You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૅન્ડોરા પેપર્સ: દુનિયાના 140 મીડિયા સંસ્થાનોએ કરેલી તપાસની એ ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ
- લેેખક, પૅન્ડોરા પેપર્સ રિપોર્ટિંગ ટીમ
- પદ, બીબીસી પૅનોરામા
પૅન્ડોરા પેપર્સ લગભગ 1.2 કરોડ દસ્તાવેજોની એવી લીક છે જે કેટલાક અમીર અને શક્તિશાળી લોકોની ગુપ્ત સંપત્તિ, ટૅક્સ બચાવવાના પ્રયાસો અને મની લૉન્ડરિંગનો પર્દાફાશ કરે છે.
117 દેશોના 600 જેટલા તપાસ-પત્રકારોએ આ દસ્તાવેજોની તપાસ કરી છે. 14 સ્રોત દ્વારા મળેલા આ દસ્તાવેજોની કેટલાય મહિના સુધી તપાસ કર્યા પછી આ દસ્તાવેજોના આધારે રિપૉર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એને આ અઠવાડિયે પ્રકાશિત કરવામાં આવ્યો.
આ ડેટાને વૉશિંગ્ટન ડીસી-સ્થિત ઇન્ટરનૅશનલ કૉન્સોર્શિયમ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ એટલે કે આઇસીઆઇજેએ મેળવ્યો અને દુનિયાભરનાં 140 મીડિયા સંસ્થાનોએ અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ઇન્વેસ્ટિગેશનમાં ભાગ લીધો.
બીબીસી પૅનોરામા અને ગાર્ડિયને સાથે મળીને બ્રિટનમાં આ તપાસનું નેતૃત્વ કર્યું છે.
શું મળ્યું તપાસમાં?
પૅન્ડોરા પેપર્સ લીકમાં 64 લાખ દસ્તાવેજ, લગભગ 30 લાખ તસવીરો, 10 લાખથી વધુ ઇ-મેઇલ અને લગભગ પાંચ લાખ સ્પ્રેડશીટ્સ સામેલ છે.
આ રિપૉર્ટ્સથી અત્યાર સુધી આ માહિતી મળી…
- કન્જર્વેટિવ પાર્ટીના પ્રમુખ દાતા યુરોપના સૌથી મોટા ભ્રષ્ટાચાર સ્કૅન્ડલમાંના એકમાં સામેલ છે
- જૉર્ડનના શાહે પોતાની માલિકીની કંપનીઓ દ્વારા છૂપી રીતે બ્રિટન અને અમેરિકામાં સાત કરોડ પાઉન્ડની કિંમતની સંપત્તિ ખરીદી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- અઝરબૈજાનના રાષ્ટ્રપતિના પરિવારની બ્રિટનમાં 40 કરોડ પાઉન્ડથી વધુ સંપત્તિમાં છૂપી ભાગીદારી
- ચેક ગણરાજ્યના વડા પ્રધાન આંદ્રે બબીસે બે ઑફશોર કંપનીઓ દ્વારા દક્ષિણ ફ્રાન્સમાં બે વિલા ખરીદી હોવાની માહિતી આ લીક દ્વારા જાણવા મળી છે. વડા પ્રધાને આ માહિતી છુપાવી હતી
- કેન્યન રાષ્ટ્રપતિ ઉહુરૂ કીનિયાટાના પરિવારે દાયકાઓ સુધી ઑફશોર કંપનીઓની માલિકી છૂપી રીતે પોતાની પાસે કઈ રીતે રાખી
લીકની ફાઇલો જણાવે છે કે દુનિયાના કેટલાક સૌથી શક્તિશાળી ગણાતા લોકો, જેમાં 90 દેશના 330થી વધુ રાજનેતાઓ સામેલ છે, પોતાની સંપત્તિ છુપાવવા માટે કઈ રીતે ઑફશોર કંપનીઓનો ઉપયોગ કરે છે
અમેરિકન થિંક-ટૅન્ક ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટેગ્રિટીના લક્ષ્મીકુમાર જણાવે છે કે ઘણી વાર આ લોકો ગુમનામ કંપનીઓના માધ્યમથી પૈસા છુપાવે છે.
'ઑફશોર' એટલે શું?
પૅન્ડોરા પેપર્સ કંપનીઓના એક જટિલ (ગૂંચભર્યા) નેટવર્ક વિશે જાણકારી આપે છે, જે દેશની પહોંચની બહાર હોય છે. મોટા ભાગની કંપનીઓ ગુમનામ હોય છે. એમના માલિક કોણ, કોણે પૈસા રોક્યા એ બધી વાતો ગુપ્ત રાખવામાં આવે છે.
ધારો કે, યુકે અથવા અમેરિકામાં કોઈની સંપત્તિ છે પણ આ સંપત્તિ પરનો માલિકીહક્ક કોઈ બીજા દેશની કંપનીઓ વડે લઈ લેવાય છે, એને જ 'ઑફશોર' કહે છે.
આ ઑફશોર દેશ, ટેરિટરી ક્યાં હોય છે?
- જ્યાં કંપનીઓ બનાવવી આસાન હોય.
- જ્યાં એવા કાયદા હોય કે જેનાથી કંપનીના માલિક કોણ છે તે જાણવું મુશ્કેલ હોય
- જ્યાં કૉર્પોરેશન ટૅક્સ ઘણો ઓછો હોય અથવા બિલકુલ હોય જ નહીં.
- આવી જગ્યાઓને 'ટૅક્સ હેવન' કહેવાય છે. એમ તો કેટલા ટૅક્સ હેવન છે એની ચોક્કસ સૂચિ પ્રાપ્ત નથી પણ કેટલીક જગાએ ટૅક્સચોરી કરવા અને કાળું નાણું સગેવગે કરનારા લોકોમાં અંદરોઅંદર ઘણી પ્રચલિત છે. જેમ કે, કેમન આઇલૅન્ડ, બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ, સાથે જ સ્વિટ્ઝર્લૅન્ડ અને સિંગાપુર જેવા દેશ પણ.
ટૅક્સ હેવનનો ઉપયોગ કરવો ગેરકાયદે છે?
બ્રિટનના કાયદામાં ઘણી એવી ખામીઓ છે, જેનાથી ટૅક્સ હેવનની કંપનીઓ કેટલાય દેશોમાં ટૅક્સ ભરવામાંથી સરળતાથી છટકી જાય છે, પણ આને અનૈતિક માનવામાં આવે છે.
આ પ્રકારની સંપત્તિનાં કેટલાંક માન્ય કારણ પણ છે જેના લીધે લોકો જુદા જુદા દેશોમાં પૈસા અને સંપત્તિ મૂકી રાખવા માગે છે. જેમ કે, અપરાધિક હુમલાથી બચવા અથવા અસ્થિર સરકારોથી સુરક્ષિત રહેવા - આની પાછળ એક મુખ્ય અને માની શકાય એવું કારણ હોઈ શકે.
બ્રિટનમાં છૂપી ઑફશોર કંપની બનાવવી ગેરકાયદેસર નથી. પૈસા અને સંપત્તિની હેરફેર કરવા માટે છૂપી કંપનીઓના એક જટિલ નેટવર્કનો ઉપયોગ કરવો એ કાળાં નાણાંને સંતાડવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે.
પનામા પેપર્સ લીકની ઘટના પછી બ્રિટનમાં અનેક વાર એક સૂર પ્રકટ થતો રહ્યો છે કે રાજનેતાઓને માટે, ટૅક્સ ભરવામાંથી બચી જવું અથવા સંપત્તિ છૂપી રાખવી મુશ્કેલ કરી દેવું જોઈએ.
ઑફશોર દ્વારા પૈસા છુપાવવા કેટલું સરળ?
આને માટે ટૅક્સ હેવન દેશોમાં એક શેલ કંપની બનાવવી પડે છે અને એને કોણ બનાવે છે, માલિક કોણ છે જેવી માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ કંપનીઓ માત્ર કાગળ પર જ હોય છે અને ના તો એની કોઈ ઑફિસ હોય છે કે ના તો એના કોઈ કર્મચારી.
જોકે, આવી કંપની સ્થાપવા માટે પણ પૈસા રોકવા પડે છે. કેટલીક ફર્મ, જે આ કામમાં હોશિયાર હોય છે તેઓ તમારા નામે તમારી શેલ કંપનીઓને ચલાવે છે. આ ફર્મ પૈસાના બદલામાં શેલ કંપનીઓને નામ, સરનામું, પેડ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સનું નામ આપે છે અને એ નક્કી કરે છે કે કંપનીના અસલી માલિક કોણ છે એની ક્યારેય કોઈનેય જાણ નહીં થાય.
કેટલા પૈસા છુપાવાયા છે?
ઑફશોરમાં દુનિયાભરના અમીરોએ કેટલાં નાણાં રોક્યાં છે એનો ખરેખરો અંદાજ કરવો મુશ્કેલ છે. પરંતુ, આઇસીઆઇજેના અનુમાન અનુસાર આ રકમ 5.6 ટ્રિલિયન ડૉલરથી માંડીને 32 ટ્રિલિયન ડૉલર સુધીની હોઈ શકે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એમ કહે છે કે, ટૅક્સ હેવનના ઉપયોગથી દુનિયાભરની સરકારોને દર વર્ષે 600 અરબ ડૉલર ઓછો ટૅક્સ મળે છે.
કુમાર જણાવે છે કે, "આ સમાજ માટે હાનિકારક છે. અમીરોના નાણાં છુપાવવાના કામની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે. સામાન્યજનોનાં બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્યસુવિધા અને રહેણાક મકાનની સુવિધા બધું આના લીધે પ્રભાવિત થાય છે."
બ્રિટન શું કરે છે?
વિદેશોની ગુમનામ કંપનીઓની માલિકીવાળી સંપત્તિને મંજૂરી આપવાની બાબતને કારણે બ્રિટનની ઘણી ટીકા થઈ રહી છે.
બ્રિટનમાં 2018ના વર્ષમાં એક મુસદ્દો તૈયાર કરાયો હતો, જેના અનુસાર બ્રિટનમાં ખરીદાયેલી સંપત્તિઓના માલિકનું નામ જણાવવું ફરજિયાત થાત. પરંતુ આ મુસદ્દાને હજુ સુધી સંસદમાં રજૂ કરવામાં આવ્યો નથી.
2019ના વર્ષે એક સંસદીય રિપૉર્ટમાં જણાવાયું કે બ્રિટનની ટૅક્સ સિસ્ટમ "મની લૉન્ડરિંગ કરનારા અને કાળું નાણું રાખનારા લોકોને" આકર્ષિત કરે છે.
રિપૉર્ટ જણાવે છે કે, આનાથી ઘણી વાર ગુનાની તપાસમાં અવરોધ આવે છે, કેમ કે પોલીસ એ જ નથી જાણી શકતી કે આખરે એ સંપત્તિના માલિક કોણ છે.
તાજેતરમાં જ, સરકારે સંપત્તિ વડે થતા મની લૉન્ડરિંગના જોખમને 'મીડિયમ'થી વધારીને 'હાઈ' કરી દીધું છે.
સરકાર એમ કહે છે કે, તેઓ સખત કાયદા અને એનો અમલ કરાવીને મની લૉન્ડરિંગને કાબૂમાં રાખવા કમર કસી રહી છે. અને તેઓ સંસદમાં એક રજિસ્ટર રજૂ કરશે જેમાં વિસ્તારથી એ વાત જણાવાશે કે બ્રિટનમાં કઈ કઈ સંપત્તિઓ પર ઑફશોર કંપનીઓના માલિકીહક્ક છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો