You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાનની વચગાળાની સરકારમાં પડ્યો ડખો, ટોચના નેતા મુલ્લા ગની બરાદર નારાજ - સૂત્ર
- લેેખક, ખુદાઈ નૂર નસર
- પદ, બીબીસી ઇસ્લામાબાદ
તાલિબાનની વચગાળાની સરકારમાં અંદરોઅંદર ફાટ પડી છે. તાલિબાનના સિનિયર અધિકારીએ બીબીસીને આ વાત જણાવી છે.
તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિભવનમાં તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા ગની બરાદરના સમૂહ અને એક કૅબિનેટ સભ્ય વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
તાજેતરમાં મુલ્લા બરાદર જાહેરમાં દેખાયા નથી. એ બાદ અંદાજ લગાવવામાં આવે છે કે તાલિબાનની નેતૃત્વ અંગેનો વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.
જોકે આ સમાચારને તાલિબાન અધિકૃતરૂપે નકારી કાઢે છે.
તાલિબાને ગયા મહિને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો અને અફઘાનિસ્તાનને ઇસ્લામિક ગણતંત્રથી ઇસ્લામિક અમીરાત બનાવવાની ઘોષણા પણ કરી હતી.
તાલિબાને સાતમી સપ્ટેમ્બરે નવી કૅબિનેટની જાહેરાત કરી હતી, જેના તમામ સભ્યો પુરુષ છે અને ટોચના પદો પર એ લોકો છે, જેઓ છેલ્લા બે દાયકામાં અમેરિકન દળો પર હુમલા કરવા માટે કુખ્યાત રહ્યા છે.
તાલિબાનના એક સૂત્રે બીબીસી પશ્તોને કહ્યું કે બરાદર અને ખલીલ ઉર-રહેમાન વચ્ચે બોલાચાલી થઈ અને એ પછી બંને નેતાઓના સમર્થકો અંદરોઅંદર બાખડી પડ્યા હતા.
સૂત્રના જણાવ્યા પ્રમાણે ખલીલ ઉર-રહેમાન ઉગ્રવાદી સંગઠન હક્કાની નેટવર્કના નેતા અને તાલિબાનની સરકારમાં શરણાર્થી મામલાના મંત્રી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિવાદ કેમ થયો?
કતારમાં તાલિબાનના એક સિનિયર સભ્ય અને અન્ય એક વ્યક્તિ, કે જે આ વિવાદમાં સામેલ હતા, તેમણે ખરાઈ કરી છે કે ગયા અઠવાડિયે આ ઘટના બની હતી.
સૂત્રો પ્રમાણે જેમને વચગાળાની સરકારમાં નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે, તેનાથી બરાદર ખુશ નથી એ કારણે વિવાદ થયો છે. અફઘાનિસ્તાનમાં જીતનું શ્રેય લેવાને લઈને પણ તાલિબાનના નેતાઓ અંદરોઅંદર બાખડી રહ્યા છે.
રિપોર્ટ્સ પ્રમાણે બરાદરને લાગે છે કે તેમની કૂટનીતિને કારણે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા મળી છે, જ્યાર હક્કાની નેટવર્કના સભ્યો અને સમર્થકોને માને છે કે અફઘાનિસ્તાનમાં જીત લડાઈના દમ પર થઈ છે. હક્કાની નેટવર્કની કમાન હાલ સિરાજુદ્દીન હક્કાની પાસે છે જેઓ તેના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીના પુત્ર છે.
બરાદર તાલિબાનના પ્રથમ એવા નેતા છે, જેમણે 2020માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર સીધી વાતચીત કરી હતી.
આ પહેલાં તેમણે તાલિબાન તરફથી દોહા સમજૂતીમાં અમેરિકન સૈનિકોને પરત બોલાવી લેવા માટે સમજૂતી પર સહી કરી હતી.
બીજી તરફ શક્તિશાળી હક્કાની નેટવર્ક છે, જે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન અફઘાનિસ્તાનમાં પશ્ચિમી દળો પર થયેલા સૌથી હિંસક હુમલામાં સામેલ રહ્યું છે.
અમેરિકાએ આ જૂથને 'આતંકવાદી સંગઠન' જાહેર કરેલું છે. તેમના નેતા સિરાજુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહમંત્રી છે.
બરાદર ક્યાં છે?
બીબીસીને તાલિબાનનાં સૂત્રોએ જણાવ્યું છે કે વિવાદને પગલે બરાદર કાબુલ છોડીને કંદહાર ચાલ્યા ગયા છે.
સોમવારે બરાદરના નામે એક ઑડિયો ટેપ જારી કરાઈ હતી, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ યાત્રાઓ પર છે. તેમાં એવું પણ કહેતા સંભળાય છે કે તેઓ જ્યાં પણ છે, ત્યાં બરાબર છે.
આ ઑડિયો રેકર્ડિંગમાં કોનો અવાજ છે, એ અંગે બીબીસીએ તપાસ કરી નથી. આ ઑડિયો ટેપને તાલિબાનની અનેક અધિકૃત વેબસાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવી છે.
તાલિબાનનું કહેવું છે કે સરકારમાં કોઈ વિવાદ નથી અને બરાદર સુરક્ષિત છે. જોકે બરાદર અત્યારે શું કરી રહ્યા છે, એ અંગે જુદી-જુદી વાતો સામે આવી રહી છે.
એક પ્રવક્તા કહ્યું કે બરાદર કંદહાર સુપ્રીમ નેતાને મળવા માટે ગયા છે, જોકે એ બાદ બીબીસી પશ્તોને જણાવ્યું કે તેઓ થાકી ગયા છે અને તેઓ આરામ કરવા ઇચ્છે છે.
અફઘાનોમાં તાલિબાનના નિવેદન અંગે શંકા છે, અને એનાં અનેક કારણો છે.
2015માં તાલિબાને સ્વીકાર્યું હતું કે તેમણે તેમના સંસ્થાપક નેતા મુલ્લા ઉમરના મૃત્યુના સમાચાર બે વર્ષ કરતાં વધારે સમય સુધી છુપાવી રાખ્યા હતા.
આ દરમિયાન તાલિબાનના લોકો મુલ્લા ઉમરના નામે નિવેદનો જારી કરતા હતા.
તાલિબાનનું સંગઠન માળખું શું છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો