સૌરાષ્ટ્રમાં વરસાદથી આફત, 'પહેર્યાં લૂગડે નીકળ્યાં છીએ, વહુનાં ઘરેણાં તણાઈ ગયાં'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ દુકાળની આશંકા સેવાઈ રહી હતી અને એવામાં સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતાં હવે લોકોની મુસીબત વધી ગઈ છે.

શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થયો નહોતો.

એવામાં વરસાદ ન હોય એવા વિસ્તારના ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા હતા. જોકે હવે વધુ વરસાદ પડતાં ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.

તો કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી પણ લાગી રહ્યો છે.

ખાસ કરીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદે લોકો અને ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વરસાદી પાણી ગામમાં ફરી વળતાં અનેક ગામોમાં લોકોની ઘરવખરી તણાઈ છે, હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યાં નથી.

'પહેર્યાં લૂગડે નીકળી ગયાં'

જૂનાગઢના વંથલી ગામમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામની વાડીમાં ત્રણ દિવસથી ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

ખેતરોમાં પાણી ફરી વળતાં મગફળી, જુવાર, કપાસ, બાજરી વગેરે પાકને નુકસાન થવાનો ખેડૂતોને ડર છે.

ઉપલેટામાં પણ ભારે વરસાદને કારણે લોકોનાં ઘરોને મોટું નુકસાન થયું છે. વરસાદને લીધે મકાનો પડી ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે.

ઉપલેટાની મોજ નદીમાં પૂર આવવાને લીધે લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ છે.

ઉપલેટા ગામનાં પાલુબહેન કહે છે, "અમારી ઘરવખરી બધી તણાઈ ગઈ, કાંઈ ઘરમાં રહ્યું નથી, પહેર્યાં લૂગડે નીકળી ગયાં છીએ. માંડ છોકરાંઓને બચાવ્યાં છે. વહુનાં ઘરેણાં પણ તણાઈ ગયાં છે."

તો ગોવિંદ ગઢવી ઉપલેટામાં મોજ નદીના પૂલ પર રહે છે. તેઓ કહે છે, "બધું હતું એ પાણીમાં તણાઈ ગયું છે, પૈસાબૈસા પણ તણાઈ ગયા છે. અત્યાર અમારી પાસે કંઈ નથી. અમે બે દિવસથી પુલે બેસી રહ્યા હતા અને ખાવાપીવાનું કંઈ મળ્યું નહોતું. અમારાં દસ-પંદર ઢોર હતાં એ પાણીમાં તણાઈ ગયાં છે."

તેઓ સરકારને વિનંતી કરે છે કે સરકારને તેમની મદદ કરે.

વીસેક દિવસ પછી મગફળી ખેંચવાની હતી પણ...

ઉપલેટાથી અંદાજે 10 કિલોમીટર દૂર આવેલા નીલાખા ગામની વસ્તી અંદાજે 2500ની છે અને મોટા ભાગના લોકો ખેતી કરે છે.

ઉપલેટા તાલુકાના નીલાખા ગામના ચિંતનભાઈ બીબીસી સાથે વાત કરતા કહે છે, "વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું અને ખેતરોના ઊભા મોલમાં પાણી ફરી વળ્યું. માંડવી (મગફળી) આગામી વીસેક દિવસમાં ખેંચવાની હતી અને પાણી ફરી વળતાં નુકસાનની શક્યતા છે."

તેઓ કહે છે કે ગામમાં જોકે ઘરોમાં કોઈ નુકસાન થયું નથી, પણ ગામની ફરતે પાણી ભરાઈ ગયાં છે.

આ વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન?

રાજકોટ જિલ્લામાં મોટા ભાગે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા વગેરેનું વાવેતર કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના વલ્લભભાઈ માંકડિયા કહે છે કે મોજના ડૅમનાં પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળતાં ખેડૂતોને ભારે નુકસાનની શક્યતા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "મોજ ડૅમનાં 27 દરવાજા છે અને તેમાંથી 17 દરવાજા વરસાદ આવ્યો એ સમયે ખૂલ્યાં હતાં અને બાકીનાં 10 દરવાજા ટેકનિકલ કારણસર ખૂલ્યાં નહોતાં."

"આથી દરવાજા ન ખૂલતાં ડૅમનું પાણી ગામની રૂપાવટી નદીમાં ભળ્યું અને વચ્ચે જે ખેતરો-મકાનો આવ્યાં એને સાફ કરી નાખ્યાં. ખેતરો ધોવાઈ ગયાં."

"બાદમાં વરસાદ બંધ થયા બાદ બાકીનાં 10 દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યાં હતાં. જોકે આ દરમિયાન બહુ પાણી આવી ગયું હતું અને કપાસ, મગફળીને મોટું નુકસાન થયું છે."

તેઓ કહે છે કે "આમ તો ઊંચાઈએ આવેલાં ખેતરોમાં ઊભા પાકને આ વરસાદથી સારો ફાયદો છે. પણ નીચાણવાળાં ખેતરોમાં મોટું નુકસાન થયું છે."

તેમના મતે મોટા ભાગે આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે. જામજોધપુર અને કાલાવડ તાલુકાનાં પાણી ઉપલેટા બાજુ આવે છે.

તેઓ કહે છે, "બે દિવસ જ્યારે વરસાદ પડ્યો ત્યારે જે સીમમાં હતા એ સીમમાં રહી ગયા અને ગામમાં હતા એ ગામમાં રહી ગયા."

જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે.

સ્થાનિકોનું કહેવું છે કે ઘરમાં પાણી ઘૂસી ગયાં છે અને અવરજવરનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.

ગામમાંથી પાણીનો નિકાલ પણ થતો નથી. ઘરવખરી બધી પલળી ગઈ છે.

જૂનાગઢનાં કેટલાંક ગામોમાં ચાર-પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ગામલોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવી પડી રહ્યો છે.

હજુ પણ વરસાદની આગાહી

હવામાન ખાતાએ 15 સપ્ટેમ્બરના રોજ કરેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગઅલગ વિસ્તારોમાં વરસાદ પડશે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 17 સપ્ટેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ ધીમી પડી જશે.

આગાહી પ્રમાણે 17 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ ખૂબ ધીમો પડી જશે, તો કેટલીક જગ્યાએ વરસાદ સાવ બંધ થઈ જશે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં એકાદ-બે દિવસ ભારે વરસાદની શક્યતા છે.

16 સપ્ટેમ્બરના રોજ સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, રાજકોટ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો 17 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદ ધીમો પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.

જોકે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવે 19 સપ્ટેમ્બરની આસપાસ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો