત્યારે ભારત સરકારે એક અપવાદ કરીને ત્રાવણકોરના તત્કાલિન મરાહાજને મંદિર ચલાવવા માટે અનુમતી આપી હતી. તે સિવાયનાં બીજાં મંદિરોને 'દેવસોમ બોર્ડ' હેઠળ લઈ લેવાયાં હતાં.
જોકે 1931થી 1941 સુધી શાસન કરનારા બલરામ વર્માનું 1991માં અવસાન થયું તે પછી સમસ્યા ઊભી થઈ હતી. તેમના ભાઈ ઉત્તરાદમ તિરુનલ માર્તંડ વર્માએ મંદિરનું સંચાલન સંભાળી લીધું હતું અને તેમણે દાવો કર્યો હતો કે મંદિરની સંપત્તિ તેમના પરિવારની છે.
મંદિરના ભક્તોએ આની સામે નીચલી અદાલતમાં ઘણા કેસ કર્યા હતા. ભક્તોને ચિંતા હતી કે મંદિરોમાં રહેલાં આભૂષણો શાહી પરિવાર પાસે જતા રહેશે અને તેની સામે માર્તંડ વર્મા પણ હાઈકોર્ટમાં ગયા હતા.
કેરળ હાઈકોર્ટનો ચુકાદો
કેરળ હાઈકોર્ટે જાન્યુઆરી 2011માં ચુકાદો આપ્યો કે સરકાર સાથે વિલયના પ્રતિજ્ઞાપત્ર પર સહી કર્યા પછી માર્તંડ વર્મા હવે 'શાસક' રહ્યા નથી.
હાઈકોર્ટે કેરળ સરકારને મંદિર, તેની સંપત્તિ અને તેના વ્યવસ્થાપન માટે એક નિગમ અથવા ટ્રસ્ટ બનાવવા માટે જણાવ્યું હતું. ત્રણ મહિનામાં આ માટેની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.
જસ્ટિસ સીએન રામચંદ્રન નાયર અને જસ્ટિસ કે. સુરેન્દ્ર મોહનની બૅન્ચે એક કદમ આગળ વધીને સરકારને એમ પણ જણાવ્યું હતું કે બધીજ ગુફાઓ અને તીજોરીઓને ખોલીને તેના ખજાનાની નોંધ કરીને તેને સાચવવા માટે એક ભંડાર બનાવે. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આ બધી જણસો જનતા જોઈ શકે તે રીતે એક સંગ્રહાલય પણ બનાવવું.
આ ચુકાદા સામે માર્તંડ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને તેથી હાઈકોર્ટના ચુકાદા પર મનાઈ હુકમ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ હવે ચુકાદામાં જણાવ્યું કે તેમના પરિવાર પાસે માત્ર મંદિરના વ્યવસ્થાનનો અધિકર છે. સુપ્રીમ કોર્ટે વ્યવસ્થાપક સમિતિ બનાવીને તેને સંચાલન સોંપવાનો પણ ચુકાદો આપ્યો.
અદાલતે આ મામલામાં જાણીતા વકીલ ગોપાલ સુબ્રમણ્યમને એમિકસ ક્યૂરી બનાવ્યા હતા. મંદિરના ખર્ચની ગણતરી માટે વિનોદ રાયની અધ્યક્ષતામાં એક ઑડિટ સમિતિ બનાવી હતી.
તે વખતે ગણતરી કરવામાં આવી ત્યારે જ ખ્યાલ આવ્યો હતો કે ''શ્રી પદ્મનાભસ્વામીની 18 ફૂટ ઊંચી મૂર્તિના સુશોભન માટે બનેલા મુકુટ, કંગન, અંગૂઠી, રત્નજડિત હાર'' વગેરેની કિંમત એક લાખ કરોડ રૂપિયાની થવા જાય છે.
શશિભૂષણે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ''મંદિરના સંચાલકો અને કર્મચારીઓને પણ આ વસ્તુઓના મૂલ્યનો અંદાજ નહોતો."
જોકે ઑડિટ સમિતિ 'બી' તિજોરી ખોલી શકી નહોતી, કેમ કે શાહિ પરિવારે ચેતવણી આપી હતી કે તેને ખોલવાથી 'દેવી પ્રકોપ' ઉતરી શકે છે.
વ્યવસ્થાપક સમિતિ વિરુદ્ધ ટ્રસ્ટ
મંદિર માટે ટ્રસ્ટની સ્થાપના 1965માં બલરામ વર્માએ કરી હતી. તેનો ઉદ્દેશ મંદિર સંકુલની ઇમારતોનું સમારકાર ઉપરાંત પૂજા, હોમ અને હવનનું સંચાલન કરવાનો હતો.
એમિકસ ક્યુરીએ જણાવ્યું કે ટ્રસ્ટને જે આવક થતી હતી તેનો યોગ્ય રીતે ઉપયોગ થયો નહોતો. તેથી હિસાબોનું ઑડિટિંગ થવું જરૂરી છે.
મંદિર ટ્રસ્ટે જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના મંદિરના રોજિંદા ખર્ચને પૂરો પાડવા માટે નથી થઈ.
વિનોદ રાયની આગેવાની હેઠળની ઑડિટ સમિતિના એક સભ્યે નામ ના આપવાની શરતે જણાવ્યું કે, ''આ ટ્રસ્ટને દુનિયાભરમાંથી દાન મળે છે.''
આ સમિતિના અન્ય એક સભ્ય અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રેમચંદ્રન કુરુપે બીબીસીને જણાવ્યું કે, 'આ એક સાર્વજનિક ટ્રસ્ટ છે, પણ તે ખાનગી ટ્રસ્ટની જેમ કામ કરતું હોય તેવું દેખાઈ આવ્યું છે.'' આ વાત સાથે ઇતિહાસકાર શશિભૂષણ પણ સહમત થાય છે.
શશિભૂષણ કહે છે, ''હાઈકોર્ટના આદેશ પછી કોઈ સમસ્યા ઊભી થઈ નહોતી. પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને અદાલતે વ્યવસ્થાપના અધિકાર હેઠળ આંશિક માલિકી આપી છે તેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. રાજ પરિવાર મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છે છે.''
તેમણે જણાવ્યું કે વ્યવસ્થાપક સમિતિ અને રાજ પરિવારના સભ્યો વચ્ચે તણાવને કારણે જિલ્લા જજને અધ્યક્ષ બનાવાયા તેવું સંભવ છે.
જોકે સુપ્રીમ કોર્ટમાં ટ્રસ્ટના વકીલ તરીકે રહેલા અરવિંદ દાતારે હિતોના ટકરાવ અંગે બીબીસીને જણાવ્યું કે, ''ના, ના! ટ્રસ્ટનો ઉપયોગ અંગત હેતુઓ માટે ના થઈ શકે. તેનો ઉપયોગ પૂજા અને અનુષ્ઠાન માટે જ થઈ શકે, બીજા કશા માટે નહીં.''
''હકીકતમાં વિનોદ રાયની સમિતિએ જણાવ્યું હતું કે કેટલાક આભૂષણો ગાયબ થઈ ગયા અને કેટલાક ઘરેણાંનું સોનું ઓછું થઈ ગયું હતું. આ બધું ખોટું સાબિત થયું છે. કોર્ટે એ બાબત પર વિચાર પણ કર્યો નથી. હિસાબોમાં ગરબડ થઈ હોત તો અમને પહેલેથી જ હટાવી દેવાયા હોત.''
ટ્રસ્ટ ઑડિટ માટે કેમ તૈયાર નહોતું તેનું કારણ પણ દાતારે આપ્યું. તેમણે કહ્યું,, ''એમિકસ ક્યુરીએ પહેલાં 1989-90થી 2013-14 સુધીના હિસાબોનું ઑડિટ કરવાનું કહ્યું હતું. અમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કામ તો થઈ ચૂક્યું છે. પરંતુ અમે કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. કમનસીબે આ મામલાને મીડિયા ચગાવી રહ્યો છે.''
ઇતિહાસકાર ટી.પી. શંકરન કુટ્ટી વ્યવસ્થાપક સમિતિ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ના હોવાના મુદ્દે પોતાની વાત જણાવતા કહે છે, ''મંદિર ટ્રસ્ટ પાસે સોનું છે, રોકડ નાણાં નથી.''
શંકાઓ
આમ છતાં ઘણા લોકોના મનમાં આશંકાઓ છે. તેમાં મંદિરના કાર્યકર રાહુલ ઈશ્વર જેવા લોકો પણ છે, જેઓ સામે આવીને બોલી રહ્યા છે. બીજા બાજુ ઘણા લોકો પોતાનું નામ જાહેર કરવા માગતા નથી.
ઈશ્વર કહે છે, ''હા, મંદિર અને ટ્રસ્ટ બંનેના સંચાલનમાં કેટલીક બાબતો સ્પષ્ટ નથી. ભૂતપૂર્વ રાજવી પરિવારને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે. રાજ પરિવારને ખરાબ ચિતરવાની કોશિશ થવી જોઈએ નહીં.''
જૂના મહારાજાઓનાં ઉદાહરણ આપીને તેઓ કહે છે કે ''તેમણે સોનું લીધું હતું, પણ વ્યાજ સાથે તેને પરત કર્યું હતું. અમને ભક્તોને એ આશંકા છે કે સરકારે મંદિર પર કબજો કરી લીધો તો બધું જ લઈ લેશે અને મંદિરને તે ક્યારેય પરત નહીં મળે.''
જોકે આ સમસ્યાનો ઉકેલ પણ ઈશ્વર જણાવી રહ્યા છે.
'આ ધનસંપત્તિ છે તેમાંથી શા માટે હૉસ્પિટલ અને શાળાઓના બનાવવામાં ન આવે? આ નાણાંમાંથી બનેલી સંસ્થાઓનું નામ શ્રી પદ્મનાભસ્વામી પરથી રાખવું જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો