કૅપ્ટન અમરિન્દરસિંહના રાજીનામા બાદ હવે પંજાબના નવા મુખ્ય મંત્રી કોણ બનશે?

પંજાબમાં કૉંગ્રેસ ધારાસભ્યદળે રાજ્યના નવા મુખ્ય મંત્રીના પસંદ કરવાનો નિર્ણય કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર છોડ્યો છે.

જોકે સીએમપદ માટે કૉંગ્રેસના ચાર નેતાનાં નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે, તેમાં સુનીલ જાખડ, નવજોતસિંહ સિદ્ધુ, સુખજિંદરસિંહ રંધાવા અને પ્રતાપસિંહ બાજવા છે.

આ એવા ચહેરા છે, જે મુખ્ય મંત્રી તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

પંજાબમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એવામાં જે પણ મુખ્ય મંત્રી બનશે તેનો કાર્યકાળ કેટલાક મહિનાનો જ હશે.

જો વર્ષ 2017ની ચૂંટણીને આધાર બનાવીને જોવામાં આવે તો વર્ષ 2022ના જાન્યુઆરી મહિનાથી જ આચારસંહિતા લાગુ કરાશે. એવામાં જે પણ મુખ્ય મંત્રી બનશે તેની પાસે માત્ર 12 સપ્તાહથી વધુ સમય બચશે.

મુખ્ય મંત્રીની રેસમાં સૌથી વધુ ચર્ચાતાં નામો

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પૂર્વ પીસીસી અધ્યક્ષ સુનીલ જાખડનું નામ પણ ચર્ચામાં છે.

જો જાખડ સીએમ બને તો 1966માં પંજાબના પુનર્ગઠન બાદ પહેલી વાર કોઈ હિન્દુ નેતા રાજ્યના મુખ્ય મંત્રી હશે.

સુનીલ જાખડ ખેડૂત પરિવારમાંથી આવે છે અને પંજાબના હિન્દુ સમુદાયમાં પણ તેમની પકડ છે, જેનો બમણો લાભ પક્ષને મળી શકે છે.

જાખડ અબોહરના જાણીતા જમીનદાર છે અને પૂર્વ લોકસભા અધ્યક્ષ બલરામ જાખડના પુત્ર છે.

62 વર્ષીય સુખજિંદરસિંહ રંધાવા કૅપ્ટન અમરિંદરસિહની કૅબિનેટમાં જેલ અને સહકારિતામંત્રી છે.

પંજાબના માઝા ક્ષેત્રના ગુરદાસપુર જિલ્લાના રહેવાસી રંધાવા ત્રણ વાર કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2002, 2007 અને 2017માં ચૂંટાયા હતા.

તેઓ રાજ્યના કૉંગ્રેસ ઉપાધ્યક્ષ અને એક જનરલ સેક્રેટરીના પદ પર રહી ચૂક્યા છે.

સુખજિંદરસિંહ રંધાવા બાદલ પરિવારની સામે બહુ આક્રમક રહ્યા છે.

ગુરદાસપુર જિલ્લાના 64 વર્ષીય પ્રતાપસિંહ બાજવા પણ મુખ્ય મંત્રીપદના સંભવિત ઉમેદવારોમાંથી એક છે.

તેઓ રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને વર્તમાનમાં પંજાબથી રાજ્યસભાના સાંસદ પણ છે.

પ્રતાપસિંહ બાજવાના પિતા સતનામસિંહ બાજવા પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને મંત્રી રહી ચૂક્યા હતા.

નવજોતસિંહ સિદ્ધુનું નામ પણ મુખ્ય મંત્રીની રેસમાં ચર્ચાઈ રહ્યું છે.

નવજોતસિંહ સિદ્ધુ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વર્તમાન અધ્યક્ષ છે. તેઓ કૅપ્ટન અમરિંદરસિંહની કૅબિનેટમાં મંત્રી પણ હતા, પણ બાદમાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

બાદમાં તેમણે કૅપ્ટન સામે મોરચો માંડ્યો હતો અને જાહેરમાં અનેક જગ્યાએ તેમની વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં.

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ એક ટેલિવિઝન કૉમેડી શોમાં મેજબાન રહી ચૂક્યા છે.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સિદ્ધુ ભાજપ છોડીને કૉંગ્રેસમાં સામેલ થયા હતા. અન્ય ત્રણ સંભવિત ઉમેદવારોની જેમ તેઓ પણ એખ કૉંગ્રેસ પરિવારમાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો