You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ, બૅન્કો કેમ થઈ રહી છે ખાલીખમ?
- લેેખક, કરિશ્મા વાસવાની
- પદ, બીબીસી ન્યૂઝ
અફઘાનિસ્તાનની સૌથી મોટી બૅન્કના વડાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું છે કે તેમના દેશની બૅન્કિંગ-વ્યવસ્થા પડી ભાંગવાને આરે છે.
ઇસ્લામિક બૅન્ક ઑફ અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અધિકારી સૈયદ મૂસા અલ-ફલાહીએ કહ્યું કે ગ્રાહકોમાં વ્યાકૂળતા છે, જેના કારણે દેશનું આર્થિક ક્ષેત્ર 'અસ્તિત્વના સંકટ'માંથી પસાર થઈ રહ્યું છે.
કાબુલમાં અંધાધૂંધી બાદ હંગામી રીતે દુબઈમાં નિવાસ કરી રહેલા અલ-ફલાહીનું કહેવું છે, "અત્યારે મોટી સંખ્યામાં લોકો પૈસા કાઢી રહ્યા છે."
તેમણે કહ્યું, "અત્યારે મુખ્યત્વે પૈસા કાઢવાનું જ કામ થઈ રહ્યું છે, કારણ કે મોટા ભાગની બૅન્કો કાર્યરત નથી અને તમામ સેવાઓ નથી આપી રહી."
ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થઈ ગયો હતો અને ત્યારથી જ અર્થવ્યવસ્થા કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.
વિદેશી દાન પર મદાર
આર્થિક બાબતો માટે અફઘાનિસ્તાન મહદંશે વિદેશી સહાય પર નિર્ભર છે.
વિશ્વબૅન્કના મતે, અફઘાનિસ્તાનના કુલ ઘરેલુ ઉત્પાદનના 40 ટકા આંતરરાષ્ટ્રીય મદદમાંથી આવે છે.
તાલિબાનના નિયંત્રણ પછી પશ્ચિમના દેશોએ અફઘાનિસ્તાનને મળતી આંતરરાષ્ટ્રીય સહાયને અટકાવી દીધી છે. આમાં અફઘાનિસ્તાનની એ સંપત્તિઓ પણ સામેલ છે જે વર્લ્ડ બૅન્ક તથા આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ-ફલાહીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સહાય બંધ થતા તાલિબાન આર્થિક મદદ માટે અન્ય સ્રોતો તરફ નજર દોડાવવા મજબૂર બન્યું છે.
તેમનું કહેવું છે, "તાલિબાનીઓ ચીન રશિયા તથા અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. તેમને લાગે છે કે હાલમાં તત્કાળ અથવા ભવિષ્યમાં તેઓ સફળ થશે."
ચીને અગાઉ જ અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ માટે તાલિબાનની સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ તેના તાજેતરના લેખમાં લખ્યું હતું, 'અફઘાનિસ્તાનમાં પુનર્નિર્માણમાં મદદ માટે અપાર સંભાવના રહેલી છે' સાથે જ ઉમેર્યું હતું કે 'ચીન ચોક્કસપણે આ મુદ્દે મોટી ભૂમિકા ભજવી શકે છે.'
માત્ર પાંચ ટકા ઘરમાં રોજનું રાશન
અફઘાનિસ્તાનની આર્થિક સમસ્યાઓ મુદ્દે તાલિબાન પણ દબાણ હેઠળ છે. દેશમાં મોંઘવારી ઝડપભેર વધી રહી છે અને તેનું ચલણ અફઘાની સતત ગગડી રહ્યું છે.
દેશના લોકોમાં અજંપો પ્રવર્તમાન છે, કારણ કે કાં તો તાજેતરમાં તેમની નોકરીઓ જતી રહી છે અથવા તો તેમની પાસે રોકડ નથી.
સંયુક્ત રાષ્ટ્રના 'વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ'એ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના માત્ર પાંચ ટકા ઘરોમાં જ રોજનું ભોજન ઉપલબ્ધ છે.
તાજેતરના સરવેમાં બહાર આવ્યું હતું કે અરધોઅરધ ઘરોમાં ગત પખવાડિયા દરમિયાન ઓછામાં ઓછું એક વખત એક ટંક ખાવાના સાંસાં પડ્યા હતા.
આને કારણે અફઘાનિસ્તાનને ટકાવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય સહાયતા તથા વિદેશી મદદથી તાતી જરૂર છે.
બીજી બાજુ, અમેરિકા જેવા અનેક દેશ કહી ચૂક્યા છે કે તાલિબાન સાથે કામ કરવા મુદ્દે તેઓ ત્યારે જ કોઈ નિર્ણય લેશે, જ્યારે તેમની અમુક શરતો પૂર્ણ થશે અને તે દિશામાં કામ થતું જણાશે. આમાં મહિલાઓ સાથે વ્યવહાર તથા અલ્પસંખ્યકો સાથેનો વર્તાવ પણ સામેલ છે.
ઇમરાન ખાનનું નિવેદન
અલ-ફલાહીને જણાવ્યું કે તાલિબાનને નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે થોડા સમય' માટે મહિલાઓને કામ પર પરત ફરવાની મંજૂરી નહીં હોય. જોકે, તેમની બૅન્કમાં મહિલાઓ કામ પર પરત ફરી રહી છે.
તેમણે કહ્યું, "ત્યાં મહિલાઓમાં એક પ્રકારનો ભય છે, તેથી તેઓ કામ પર નથી આવી રહી, પરંતુ હવે ધીમે-ધીમે તેમણે ઑફિસે આવવાનું શરૂ કરી દીધું હતું."
બીજી બાજુ અલ-ફલાહીનું નિવેદન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના તાજેતરના નિવેદનની સાથે ભળતું જણાય છે.
ઇમરાન ખાને બીબીસીને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તાલિબાને ગત વખતે જેવો વ્યવહાર કર્યો હતો, તેની સરખામણીમાં આ વખતે દુનિયાને વધુ આધુનિક તથા પરિવર્તિત દેખાવા માટે પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યા છે.
ઇમરાને કહ્યું હતું, "આ વખતે તેઓ વધુ લવચીક છે તથા સહયોગ કરી રહ્યા છે. આ વખતે તેઓ થોડા સમય માટે બહુ કડક નિયમ તથા કાયદા લાગુ નથી કરી રહ્યા."
જોકે, મહિલાઓ તથા માનવાધિકાર સાથે સંકળાયેલા સંગઠનોનું કહેવું છે કે તાલિબાનની કથણી અને કરણીમાં ભારે તફાવત છે. ધરાતલ પરથી મળી રહેલા અહેવાલોમાં એવું બહાર આવી રહ્યું છે કે તાલિબાનીઓ મહિલાઓ તથા છોકરીઓને સ્કૂલે જતાં અટકાવી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો