You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની તસવીર દ્વારા કૉંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું - Top News
સોમવારે સાંજે કૉંગ્રેસ દ્વારા એક તસવીર ટ્વીટ કરી હતી, જેમાં બે તસવીરોનું કૉલાજ કરવામાં આવ્યું હતું. પ્રથમ તસવીરમાં ગુજરાતના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ઍરપૉર્ટ પર નમન કરતા દેખાય છે.
બીજી તસવીરમાં પંજાબના નવનિયુક્ત મુખ્ય મંત્રી ચરણજીતસિંહ ચન્ની કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળતી વખતે શિષ્ટાચારના ભાગરૂપે બંને એકબીજાને નમસ્કાર કરતા દેખાય છે.
તસવીર સાથે ટ્વીટમાં લખ્યું, "તસવીરો ઘણું કહી જાય છે. તસવીરોમાં જે તફાવત છે, એજ તફાવત બંને પક્ષની માનસિકતા અને વિચારધારાની વચ્ચે પણ છે."
આ ટ્વીટની કૉમેન્ટ્સમાં કેટલાક ટ્વિટરાઇટ્સે ભૂતકાળમાં કૉંગ્રેસના નેતાઓ દ્વારા ગાંધી પરિવારના સભ્યોને નમન કે ચરણસ્પર્શની તસવીરો લગાડીને સવાલ ઉઠાવ્યા હતા.
કેટલાક ટ્વિટર યૂઝર્સે કૉંગ્રેસ પર પરિવારવાદ તથા 70 વર્ષથી ગાંધી પરિવારના એકછત્ર રાજનો આરોપ લગાવ્યો હતો.
તો કેટલાક ટ્વિટર યૂઝરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની તસવીરો પોસ્ટ કરીને રાહુલ ગાંધી તરફથી અપમાન કર્યા હોવાના પ્રશ્ન ઉઠાવ્યા હતા.
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 'મિશન ગુજરાત 2022'ની તૈયારી શરૂ કરી?
અમદાવાદની મુલાકાતે આવેલા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સોમવારે કહ્યું કે તેમની પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે અને પાર્ટીએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યું કે AIMIMની ગુજરાત શાખા ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે નક્કી કરશે, ગુજરાતમાં વર્ષોથી રાજકારણ માત્ર બે પાર્ટીઓની આસપાસ ફરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદમાં તેમણે કહ્યું કે હૈદરાબાદમાં કેન્દ્રિત તેમની પાર્ટી ગુજરાતમાં પૂરજોશથી ચૂંટણી લડશે અને બે દાયકાથી જ્યાં ભાજપનું શાસન છે ત્યાં વિધાનસભાની 182 બેઠકો સુધી તેમની પાર્ટીના ઉમેદવારો પહોંચે.
તેમણે કહ્યું કે અમદાવાદ આવવાનાં કારણોમાંથી એક કારણ એ હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોને લોકોનો ટેકો મળ્યો હતો અને હું તેમનો આભાર વ્યક્ત કરવા માગતો હતો. હું અહીં પાર્ટીના કૉર્પોરેટરોને મળ્યો જેઓ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત્યા હતા.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પાર્ટીએ એ બેઠકો નક્કી કરી લીધી છે જ્યાંથી ચૂંટણી લડશે પરંતુ તેમણે આ બેઠકોનાં નામ નહોતા જણાવ્યા.
તેમણે એવું પણ કહ્યું કે, અમે હિંદુ બહુમતીવાળી બેઠકો પર પણ લડીશું કારણ કે અમારે તેમાં પણ વોટ જોઈએ છે.
મીડિયા અહેવાલો મુજબ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અને ગૅંગસ્ટર અતીક અહમદને મળવાના હતા, જે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂરાયેલા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ પાર્ટીના અમદાવાદ પ્રમુખ શમશાદ પઠાણે કહ્યું હતું કે અતીક અહમદ પાર્ટીમાં જોડાયા છે અને તેમણે પાર્ટીને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે.
તેમણે કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં અતીક અહમદનો પરિવાર AIMIMમાં જોડાઈ ગયો છે. તેમનાં પત્ની શાઇસ્તા પરવીને અતીક અહમદનો પત્ર વાંચી સંભળાવ્યો, જેમાં તેમણે પાર્ટી માટે સમર્થન વ્યક્ત કર્યું હતું."
આઉટલુક પત્રિકાએ સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકતા લખ્યું છે કે તેમને કોવિડ-19ની ગાઇડલાઇન્સ અને અન્ય કારણસર અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉત્તર પ્રદેશના સાંસદ અતીક અહમદને મળવાની પરવાનગી નહોતી મળી.
AIMIMના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાએ કહ્યું હતું કે, "સાબરમતી જેલના અધિકારીઓએ ઓવૈસીને કોવિડ-19 પ્રોટોકૉલના આધારે અતીક અહમદને મળવાની મંજૂરી નહોતી આપી, કારણ કે બંને વચ્ચે લોહીનો સંબંધ નથી."
પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને રાહત
મુંબઈની એક કોર્ટે બિઝનેસમેન રાજ કુંદ્રાને પોર્નોગ્રાફીના કેસમાં જામીન આપ્યા છે.
રાજ કુંદ્રાને 50 હજાર રૂપિયાની જામીનગીરી પર જામીન આપવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફેબ્રુઆરી, 2021માં એક કેસ નોંધ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન જુલાઈમાં રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.
પોલીસનો દાવો છે કે તેમની પાસે રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં સામેલ હોવાના તમામ પુરાવા છે. રાજ કુંદ્રા ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે મડમાં ગ્રીન પાર્ટી બંગલા પર દરોડા પાડ્યા હતા. પોલીસે આ દરોડા ત્યાં પોર્ન ફિલ્મોની શૂટિંગની બાતમી મળતા પાડ્યા હતા.
આ દરમિયાન પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી અને એક યુવતીને છોડાવી પણ હતી. પકડાયેલા પાંચ લોકોમાં બે અભિનેતા અને બે યુવતીઓ પણ સામેલ હતી.
કિરીટ સોમૈયાની પોલીસે અટકાયત કરી, મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસમંત્રી પર 100 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ
ભાજપ નેતા કિરીટ સોમૈયાને સોમવારે કોલ્હાપુર જતી વખતે સતારા જિલ્લાના કરાડમાં પોલીસે અટકાયતમાં લીધા છે.
સોમૈયાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિકાસમંત્રી હસન મુશરિફની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો બાદ જિલ્લા પ્રશાસને કાયદા-વ્યવસ્થાનું કારણ તેમના કોલ્હાપુરમાં પ્રવેશ પર રોક લગાવી છે.
તેઓ સોમવાર અને મંગળવારે કોલ્હાપુરમાં જનસભા કરવા માટે જઈ રહ્યા હતા.
કેટલાક દિવસો પહેલાં સોમૈયાએ કોલ્હાપુરના કગાલના ધારાસભ્ય મુશરિફ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના સંબંધીઓના નામે બેનામી સંપત્તિઓ લીધેલી છે.
સોમૈયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે કરાડમાં પોલીસે તેમને રોકી દીધા છે.
તેમણે પોસ્ટમાં કહ્યું કે તેઓ કરાડમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને મુશરિફની વિરુદ્ધ 'વધુ એક ગોટાળા'નો પર્દાફાશ કરશે.
સોનુ સૂદે ટૅક્સચોરીના આરોપો પર શું કહ્યું?
આયકર વિભાગના 'સરવે' બાદ અભિનેતા સોનુ સૂદે નિવેદન જાહેર કરીને કહ્યું કે 'તમને હંમેશાં પોતાના પક્ષની કહાણી કહેવાની જરૂર નથી હોતી, સમય બતાવશે.'
સોનુ સૂદે આ નિવેદન ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે અને તેની સાથે એક શેર લખ્યો છે-
"સખત રાહોં મેં ભી આસાન સફર લગતા હૈ,
હર હિન્દુસ્તાની કી દુઆઓં કા અસર લગતા હૈ."
તેમણે લખ્યું કે "મેં જાતે પ્રતિજ્ઞા લીધી છે કે ભારતના લોકોની સેવા દિલથી અને મજબૂતીથી કરીશ. મારા ફાઉન્ડેશનનો એક-એક રૂપિયો કિંમતી જીવો બચાવવા અને જરૂરિયાતમંદો સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યો છે. તેમજ ઘણી વાર મેં બ્રાન્ડ્સને પોતાની જાહેરાતના પૈસા માનવીય જરૂરિયાતો પર ખર્ચ કરવા માટે પ્રેરિત કરી છે, જે આગળ પણ ચાલુ રહેશે."
આયકર વિભાગે ત્રણ દિવસ સુધી મુંબઈમાં સોનુ સૂદના ઘરે તપાસ કરીને શનિવારે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી કે અભિનેતા અને તેમના સાથીદારોએ 20 કરોડ રૂપિયાથી વધુની ટૅક્સચોરી કરી છે. વિભાગે વિદેશી અનુદાનના કાયદાનો ભંગ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો છે.
આયકર વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનુ સૂદ અને તેમના સહયોગીઓની સંબંધિત જગ્યાઓએ સર્ચ દરમિયાન ટૅક્સચોરી સંબંધિત પુરાવા મળ્યા છે.
આવકવેરાની કાર્યવાહી સામે ફિલ્મ અભિનેતા સોનુ સુદે પોતાની ઔપચારિક પ્રતિક્રિયા આપી છે, પત્રકારો સાથે વાત કરતા કહ્યું : "બધું નિયમ મુજબ જ થયું છે અને બધાની સામે જ છે. અમે ભારતભરમાં બાળકોને ભણાવીએ છીએ.
"મારા ફાઉન્ડેશનમાં જે કોઈ ફાળો આવે છે તે મોટાભાગનો મારી ઍન્ડૉર્સમૅન્ટ ફીમાંથી આવે છે. તેને ખર્ચ કરવામાં સમય લાગે છે. એક પણ રૂપિયો મારા ખાતામાં નથી આવ્યો."
"જો કોઈ સરકાર મને બોલાવશે તો હું તેમને સહાય કરવા માટે તત્પર છું. તેઓ તેમનું કામ કરે છે, હું મારું કામ કરીશ."
"હું રાજસ્થાન, ગુજરાત કે પંજાબ માટે પણ બ્રાન્ડ ઍમ્બૅસૅડર બનવા માટે તૈયાર છું." આ પહેલાં સોનુ સુદે આવકવેરા ખાતાના સરવે બાદ નિવેદન બહાર પાડીને કહ્યું, 'તમારે દરવખતે પોતાનનો પક્ષ રજૂ કરવાની જરૂર નથી હોતી, સમય જ જણાવશે' સોનુએ આ નિવેદન તેમના ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર મૂક્યા હતા.
સોનુએ નિવેદનમાં લખ્યું છે, "મેં ખુદથી પ્રતિજ્ઞા લીધી છે કે ભારતના લોકોની સેવા પૂર્ણ હૃદયથી અને મક્કમતાથી કરીશ. મારા ફાઉન્ડેશનનો એક-એક રૂપિયો કિંમતી જીવોને બચાવવા તથા જરૂરિયાતમંદો સુધી પહોંચવાની રાહ જુએ છે."
"આ સિવાય અનેક વખતે મેં મારી બ્રાન્ડ્સને તેમની જાહેરાતના નાણાં માનવીય જરૂરિયાતો માટે ખર્ચવા માટે પ્રેરિત કર્યા છે, જે આગળ પણ અવિરત ચાલતું રહેશે."
આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેનો આડકતરો ઉલ્લેખ કરતા લખ્યું, "છેલ્લા ચાર દિવસથી હું કેટલાક મહેમાનોની યજમાની કરવામાં વ્યસ્ત હતો, જેના કારણે તમારી સેવામાં હાજર રહેવામાં અસમર્થ હતો. પૂર્ણ વિનમ્રતા સાથે પરત આવી ગયો છે. તમારી વિનમ્ર સેવામાં જિંદગીભર માટે."
સમાપનમાં ટૅક્સ (કર) વિભાગ ઉપર ટિપ્પણી કરતા લખ્યું : 'કર' ભલા, હો ભલા, અંત ભલે કા ભલા. મેરી યાત્રા જારી હૈ. જય હિંદ, સોનુ સુદ.
આવકવેરા વિભાગે મુંબઈમાં ત્રણ દિવસ સુધી સોનુ સુદના ઘરે તપાસ હાથ ધરી હતી. શનિવારે નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે તેમણે રૂ. 20 કરોડથી વધુની કરચોરી કરી છે. વિભાગે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતોકે સોનુ સુદ તથા તેમના સહયોગીઓ સાથે જોડાયેલા ઠેકાણાં પર સર્ચ દરમિયાન કરચોરીના પુરાવા મળ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો