ગુજરાતમાં વરસાદ : સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી ત્યાં અચાનક આટલો ભારે વરસાદ કેમ પડ્યો?

    • લેેખક, ઋષભ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.

આ દરમિયાન સોમવારે શપથ લેનાર ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિમંત્રી આર.સી. ફળદુ સાથે જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું .

સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ અને જૂનાગઢના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે.

કેટલાક વિસ્તારોમાં તો એટલો વરસાદ પડ્યો કે લોકોને જીવ બચાવવા છત પર ચઢી જવું પડ્યું. હોડીઓ અને હેલિકૉપ્ટરથી લોકોને બચાવવાની નોબત આવી.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનની કુલ જરૂરિયાતના 80 ટકા વરસાદ પડી ગયો છે. આ વિસ્તારની 701 મીમીની સરેરાશ સામે અત્યાર સુધી 564 મીમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 98%, રાજકોટમાં 97%, જામનગરમાં 96%, પોરબંદરમાં 96%, જૂનાગઢમાં 92% વરસાદ પડી ગયો છે અને આગામી દિવસોમાં ત્યાં સિઝનનો પૂરેપૂરો વરસાદ થઈ જવાની શક્યતા છે.

જ્યારે અમરેલીમાં 74%, મોરબીમાં 72%, ગીરસોમનાથમાં 72%, બોટાદમાં 70%, ભાવનગરમાં 69% અને સુરેન્દ્રનગરમાં 53% વરસાદ પડ્યો છે.

સવાલ એ છે કે આખા ચોમાસામાં જે વિસ્તારોમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ વરસ્યો ત્યાં અચાનક પૂર કેમ આવી ગયું?

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂરની સ્થિતિ કેમ?

ગુજરાતમાં ઑગસ્ટ મહિનો લગભગ આખો વરસાદ વિનાનો રહ્યો અને અનેક વિસ્તારોમાં દુષ્કાળના ભણકારા વાગવાના શરૂ થઈ ગયા હતા.

જોકે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો.

'સ્કાયમેટ વેધર' સાથે જોડાયેલા હવામાનશાસ્ત્રી મહેશ પલાવતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "બંગાળની ખાડીમાં એક બાદ એક લૉ પ્રેશર બની રહ્યાં છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યાં છે."

"ઑગસ્ટમાં લૉ પ્રેશર ગુજરાત સુધી પહોંચ્યાં ન હતાં, હવે તે ગુજરાત સુધી આવી રહ્યાં છે."

"શનિવારે એક લૉ પ્રેશર પૂર્વ રાજસ્થાન પર હતું અને હવે તે લૉ પ્રેશર એરિયા ગુજરાત પર સ્થિર થયો છે અને બાદમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધ્યો છે. સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે અતિભારે વરસાદ પડી રહ્યો છે."

ચોમાસાની ટ્રફ રેખાને કારણે વરસાદ?

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા ડૉ.વ્યાસ પાંડેએ આ અંગે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અત્યારે ચોમાસું સક્રિય થઈ ગયું છે. "

"બંગાળની ખાડીથી લઈને રાજસ્થાન સુધી સિસ્ટમ હોય છે, જેને મોનસૂન ટ્રફ કહેવામાં આવે છે. તેને સમાંતર લૉ પ્રેશર સર્ક્યુલેટ થાય છે. ગુજરાતમાં લો પ્રેશર બનેલું છે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. "

મહેશ પલાવતે જણાવ્યું, "ઓડિશા પર નવું ડીપ ડિપ્રેશન બન્યું છે તે પણ બે દિવસની અંદર લો પ્રેશર એરિયા તરીકે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતની આસપાસ આવી જશે. એટલે 15 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ રહેશે."

ડૉ.વ્યાસ પાંડે પણ કહે છે, "એક્ટિવ મોનસૂનના કારણે આગામી થોડા દિવસો સુધી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વરસાદી માહોલ રહેશે."

આ પહેલાં પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળ્યું છે કે જે જગ્યાએ ચોમાસાની સિસ્ટમ પહોંચે છે ત્યાં અનારાધાર વરસાદ પડે છે.

સાવ નાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી જાય છે. તાજેતરમાં જ ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે.

અત્યારે ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે તેનાથી ઘણી મદદ મળશે. રાજ્યમાં વરસાદ ઘટ છે તે પણ ધીમે ધીમે નોર્મલ થઈ જાય તેમ લાગી રહ્યું છે. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો