You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાનને લઈને પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ કેમ સર્જાઈ?
અફઘાનિસ્તાનના છ પડોશી દેશોમાં ઈરાન મહત્ત્વનો દેશ છે.
અફઘાનિસ્તાનની શાસનધુરા તાલિબાનના હાથમાં આવ્યા પછી ઈરાન પણ ભયભીત બન્યું છે. ઈરાન તાલિબાનને માત્ર ભયની નજરે જ નથી જોતું, એથી વધુ તો, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વધી રહેલા પ્રભાવને કારણે પણ ચિંતિત છે.
સમાચાર સંસ્થા 'રૉયટર્સ' દ્વારા અખાતના એક સીનિયર અધિકારીનો હવાલો ટાંકીને કહ્યું કે અફઘાનિસ્તાનની બાબતમાં જો સ્પર્ધા શરૂ થાય છે, તો ચીન-પાકિસ્તાન એક તરફ હશે અને ભારત, રશિયા, ઈરાન બીજી તરફ. ઈરાનના વિદેશમંત્રીની ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે પણ અફઘાનિસ્તાન મુદ્દે વાતચીત થઈ છે.
'તહેરાન ટાઇમ્સ' અનુસાર, 12 સપ્ટેમ્બરે ઈરાનના એક સાંસદે જણાવ્યું હતું કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના પ્રમુખ ફૈઝ હામિદ પંજશીર ઘાટીમાં તાલિબાનોએ કરેલી હિંસક કાર્યવાહીમાં સામેલ હતા.
ઈરાની સાંસદે તો એટલે સુધી કહ્યું કે, તાલિબાનની કૅબિનેટની રચનામાં પણ આઈએસઆઈના પ્રમુખની ભૂમિકા હતી.
એમણે કહ્યું હતું કે, ઈરાન, અફઘાનિસ્તાનમાં અમેરિકાની ભૂમિકા નિશ્ચિત કરવાની પાકિસ્તાનને મંજૂરી નહીં આપે.
આ પ્રકારનાં ટીકાટિપ્પણ એકલા ઈરાન તરફથી જ નહીં પરંતુ તાલિબાન તરફથી પણ થઈ રહ્યાં છે.
મંગળવારે તાલિબાનના પ્રવક્તા સૈયદ જર્કુરાલ્લાહ હાશમીએ ટોલો ન્યૂઝ ટીવી પરની એક ચર્ચા દરમિયાન ઈરાન તરફ તીર તાકતાં કહ્યું હતું કે, "છેલ્લાં 40 વરસોમાં ઈરાનમાં એક પણ સુન્ની મંત્રી નથી બન્યો. અમે ક્યારેય એમ નથી કહ્યું કે શિયાને કોઈ પદ નહીં આપીએ. અમારી કૅબિનેટમાં એક પણ મંત્રી શિયા નથી, એનો મતલબ એમ નહીં કે શિયાપંથીને કોઈ પદ નહીં મળે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાશમીની આ ટિપ્પણીની વીડિયો ક્લિપ સાઉથ એશિયા મીડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી છે.
પાકિસ્તાનનો વિરોધ
ભારતના જાણીતા વ્યૂહાત્મક વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા બાબતમાં અમેરિકાના મૌન અંગે સવાલ કર્યો છે અને ઈરાન તરફ સહાનુભૂતિ દર્શાવી છે.
બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કર્યું છે કે, "અમેરિકા માટે ઈરાન એવો દેશ છે જે રાજ્યપ્રેરિત આતંકવાદને પ્રોત્સાહન આપે છે; પરંતુ સાઉદી અરેબિયા દુનિયાભરના જેહાદીઓને સૌથી વધુ ફંડ આપે છે અને પાકિસ્તાન આતંકવાદીઓનું શરણસ્થળ છે, તેઓ તેમના પાર્ટનર છે. એ દિલચસ્પ છે કે પંજશીરમાં તાલિબાનની બર્બરતા વિશે ઈરાન ચર્ચા કરે છે અને અમેરિકા ચૂપ છે."
ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત તરીકે ફરજ બજાવી ચૂકેલા અબ્દુલ બાસિતે તાલિબાનના વિષયમાં ઈરાન જે માર્ગ અપનાવી રહ્યું છે તેને પાકિસ્તાન માટે નિરાશાજનક ગણાવ્યો છે.
અબ્દુલ બાસિતે પોતાના વીડિયો બ્લૉગમાં કહ્યું છે કે, "ઈરાને પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે કે પંજશીર પ્રદેશનો કબજો કરવામાં પાકિસ્તાની એરફૉર્સ પણ સહભાગી હતું. ઈરાનની સરકારે તહેરાનમાં પાકિસ્તાનની ઍમ્બેસીની બહાર વિરોધપ્રદર્શનની મંજૂરી પણ આપી છે. દેખાવો કરનારાઓ કહેતા હતા કે, પાકિસ્તાન તાલિબાનને સમર્થન આપે છે."
ઈરાન આવું શા માટે કરે છે?
અબ્દુલ બાસિતે ઈરાનની બાબતે નિરાશા પ્રગટ કરતાં જણાવ્યું કે, "આ મામલે ઈરાને ખૂબ જ સાવધાનીપૂર્વક બોલવું જોઈએ. ઈરાન સાથેના સંબંધોની બાબતમાં પાકિસ્તાન ઘણું સંવેદનશીલ રહ્યું છે. અમને 2015ની અઢારમી એપ્રિલ યાદ છે."
"પાકિસ્તાનની સંસદે યમનના સંઘર્ષમાં સાઉદી કે ઈરાન, બેમાંથી કોઈનો પક્ષ નહીં લેવાનો પ્રસ્તાવ મંજૂર કરેલો. ઈરાને યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને, સાઉદી અરેબિયા અને એમની વચ્ચે હંમેશાં સંતુલિત વ્યવહાર રહે તેવો પ્રયાસ કર્યો છે. અમે બંને દેશ વચ્ચે સેતુ બનવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ 1979માં થયેલી ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાન પાકિસ્તાન માટે ઉદાર નથી રહ્યું."
અબ્દુલ બાસિતે ઈરાન પર આરોપ મૂકતાં જણાવ્યું, "ઈરાન માત્ર પાકિસ્તાનમાં જ સામુદાયિક વિખવાદને વધારી રહ્યું છે એમ નહીં, પરંતુ સાથે જ, આ બાબતમાં તેણે પશ્ચિમ એશિયા અને મધ્ય-પૂર્વમાં પણ આમ જ કર્યું છે."
"કાશ્મીર મુદ્દે પણ ઈરાન ભારતના પક્ષે ઊભું રહ્યું છે. જોકે, ઈરાનના સર્વોચ્ચ નેતાએ કાશ્મીરીઓના પક્ષમાં એક નિવેદન કર્યું હતું પરંતુ તહેરાન આવાં એક-બે નિવેદનોથી આગળ નથી વધ્યું."
બાસિતે જણાવ્યું કે, "આ મુદ્દે અમારી સરકારે તહેરાન સાથે વાતચીત કરવી જોઈએ. જો ઈરાનને પાકિસ્તાનની બાબતમાં કોઈ મુશ્કેલી કે વિરોધ છે તો એણે અમારી સરકાર સાથે વ્યક્તિગત ધોરણે વાત કરવી જોઈએ. પાકિસ્તાન ઈરાન સાથે સારા સંબંધ ઇચ્છે છે, પણ એક હાથે તાળી ન વાગે."
"પાકિસ્તાન એકલું પોતાની તાકાત પર આમ ન કરી શકે. તાલિબાનના આવવાના કારણે ઈરાનની ચિંતા વધે તે યોગ્ય છે, પરંતુ વધુ ચિંતાની વાત એ છે કે, ઈરાન ભારત સાથે વધુ સહજતાપૂર્ણ વ્યવહાર દાખવે છે."
બાસિતે જણાવ્યું કે, "ચાબાહાર મામલે ઈરાન ભારતના પક્ષે છે. અમે ઈરાનને મુસ્લિમ દેશની રીતે જોઈએ છીએ. અમારો દેશ સુન્ની બહુમત ધરાવે છે, પરંતુ અમે પાકિસ્તાની રાષ્ટ્રહિતની બાબતોમાં એકસાથે છીએ. ભવિષ્યમાં, ઈરાને આ મુદ્દે સાવધાની રાખવી જોઈએ."
પાકિસ્તાન માટેનો વધતો વિરોધ
અફઘાનિસ્તાનમાંની પાકિસ્તાનની ભૂમિકાને એકલું ઈરાન જ સંદિગ્ધ નજરે નથી જોતું પણ કાબુલમાંના લોકો પણ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરતાં રોડ પર આવી ગયા હતા.
આ દેખાવો કરનારાને અટકાવવા તાલિબાને હવામાં ગોળીબાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની કુલ વસતિમાં હઝારા સમુદાયના લોકોની સંખ્યા લગભગ 10થી 20 ટકા હોવાનું મનાય છે. એમની વસતિ પારંપરિકરૂપે મધ્ય અફઘાનિસ્તાનમાંના હઝારાત પ્રદેશમાં છે. અફઘાનિસ્તાનની કુલ વસતિ અંદાજે 3.8 કરોડ છે, એમાં હઝારા સમુદાય લઘુમતીમાં ગણાય છે.
પાકિસ્તાનમાં પણ હઝારા સમુદાયના લોકો છે અને પશ્ચિમના દેશોમાં પણ હઝારા પ્રવાસી રૂપે છે. હઝારા પણ મુસલમાન જ છે અને તેઓ મોટા ભાગે શિયા છે.
આખી દુનિયામાં સુન્ની મુસલમાનોની સંખ્યા બધા કરતાં વધારે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન હઝારા સમુદાય પર લક્ષ્ય તાકે છે.
તાલિબાન હઝારા સમુદાય વિરુદ્ધ માત્ર અફઘાનિસ્તાનમાં જ સક્રિય છે એમ નહીં, પાકિસ્તાનમાં પણ તેમને નિશાન બનાવ્યા છે.
અફઘાનિસ્તાનમાં હઝારા સમુદાય હંમેશાં ભેદભાવનો શિકાર બનતો રહ્યો છે; અને હવે, તાલિબાન ફરી એક વાર સત્તા પર આવી જતાં શિયા મુસલમાનો અને સુન્ની કટ્ટરપંથીઓ વિશેની ઈરાનની ચિંતામાં વધારો થયો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાને જે વચગાળાની સરકારની ઘોષણા કરી છે એમાં એક પણ શિયા નથી એટલા માટે પણ તાલિબાનની વચગાળાની સરકાર ચર્ચાની એરણ પર છે.
શંકાની સોય પાકિસ્તાન તરફ
હજી હમણાં જ, છઠ્ઠી સપ્ટેમ્બરે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતિબજાદેહે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં તાલિબાન સત્તા પર આવ્યું તે અંગે ચેતવણીનો સૂર પ્રકટ કર્યો હતો.
પંજશીર ખીણમાં તાલિબાન-વિરોધી નેતાઓનાં મૃત્યુ (હત્યા)ને સઈદ ખાતિબજાદેહે શહીદી ગણાવ્યાં હતાં. ઈરાનના વિદેશ મંત્રાલયનું આ નિવેદન એ જ દિવસે આવેલું જે દિવસે તાલિબાને પંજશીર કબજે કર્યાની જાહેરાત કરી હતી.
પંજશીરમાં પાકિસ્તાને કથિતરૂપે તાલિબાનને સહકાર આપ્યો હોવાની વાતને અફઘાનિસ્તાન અને ઈરાન સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ પર ચગાવીને પાકિસ્તાનને બરાબર ઠપકો આપી રહ્યા છે.
એમ પણ કહેવાયું કે તાલિબાન-વિરોધી મસૂદના નેતૃત્વવાળા જૂથના પ્રવક્તા ફહીમ દાશ્તી પાકિસ્તાનના ડ્રોન હુમલામાં મૃત્યુ પામ્યા છે.
પંજશીરમાં પાકિસ્તાન ભાગીદાર હતું એ સંબંધી પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સઈદ ખાતિબજાદેહે જણાવ્યું હતું કે, "પંજશીરમાંથી જે સમાચારો આવી રહ્યા છે એ બહુ જ ચિંતાજનક છે. ગઈ રાત્રે થયેલો હુમલો ઘણો નિંદનીય હતો."
"અફઘાન નેતાઓની શહીદી ખેદજનક છે. ઈરાન, પંજશીરમાં વિદેશી દખલગીરીના રિપોર્ટની સમીક્ષા કરી રહ્યું છે. અફઘાનિસ્તાનનો ઇતિહાસ એમ કહે છે કે, ત્યાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપમાં વિદેશની દખલગીરીથી કશું હાથમાં આવતું નથી. અફઘાનિસ્તાનના લોકો કોઈ પણ વિદેશી હસ્તક્ષેપને સહન નહીં કરે."
તહેરાન ટાઇમ્સે એક રિપૉર્ટમાં લખ્યું છે કે તાલિબાનની બાબતમાં ઈરાનનાં બદલાતાં વલણો એમ દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં તેઓ એવી સત્તા નથી ઇચ્છતા જે પડોશી દેશોની ચિંતાઓને પારદર્શક રીતે હલ કરવા માટે તૈયાર ન હોય.
તહેરાન ટાઇમ્સે પોતાના રિપૉર્ટમાં લખ્યું છે કે, "અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને કારણે બીજા દેશોની જેમ ઈરાનને પણ અફઘાનિસ્તાનના ભવિષ્યની ચિંતા છે. પહેલી ચિંતા એ છે કે, કેટલાક દેશો તાલિબાનને ઈરાનની વિરુદ્ધ કામગીરી કરવા પ્રેરવાના પ્રયાસો કરે. યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા અને તુર્કસ્તાન પહેલેથી જ તાલિબાનના સંપર્કમાં છે. કાબુલમાં એરપૉર્ટની ઘટના બાબતે યુએઈ અને બીજા કેટલાક દેશો પહેલાંથી જ કામ કરી રહ્યા છે."
ઈરાનના પૂર્વરાષ્ટ્રપતિ મોહમ્મદ અહમદીનેજાદે પણ તાલિબાનને ઠપકારવાનો પ્રયાસ કર્યો છે.
અહમદીનેજાદે તાજેતરમાં જ કહ્યું હતું કે, "એક સમૂહ, જેને પડોશીઓએ બનાવ્યો અને તાલીમ આપી, એણે એક દેશ પર કબજો કરી લીધો અને પોતાને જ સરકાર ઘોષિત કરી દીધી. દુનિયા મૂકદર્શક બની રહી અથવા સમર્થન આપતી રહી પણ એનાથી દુનિયાની સામે એક અરાજકતાભરી સ્થિતિ ઊભી થઈ છે."
વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી પ્રોગ્રામના સીનિયર ફૅલો મુહમ્મદ અતહર જાવેદે તુર્કીની સરકારી પ્રસારક ટીઆરટીને કહ્યું હતું કે, "આપણે હજી પણ રાહ જોવી જોઈએ. જો ઈરાન સીધી રીતે તાલિબાનની વિરુદ્ધ જાય છે તો એનાથી એને પોતાને જ સમસ્યાનો સામનો કરવો પડશે. કેમ કે પશ્ચિમ ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં ઈરાનવિરોધી સરકાર હોય, જેથી એને દાબમાં રાખી શકાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો