નવજોતસિંહ સિદ્ધુ : પંજાબમાં ભાજપના સાંસદથી પોતાના જ 'કૅપ્ટન'ની દાંડી ઉડાવી દેવા સુધી

પંજાબના મુખ્ય મંત્રી પદેથી કૅપ્ટન અમરિંદરસિંહે રાજીનામું આપ્યું અને પછી પંજાબ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પર વરસી પડ્યા કારણ હતું પંજાબના પૉલિટિક્સના કૅપ્ટન સામે પંજાબ કૉંગ્રેસના પ્રમુખ એવા ખ્યાતનામ ખેલાડી નવજોતસિંહ સિદ્ધુની આખરે જીત થઈ છે.

ક્રિકેટ હોય કે રાજકારણ, નવજોતસિંહ સિદ્ધુની ટીમના કપ્તાન સાથેની લડાઈનો ઇતિહાસ જૂનો છે. નવજોતસિંહ સિદ્ધુએ 2004માં ક્રિકેટ છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ભાજપના સાંસદ રહ્યા અને કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા.

ભાજપ અને હવે કૉંગ્રેસમાં રહીને ક્યારેય ચૂંટણી ન હારનારા નવજોતસિંહ સિદ્ધુ અવારનવાર હૅડલાઇનમાં રહેતા હોય છે.

નવજોતસિંહ સિદ્ધુ પોતાની અસહમતી દર્શાવવામાં ક્યારે નરમ પડતા નથી.

ભલે પછી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મહ અઝહરુદ્દીન હોય કે પછી પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ સામે અવાજ ઉઠાવવાનો હોય.

કૅપ્ટન અમરિંદરસિંહ સાથે તેમની અદાવત કેટલી હદ સુધી હતી એ અમરિંદરસિંહના નિવેદન પરથી સ્પષ્ટ છે. તેમણે રાજીનામું આપ્યા પછી કહ્યું, " મારા દેશના હિત માટે આવનારી ચૂંટણીમાં તેમને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવાનો હું વિરોધ કરીશ. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સિદ્ધુના મિત્ર છે. પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે નવજોતસિંહ સિદ્ધનો સીધો સંબંધ છે."

તેમણે કહ્યું કે "સિદ્ધુ રાષ્ટ્રદ્રોહી, અસ્થિર, ખતરનાક અને દેશની સુરક્ષા માટે જોખમ છે."

1. જ્યારે 1988માં થટેલી ઘટનાઓના પડઘા 2006માં પડ્યા

2004માં નવજોતસિંહ સિદ્ધુ ભાજપ તરફથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. નવજોતસિંહ સિદ્ધુ પર 1988માં પટિયાલાના રહીશ ગુરનામસિંહ સાથે કાર ડ્રાઇવિંગ અને પાર્કિંગને લઈને હિંસાના મામલામાં આરોપ લાગ્યા હતા. ગુરનામ સિંહનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ કેસમાં 2006માં નવજોતસિંહ સિદ્ધુને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે દોષી ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. અમૃતસરથી ભાજપના સાંસદપદથી સિદ્ધુએ રાજીનામું આપવું પડ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ નવજોતસિંહ સિદ્ધુનો કેસ સુપ્રીમ કોર્ટમાં લડીને તેમને જામીન અપાવ્યા હતા.

અમૃતસરથી પેટાચૂંટણી લડીને સિદ્ધુ ફરી સાંસદ બન્યા હતા. સિદ્ધુ અને જેટલીના સંબંધ વધુ ગાઢ બન્યા હતા. સિદ્ધુ અમૃતસર શહેરને પોતાના હૃદયમાં ખૂબ નિકટનું સ્થાન આપે છે. 2014માં ભાજપે સિદ્ધુની જગ્યાએ અરુણ જેટલીને ટિકિટ આપવાનું વિચાર્યું અને સિદ્ધુએ જાહેરાત કરી કે તેઓ ચૂંટણી નહીં લડે. ૉ

2. અકાલીદની સરકાર સામે મોરચો અને રાજીનામું

નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજોતકૌર સિદ્ધુ બાદલ સરકાર સાથે પણ અનેક વખત બાખડી ચૂક્યાં છે.

પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલ અને સુખબીરસિંહ બાદલ સાથે સિદ્ધુના સંબંધ સારા નહોતા રહ્યા, 2014માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ અને પંજાબમાં શિરોમણિ અકાલી દળ તથા ભાજપની સરકાર હતી.

સિદ્ધુએ તે સમયે સહયોગી દળ અકાલીદળ ઉપર ભ્રષ્ટાચાર, કેબલમાફિયાગીરી અને અભદ્રતાના આરોપ લગાવ્યા હતા.

સિદ્ધુનાં પત્ની સરકારમાં ચીફ પાર્લિયામેન્ટરી સેક્રેટરી હતાં, સિદ્ધુ એપ્રિલ 2016માં રાજ્યસભા સાંસદ બન્યા પરંતુ ત્રણ જ મહિનામાં રાજીનામું આપી દીધું હતું.

પંજાબ, પંજાબી અને પંજાબિયતની વાત કહીને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને તેમણે કહ્યું કે એક રાજ્યસભા સાંસદે તેમને પંજાબથી દૂર રહેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે 'મારા માટે પંજાબથી મોટો કોઈ ધર્મ નથી.'

તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી અટકળો હતી પરંતુ સિદ્ધુ 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાં જોડાયા હતા.

એ પહેલાં આવાઝ-એ-પંજાબ નામના મંચની તેમણે જાહેરાત કરી હતી જેમાં પરગતસિંહ અને બૈંસસિંહ પણ જોડાયા હતા.

3. કૉંગ્રેસમાં કૅપ્ટન અમરિંદર સિંહ સાથે વિવાદ અને કૅબિનેટમાંથી રાજીનામું

2017માં પંજાબમાં કૉંગ્રેસ બહુમતી સાથે સત્તા પર આવી અને સિદ્ધુને કૅબિનેટ મંત્રી બનાવાયા.

કેટલાક મહિનાઓ પછી સિદ્ધુ અમૃતસરના મેયરની ચૂંટણી વખતે નારાજ હતા. રિપોર્ટો મુજબ તેમને મેયરની ચૂંટણી માટેની અમૃતસર મ્યુનિસિપલ કૉર્પોરેશની બેઠકમાં નહોતા આમંત્રિત કરાયા. આ વિભાગ તેમના મંત્રાલય હેઠળ આવતો હતો.

એપ્રિલ 2018 દરમિયાન, પંજાબ સરકાર દ્વારા 1988ના કેસને લઈને ફરીથી એફિડેવિટ દાખલ કરવામાં આવી. 2019માં કૅપ્ટન અમરિન્દરસિંહે કૅબિનેટમાં ફેરફાર કર્યો અને સિદ્ધુનું ખાતું બદલી નાખ્યું.

વિવાદ વકર્યો અને તેમણે કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું.

4. પાકિસ્તાનની સેનાના પ્રમુખને ગળે મળ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સિદ્ધુના જૂના મિત્ર છે, તેઓ 2018માં વડા પ્રધાન બન્યા ત્યારે શપથવિધિમાં સિદ્ધુને આમંત્રણ આપ્યું હતું. કૅપ્ટન અમરિન્દરસિંહે સિદ્ધુને પાકિસ્તાન જવા અંગે ફેરવિચારણા કરવા કહ્યું હતું.

નવજોતસિંહ સિદ્ધુ કરતારપુર કૉરિડૉરના ઉદ્ઘાટન વખતે વાઘા-અટારી બૉર્ડરથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને મળ્યા ત્યારે પણ વિવાદ થયો હતો અને અમરિન્દરસિંહ અને સિદ્ધુ વચ્ચે અંતર વધતું ગયું.

સિદ્ધુએ કહ્યું કે અટલબિહારી વાજપેયી પણ મૈત્રી બસ પર લાહોર ગયા હતા અને નરેન્દ્ર મોદીને નવાઝ શરીફની શપથવિધિમાં નિમંત્રણ અપાયું હતું તો મારા માટે વિવાદ શા માટે?

5. જ્યારે સિદ્ધુએ કહ્યું 'રાહુલ ગાંધી મારા કૅપ્ટન'

તેલંગાણામાં કૉંગ્રેસ માટે ચૂંટણી પ્રચારમાં તેમણે કહ્યું હતું, "રાહુલ ગાંધી મારા કૅપ્ટન છે. તેઓ મને બધે મોકલે છે, કૅપ્ટન અમરિન્દરસિંહ સેનાના કૅપ્ટન રહ્યા છે. કૅપ્ટન અમરિન્દરસિંહના કૅપ્ટન પણ રાહુલ ગાંધી છે."

સિદ્ધુના નિવેદન પછી પંજાબમાં તેમને વિરોધનો સામનો કરવો કર્યો હતો અને તેમને કૉંગ્રેસ નેતા ત્રિપત રજિન્દર બાજવાએ કૅબિનેટમાંથી રાજીનામું આપવાનું પણ કહ્યું હતું.

2019ની લોકસભા ચૂંટણીમાં નવજોતસિંહ સિદ્ધુ બહુ ન દેખાયા અને પ્રિયંકા ગાંધીની વિનંતી બાદ તેઓ બઠિંડામાં અમરિંદરસિંહ રાજા વારિંગના ચૂંટણીપ્રચારમાં જોડાયા.

તેઓ ફરી વિવાદમાં ઘેરાયા કારણ કે તેમણે સરકારના કથિત દુર્વ્યવહાર અને 75-25ની ટકાવારીની વાત કહી. પંજાબના કૉંગ્રેસને કેટલાક નેતાઓએ તેમની વિરુદ્ધ પગલાં લેવાની માગ કરી હતી.

2019માં કૅબિનેટમાંથી તેમના રાજીનામા બાદ અમરિન્દરસિંહ સાથે તેમનું અંતર વધતું ગયું. આ રાજીનામું કૉંગ્રેસના અધ્યક્ષને સંબોધીને લખાયું હતું અને પછી કૅપ્ટન અમરિન્દરસિંહને મોકલાવમાં આવ્યું હતું.

અમરિન્દરસિંહની સરકાર સામે અસંતોષ જાહેર કરીને તેમણે કેન્દ્રીય નેતૃત્વને ફરિયાદો પણ કરી હતી અને પછી તેમને પંજાબ કૉંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા.

આજે હવે તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં જ પંજાબમાં કૉંગ્રેસના સૌથી કદાવર નેતા અમરિન્દરસિંહ કૅપ્ટનનું રાજીનામું પડ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.