'પહેલાં પાણીની તંગી હવે વરસાદ રડાવી ગ્યો', કુદરત સામે લાચાર ખેડૂતોની વ્યથા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"પહેલાં વરસાદની રાહ જોતાંજોતાં આંખો સુકાઈ, હવે અતિવૃષ્ટિએ ખેડૂતોની દશા બેસાડી દીધી છે."

રાજકોટના જેતપુર તાલુકાના પીઠડિયા ગામના ખેડૂત ચેતન ગઢિયા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વરસાદના કારણે વેઠવી પડેલી મુશ્કેલી અંગે વાત કરતાં ગળગળા અવાજે આ જણાવે છે.

પાછલા લગભગ દોઢ માસથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો છેલ્લા દસ દિવસથી અનરાધાર વરસાદના કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.

ખાસ કરીને જામનગર અને રાજકોટમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોનાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં મબલક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ગુજરાતમાં વરસાદે સર્જેલી તારાજી અંગે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

'બધો પાક નિષ્ફળ ગયો'

ચેતન ગઢિયા લગભગ દસ દિવસથી તેમના વિસ્તારમાં સળંગ વરસાદ પડી રહ્યો હોવાની વાત કરે છે.

તેઓ કહે છે કે, "મેં દસ વીઘા ખેતરમાં પાંચ વીઘામાં મગફળી અને પાંચમાં કપાસનું વાવેતર કર્યું હતું. પહેલાં તો વરસાદ ખેંચાતાં મગફળીનો પાક બગડ્યો. પછી કપાસના પાકની થોડી આશા હતી, પરંતુ અતિવૃષ્ટિએ કપાસના પાકને પણ નિષ્ફળ બનાવી દીધો."

ચેતનભાઈ પોતાને વરસાદના કારણે બે લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવે છે.

તેઓ કહે છે કે "મેં સહકારી સંસ્થા પાસેથી લૉન મેળવીને આ પાક વાવ્યો હતો. હવે મુદ્દલ અને વ્યાજ કેવી રીતે ચૂકવીશ તેની ચિંતા થવા લાગી છે."

ઉછીનાં નાણાંની મુશ્કેલી

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના ખેડૂત દેવુભાઈ વધુ પડતાં વરસાદના કારણે સર્જાયેલી આફત અંગે વાત કરતાં કહે છે કે અમારા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોનો માત્ર 30-35 ટકા પાક જ બચ્યો છે.

"મેં બહારથી ખાનગી લૉન લઈને આ વખત પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ મને નથી લાગતું કે વધેલા પાકના વેચાણથી મને વધુ કાંઈ મળશે. મારા માથે દેવાનો બોજો થઈ જવાનો છે."

દેવભાઈ જણાવે છે કે તેમણે 50 વીઘાના પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જે પૈકી હવે ખેતરના અમુક ભાગમાં જ વેચી શકાય તેવો પાક બચ્યો છે.

તેમના જણાવ્યા પ્રમાણે તેમને પણ આ વખત ખેતીમાં બે-અઢી લાખ રૂપિયાની નુકસાની જવાનું અનુમાન છે.

'ખેડૂતો ભગવાનભરોસે, સરકારથી નથી કોઈ આશા'

દેવુભાઈ પોતાના જિલ્લા દેવભૂમિ દ્વારકાના મોટા ભાગના ખેડૂતો મુખ્ય મંત્રી ખેડૂત સહાય યોજનાના લાભ માટે લાયક હોવાનું જણાવે છે.

પરંતુ સરકાર પાસેથી તેમને હજુ સુધી કોઈ સહાય મળી નથી.

તેઓ કહે છે કે, "ખેડૂતો માત્ર પોતાના કે ભગવાનના ભરોસે છે. સરકાર માત્ર દાવા કરે છે. મદદ નહીં. મને સરકાર કોઈ મદદ કરશે તેવી કોઈ અપેક્ષા નથી."

ચેતનભાઈ પણ કહે છે કે, "ગુજરાત સરકારે મુખ્ય મંત્રી ખેડૂત સહાય યોજના અંતર્ગત અમને મળવાપાત્ર રકમની ચુકવણી કરી નથી. આ સિવાય રાજ્ય ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ફંડની જોગવાઈ પ્રમાણેની પણ ચુકવણી હજુ સુધી કોઈ ખેડૂતને કરાઈ નથી."

"તો પછી પહેલાંની બાકી ચુકવણી ન કરનાર સરકાર પાસેથી આ વખત થયેલા નુકસાન અંગે શી આશા રાખવી? હું અને મોટા ભાગના ખેડૂતો એ વાતે સંમત છીએ કે સરકાર અમને ભવિષ્યમાં પણ કોઈ મદદ કરવા માટે ઇચ્છુક નથી."

કુદરતનો કેર?

ચેતનભાઈ કહે છે કે "આ વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે શરૂ થયેલી કુદરતી આફતો ગુજરાતના ખેડૂતો માટે રોકાવાનું નામ નથી લઈ રહી."

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાછલા અમુક દિવસો દરમિયાન પડેલા વરસાદને પગલે ખેડૂતોને વેઠવી પડેલી મુશ્કેલી અંગે વાત કરતાં ઉપરોક્ત શબ્દો ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના મોઢેથી સરી પડે છે.

તેઓ ખેડૂતોને કુદરતને કારણે વેઠવી પડેલી તારાજી અંગે વાત કરતાં કહે છે કે, "તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા લોકોને પાકની સાથોસાથ સંપત્તિનું પણ નુકસાન ભોગવવું પડ્યું."

"આ વખતે ખેડૂતોને સારા વરસાદને પગલે સારો પાક મેળવી અને નુકસાનમાંથી બહાર નીકળવાની આશા હતી, પરંતુ તેના પર પણ કુદરતનો કેર ફરી વળ્યો."

બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદને પગલે ઉપલેટા પંથકમાં આવેલા મોજ અને વેણુ-2 ડેમ તેમજ ધોરાજી ભાદર-2 ડેમ ઓવરફલૉ થવાને કારણે મોજ, ભાદર અને વેણુ નદીઓમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં ઉપલેટા શહેરના ભાદર કાંઠે આવેલ ખેતીની જમીનમાં ભારે નુકસાન થયું છે. જેમાં ખેડૂતોનો મગફળી, કપાસ, એરંડા તુવેર સહિતનો ચોમાસું પાક નાશ પામ્યો છે.

મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શું છે?

ગત વર્ષે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી ખેડૂત સહાય યોજનાની પત્રકારપરિષદમાં જાહેરાત કરી હતી.

દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી આફત વખતે ખેડૂતોને વળતર મળી રહે એ માટે આ જાહેરાત કરાઈ હતી.

વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે આ યોજનાની કોઈ નોંધણી ફી કે પ્રીમિયમ ચૂકવવાનું નહોતું.

તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે પાકવીમાની પ્રક્રિયાને સરળ કરી દેવાની દિશામાં આ પગલું લીધું હતું.

ખેડૂતોને શું લાભ મળતો હોવાનો દાવો કરાય છે?

  • અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી ત્રણ પ્રકારની નુકસાનીને આ યોજનામાં આવરી લેવામાં આવી છે. આ ત્રણેય સંજોગમાં ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજના અંતર્ગત રાહતની રકમ ખેડૂતોનાં બૅન્કખાતાંમાં સીધી પહોંચી જાય છે.
  • મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના માત્ર ને માત્ર ખરીફ પાક એટલે કે ચોમાસુ પાકને જ લાગુ પડે છે.
  • આ યોજના અંતર્ગત મહત્તમ ચાર હૅક્ટર સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવે છે.
  • 33 ટકાથી ઓછું નુકસાન થાય, તો આ યોજના અંતર્ગત સહાય નથી મેળવી શકાતી.
  • 33થી 60 ટકા જેટલું નુકસાન થયું હોય તો પ્રતિ હૅક્ટર 20 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.
  • જો 60 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો પ્રતિ હૅક્ટર 25 હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે.

અનાવૃષ્ટિ માટે અગાઉનાં ધોરણો પ્રમાણે 125 મિમી એટલે કે પાંચ ઇંચથી ઓછો વરસાદ હોય તો એને દુષ્કાળ જાહેર કરાતો હતો.

આ યોજના અંતર્ગત દસ ઇંચથી ઓછો વરસાદ હોય તો એને અનાવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે છે.

'પાકવીમા યોજના' અને 'કિસાન સહાય યોજના'માં શું ફેર છે?

પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ યોજનાની જાહેરાત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે "પાકવીમા યોજનામાં જે ખેડૂતો પ્રીમિયમ ભરે છે, એમને જ લાગુ પડે છે અને એમને જ લાભ મળે. આ વર્ષથી કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક પ્રીમિયમની શરૂઆત કરી છે."

જ્યારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં પ્રીમિયમ ભરવાનો કોઈ બાધ નથી. તેમના કહેવા પ્રમાણે રાજ્યના તમામ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે સક્ષમ છે.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે, "મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે."

આ ઉપરાંત પૂર્વ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, "આ યોજના ઝીરો પ્રીમિયમ આધારિત છે. આમાં ખેડૂતે અડધો ટકો પણ પ્રીમિયમ ભરવાનું થતું નથી."

"વનાધિકાર અંતર્ગત જેમને સનદ મળી છે, એવા આદિવાસી ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે."

આ અગાઉ પાકવીમા યોજનામાં આદિવાસી ખેડૂતોને લાભ મળતો ન હતો. આ યોજનામાં એમને પણ લાભ મળશે તેવો દાવો કરાયો હતો.

જોકે, ઘણા ખેડૂતોનો દાવો છે કે આ યોજના માત્ર કાગળ પર છે. તેનો અમલ કરાયો નથી. લાભ મળવાપાત્ર હોય તેવા ખેડૂતોને પણ વળતર મળતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો