મનીષા વકીલ અને નિમિષા સુથાર, 25 સભ્યોવાળી ગુજરાતની નવી કૅબિનેટના બે મહિલા ચહેરા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વિજય રૂપાણીના રાજીનામા બાદ તેમની સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં સુપરત કર્યાં હતાં. જે બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.

25 સભ્યોના આ મંત્રીમંડળમાં માત્ર બે મહિલાઓનો સમાવેશ કરાયો છે, મનીષા વકીલ અને નિમિષા સુથાર.

આ બંને મહિલા ધારાસભ્યો કોણ છે અને કેવી રહી છે તેમની કારકિર્દી?

મનીષા વકીલ - વડોદરા શહેર બેઠકનાં ધારાસભ્ય

મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે.

તેમને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.

રૂપાણી સરકારમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરનારા રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને અન્ય મંત્રીઓની જેમ રિપીટ કરવામાં નથી આવ્યા, તેમના બદલે વડોદરાથી મનીષા વકીલ અને રાજેન્દ્ર ત્રિવેદીને સમાવવામાં આવ્યાં છે.

રાજકીય વિશ્લેષકોના પ્રમાણે મનીષા વકીલ ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી અનંદીબહેન પટેલની લોબીમાંથી છે, એ જ લોબીમાંથી વર્તમાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હોવાનું પણ વિશ્લેષકો કહે છે.

તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે.

તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં અને તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

નિમિષાબહેન સુથાર

નિમિષાબહેન સુથાર આદિવાસી સમાજમાંથી છે, તેઓ પંચમહાલની મોરવા હડફ બેઠક પરથી ધારાસભ્ય છે.

અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ ગેરલાયક ઠરતાં પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

પરંપરાગત રીતે વિધાનસભા ચૂંટણી દરમિયાન અહીંથી કૉંગ્રેસ ચૂંટણી જીતતી રહી છે, પરંતુ પેટાચૂંટણીમાંથી ભાજપ તેને આંચકવામાં સફળ રહ્યો છે.

2017માં વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રસના ઉમેદવાર સવિતાબહેન ખાંટ વિજયી થયાં હતાં. પરંતુ મતગણતરી પૂર્વે તેમને બ્રેઇન હૅમરેજ થયું હતું અને તેમનું અવસાન થયું હતું. ગણતરી દરમિયાન તેઓ વિજયી જાહેર થયાં હતાં.

અગાઉ તેમણે વર્ષ 2013-17 દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવા હડફથી પ્રતિનિધિત્વ કરેલું છે. તેમણે ડિપ્લોમાં ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઍન્ડ કમ્પ્યૂટર કમ પ્રોગ્રામિંગનો અભ્યાસ કરેલો છે.

આ નવી કૅબિનેટના અન્ય મુખ્ય ચહેરા કોણ છે?

ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ જીતુ વાઘાણી

ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ઉર્ફે જીતુ વાઘાણીને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

28 જુલાઈ 1970ના રોજ વરતેજ ખાતે જન્મેલા જીતુ વાઘાણી વર્ષ 2012થી ભાજપના ધારાસભ્ય છે. તેમણે બી. કૉમ. એલએલ. બી. અને એલ. ડી. સી. જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે.

ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર અપાયેલ માહિતી અનુસાર તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને બાંધકામ છે.

તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સમયાંતરે જુદીજુદી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

આ સિવાય તેઓ માતૃસેવા ગૌશાળાના ટ્રસ્ટી છે. તેમજ સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના માનદ્ ટ્રસ્ટી છે.

સરદાર પટેલ સ્નાતક મિત્રમંડળના આજીવન સભ્ય અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના પણ સભ્ય છે.

તેમને વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, પ્રવાસ અને વિવિધ રમતગમતક્ષેત્રે વિશેષ રસ છે.

વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદી હાલની વિધાનસભામાં અધ્યક્ષ હતા, પરંતુ ગુરૂવારે સવારે શપથવિધિના ગણતરીની કલાકો પહેલાં તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમને નવી કૅબિનેટમાં સમાવવામાં આવ્યા છે.

રાજકીય વિશ્લેષકો આ નવી સરકારમાં તેઓ મુખ્ય મંત્રી બાદ બીજા ક્રમના મંત્રી હોવાનું જણાવે છે.

ત્રિવેદી 2012થી વડોદરાની રાવપુરા બેઠકનું પ્રતિનિધિ છે. તેઓ બ્રાહ્મણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. 2017 પહેલાંની રૂપાણી સરકારમાં તેઓ ખેલમંત્રી હતા.

રાજેન્દ્રભાઈએ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂઆત કરી હતી.

તેઓ અગાઉ રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે અને હવે કૅબિનેટનો હવાલો મળશે.

તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો છે અને રાજકારણમાં આવ્યા તે પહેલાં વ્યવસાયે વકીલ હતા.

દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી સહિત છ મંત્રી

હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે પાટીદાર આંદોલનની વચ્ચે સુરતમાંથી રેકૉર્ડ મતથી વિજય મેળવ્યો હતો. તેમને આ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી સહિત છ સભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે સી. આર. પાટીલને આભારી હોવાનું અને આમ આદમી પાર્ટીને રોકવા માટેની રણનીતિ હોવાનું પણ મનાય છે.

તેમને પાટીલ કૅમ્પના માનવામાં આવે છે. તાજેતરના કોરોનાકાળ દરમિયાન તેમણે લોકોની વચ્ચે જઈને સેવાનાં કામ કર્યાં હતાં અને તેમના રોષનો પણ સામનો કર્યો હતો, એટલે તેમની કામગીરીની નોંધ લેવામાં આવી હોય તેમ જણાય છે.

સંઘવીનો સ્ટ્રાઇક રેટ સમગ્ર ગુજરાતમાં સૌથી ઊંચો રહેવા પામ્યો હતો. સુરત જિલ્લાની મજૂરા બેઠક ઉપરથી હર્ષ સંઘવીએ એક લાખ 16 હજાર 741 મત મેળવ્યા હતા, જ્યારે કૉંગ્રેસના અશોક કોઠારીને 30 હજાર 914 મત મળ્યા હતા.

આમ સંઘવીનો 85 હજાર 827 મતની લીડથી વિજય થયો હતો. આ લીડ કુલ માન્ય મતના 57.08 ટકા હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો