ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 'નો-રિપીટ થિયરી' કેમ અપનાવાઈ? ભાજપને કોની બીક?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

ગુરુવારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ. અહેવાલો મુજબ જ ભાજપ દ્વારા 'નો રિપીટ' થિયરી અપનાવવામાં આવી છે અને અગાઉની સરકારમાં મંત્રી હોય તેમને ફરીથી સ્થાન નથી મળ્યું અને સ્પીકર પણ બદલી નાખવામાં આવ્યા છે.

નવા મંત્રીમંડળના મોટાભાગના પ્રધાનોને પ્રથમ વખત સરકારમાં જવાબદારી મળી છે, જ્યારે અમુક રાજકીય દૃષ્ટિએ પણ બિનઅનુભવી છે. ડિસેમ્બર-2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે છતાં તેમની પાસે શીખવા, સમજવા તથા ડિલિવર કરવા માટે માત્ર એક વર્ષ જેટલો સમય માંડ હશે.

ભાજપ દ્વારા તાજેતરના પરિવર્તનને 'નવા નેતૃત્વને નિખારવા' તથા 'સંગઠન-સરકારની જરૂરિયાત' જણાવવામાં આવી રહી છે.

કર્ણાટક, ઉત્તરાખંડ અને આસામ બાદ ગુજરાતમાં પણ નેતૃત્વપરિવર્તન કરવામાં આવ્યું છે, જોકે ગુજરાતમાં સમૂળગું પરિવર્તન હાથ ધરવામાં આવ્યું છે.

શા માટે નો-રિપીટ?

ગુજરાત અને કદાચ દેશના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે કે ચાલુ વિધાનસભા દરમિયાન એક મુખ્ય મંત્રી રાજીનામું આપે, તેમના જ પક્ષનો બીજો ધારાસભ્ય મુખ્ય મંત્રી બને, છતાં અગાઉની સરકારના કોઈ પણ પ્રધાનનો તેમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોય.

રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરના મતે, "કોરોનાને બાકાત કરવામાં આવે તો વિજય રૂપાણી સરકારમાં મહદંશે બધું સુચારુ રીતે ચાલી રહ્યું હતું. પરંતુ કર્ણાટક અને ઉત્તરાખંડના અનુભવોના આધારે પાર્ટીને લાગ્યું હોય કે નેતૃત્વપરિવર્તનનો સમય આવી ગયો છે. સ્વાભાવિક છે કે મુખ્ય મંત્રી જાય એટલે તેની સાથે સમગ્ર સિસ્ટમ પણ બદલાઈ જાય."

"ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તા ઉપર છે, એટલે રાજ્યવ્યાપી નહીં તો અમુક વિસ્તારોમાં કે સમાજમાં સત્તાવિરોધી વલણ આવી શકે છે. આવા સંજોગોમાં નવા ચહેરાને સ્થાન તથા નેતૃત્વપરિર્તન એ સફળ ફૉર્મ્યુલા છે અને ભાજપ દ્વારા તેને જ અપનાવવામાં આવી છે."

નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ 'પ્રયોગ' નહીં, પરંતુ 'પ્રેરણા' છે. પાર્ટીમાં નવું નેતૃત્વ સામે આવે તે જોવાની પાર્ટીની જવાબદારી છે. એટલે નવા લોકોને તક આપવા માટે આમ કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે, "એક વખત કોઈ નેતા મંત્રી બની જાય અને પાર્ટીની સરકારમાં એ જ લોકો પ્રધાન હોય તો નવા લોકોને સત્તાનો સ્વાદ ચાખવા ન મળે તથા સરકારનો અનુભવ ન મળે. અગાઉ બોર્ડ અને નિગમોમાં ધારાસભ્યોની નિમણૂક થતી. પરંતુ છેલ્લાં લગભગ 15-17 વર્ષથી તે બંધ છે."

નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, સૌરભ પટેલ, પરષોત્તમ સોલંકી, વાસણભાઈ આહીર, પ્રદીપસિંહ જાડેજા, બે કે તેથી વધુ સરકારમાં પ્રધાન રહ્યા હતા. વિજય રૂપાણી પણ બીજી વખત મુખ્ય મંત્રી બન્યા હતા.

નો-રિપીટ પહેલીવાર નહીં

ગુજરાતમાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી હોવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ ભાજપ એ પ્રયોગ કરી ચૂક્યો છે અને 2010ની મહાનગરપાલિકાની ચૂંટણી સમયે તમામ કૉર્પોરેટરને બદલી નાખવામાં આવ્યા હતા, એ પછી ભાજપ ફરીથી સત્તા ઉપર આવવામાં સફળ રહ્યો હતો.

આચાર્યના મતે, "વિજય રૂપાણી સરકારનું રાજીનામું લઈને ભાજપે એક રીતે સ્વીકાર કરી લીધો છે કે કોરોના મુદ્દે કામગીરી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. માત્ર મુખ્ય મંત્રી જ નહીં, પ્રધાનમંડળનું રાજીનામું અને પછી તેમને રિપીટ ન કરવા એ સ્પષ્ટ કરે છે કે તમામ સ્તરેથી નિષ્ફળતા હતી."

"ભાજપને આશા હતી કે ધીમે-ધીમે અર્થતંત્ર પાટા ઉપર ચડી રહ્યું છે અને રસીકરણ થઈ રહ્યું છે ત્યારે લોકોની સ્મૃતિ ટૂંકી હોય છે અને ભૂલી જશે. જોકે, પાર્ટીના આંતરિક સરવે, સંઘના ફીડબૅક વગેરેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે લોકો કોરોનાને ભૂલ્યા નથી અને સરકારની કામગીરી સામે આક્રોશ છે. એટલે વિજય રૂપાણી સરકારને હઠાવવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો."

2010ની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા અને અમિત શાહ રાજ્યના ગૃહમંત્રી હતા. આજે બંને કેન્દ્રમાં છે, પરંતુ ગુજરાતનો ગઢ તેમના માટે એટલો જ મહત્ત્વપૂર્ણ છે. પક્ષ તથા સંગઠનમાં તેઓ 'નંબર વન' અને 'નંબર ટુ' છે, ત્યારે આ રાજકીય પરિવર્તનની ઉપર તેમની છાપ સ્પષ્ટપણે વર્તાય છે.

ડૉ. કાશીકર માને છે, " સમૂળગા પરિવર્તન દ્વારા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા માત્ર પ્રધાનોને જ નહીં, પરંતુ ધારાસભ્યોને પણ સંદેશ આપવામાં આવ્યો છે કે એક વર્ષના ગાળામાં જનતાની વચ્ચે જઈને તેમના કામ કરવા અન્યથા તેમનું પત્તું પણ કપાય શકે છે."

નો-રિપીટ કેટલું નો-રિપીટ?

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમામ પ્રધાનો નવલોહિયા હશે અને અગાઉ ક્યારેય પ્રધાન ન બન્યા હોય તેવા લોકોને જ સમાવવામાં આવશે, જોકે એવું બન્યું નથી.

કિરીટસિંહ રાણા, રાઘવજી પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી વગેરે અગાઉના કોઈ અને કોઈ મંત્રીમંડળમાં સ્થાન મેળવી ચૂક્યા છે. આચાર્યના કહેવા પ્રમાણે :

"સ્વાભાવિક રીતે નવા અને જૂના મંત્રીમંડળની સરખામણી થાય ત્યારે ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ અગાઉ કરતાં ઓછું મજબૂત લાગે, પરંતુ તેમની સામે તક હશે કે તેઓ આગામી એક વર્ષમાં કાબેલિયત પુરવાર કરી બતાડે."

ભાજપના એક નેતાએ કહ્યું હતું, "પ્રધાનમંડળમાં 'નૉ-રિપીટ'ને ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. પડતા મુકાયેલા પ્રધાનોને ધારાસભ્ય તરીકે ટિકિટ મળી શકે છે. સૌરાષ્ટ્રમાં કુંવરજીભાઈ બાવળિયા, જવહાર ચાવડા, જયેશ રાદડિયા, ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલની અવગણના ન થઈ શકે."

"આ તેમની રાજકીય કારકિર્દીમાં પીછેહઠ હોઈ શકે છે, પરંતુ પૂર્ણવિરામ નહીં હોય. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ મળે અને ભાજપની સરકાર બન્યે, અમુક અપવાદો સાથે તેમને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો