ચરણજિતસિંહ ચન્ની : પંજાબના નવા મુખ્ય મંત્રી ચૂંટાયેલા દલિત નેતા ચરણજિતસિંહ ચન્ની કોણ છે?

કૉંગ્રેસના દલિત નેતા ચરણજિતસિંહ ચન્ની પંજાબના નવા મુખ્ય મંત્રી હશે. તેઓ પંજાબના પ્રથમ દલિત શીખ મુખ્ય મંત્રી બનશે.

પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ચરણજિતસિંહ ચન્નીના નામની જાહેરાત કરી હતી. સોમવાર સવારે 11 વાગ્યે તેઓ મુખ્ય મંત્રી પદના શપથ લેશે.

58 વર્ષીય ચરણજિતસિંહ ચન્ની એક દલિત શીખ છે. પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહના મંત્રીમંડળમાં તેઓ તકનીકી શિક્ષણમંત્રી હતા.

ભારે ગડમથલ બાદ અને ત્રણ નામ સામે આવ્યા પછી ચરણજિતસિંહ ચન્નીનું નામ નક્કી થયું.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ચરણજિતસિંહ ચન્નીને અભિનંદન પાઠવ્યા.

તેમણે લખ્યું, "ચરણજિતસિંહ ચન્નીને નવી જબાવદારીઓ બદલ અભિનંદન. અમારે પંજાબની જનતાને કરેલાં વચન પૂરાં કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમનો ભરોસો અમારા માટે સર્વોપરી છે."

શનિવારે કૅપ્ટન અમરિંદરસિંહે પંજાબના મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

કોણ છે ચરણજિતસિંહ ચન્ની?

દલિત શીખ 58 વર્ષીય ચરણજિતસિંહ ચન્ની કૅપ્ટન અમરિંદરસિંહના મંત્રીમંડળમાં તેઓ તકનીકી શિક્ષણમંત્રી હતા.

છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં દલિત નેતાઓને શીર્ષ ભૂમિકા આપવાની ચર્ચા હતી.

બીબીસી પંજાબીના સંવાદદાતા અરવિંદ છાબડા અનુસાર ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવવું 'એક માસ્ટરસ્ટ્રોક' સમાન છે.

ચન્ની રૂપનગર જિલ્લાની ચનકૌરસાહિબ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય છે. ચન્ની 2015-16માં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.

ચન્ની કૅપ્ટન અમરિંદરસિંહના વિરોધી માનવામાં આવે છે અને તેઓ એ લોકોમાં સામેલ છે જેમણે નવજોતસિંહ સિદ્ધુને અધ્યક્ષ બનાવ્યા હતા.

તેમના નામની જાહેરાત બાદ કૅપ્ટન અમરિંદરસિંહે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, "ચરણજિતસિંહ ચન્નીને અભિનંદન. મને આશા છે કે તેઓ પંજાબને સુરક્ષિત રાખવા અને સરહદ પારથી વધતા ખતરાથી આપણા લોકોનું રક્ષણ કરવામાં સક્ષમ હશે."

લાંબી ગડમથલ બાદ થઈ ચન્નીની પસંદગી

શનિવારે અમરિંદરસિહે આંતરિક વિખવાદને કારણે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યાર બાદ ત્રણ-ચાર નામોની ચર્ચા ચાલી રહી હતી.

કૉંગ્રેસમાં પંજાબના મુખ્ય મંત્રી પદ માટે કેટલાક નામો પર છેલ્લા 24 કલાકથી ચર્ચા અને બેઠકો ચાલી રહી હતી.

આની પહેલાં પંજાબમાં અમરિંદરસિંહ કૅબિનેટમાં મંત્રી રહેલા સુખજિંદરસિંહ રંધાવાનું નામ સૌથી ઉપર હોવાના અહેવાલો હતા. તેઓ પણ અમરિંદરસિંહની કૅબિનેટમાં મંત્રી હતા. જોકે ચન્નીની પસંદગી બાદ સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ તેમણે કહ્યું કે, "આ હાઈકમાન્ડનો નિર્ણય છે, હું તેનું સ્વાગત કરું છું. ચન્ની મારા નાના ભાઈ જેવા છે. હું નિરાશ નથી."

કૉંગ્રેસના નેતા અંબિકા સોનીએ પંજાબનાં મુખ્ય મંત્રી બનવાની પેશકશ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ શીખ જ રાજ્યનો મુખ્ય મંત્રી બનવો જોઈએ.

સીએમપદ માટે કૉંગ્રેસના ચાર નેતાનાં નામ સૌથી વધુ ચર્ચાયા, તેમાં સુનીલ જાખડ, નવજોતસિંહ સિદ્ધુ, અમરિંદરસિંહના મંત્રીમંડળના મંત્રી રહેલા સુખજિંદરસિંહ રંધાવા અને રાજ્યના સૌથી વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓમાંના એક પ્રતાપસિંહ બાજવા સામેલ હતા.

પૂર્વ પંજાબ કૉંગ્રેસ કમિટી પ્રમુખ સુનીલ જાખડ ખેડૂત પરિવારમાંથી આવે છે અને પંજાબના હિન્દુ સમુદાયમાં પણ તેમની પકડ છે. તેમના નામ પર સૂત્રો મુજબ આની પહેલાં ગાંધી પરિવાર અને કૅપ્ટનના સમર્થકો સહમત હતા ત્યારે પાર્ટી નેતૃત્વને ભય હતો કે અકાલીદળ 1984નાં શીખવિરોધી રમખાણોની વાત કરીને કૉંગ્રેસ વિરુદ્ધ અભિયાન શરૂ કરશે.

અંતે દલિત શીખ નેતા ચરણજિતસિંહ ચન્નીની પસંદગી કરવામાં આવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો