You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતિન પટેલ, પ્રદીપસિંહ જેવા મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન ન આપવું ભારે પડશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં રાતોરાત મુખ્ય મંત્રી બદલાયા પછી મંત્રીમંડળ પણ આખેઆખું બદલાઈ ગયું.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પક્ષે આ રીતે પોતાની જ સરકાર રાતોરાત બદલી નાખી.
આમ જોઈએ તો ભાજપના કેન્દ્રીય નેતૃત્વે 'નો રિપીટ' થિયરી અપનાવીને વિજય રૂપાણીની સાથે તેમના તમામ મંત્રીઓને હઠાવીને નવા મંત્રીઓને સરકારમાં લાવીને નવો ઇતિહાસ રચ્યો છે.
આમ તો રાજકીય વિશ્લેષકો માને છે કે ઍન્ટી ઇનકમ્બન્સી ખાળવા માટે 'નો રિપીટ' થિયરી લાવવામાં આવી હતી અને ભાજપના વરિષ્ઠ અને અનુભવી મંત્રીઓનું પત્તુ કાપી નાખવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે વિજય રૂપાણીની સરકારનું 'ઑપરેશન' કરી નાખ્યું અને તેની સામે વિરોધ કે અસંતોષના કોઈ સ્વર બહાર ન આવ્યો.
મંત્રીપદ ગુમાવનાર મંત્રીઓ પોતાની નારાજગી ખુલ્લેઆમ તો જાહેર નથી કરી અને તેઓ એવું જ કહેતા સંભળાય છે કે કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય તેમને સ્વીકાર્ય છે.
ભાજપનું કહેવું છે કે યુવા અને નવી ઊર્જા સાથે સરકારનું કામ આગળ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પરંતુ નીતિન પટેલ, આરસી ફળદુ, પ્રદીપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા અને અનેક વરિષ્ઠ મંત્રીઓને ચૂંટણીના 15 મહિના પહેલાં જાકારો અપાતા એકદમ નવી સરકારની સામે ઘણા પકડારો હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો ભાજપ ઇન્કાર કરે છે કે કોઈ એક જ્ઞાતિને સંતોષવા માટે આ નિર્ણયો કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા પાટીદારોની માગને પગલે પહેલી વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા છે.
નવી સરકાર સામે પડકારો
વરિષ્ઠ પાટીદાર નેતા અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને મુખ્ય મંત્રીપદ માટે યોગ્ય માનવામાં આવતા હતા, પરંતુ ફરી એક વખત તેઓ મુખ્ય મંત્રી તરીકે બસ ચૂકી ગયા.
તેમણે પોતે પણ કહ્યું કે 'હું એકલો નથી ઘણા લોકો બસ ચૂકી ગયા છે.'
40 વર્ષનો રાજકારણનો અનુભવ ધરાવતા નીતિન પટેલ પાટીદારોના મજબૂત નેતા છે. ઉત્તર ગુજરાત પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર હતું, પરંતુ નીતિન પટેલે તેને સાચવી રાખ્યું.
2017ની ચૂંટણીમાં જ્યારે ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે નીતિન પટેલના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપના સંકટમોચક બન્યા હતા.
જ્યારે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને નવી સરકાર બનાવવાનો દાવો કરવા માટે મળવા ગયા ત્યારે અન્ય વરિષ્ઠ નેતાઓ હતા, પરંતુ નીતિન પટેલ તેમની સાથે નહોતા. તેનાથી અટકળો હતી કે તેઓ નારાજ છે.
નીતિન પટેલ કોઈ પણ નારાજગીથી ઇન્કાર કરતા રહ્યા છે અને તેઓ શપથવિધિમાં મંચ પર દેખાયા હતા.
તેમણે સમાચાર ચેનલ એબીપી અસ્મિતા ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે "જ્યારે પાર્ટી નેતૃત્વે અમને બોલાવ્યા, પહેલાં ઔપચારિક વાતચીત કરી પછી કહ્યું કે ઉપરથી નિર્ણય થયો છે કે સેન્ટ્રલ નેતૃત્વ ઇચ્છે છે કે આખી ગુજરાતની સરકારને, બધા મંત્રીઓને બદલી નાખવા છે."
"મારા પહેલાં પણ બે ત્રણ મંત્રીઓને બોલાવીને એક પછી એક વિશ્વાસમાં લીધા અને પાર્ટીએ નિર્ણય લઈ લીધો હોઈ અને અમલ કરવાનો જ હોય તો પછી દલીલ કરવાનું કોઈ કારણ નહોતું."
પરંતુ નવી સરકાર સામે કેવા પડકારો હશે તે અંગે વાત કરતા તેમણે આગળ કહ્યું, "છતાં મારા સ્વભાવ પ્રમાણે નેતાગીરી સમક્ષ વિશ્લેષણ કર્યું તેમાં નવા મંત્રીમંડળને સવા વર્ષ પછી ચૂંટણીનો સામનો કરવાનો છે. સમાજમાં છવાઈ જવાનો સમય મર્યાદિત રહેવાનો છે."
"વિધાનસભા કે લોકસભાની ચૂંટણીની વાત આવે ત્યારે અધિકારીઓ આચારસંહિતાની વાતો કરતા થઈ જાય છે ત્યારે તેમની પાસે કામ કરાવવાનું સહેલું નથી એટલે કામ કરવાનો સમય મર્યાદિત છે."
તેમણે વધુમાં કહ્યું, "મારા બનાવેલા બજેટમાં સામાન્ય નાગરિક માટે બનાવેલી અમારી યોજનાઓનો આ સરકારે અમલ કરવાનો છે અને યોજનાઓને આગળ સારી રીતે વધારવાની છે અને પારદર્શક રીતે સામાન્ય લોકોને લાભ પહોંચે એ નવા મંત્રીઓએ કરવાનું છે."
"બધા મંત્રીઓ નવા છે અને અધિકારીઓ સાથે સંકલન કરીને કામ કરવું જવાબદારીનું કાર્ય છે. હજી ઘણા પ્રશ્નો સરકાર સામે છે. જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે અનેક વર્ગો દ્વારા નવી માગો ઊભી કરીને સરકારને દબાણમાં લાવવાના પ્રયત્ન થતા હોય છે."
"નવા મુખ્ય મંત્રી અને મંત્રીઓને આ પ્રશ્નોનો સામનો કરવો પડશે. આ હું મારા અનુભવથી કહી રહ્યો છું. આ સરકારના ખભે આટલી મોટી જવાબદારી છે ત્યારે કાર્યકરો, પ્રજા અને પૂર્વ મંત્રીઓ તથા વગદાર, અનુભવી ધારાસભ્યોનો સહયોગ જોઈશે."
નારાજગી કહી શકાય કે વરિષ્ઠ નેતા તરીકને પક્ષની ચિંતા, પરંતુ તેમના આ નિવેદનથી સમજી શકાય છે કે નવી ઊર્જા સાથે કામ કરવાની વાત જે નવી સરકાર માટે કહેવાઈ રહી છે તેની સામે કેવા પડકારો છે.
રાજકીય વર્તુળમાં ગુજરાતમાં ભાજપની સરકારના ત્રણ સંકટમોચક તરીકે નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગણવામાં આવતા.
1980થી ભાજપ સાથે જોડાયેલા વટવાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ભૂમિકાની વાત કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં જે આંદોલનો થયા તેને ખાળવામાં અને સરકારની મુશ્કેલી વખતે સંકટમોચક તરીકે સામે આવ્યા.
તો પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સાધુસંતોને ભાજપ તરફ વાળવામાં મોટી ભૂમિકા હતી.
ચહેરા બદલવાની જરૂર શું હતી?
ત્યારે રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બીબીસી ગુજરાતી કહ્યું કે "સુરતના વરાછાની સીટ જીતવી અઘરી છે. આમ આદમી પાર્ટીનો પગપેસારો થઈ રહ્યો છે. આ સંકેત સુરત પૂરતા નથી સૌરાષ્ટ્ર માટે પણ લાગુ પડે છે."
"ભાજપના કાર્યકર્તા તરીકે હું સાચું બોલી રહ્યો છું. જો ગુજરાતમાં મામલો અઘરો ન હોત તો ચહેરા બદલવાની જરૂર શું હતી."
પાટીદાર નેતા કુમાર કાનાણી વરાછાથી ધારાસભ્ય છે અને મૂળ સૌરાષ્ટ્રના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોઈ ચૂંટણીમાં ખાતું ખોલ્યું હોય તો એ સ્થાનિકસ્વરાજ ચૂંટણીમાં સુરતની મ્યુનિસિપલ કૉરપોરેશનમાં જ બન્યું હતું.
પરંતુ નવા મંત્રીમંડળમાં સુરતનો દબદબો રહ્યો. સુરતથી સર્વાધિક મંત્રીઓ બનાવાયા છે તથા ભાજપના પ્રદેશ પ્રમુખ ખુદ દક્ષિણ ગુજરાતથી છે અને દર્શના જરદોશને કેન્દ્રીયમંત્રી અગાઉ જ બનાવી દેવાયાં હતાં.
નવા મંત્રીમંડળમાં સુરતથી હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, વીનુ મોરડિયા અને ઓલપાડથી મુકેશ પટેલને મંત્રી બનાવાયા છે. વીનુ મોરડિયાની કતારગામ બેઠક અને કોળી નેતા મુકેશ પટેલની ધારાસભા બેઠક ઓલપાડ, આ બંને બેઠકોનો સૌરાષ્ટ્ર સાથે સીધો નાતો છે.
સૌરાષ્ટ્રના એ નેતાઓ જે કૉંગ્રેસ છોડીને આવ્યા હતા હવે શું?
કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ, જેમ કે જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા અને જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા એવા નેતાઓમાં ગણાય છે જેમનું તેમના વિસ્તારમાં પ્રભુત્વ છે અને તેઓ મજબૂત નેતા માનવામાં આવે છે.
2017ની ચૂંટણી બાદ જ્યારે ભાજપમાં કૉંગ્રેસના નેતાઓનો જોડાવાનો સિલસિલો ચાલુ થયો તેમાં કુંવરજી બાવળિયા આવ્યા હતા. અને પછી હકુભા જાડેજા અને જવાહર ચાવડા પણ ભાજપમાં જોડાયા. સૌરાષ્ટ્રના આ ત્રણેયને વિજય રૂપાણી સરકારમાં મંત્રી બનાવાયા હતા.
કુંવરજી બાવળિયાનું મંત્રીપદ જતું રહેવાના સમાચાર વહેતા થયા તો તેની સામે નારાજગી વ્યક્ત કરવા માટે 15 સપ્ટેમ્બરની કોળી સમાજની બેઠક થઈ અને 16 સપ્ટેમ્બર સવારે તેમના મતવિસ્તારમાં વીંછિયામાં બંધ રાખવામાં આવ્યું.
જોકે બપોરે શપથવિધિ શરૂ થાય એ પહેલાં એક વીડિયો સંદેશમાં કુંવરજી બાવળિયાએ કહ્યું 'નો રિપીટ થિયરી મને સ્વીકાર્ય છે'.
તેમણે વધુમાં કહ્યું કે 'કેન્દ્રીય નેતૃત્વે નો રિપીટ થિયરી અપનાવી છે તો પછી અમે પણ એમાં સાથે છીએ.' અને કાર્યકર-આગેવાનોને વિનંતી કરી કે 'દેખાવો તથા પ્રપંચ ન કરીને પાર્ટીના કામે લાગી જઈએ.'
તેઓ કોળી સમાજના મોટા નેતા છે. સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી 48 બેઠક પર 15-35 ટકા જેટલા વોટ પર કોળી મતદારોનો પ્રભાવ છે અને 36 બેઠક પર કોળી સમુદાયના મતો નિર્ણાયક હોય છે.
પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની કૅબિનેટમાં કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી એ અગ્રણી કોળી નેતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા મંત્રીમંડળમાં ચાર કોળી મંત્રી બનાવાયા છે.
ઠાકોર મતદારો પર પ્રભુત્વ ધરાવતા નેતાઓ
વિજય રૂપાણીની સરકારમાં ચાણસ્માના ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા દિલીપ ઠાકોર શ્રમ, રોજગાર, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ, દેવસ્થાન અને પિલગ્રિમેજ ડેવલપમેન્ટ મંત્રી પદે હતા.
તેમના પિતા પણ ધારાસભ્ય હતા. ઠાકોર સમુદાયના દિગ્ગજ નેતા લીલાધર વાઘેલા સાથે તેમના પારિવારિક સંબંધ હતા. આ બંને ઠાકોર સમાજમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા.
ઉત્તર ગુજરાતની 16 વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. જોકે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા, પરંતુ રાધનપુરની પેટાચૂંટણીમાં તેઓ હારી ગયા હતા અને હાલના સમયમાં ખાસ પ્રભાવશાળી નથી માનવામાં આવતા.
હાલના મંત્રીમંડળમાં સાબરકાંઠાના ઠાકોર નેતા ગજેન્દ્ર પરમાર અને કાંકરેજના ધારાસભ્ય તથા ક્ષત્રિય નેતા કીર્તિસિંહ વાઘેલાનો સમાવેશ કરાયો છે અને તેઓ ઠાકોર સમાજ પર પ્રભુત્વ ધરાવે છે.
ભરૂચમાં કઈ વાતની નારાજગી?
ગુજરાતમાં જ્યારે નવા મંત્રીમંડળની શપથવિધિને ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે ભરૂચ લોકસભા બેઠકથી સાંસદ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી મનસુખ વસાવાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભરૂચ જિલ્લામાંથી કોઈ પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ ન કરાતા લોકોમાં ખૂબ નારાજગી ઊભી થશે.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "ભરૂચ જિલ્લાને પ્રતિનિધિત્વ નહીં આપીને ભાજપના મોવડીમંડળે અન્યાય કર્યો છે. ભરૂચના તમામ કાર્યકર્તાઓ નારાજ છે."
"ભરૂચ જિલ્લામાં મોટા પાયે ઉદ્યોગો છે. અહીં સારો વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. આમ છતાં ભરૂચ પ્રત્યે ઓરમાયું વર્તન દેખાડવામાં આવ્યું છે."
"ભરૂચ જિલ્લાનો કોઈ ગોડફાધર નથી માટે ભરૂચ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી અને ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે અહીં લૉબિંગ કરવાવાળા નેતાઓ નથી. ભરૂચ ભાજપે કાયમ અલગતાવાદી પરિબળો સામે લડાઈ આપી છે તેમ છતાં અમને અન્યાય કરવામાં આવ્યો છે એ દુખદ છે."
વસાવા 1998થી સાંસદ રહ્યા છે અને તેઓ કેન્દ્ર સરકારમાં 2014-16 આદિવાસી બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા.
ખજુરાહોકાંડ વખતે તેઓ વાસણિયા મહાદેવથી પાછા શંકરસિંહ વાઘેલાનો કૅમ્પ છોડીને ભાજપમાં પાછા ફર્યા હતા. ત્યારબાદ તેમને ભરૂચ લોકસભાની ટિકિટ મળી હતી.
2016 પછી તેમને કોઈ મોટી જવાબદારી નથી મળી અને નર્મદા જિલ્લામાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બનવાથી આદિવાસીઓના મુદ્દા ઉઠાવતા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો