You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મોટા ભાગના મંત્રી ઓછું ભણેલા છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુરુવારે ગુજરાતના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાયો હતો, જો મંત્રીઓની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે વિશ્લેષણ કરવામાં આવે તો કેટલીક બાબતો ઊડીને આંખે વળગે છે.
શપથવિધિ બાદ મંત્રીઓની શૈક્ષણિક લાયકાત અંગે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ હતી અને 'ગુજરાત મૉડલ' પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
ભાજપ આ મુદ્દાને સ્વીકારે છે અને સાથે ઉમેરે છે કે તેના કારણે રાજ્યની વહીવટી બાબતોમાં કોઈ ફેર નહીં પડે.
મંત્રીઓની શૈક્ષણિક લાયકાત અને ઉંમર પર નજર કરવામાં આવે તો 52 ટકા મંત્રીઓની વય 30થી 50 વર્ષની વચ્ચેની છે અને આટલી જ ટકાવારી ધો. 12થી ઓછો અભ્યાસ ધરાવતા મંત્રીઓની છે.
ચાર ધોરણ પાસથી પીએચ. ડી. સુધી
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 15 મંત્રી ગ્રૅજ્યુએટ નથી, જે કુલ મંત્રીમંડળના 60 ટકા છે. ખુદ મુખ્ય મંત્રીએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.
મંત્રીમંડળના 11 સભ્યોએ ધો.8થી 12ની વચ્ચે અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું છે.
કૅબિનેટમંત્રી કિરીટસિંહ રાણા (ધો.10, લીંબડી), નરેશ પટેલ (ધો. 10, ગણદેવી), પ્રદીપ પરમાર (ધો. 10, અસારવા) ધો. 10 કરતાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ રીતે સુરતની મજૂરાની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હર્ષ સંઘવી અને કપરાડાની બેઠક પરથી ધારાસભ્ય જિતુભાઈ ચૌધરી ધોરણ નવ પાસ છે.
રાજ્યકક્ષાના મંત્રીઓની પર નજર કરીએ તો મુકેશ પટેલ (ધો.12, ઓલપાડ), નિમિષાબહેન સુથાર (એફવાય બી.એ.), રાજકોટના અરવિંદ રૈયાણી ધો.9, કીર્તિસિંહ વાઘેલા (એફવાય બી.એ., કાંકરેજ), આર. સી. મકવાણા (ધો.10, મહુવા), વીનુભાઈ મોરડિયા (ધો. 10 કતારગામ) પાસ છે.
રાજ્યકક્ષાના પશુ અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સૌથી ઓછું ભણેલા છે, તેમણે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કેશોદ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યારે સંતરામપુરની બેઠક પરથી પ્રો. કુબેર ડિંડોર સૌથી વધુ ભણેલા છે. તેમણે હિંદી ભાષામાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે અને પીએચ. ડી. પણ કર્યું છે.
વરિષ્ઠ પત્રકાર અજય નાયક જણાવે છે, "ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરતી વખતે અગાઉના શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, ચીમનભાઈ પટેલ કે છબીલદાસ મહેતા કે અમરસિંહ ચૌધરીના મંત્રીમંડળનો અભ્યાસ પણ કરવો જોઈએ."
"ભાજપ અને કૉંગ્રેસના મંત્રીમંડળનો ડેટા કાઢીને ચકાસવામાં આવે તો યોગ્ય રીતે તુલનાત્મક સમીક્ષા થઈ શકે. પ્રધાન ભણેલો ઓછું હોય, પરંતુ તેની પાસે અધિકારીઓ અને તંત્ર પાસે કામ કરાવી શકવાની અને પોતાની સરકારની યોજનાઓને લાગુ કરાવી શકવાની ક્ષમતા હોવી જોઈએ."
શું કહે છે ભાજપ-કૉંગ્રેસ?
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારના કહેવા પ્રમાણે, "જ્યાં સુધી ભણેલા-ગણેલા અને સેવાભાવી લોકો રાજકારણમાં આગળ નહીં આવે, ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેશે."
"ભાજપ દ્વારા અભણ ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવામાં આવે તો પણ તેને જિતાડવામાં આવે છે, જેના કારણે ચૂંટણીમાં મલિનતા વધી રહી છે. એજ્યુકેશન કરતાં જાતિવાદની ઉપર ભાર મૂકવામાં આવે છે અને તેની ઉપર પણ ધાર્મિક લાગણીઓ હાવી થઈ જાય છે."
"લોકશાહીની કમનસીબી છે કે સારા ઉમેદવાર કરતાં જીતી શકે તેવા ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવે છે."
પરમાર ઉમેરે છે કે લોકશાહીમાં લોકોનો પ્રતિનિધિ ભણેલો ન હોય તો ચાલે, પણ તેનામાં કોઠાસૂઝ હોવી જોઈએ.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીના કહેવા પ્રમાણે, "ભાજપના દિલ્હી ખાતેના મોવડીમંડળને મન ગુજરાત પ્રયોગશાળા છે. અગાઉ જે કહેવામાં આવતું હતું, તે મંત્રીઓ દ્વારા થતું ન હતું, કારણ કે તેઓ વરિષ્ઠ હતા. આથી, દિલ્હીને રબરસ્ટૅમ્પ બનીને રહી શકે તેવા મુખ્ય મંત્રી અને મંત્રીઓ જોઈતા હતા."
"આનું પરિણામ ગુજરાતની જનતાને ભોગવવું પડશે. સરકારમાં મંત્રીઓ કરતાં બાબુઓ વધુ મજબૂત બની જશે, જે દિલ્હીના ઇશારે કામ કરશે."
"એક મુખ્ય મંત્રી નબળો હોય, તો પણ રાજ્યનો વિકાસ પાછળ ધકેલાઈ જતો હોય છે. ત્યારે અહીં તો મંત્રીમંડળ જ નવું અને બિનઅનુભવી છે."
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, "પાર્ટી દ્વારા અલગ-અલગ બાબતોને ધ્યાનમાં રાખીને ધારાસભ્યને પ્રધાન બનાવવામાં આવે છે. તેઓ તમામ પ્રકારની બંધારણીય અને કાયદાકીય જરૂરિયાતો પૂર્ણ કરે છે."
"જે પ્રધાનોની વાત કરવામાં આવે છે તેમની ઉંમર 50-60 વર્ષની છે. તેઓ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે કૉંગ્રેસનું શાસન હતું. જેમાં શહેરી વિસ્તારમાં શૈક્ષણિક માળખું હતું, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતિયા શિક્ષકો અને શાળાઓની ભરમાર હતી. શિક્ષણ મેળવવું મુશ્કેલ હતું."
માત્ર કાગળ પર ચાલતી શાળાઓ અને માત્ર હાજરી નોંધાવીને શૈક્ષણિકકાર્ય પર ધ્યાન નહીં આપતા શિક્ષકો માટે 'ભૂતિયા શિક્ષકો અને શાળા'નો શબ્દપ્રયોગ પ્રચલિત છે.
વ્યાસ ઉમેરે છે કે જે ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા છે તેઓ બે-ત્રણ ટર્મથી ધારાસભ્ય છે અને તેઓ સરકાર તથા તંત્રથી વાકેફ છે એટલે તંત્ર સારી રીતે ચાલતું રહેશે.
28 ટકા મંત્રીઓ પર ગુના
ભારતની લોકશાહી વ્યવસ્થામાં સુધારો આવે તે માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ઍસોસિયેસન ફૉર ડૅમોક્રૅટિક રિફૉર્મ્સ (એડીઆર) દ્વારા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જે મુજબ : 25માંથી સાત મંત્રી સામે ગુના નોંધાયેલા છે, જે કુલ મંત્રીમંડળના 28 ટકા થાય છે. જેમાંથી ત્રણ પર (કુલના 12 ટકા) ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. 18 મંત્રી પર દેવાદારી બોલે છે, જેમાંથી અમદાવાદના નિકોલના મંત્રી જગદીશ પંચાલે રૂ. ત્રણ કરોડ 13 લાખની દેવાદારી જાહેર કરી છે, જે સૌથી વધુ છે.
ગુજરાતના 19 મંત્રી (78 ટકા) કરોડપતિ છે, તેમની સરેરાશ સંપત્તિ ત્રણ કરોડ 95 લાખ છે. સૌથી વધુ ધનવાન મંત્રી વીસનગરના ઋષિકેશ પટેલ છે, જે રૂ. 14 કરોડ 95 લાખની સંપત્તિ ધરાવે છે.
જ્યારે મહેમદાબાદની બેઠક પરથી ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ છે, જેમણે માત્ર રૂ. 12 લાખ 57 હજારની સંપત્તિ જાહેર કરી છે.
ઉંમરની દૃષ્ટિએ આ મંત્રીમંડળનું વિશ્લેષણ કરવામાં આવે તો 52 ટકા સભ્યોની વય 31થી 50 વર્ષની વચ્ચે છે, જ્યારે 48 ટકા સભ્યો 51થી 70ની વચ્ચે છે.
પટેલ સરકારમાં બે મહિલા મનીષાબહેન વકીલ તથા નિમિષાબહેન સુથારને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉની રૂપાણી સરકારમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય વિભાવરીબહેન દવેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો