You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પટેલ મુખ્ય મંત્રી આવવાથી પાટીદાર આંદોલનને ફાયદો થશે કે નુકસાન?
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આ વરસની 12મી જૂને કાગવડ ખોડલધામ મંદિરે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓની સંયુક્ત બેઠક બાદ ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું, કે આગામી મુખ્ય મંત્રી પાટીદાર હોવો જોઈએ.
ત્યારે તો એમના નિવેદનને કોઈએ બહુ ગંભીરતાથી લીધું નહોતું, કારણ કે 2015-16નું પાટીદાર આંદોલન હવે ઠંડું પડી ગયું હતું.
વળી રાજ્યમાં જ્ઞાતિ સમીકરણોનો છેદ ઉડાવીને અતિ લઘુમતી જૈન જ્ઞાતિના વિજય રૂપાણી મુખ્ય મંત્રીપદે બિરાજમાન હતા. એમના જવાના કોઈ અણસાર નહોતા.
બરાબર ત્રણ મહિના બાદ 12મી સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2021ના સૌથી મોટા સરપ્રાઇઝ જેવા સાવ નવા અને સાવ જ અજાણ્યા ભૂપેન્દ્ર પટેલની વિજય રૂપાણીની જગ્યાએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે જાહેરાત કરાવી.
એક કડવા પાટીદાર મુખ્ય મંત્રી બનતા લોકોને ત્રણ મહિના પહેલાંનું નરેશ પટેલનું પાટીદાર મુખ્ય મંત્રીની માગણીવાળું નિવેદન સમજાયું.
ત્રણ મહિનામાં એવું તો શું થયું કે પોતાના સિવાય બીજા કોઈનીય વાત ના માનવા માટે જાણીતા નરેન્દ્ર મોદીને પટેલોની વાત માનવી પડી?
સાથેસાથે, એક પાટીદાર મુખ્ય મંત્રીની નિમણૂક થતા ગુજરાતમાં થોડો ભુલાયેલો પાટીદાર અને પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી કેન્દ્રમાં આવી ગયો. અને કેન્દ્રમાં આવ્યો એ સવાલ કે પટેલ સીએમ આવવાથી પાટીદાર આંદોલનને ફાયદો થશે કે નુકસાન?
પટેલ મુખ્ય મંત્રીથી પાટીદારોને શું ફેર પડશે?
એ સવાલનો જવાબ આપવા પાટીદાર આંદોલનના નાયક હાર્દિક પટેલ સિવાય વધુ યોગ્ય બીજું કોણ હોઈ શકે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પટેલ કહે છે કે "પાટીદાર આંદોલન પટેલ મુખ્ય મંત્રી બનાવવા માટે હતું જ નહીં, ખરેખર તો પાટીદાર આંદોલન પીક પર હતું, ત્યારે ગુજરાતમાં (આનંદીબહેન) પટેલ મુખ્ય મંત્રી હતાં. (જોકે પાટીદાર આંદોલનને નામે જ આનંદીબહેન પટેલને જવું પડ્યું હતું)"
"પાટીદારોને 10 ટકા અનામત બાદ આંદોલન એ સમય દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારોને યોગ્ય વળતર અને કરેલા 250 પોલીસકેસ (જેમાંથી 32 કેસ હાર્દિક પર છે) પાછા ખેંચવા માટે હતું. જે કેસો સરકારે વચન આપ્યા છતાં હજી પાછા નથી ખેંચ્યા."
એ આંદોલન હવે કેમ શમી ગયું એના જવાબમાં હાર્દિક કહે છે કે, "સરકાર આંદોલનના કાર્યક્રમો માટે પોલીસ મંજૂરી નથી આપતી અને સામ-દામ-દંડ-ભેદ દ્વારા આંદોલન દબાવી દેવાયું છે."
પાટીદાર આંદોલનના યુવાનો સુરતમાં 'આપ'માં ભળ્યા અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 27 બેઠકો કબજે કરી.
'આપ'ના નેતા ઈસુદાન ગઢવીને આ જ સવાલ પૂછતા એમણે જણાવ્યું, કે "પટેલ સીએમથી પાટીદાર આંદોલન અને સમાજ બંનેને નુકસાન છે. ભાજપે પટેલ સીએમની પસંદગી 2022ની ચૂંટણી માટે માત્ર ને માત્ર પપેટ સીએમ તરીકે જ કરી છે, જેનાથી પટેલ સમાજને કોઈ ફાયદો નથી."
"જો ખરેખર પટેલ સીએમ જ બનાવવા હતા, તો નીતિન પટેલ શું કામ નહીં, કારણ કે એ કાર્યદક્ષ અને સ્વતંત્ર પ્રકૃતિના છે. મોદી-અમિત શાહ અને સીઆરને તો રિમોટથી ચલાવી શકાય એવું મહોરું માત્ર જોઈએ છે."
ઈસુદાન કહે છે, "જો ભૂપેન્દ્ર પટેલ ખરેખર સ્વતંત્ર હોય તો મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરી બતાવે. ખરેખર તો ભાજપ પટેલ સીએમનો ઉપયોગ પાટીદાર સમાજના કોઈ પણ પ્રશ્ન કે આંદોલનને દબાવવા માટે જ કરશે."
પાટીદાર આંદોલન અને ભાજપ
પાટીદાર અગ્રણી અને ભાજપના પ્રવક્તા મહેશ કસવાલાના મતે, આંદોલનકારીઓ બે પ્રકારના હોય છે.
"એક, મૂલ્યનિષ્ઠ આંદોલનકારી, જે એક મોટા ધ્યેય માટે આંદોલન કરે છે અને બીજા, પોતાનો વ્યક્તિગત રાજકીય હેતુ સિદ્ધ કરવા અને અંગત હિત માટે આંદોલન કરનારા."
"પટેલ અનામત આંદોલનના અંતે 10 ટકા અનામત મળી એ અલગ વાત છે, પણ આંદોલન કરનારા એમની વ્યક્તિગત રાજકીય કરિયર બનાવવા જ આંદોલન કરતા હતા."
તેઓ કહે છે, "આવા આંદોલકારીઓ માટે પટેલ મુખ્ય મંત્રી હોય કે બીજા એમને કોઈ ફાયદા-નુકસાનનો કોઈ સવાલ નથી હોતો. હા, પટેલ મુખ્ય મંત્રી બનવાથી ભાજપને જબરજસ્ત ફાયદો છે."
વરિષ્ઠ પત્રકાર અને પાટીદાર પ્રશ્નોના અભ્યાસી હરિ દેસાઈના મતે, ભૂપેન્દ્ર પટેલ પહેલા કડવા પટેલ છે, જે ગુજરાતના મુખ્ય મંત્રીપદ સુધી પહોચ્યા છે.
"અત્યાર સુધીના પટેલ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલ- ચારેચાર મુખ્ય મંત્રી લેઉવા પટેલ હતા."
"ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મંત્રી થતાં કડવા પટેલો તો સાગમટે ભાજપ સાથે આવશે, પણ લેઉવા પટેલો શું કરશે એ જોવું રસપ્રદ રહેશે, કારણ કે પટેલ મુખ્ય મંત્રીની માગણી કરનારા લેઉવા પટેલ અગ્રણી નરેશ પટેલને મીડિયાએ જ્યારે ભૂપેન્દ્ર પટેલની પસંદગી વિશે પહેલી પ્રતિક્રિયા પૂછી, ત્યારે એમણે એના માટે બે દિવસનો સમય માગ્યો!"
"પટેલો આમ પણ અકળ સમુદાય છે એટલે પટેલ મુખ્ય મંત્રી થતા પટેલ સમાજ અને એના આંદોલનોને ફાયદો થશે કે નુકસાન એ અત્યારે કહેવું અઘરું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો