You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂપેન્દ્ર પટેલ : એ કારણો જેના લીધે આ પાટીદાર ચહેરાને મુખ્ય મંત્રીની ખુરશી અપાઈ
ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી દેવાઈ છે, તેઓ ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે.
શનિવારે વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, એ પછી નવા મુખ્ય મંત્રીના નામ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી, જેનો હવે અંત આવી ગયો છે.
પહેલી વખત ધારાસભ્ય બન્યા
ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને કૉંગ્રેસના શશિકાંત પટેલ સામે નોંધપાત્ર માર્જિન સાથે જીત મળી હતી.
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ અંડર ગ્રૅજ્યુએટ છે.
તેઓ વ્યવસાયે બિલ્ડર છે, તેઓ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોઈ પણ ખાતાના મંત્રી રહી ચૂક્યા નથી.
જોકે તેઓ પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થા સરદારધામના ટ્રસ્ટી છે. તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે.
તેઓ 1995-96, 1999-2000 અને 2004-06 સુધી મેમનગર નગરપાલિકામાં પ્રવૃત્ત હતા. આ સિવાય તેઓ અમદાવાદ સ્કૂલ બોર્ડમાં વર્ષ 2008-10 સુધી ચૅરમૅન તરીકે પણ કાર્યરત્ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન હતા.
તેમજ વર્ષ 2015-17 સુધી તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના ચૅરમૅન હતા.
ગુજરાત વિધાનસભાની વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બૅડમિન્ટનનો શોખ ધરાવે છે.
પાટીદાર ચહેરાની ઊઠેલી માગ
વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલ, સી. આર. પાટીલ, મનસુખ માંડવિયા અને આર. સી. ફળદુ વગેરે જેવા ભાજપના દિગ્ગજ નેતાઓનાં નામ મીડિયાના અહેવાલોમાં ચર્ચાઈ રહ્યા હતા.
જોકે સરપ્રાઇઝ આપવા માટે જાણીતા ભાજપે ફરી ચર્ચિત તમામ નામોના સ્થાને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે પસંદ કરીને તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ગુજરાતમાં સમયાંતરે 'પાટીદાર' મુખ્ય મંત્રી હોય તેવી માગ ઊઠી રહી હતી. અન્ય પાટીદાર ચહેરાઓના સ્થાને એક નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે.
આ અંગે પત્રકાર અને રાજકીય વિશ્લેષક ફયસલ બકીલી જણાવે છે કે, "કદાચ ગુજરાતમાં ભાજપની સરકાર સામે સત્તાવિરોધી લહેર હોવાના અનુમાનને કારણે પક્ષે એકદમ નવા ચહેરાની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી છે."
તેઓ કહે છે કે "કોરોનામાં ગુજરાતની જનતા સરકારનાં કામોથી ખુશ ન હોય તેવું લાગી રહ્યું હતું, તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ઘણા પ્રશ્નો હતા. જેના કારણે સત્તાવિરોધી લહેરનું નુકસાન ટાળવા ભૂપેન્દ્રભાઈ પટેલને પસંદ કર્યા છે."
ફયસલ બકીલી એ વાતે પણ સંમત થાય છે કે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ પાટીદાર ચહેરાની સાથે કોઈ વિરોધ ન કરી શકે તેવો ચહેરો ભાજપને જોઈતો હતો. જે ભૂપેન્દ્ર પટેલના સ્વરૂપમાં તેમને મળ્યો છે.
ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલને કેમ પસંદ કરાયા?
બીબીસી ગુજરાતી સેવાના એડિટર અંકુર જૈન જણાવે છે, "જ્યારે રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ કોઈ પટેલ રાજકારણીને મુખ્ય મંત્રી બનાવવા માગતો હતો."
"ભાજપને આગામી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે પટેલ સમુદાયના સાથની જરૂર છે, કારણ કે પાછલા લગભગ અઢી દાયકાથી આ સમાજનું ભાજપને સમર્થન મળ્યું છે."
તેઓ ભૂપેન્દ્ર પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો તે અંગેનાં વધુ સંભવિત કારણોની છણાવટ કરતાં આગળ જણાવે છે કે, "ભાજપને પટેલ આગેવાનની તો જરૂર હતી જ, પરંતુ તે આગેવાન પાટીદાર અનામતનું સમર્થન કરતો હોય તેવો ન હોવો જોઈએ. આ ભાજપની પ્રાથમિકતા હતી."
"બીજું કારણ એ હતું કે તેમને મુખ્ય મંત્રીના ચહેરા તરીકે એક એવી વ્યક્તિની જરૂર હતી, જે અજાતશત્રુ હોય. જેનો પક્ષમાં કોઈ વિરોધ ન કરી શકે. તેથી જ મોટા પાટીદાર ચહેરાઓ જેમ કે નીતિન પટેલ અને પરસોતમ રૂપાલાની પસંદગી ન કરાઈ, કારણ કે પક્ષમાં જ તેમના નામને લઈને ઘણો વિરોધ હતો."
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, "જે પાટીદાર નેતાનાં નામોની ચર્ચા હતી, તેમાં શક્ય છે કે કોઈ એકને મૂકવામાં આવે તો બીજા નારાજ થઈ શકે, અને એ જોખમ અત્યારે લેવાય એવું પાર્ટીને લાગતું નથી. એટલે પાટીદારની લોબીને સંતોષવા માટે પાટીદારને લીધા."
ઘનશ્યામ શાહ કહે છે કે "બીજું કારણ એ હોઈ શકે કે ભૂપેન્દ્ર પટેલ મંત્રી નથી, ઉપરથી જે નક્કી થાય એને વિજય રૂપાણી કરતા હતા, એ રીતે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે બધું જ કરે."
આનંદીબહેન પટેલની ખાલી પડેલી બેઠકથી ધારાસભ્ય
અંકુર જૈન ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત અંગે આગળ જણાવે છે કે, "તેઓ કેટલાક સમયથી ધારાસભ્ય છે, પરંતુ તેમણે અમદાવાદમાં મહત્ત્વના હોદ્દાઓ પર સેવા આપી છે. અજાતશત્રુ હોવાની સાથોસાથ તેમની એક ખાસિયત એ પણ છે કે તેઓ ભાજપના કોઈ પણ જૂથ સાથે નિકટતા ધરાવતા નથી."
"નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ગુજરાત ભાજપમાં આનંદીબહેન પટેલ અને અમિત શાહના સમર્થકો એમ પક્ષની અંદર જ બે જુદા-જુદા ફાટા પડી ગયેલા જોવા મળ્યા હતા."
"ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેન પટેલની લોબીના નેતા મનાય છે, કારણ કે તેઓ પણ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. આનંદીબહેન પટેલને રાજ્યપાલ બનાવાતાં આ બેઠક ખાલી પડી હતી."
"ભૂપેન્દ્ર પટેલ એ કોઈ 'માસ લીડર' નથી, પરંતુ ભાજપને આગામી ચૂંટણી સુધી સરકાર ચલાવવા માટે પટેલ ઉપરોક્ત બધા ગુણો ધરાવનાર પટેલ નેતાની જરૂરિયાત હતી. તેથી નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમનું નામ પસંદ કર્યું છે."
ફયસલ બકીલી ભૂપેન્દ્ર પટેલ માટે આગળનો રસ્તો કઠીન હોવાનું જણાવતાં કહે છે, "તેમણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારોને સાથે લાવીને ભાજપતરફી મત પેદા કરવાનું કામ કરવું પડશે."
"જે માત્ર અને માત્ર પોતાની જાતને પુરવાર કરીને કરી શકશે, સાથે જ તેમણે સારી છબિ બને એવાં કામો કરી શકે તેવા લોકોને સામેલ કરવા પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો