નીતિન પટેલ : કૉંગ્રેસ મેદાન ખુલ્લું મૂકી દે તો પણ ભાજપનો કોઈ કાર્યકર જવાનો નથી

"કૉંગ્રેસવાળા દ્વાર જ નહીં, દીવાલો તોડીને મેદાન ખુલ્લું મૂકી દે, તો પણ ભાજપનો કોઈ કાર્યકર કૉંગ્રેસમાં જવાનો નથી."

આ નિવેદન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની મુલાકાતમાં આપ્યું છે.

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના દિગ્ગજ નેતાઓને સ્થાન ન મળતાં કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપના નેતાઓને કહ્યું હતું કે 'કૉંગ્રેસના દરવાજા ખુલ્લા છે'.

જેના જવાબમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે.

આ ઉપરાંત અન્ય પ્રશ્નોના જવાબમાં નીતિન પટેલે શું કહ્યું?

ગુજરાતના નવા પ્રધાનમંડળ સામે કયા પડકારો?

નવા પ્રધાનમંડળ સામેના પડકારો વિશે પૂછતાં નીતિન પટેલે કહ્યું કે "અમારી સરકારે બે લાખ 17 હજાર કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું. સમાજના જુદા-જુદા વર્ગો માટે અનેક યોજનાઓ પણ અમે લાવ્યા."

"નવા પ્રધાનમંડળ એ યોજનાઓમાંથી બાકી કામો આગામી સવા વર્ષમાં જ પૂરાં કરીને બતાવવાનાં રહેશે."

નવા મંત્રીમંડળમાં પણ તમારું નામ નથી, તમારી શું લાગણી છે?

નીતિન પટેલે જવાબ આપતાં કહ્યું, "મારા એકલાનું નામ નથી, એવું તો નથી. ભાજપે આખા દેશમાં પહેલી વખત ગુજરાતમાં એક પ્રયોગ કર્યો અને નવા ચહેરાને સ્થાન આપીને એક નવું મંત્રીમંડળ બનાવ્યું."

"એની માટે વિજયભાઈ રાજીનામું આપ્યું અને મેં પણ આપ્યું. બીજા પણ મોટા મંત્રીઓએ રાજીનામાં આપ્યાં જ છે."

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળથી 'વિમુખ' થયેલા પાટીદારો ચૂંટણીમાં ભાજપને લાભ કરાવશે?

નવા ચહેરા સાથે આગામી ચૂંટણી જીતવાનો પડકાર?

આગામી ચૂંટણીમાં નવા ચહેરાઓ ભાજપ માટે પડકારરૂપ બનશે, એ વાત સાથે નીતિન પટેલ સહમત નથી.

તેઓ કહે છે કે "પડકાર એટલા માટે નથી, કેમ કે અમે બધા સાથે જ છીએ. હું 18 વર્ષનો હતો ત્યાંરથી એટલે કે જનસંઘના વખતથી પક્ષ સાથે જોડાયેલો રહ્યો છું."

"વિપરીત સંજોગોમાં પણ અન્ય પક્ષમાં જવાનો વિચાર કર્યો નથી."

નીતિન પટેલ માટે સૌથી પડકારજનક તબક્કો કયો રહ્યો?

તેનો જવાબ આપતાં નીતિન પટેલ કહે છે કે, "કૅબિનેટમાં 17-18 વર્ષ હું રહ્યો, એમાં કોરોનાનો સમય કપરો રહ્યો છે. આખી દુનિયામાં કપરો સમય હતો."

"હજારો લોકો બીમાર પડતા હતા, લોકોના જીવ બચાવવાના હોય, દવાઓ અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનો પડકાર હતો."

"એ જ વખતે ઉદ્યોગ-વેપાર બંધ થતાં સરકારની આવક પણ બંધ હતી. એવા વખતમાં નાણા વિભાગ પણ ચલાવવાનો હતો."

"એવા સમયમાં અમે સફળતાપૂર્વક પ્રયત્ન કરીને નાણા વિભાગ અને આરોગ્ય વિભાગનું સંચાલન કર્યં, એ મારા વખતનો કપરામાં કપરો કાળ રહ્યો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો