Aukus: અમેરિકા અને બ્રિટન ચીનથી કેમ ડરે છે? શું પ્રશાંત મહાસાગર છે નવું સમરાંગણ?

    • લેેખક, નોર્બેર્તો પારેદેસ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયાના પોતાના સમકક્ષો (રાષ્ટ્રપતિઓ) સાથે બુધવારે એક વીડિયો કૉન્ફરન્સ કરીને દુનિયાને ખળભળાવી મૂકી છે. આનું કારણ એક સમજૂતી છે જેને AUKUS કહેવામાં આવે છે.

આ સમજૂતીને લીધે, ચીને દાવો કર્યો છે કે, એ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં 'શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકશે' અને 'દુનિયાના દેશોમાં અંદરોઅંદર હથિયારોની સ્પર્ધાને વધારશે.'

આ સમજૂતીના સમાચારો પછી ફ્રાન્સના મીડિયાએ આને ફ્રેન્ચ મુત્સદ્દીગીરીને પડેલો ગંભીર ફટકો ગણાવીને જણાવ્યું કે આ શસ્ત્ર-ઉદ્યોગને માટે પણ નુકસાનકારક છે. આ ઘટનાથી ફ્રાન્સ એ હદે નારાજ થયું કે એણે અમેરિકા અને ઑસ્ટ્રેલિયાથી રાજદૂતોને પરત બોલાવી લીધા છે.

AUKUSએ ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલી અબજો ડૉલરની સમજૂતીને પણ રદ કરી દીધી છે, જેને 'સદીની સમજૂતી' ગણાવીને પેરિસમાં ઉત્સવ ઊજવાયો હતો. આ સમજૂતી અંતર્ગત ઑસ્ટ્રેલિયાની નૌસેના માટે ફ્રાન્સ 12 સબમરીન બનાવવાનું હતું.

ફ્રાન્સના વિદેશમંત્રી જ્યાં યુવ લે દ્રયાંએ ફ્રાન્સ ઇન્ફો (ફ્રાન્સની ચૅનલ) પરથી ગુરુવારે કહેલું કે, "આ પીઠ પાછળ છરો મારવા સમાન છે."

ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રારંભિક અક્ષરોને કારણે આ સમજૂતી AUKUS કહેવાય છે, જેનો ઉદ્દેશ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આ ત્રણ દેશોનાં હિતોની રક્ષા કરવાનો છે.

આ સમજૂતી અંતર્ગત અમેરિકાની ટૅક્‍નોલૉજીથી ઑસ્ટ્રેલિયા પહેલી જ વાર પરમાણુ ક્ષમતાવાળી સબમરીન બનાવશે. નોંધવું જોઈએ કે, અમેરિકાએ અત્યાર સુધીમાં આ ટૅક્‍નોલૉજી માત્ર બ્રિટન સાથે જ વહેંચી છે. બંને વચ્ચે 50 વર્ષ પહેલાં આવી સમજૂતી થયેલી છે.

પરંતુ, 50 વરસ પહેલાં થયેલી સમજૂતી બાબતે અત્યારે ચર્ચાઓ શા માટે થઈ રહી છે?

આખી દુનિયાની અર્થવ્યવસ્થાની ધરી બની

જોકે અમેરિકન અધિકારીઓ એમ જણાવે છે કે, આ કરારનો ચીનને લક્ષ્ય બનાવવાનો હેતુ નથી, પરંતુ વિશેષજ્ઞો કહે છે કે AUKUS સમજૂતી આ ક્ષેત્રની રણનીતિ અને બીજી નીતિઓ માટે પરિવર્તનકારી છે.

લંડનની કિંગ્સ કૉલેજના ઇન્ટરનૅશનલ રિલેશન વિભાગમાં એશિયા-પ્રશાંત વિસ્તારના વિશેષજ્ઞ રેમોન પચેકો પાર્દોએ બીબીસીને જણાવ્યું કે, "હાલના સમયસંજોગોમાં ભારત-પ્રશાંત ક્ષેત્ર દુનિયાભરની અર્થવ્યવસ્થાની ચાવી બની ગયું છે. એવું પણ કહી શકાય કે આ એકલા ચીન માટે જ નહીં, બલકે જાપાન, દ. કોરિયા, ભારત સહિત અન્ય દેશો, ટૂંકમાં, આખી દુનિયાની અર્થવ્યવસ્થાની ધરી બની ગયું છે."

ભારત-પ્રશાંત ક્ષેત્ર દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ ભારત અને ચીનનું ઘર છે. એમાં ઇન્ડોનેશિયા જેવા દેશ પણ સમાવેશ પામે છે. આ આખા વિસ્તારમાં દુનિયાની અડધાથી પણ વધારે વસતિ નિવાસ કરે છે.

આ રીતે દુનિયાની અડધી વસ્તુઓનું ઉત્પાદન પણ આ વિસ્તારમાં, જ થાય છે અને અહીં જ દુનિયાની બીજી (ચીન) અને ત્રીજી (જાપાન) સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પણ સ્થિત છે. એના પછી ભારત પણ ઝડપી વિકાસ કરી રહ્યો છે અને દ. કોરિયા પણ છે જે વિશ્વની ટૉપ 10 અર્થવ્યવસ્થાઓમાં ગણના પામે છે.

બ્રિટનના પૂર્વવિદેશમંત્રી ડોમિનિક રાબ આ બાબત સમજતા હતા. એ કારણે ગયા વરસે ડિસેમ્બરમાં ભારતયાત્રા દરમિયાન તેમણે કહેલું કે, "જો તમે ભારત અને ભારત-પ્રશાંત ક્ષેત્ર પર દીર્ઘ દૃષ્ટિએ જુઓ છો તો તમે જોશો કે અહીં વિકાસની ખૂબ મોટી સંભાવના છે."

ચીનની આફત

અમેરિકા અને પશ્ચિમી સહયોગીઓને આ ક્ષેત્રના વિશાળ આર્થિક અને જનસંખ્યાના ભારથી વધુ ચિંતા તો આ ક્ષેત્રમાં ચીનના વધી રહેલા વર્ચસની છે.

આ ઉપરાંત, ચીન જે રીતે આ ક્ષેત્રમાં કાર્યવાહીઓ કરી રહ્યું છે અને શસ્ત્રોના ક્ષેત્રમાં પોતાને મજબૂત બનાવી રહ્યું છે એ પણ એમના માટે ચિંતાનો વિષય છે.

ચીનના વિષયમાં બ્રિટનના સંરક્ષણમંત્રી બેન વૉલેસે બીબીસીને જણાવ્યું હતું કે, "ઇતિહાસના સૌથી મોટા સૈન્ય-ખર્ચામાંથી એકની શરૂઆત કરી રહ્યા છે."

એમણે એમ પણ જણાવ્યું હતું કે, "તેઓ ખૂબ ઝડપથી પોતાની નૌકાદળ અને હવાઈદળની શક્તિ વધારી રહ્યા છે. એ પણ દેખીતું છે કે તેઓ કેટલાક વિવાદિત વિસ્તારોમાં પણ છે. એ ક્ષેત્રોમાં અમારા સહયોગીઓ પોતપોતાના વિસ્તારોનું રક્ષણ કરવા માગે છે. આ કોઈને નારાજ કરવાની વાત નથી."

પાછલાં કેટલાંક વર્ષોમાં ચીન પર ભારત-પ્રશાંત ક્ષેત્રના વિવાદિત વિસ્તારોમાં વારંવાર મતભેદ વધારવાનો આરોપ મુકાતો રહ્યો છે.

ચીન દાવો કરે છે કે, પૂરેપૂરો દક્ષિણ ચીન સાગર એનો જ છે; જેના પછી, શી જિનપિંગના નેતૃત્વમાં ત્યાં કૃત્રિમ ટાપુઓ પર શહેરોથી માંડીને હવાઈપટ્ટીઓ (રન-વે) અને પર્યટન તથા સૈનિક છાવણીઓ સ્થાપવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ આ ક્ષેત્ર પર ફિલિપાઇન્સ, વિયેતનામ, તાઇવાન, મલેશિયા અને બ્રુનેઇ પોતપોતાનો અધિકાર દર્શાવતા રહ્યા છે. દાયકાઓથી જુદા જુદા દેશો આ ક્ષેત્રના કંઈ કેટલાય ટાપુઓ અને અલગ અલગ જળક્ષેત્રો પર પોતાનો અધિકાર હોવાનું કહેતા આવ્યા છે.

દુનિયાના 30 ટકા વેપારનો જળમાર્ગ

આ વિસ્તારમાંથી દુનિયાનો 30 ટકા વેપાર થાય છે. જો કે અમેરિકા સાર્વભૌમત્વના મુદ્દે ક્યારેય કશું બોલ્યું નથી પણ 'જળ-પરિવહનની સ્વતંત્રતા'ના બહાને તેણે એનું સૈન્ય અહીં ઉપસ્થિત રાખ્યું છે.

એવું પણ મનાય છે કે આ ક્ષેત્રમાં બહુમૂલ્ય ખનીજ તેલ અને ગૅસનો ભંડાર છે.

લંડનના RUSIમાં એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં ભૂ-રાજનીતિક સંબંધોના વિશેષજ્ઞ ફિયરલે નૅવિન્સ જણાવે છે કે, અનુમાનિત આર્થિક વૃદ્ધિ અને એના નૌકા-પરિવહનમાર્ગના લીધે, આ ક્ષેત્ર સાથે, અહીંના અને આ ક્ષેત્ર બહારના કેટલાય દેશોનાં 'રાષ્ટ્રીય હિત' જોડાય છે.

તેઓ માને છે કે આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે આ ક્ષેત્રમાં સ્થિરતા ખૂબ જરૂરી છે.

તેઓ જણાવે છે "ચીનની વધતી સૈન્ય-દૃઢતાએ ભૂ-રાજનીતિક ચિંતાઓને વધારી દીધી છે, જે લંડન અને વૉશિંગ્ટન સહિત આ ક્ષેત્રના એવા સહયોગીઓને હેરાન કરી રહી છે જે ચીનની આર્થિક અને સૈન્ય ક્ષમતાની સામે પોતાને બોજારૂપ ગણે છે."

લંડનની કિંગ્સ કૉલેજના પચેકા પાર્દો માને છે કે AUKUS આ ક્ષેત્રમાં પશ્ચિમની શક્તિ અને એના વર્ચસને વધારશે. તેઓ જણાવે છે કે, 'આ નીતિ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વેપારને નિયંત્રિત કરવાનું કામ પણ કરી શકે છે.'

ક્ષેત્રમાં બદલાતું શક્તિ-સંતુલન

આ સમજૂતીની સાથે ઑસ્ટ્રેલિયા એ દેશોના ખાસ અને નાના સમૂહમાં દાખલ થઈ જશે જે પરમાણુશક્તિસંપન્ન સબમરીન ધરાવે છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ભારત અને રશિયા સામેલ છે.

ઑસ્ટ્રિલિયા એ વાત ભારપૂર્વક જણાવી ચૂક્યું છે કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો તેનો ઇરાદો નથી અને તે પરમાણુ અપ્રસાર સંધિ (NPT)નું પાલન કરતું રહેશે.

ઉલ્લેખનીય છે કે, પરમાણુ શસ્ત્રધારક સબમરીન ખૂબ ઝડપી હોય છે અને પારંપરિક સબમરીનોના મુકાબલે એને શોધી કાઢવી ઘણું મુશ્કેલ કામ છે. એ મહિનાઓ સુધી પાણીની અંદર નીચે રહી શકે છે, દૂરના અંતરે મિસાઇલમારો કરી શકે છે અને ભારે સામાન અને શસ્ત્ર-સરંજામની હેરફેર કરી શકે છે.

વૉશિંગ્ટનમાં સ્ટિમસન સેન્ટર્સ ઇસ્ટ એશિયા પ્રોગ્રામના સહ-નિર્દેશક યુન સને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "સચ્ચાઈ એ જ છે કે પરમાણુ સબમરીન મળી જવાને કારણે ઑસ્ટ્રેલિયા ચીન કરતાં વધુ શક્તિશાળી નહીં થઈ જાય પરંતુ એનાથી આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલાઈ શકે છે."

એમણે જણાવ્યું કે, "અગર ચીન દક્ષિણ ચીન સાગર અથવા તાઇવાન સ્ટ્રેટમાં સુરક્ષા સંબંધિત કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરે છે તો એ ચીનની સેનાની તૈયારીઓ અને એની પ્રતિક્રિયા બંનેને અસર કરશે."

વિશ્લેષકો અનુસાર, ઑસ્ટ્રેલિયા પાસે આ રીતની (પરમાણુશસ્ત્રધારક) સબમરીન હોવાના લીધે આ ક્ષેત્રમાં અમેરિકાનો પ્રભાવ ચર્ચાસ્પદ રીતે વધી શકે છે.

પરંતુ આની તરત એ અસર પડશે કે સમજૂતીથી ચીન અને ઑસ્ટ્રેલિયાના સંબંધોમાં કડવાશ ઉમેરશે.

ગુરુવારે ચીનના સકરકારી મીડિયામાં પ્રકટ થયેલા કેટલાક લેખોમાં આ કરારની નિંદા કરવામાં આવી હતી. ગ્લોબલ ટાઇમ્સે એનાથી પણ આગળ વધીને એવો દાવો કર્યો કે ઑસ્ટ્રેલિયા 'ચીનનું દુશ્મન બની ગયું છે'.

નોંધવું જોઈએ કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્ય પાછું બોલાવી લીધાના એક મહિનાની અંદર જ AUKUSની સંધિ થઈ છે.

લંડનની કિંગ્સ કૉલેજના પચેકો પાર્દોને લાગે છે કે આ બંને ઘટના વચ્ચે કોઈ સંબંધ નથી પરંતુ તેઓ માને છે કે આ સમજૂતી વૉશિંગ્ટન માટે મોટી ઉપલબ્ધિ બની રહેશે, જેમાં તે પોતાના સહયોગીઓ સામે પોતાના વર્તનની છબિને સુધારી શકશે. ખરી વાત એ છે કે, અમેરિકા પર એના સાથી-સહયોગી દેશોએ આરોપ મૂક્યો હતો કે એણે કોઈ પણ સલાહસૂચન વગર જાતે અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ, વિશેષજ્ઞ ફિયરલે નૅવિન્સ માને છે કે સામાન્ય રીતે દેખાય છે કે ભારત-પ્રશાંત ક્ષેત્ર બાઇડન સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો