You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીને મુખ્ય મંત્રીપદેથી હઠાવવાથી ભાજપને ફાયદો કે નુકસાન?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે. રવિવારે એમનું નામ જાહેર થયું, એ સાથે જ નીતિન પટેલ સહિતનાં નામોની ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો.
એ પહેલાંના ઘટનાક્રમ પર નજર કરીએ તો શનિવારે વિજય રૂપાણી અચાનક જ મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપવા માટે રાજભવન પહોંચી ગયા, ભાજપના મંત્રીઓ પણ પહોંચી ગયા અને રૂપાણીએ રાજીનામું આપી દીધું.
આ ગતિવિધિ એવા વખતે થઈ રહી છે, જ્યારે 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે.
આ બધું ઘટ્યું ત્યારે સૌનાં મનમાં બે સવાલ હતા, પહેલો એ કે વિજય રૂપાણી પાસે અચાનક રાજીનામું કેમ અપાવી દેવામાં આવ્યું અને બીજો પ્રશ્ન એ કે વિજય રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કેમ કરાઈ.
શનિ અને રવિવારના મીડિયાના અહેવાલોમાં અને ટીવીની ડિબેટમાં રાજકીય વિશ્લેષકોએ કહ્યું કે આ 'ગુજરાતમાં ભાજપનો ગઢ બચાવી રાખવા' માટેની કવાયત થઈ રહી છે.
રાજકીય વિશ્લેષકો એવું પણ કહે છે કે ભાજપ ગુજરાતમાં પોતાનો ગઢ સાચવવા 'ફાક' થિયરી અપનાવી શકે છે.
આ સંદર્ભે સેફોલૉજિસ્ટ ડૉ. એમ.આઈ. ખાન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે "2015માં પાટીદારોનું આંદોલન થયું, ત્યારે કૉંગ્રેસના નેતાઓ પટેલ, દલિત, ઓબીસી અને આદિવાસીના કૉમ્બિનેશનની 'પોડા' રણનીતિ લઈને આવ્યા હતા, જેનો એમને લાભ થયો હતો."
"ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતા ગુજરાતમાં ભાજપને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત 100થી નીચે 99 બેઠક જ મળી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2022ની ચૂંટણી પહેલાં ડૅમેજ-કંટ્રોલ?
ડૉ. ખાન કહે છે કે, "એ બાદ 2021માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારોનું ઉદાસીન વલણ જોવા મળ્યું."
તેઓ ધોળકાનો દાખલો આપતાં કહે છે કે "સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 327 મતથી જીત્યા હતા, પણ ત્યાં નોટાના ભાગે ગયેલા મતની સંખ્યા 2347 હતી."
"આવી જ રીતે જેતપુરમાં કૉંગ્રેસ ઉમેદવાર ત્રણ હજારથી વધારે વોટથી જીત્યા, પણ ત્યાં નોટામાં છ હજારથી પણ વધારે મત પડ્યા હતા."
"કોરોનાની બીજી લહેર વખતે ગુજરાત સરકારની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ હતી."
ડૉ. ખાન કહે છે કે, "ભાજપે કેન્દ્રીયમંત્રીઓને જનસંવેદનાયાત્રા માટે મોકલ્યા હતા. આ સમયે અચાનક ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલી આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ મળી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું."
તેઓ આગળ કહે છે કે, "ગ્રામીણ વિસ્તારમાં ભાજપના હાથમાંથી પટેલ વોટબૅન્ક સરકતી હોય, એવું દેખાતું હતું. આ કારણે ભાજપ રાજકીય ગણિતથી નવો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે."
ફાક થિયરી વિશે વાત કરતાં ખાન કહે છે કે, "જે બેઠકો 1500 કે 5000 વોટથી ભાજપ કે કૉંગ્રેસે જીતી હોય તેને આમ આદમી પાર્ટી તોડી ના લે, તે માટે હવે ભાજપ ફાક થિયરી પર ચાલી શકે છે."
"ફાક થિયરી એટલે પટેલ, હરિજન, આદિવાસી અને ક્ષત્રિય. જેથી ભાજપ નવા પ્રધાનમંડળમાં પટેલ, હરિજન, આદિવાસી અને ક્ષત્રિય નેતાઓને પ્રાધાન્ય આપી શકે છે."
"ભાજપની ગણતરી હોઈ શકે કે 1995 અને 1998માં આ રીતે સત્તા મેળવી હતી, તો આ વખતે પણ પાર્ટીની વોટબૅન્ક પરત આવે અને એનો ફાયદો થાય."
નો રિપીટ અને 'ફાક' થિયરી
ભાજપની રણનીતિ વિશે બીબીસી ગુજરાતીએ ડૉ. વિનોદ અગ્રવાલ સાથે પણ વાત કરી.
તેમણે કહ્યું, "ભાજપની પકડ ગુજરાતમાં પહેલાં કરતાં ઓછી થઈ છે, એમાં બેમત નથી. કોરોનાના સમયમાં ઓક્સિજનની અછત, હૉસ્પિટલોમાં બેડ માટે ફાંફાં મારતા લોકો, દવાઓની તંગી અને બેરોજગારી એ સરકાર સામે મોટી સમસ્યાઓ રહી."
ડૉ. અગ્રવાલ કહે છે કે "આ સમયગાળામાં એવી છાપ ઊભી થઈ કે મુખ્ય મંત્રી રૂપાણીની વહીવટીતંત્ર પર પકડ નથી."
"આ નારાજગી ખાળવા માટે રૂપાણીને બદલવાનો નિર્ણય કર્યો હોય, એવું લાગે છે."
તેઓ આગળ કહે છે, "2021માં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ભલે ભાજપનો વિજય થયો, પણ લોકોની મતદાન પ્રત્યેની ઉદાસીનતા ચિંતાનો વિષય છે."
ડૉ. વિનોદ અગ્રવાલ સંભાવના વ્યક્ત કરે છે કે પટેલ, ક્ષત્રિય, દલિત, આદિવાસી અને ઓબીસી પ્રતિનિધિઓને નવા પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.
છબિ સુધારવાનો પ્રયત્ન
રાજકીય વિશ્લેષક વિક્રમ વકીલે કહ્યું કે, "2016થી ગુજરાતમાં ભાજપની છબિ એવી ઊભી થઈ કે પાર્ટીમાં પ્રભાવશાળી લોકો બળવાખોરો અને ધારાસભ્યોને ખરીદતા હતા."
તેઓ આગળ કહે છે કે "ભાજપના પ્રમુખ બન્યા પછી સી. આર. પાટીલે 2021માં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આ ખરડાયેલી છાપ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીઓ અને કાર્યકરો વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયત્નો કર્યા."
વિક્રમ વકીલ કહે છે કે "પાટીલની ઝડપ સાથે વિજય રૂપાણી તાલમેલ સાધવામાં ધીમા સાબિત થયા, એમ કહીએ તો ખોટું નથી."
આંતરિક સર્વે અને ઍન્ટી-ઇન્કમ્બન્સીનો ડર
ભાજપ ગુજરાતમાં 25 વર્ષથી શાસન કરી રહ્યો છે અને હવે કોરોનાની બીજી લહેર પછી ઍન્ટિ-ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડે, એવું રાજકીય વિશ્લેષકો માને છે.
વકીલ ઉમેરે છે કે, "આ સંજોગોમાં ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નરેન્દ્ર મોદીએ કેન્દ્રીયમંત્રીઓ પાસે કોરોના પછી જનસંવેદના યાત્રા કરાવી, જે એક પ્રકારનો આંતરિક સર્વે હતો."
"લોકો કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી સ્થિતિને લીધે નારાજ હોવાનું એમાં વર્તાતું હતું."
તેઓ વધુમાં કહે છે કે, "આ રિપોર્ટ પર ચર્ચા બાદ 2022ની ચૂંટણીમાં ભાજપને ઍન્ટિ-ઇન્કમ્બન્સી નડે એવું દેખાઈ રહ્યું હતું."
કેટલાક રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે ગુજરાતની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો અને પછી જે રીતે આપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી, તેનાથી પણ ભાજપ ચેતી ગયો હતો.
આ અંગે વકીલ કહે છે કે, "જે રીતે સુરતમાં આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું, તેની અસર સૌરાષ્ટ્ર પર પડે તેના અણસાર મળતા હતા. એથી પણ ભાજપે રૂપાણીને બદલે નવો ચહેરો લાવવાનું નક્કી કર્યું હોઈ શકે."
અખબાર ફૂલછાબના તંત્રી અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ કહ્યું કે, "સૌરાષ્ટ્રમાં કોરોના પછી ઍન્ટિ-ઇન્કમ્બન્સી વધી છે."
"આ ઉપરાંત સત્તા પણ સંગઠન અને સરકારમાં વહેંચાયેલી રહી છે, જેના કારણે ભાજપને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં પટેલ વોટબૅન્કને પરત મેળવવા માટે ભાજપે મુખ્ય મંત્રી તરીકે રૂપાણીના બદલે નવો ચહેરો મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રયોગ ભાજપને ફાયદો કરાવે તેવું દેખાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો