તાલિબાનનું સલૂનવાળાને ફરમાન, 'ન વાળ કાપવા કે ન દાઢી કરવી, ફરિયાદનો કોઈને અધિકાર નહીં'

તાલિબાને અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં દાઢી કઢાવવા પર કે તેને ઝીણી કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

તેમનું કહેવું છે કે તે ઇસ્લામિક કાયદાની તેમની વ્યાખ્યાનો ભંગ કરે છે. આ સંદર્ભે વાળંદોને સૂચના પણ આપવામાં આવી છે.

તાલિબાનની ધાર્મિક પોલીસનું કહેવું છે કે જે કોઈ દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવશે, તેમને સજા દેવામાં આવશે.

રાજધાની કાબૂલમાં વાળ કાપવાનું કામ કરનારા કેટલાક લોકોને આ પ્રકારની સૂચના મળી છે.

આ નિર્દેશોને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તાલિબાન તેના જૂના કટ્ટર શાસન તરફ વળી રહ્યું છે, જેમાં કાયદા ખૂબ જ કડક હતા.

તાલિબાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે નરમાશ દાખવવામાં આવશે.

હેલમંદ પ્રાંતમાં સલૂનની બહાર નોટિસો ચીપકાવવામાં આવી છે કે જેમાં તાલિબાનના અધિકારીઓએ વાળ કાપનારાઓને ચેતવણી આપી છે કે દાઢી અને વાળ કાપવા સંબંધિત શરિયતના કાયદાનું પાલન કરવામાં આવે.

બીબીસીએ આ નોટિસ વાંચી છે અને તેમાં લખેલું છે કે 'કોઈને પણ ફરિયાદ કરવાનો અધિકાર નથી.'

દુકાને આવી ચેતવણી આપી

કાબુલના એક વાળંદે કહ્યું, 'લડાકુઓ વારંવાર આવીને અમને આદેશ આપે છે કે અમે કોઈના વાળ ન કાપીએ.'

અન્ય એક વાળંદે કહ્યું કે તેમને પકડવા માટે અંડરકવર ઇન્સ્પેક્ટર મોકલવામાં આવે તેવી પણ શક્યતા છે.

શહેરમાં એક મોટું સલૂન ચલાવનારાને ચેતવણી આપતો કોલ આવ્યો હતો, સામે રહેલી વ્યક્તિએ ખુદની ઓળખ સરકારી અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે 'અમેરિકન સ્ટાઇલને અટકાવે.' કોઈની દાઢી કરે નહીં તથા શૅવ પણ ન કરે.

1996થી 2001 દરમિયાન અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન હતું, ત્યારે કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠને આકર્ષક હેરસ્ટાઇલ પર પ્રતિબંધ લાદી દીધો હતો અને પુરુષો ઉપર દાઢી વધારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

તાલિબાનના શાસન બાદ ક્લિન-શૅવ સામાન્ય બાબત બની રહી હતી અને અફઘાનીઓ સલૂનમાં ફૅશનેબલ વાળ પણ કપાવતા હતા.

વાળંદોની આવક પર અસર

અનેક વાળંદોએ ઓળખ સાર્વજનિક ન કરવાની શરતે જણાવ્યું કે નવા કાયદાને કારણે તેમની આવક ઓછી થઈ જશે અને જીવન મુશ્કેલ થઈ જશે.

એક વાળંદે બીબીસીને જણાવ્યું, "અનેક વર્ષોથી યુવાનો મારા સલૂનમાં શૅવિંગ કરાવતા હતા. તેઓ ઇચ્છતા એ પ્રકારનું શૅવિંગ હું કરી આપતો હતો. હવે આ ધંધામાં કોઈ કસ નથી રહ્યો."

અન્ય વાળંદે કહ્યું, "ફૅશન સલૂન તથા હજામતનું કામ પ્રતિબંધિત વ્યવસાય બની રહ્યા છે. ગત 15 વર્ષથી હું આ કામ કરતો હતો, પરંતુ મને નથી લાગતું કે હવે આ કામ ચાલુ રાખી શકીશ."

હેરાતના દક્ષિણ શહેરમાં એક વાળંદે કહ્યું કે તેમને સત્તાવાર રીતે નોટિસ નથી મળી, પરંતુ તેમણે જાતે જ દાઢી બનાવવાનું બંધ કરી દીધું છે.

તેમણે કહ્યું, "ગ્રાહકો પણ જાતે જ શૅવ નથી કરાવડાવી રહ્યા, કારણ કે તેમને આશંકા કે તાલિબાનના લડાકુઓ તેમને ટાર્ગેટ કરી શકે છે.

વાળ કાપવાના રેટ ઘટાડી દેવા છતાં તેમનો ધંધો મંદ પડી ગયો છે. તેઓ કહે છે, "કોઈને પણ પોતાની સ્ટાઇલ કે વાળના ફૅશનની ચિંતા નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો