You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની રસી ન લેનારને AMTS બસ, રિવરફન્ટ, કાંકરિયામાં પ્રવેશ નહીં મળે?
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) દ્વારા સોમવારથી કૉર્પોરેશન દ્વારા સંચાલિત અમુક સેવાઓનો લાભ લેવા માટે અમદાવાદીઓએ પોતાનાં કોરોના વૅક્સિનેશન માટેનાં સર્ટિફિકેટ બતાવવાં પડશે.
AMCના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ આ અંગે એક વીડિયો નિવેદન જાહેર કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "AMC દ્વારા ચલાવાતી AMTS-BRTS બસો, કાંકરિયા તળાવ, કાંકરિયા પ્રાણીસંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટ, AMC સંચાલિત લાઇબ્રેરી, જિમખાનાં, સ્વિમિંગ-પૂલ, સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ અને સિવિક સેન્ટરોમાં પ્રવેશ માટે કોરોનાના રસીકરણ માટેનાં સર્ટિફિકેટ બતાવવાનું ફરજિયાત બનાવવામાં આવશે. આ આદેશ 20 સપ્ટેમ્બરથી લાગુ કરાશે."
આ અગાઉ જુલાઈ માસમાં ગુજરાત સરકાર દ્વારા તમામ ધંધાદારી, વેપારીઓ અને ઑફિસ ધરાવનારાને પોતાના સ્ટાફનું ફરજિયાત વૅક્સિનેશન કરાવવાની ફરજ પાડી હતી.
હવે ગુજરાતમાં કોરોના સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં લોકોને કોઈ પણ પ્રકારે રસી લેવા માટે દબાણ કરવું એ કેટલું યોગ્ય છે અને કેટલું કાયદેસર તે અંગે જાણવા બીબીસી ગુજરાતીએ કાયદાના નિષ્ણાત સાથે વાત કરી.
કાયદાકીય પાસું
ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે AMCની નવી જાહેરાત બાબતે તેના કાયદાકીય પાસાં અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "નાગરિકોને બંધારણમાં અપાયેલા અધિકારો વાજબી નિયંત્રણોને આધીન છે. જ્યારે કોઈ કાયદો કે વહીવટીતંત્રનો હુકમ બંધારણના ભાગ ત્રણમાં નાગરિક અને વ્યક્તિને અપાયેલા અધિકારોનું ઉલ્લંઘન કરે તો તેની તપાસ વાજબી નિયંત્રણોને ધ્યાને રાખીને કરવી પડે."
"જો આવો કાયદો કે હુકમ વાજબી નિયંત્રણોની કસોટી પર ખરો ઊતરે તો અને તો જ તે નાગરિક અને વ્યક્તિને અપાયેલા અધિકારને બાધિત કરી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍડ્વોકેટ યાજ્ઞિક બંધારણમાં અપાયેલા અધિકારો વિશે વધુ વાત કરતાં કહે છે કે, "AMCનો આ નિર્ણય બંધારણના અનુચ્છેદ 14 અંતર્ગત અપાયેલા કાયદા સમક્ષની સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 19 (1)(d) અનુસાર દેશમાં ગમે ત્યાં હરવા-ફરવાની સ્વતંત્રતા અને અનુચ્છેદ 21 અંતર્ગત જીવન અને અંગત સ્વાતંત્ર્યના અધિકારની વિપરીત છે."
"અને સમાંતરપણે તે વાજબી નિયંત્રણોની કસોટી પર પણ ખરો ઊતરતો નથી."
"લોકો કોરોના પૉઝિટિવ છે કે કેમ તે જાણવા માટે આપણી પાસે બીજા રસ્તા છે. તેથી રસી ન લીધી હોય તેવા લોકોને રાજ્ય દ્વારા પૂરી પડાતી સેવાઓથી વંચિત રાખવાનો નિર્ણય યોગ્ય નથી."
તેઓ કહે છે કે આ બંધારણના ઉપરોક્ત અધિકારોનું સીધેસીધું ઉલ્લંઘન છે."
આ અંગે AMCની પ્રતિક્રિયા મેળવવા મેડિકલ ઑફિસર ભાવિન સોલંકી અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર મુકેશકુમારનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.
મુંબઈમાં પણ આદેશને પડકારાયો
સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ઑગસ્ટ માસમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરવામાં આવી હતી.
જેમાં કોરોના સામેની વૅક્સિનના બંને ડોઝ મેળવનાર લોકોને જ લૉકલ ટ્રેનમાં સફર કરવાની, તેમજ રિટેલરો અને રેસ્ટોરાંને સ્ટાફ સંપૂર્ણપણે વૅક્સિન મેળવેલ હોય તો જ પોતાનો વેપાર ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે.
આ SOP સામે બૉમ્બે હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેમાં દલીલ કરાઈ છે કે આ SOP બંધારણના ભાગ ત્રણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે.
નોંધનીય છે કે માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ફરજિયાત વૅક્સિનેશનને લઈને દેશનાં ઘણાં રાજ્યોમાં સરકારો અને તંત્ર દ્વારા જુદાજુદા આદેશો કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં પણ સ્કૂલ અને સિનેમાની મુલાકાત માટે અનુક્રમે સ્ટાફ અને મનોરંજન મેળવવા આવનારી વ્યક્તિઓએ ઓછામાં ઓછો વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઈએ તેવી જોગવાઈ કરાઈ છે.
પંજાબમાં પણ સિનેમા, મૉલ, સ્પા અને બાર ખુલ્લાં રાખવાની પરવાનગી અપાઈ છે, પરંતુ એવી શરત પણ રાખવામાં આવી છે કે તમામ સ્ટાફ અને મુલાકાતીઓએ ઓછામાં ઓછો કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં પણ રેસ્ટોરાં, મૉલ, ઇનડોર સ્પૉર્ટ્સ માટેની સુવિધાઓ માત્ર વૅક્સિન લીધેલા લોકો માટે ખુલ્લી મુકાઈ છે. અથવા તો તેમની પાસે કોરોનાનો નૅગેટિવ રિપોર્ટ હોય તે શરત મુકાઈ છે.
કર્ણાટકમાં પણ સ્કૂલોમાં વૅક્સિનનો પ્રથમ ડોઝ લેનાર શિક્ષકોને જ આવવાની પરવાનગી અપાઈ છે.
ઓડિશામાં મૉલ, સિનેમા અને થિયેટરો શરૂ કરાયાં છે, પરંતુ આ સેવાઓનો લાભ માણવા માટે મુલાકાતીએ પોતે રસીના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે.
નોંધનીય છે કે ભૂતકાળમાં મણિપુર હાઈકોર્ટે સરકારના આવા જે એક આદેશને ગેરકાયદેસર ઠરાવ્યો હતો.
આ આદેશમાં રાજ્યે એવી જ સંસ્થાઓ, ખાનગી ઑફિસો, દુકાનો અને માર્કેટો ખોલવાની મંજૂરી આપી હતી, જેના સ્ટાફને કોરોના સામેની વૅક્સિન મળી ગઈ હોય.
આવી જ રીતે મેઘાલયમાં પણ ઘણા ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટો દ્વારા આદેશ જારી કરાયા હતા જે અનુસાર માત્ર એવા જ લોકોને પોતાનો ધંધો શરૂ કરવાની પરવાનગી આપવાની વાત કરાઈ હતી, જેમણે કોરોનાની રસી લીધી હોય.
આ આદેશને મેઘાલય હાઈકોર્ટે નીજતાના અધિકારનો ભંગ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે લોકોને રસીકરણના લાભાલાભ સમજાવવાની જવાબદારી રાજ્યની છે.
બાર ઍન્ડ બેન્ચના એક અહેવાલ અનુસાર એપિડેમિક ડિસીઝ ઍક્ટ, 1897 અંતર્ગત રાજ્યને રોગનો પ્રસાર અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.
તેમજ નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ, 2005 અંતર્ગત પણ કેન્દ્ર સરકારને આવાં જ પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.
પરંતુ મોટા ભાગે કેન્દ્ર સરકાર આ પગલાં લેવાનું કામ રાજ્ય સરકારો પર છોડી દે છે, કારણ કે સ્વાસ્થ્ય એ બંધારણમાં રાજ્યયાદીનો વિષય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો