You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : હેરાતમાં જાહેરમાં મૃતદેહો લટકાવ્યાના અહેવાલ, તાલિબાનો 'ફરી હાથ-પગ કાપવાની સજા કરશે'
તાલિબાનના શાસનમાં ધર્મનું પાલન કરાવવા માટેના મંત્રાલયના પ્રમુખ રહેલા મુલ્લા નૂરુદ્દીન તુરાબીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત અપરાધ માટે મૃત્યુદંડ અને હાથ-પગ કાપવાની સજાની જોગવાઈ કરવામાં આવશે.
ત્યારે પશ્ચિમી અફઘાનિસ્તાનના હેરાતમાં શહેરમાંથી મળતા અહેવાલો અનુસાર અહીં અલગઅલગ ચાર રસ્તાઓ પર ચાર લોકોના મૃતહેદો લટકાવવામાં આવ્યા છે.
બીબીસી ફારસી સેવાના અહેવાલ મુજબ તાલિબાને આ ચાર લોકોની કિડનૅપિંગના આરોપમાં ધરપકડ કરી હતી.
તેમને પહેલાં ગોળી મારવામાં આવી અને પછી શનિવારે શહેરના અલગઅલગ ચાર રસ્તા પર લટકાવવામાં આવ્યાં.
તાલિબાનના અધિકારીઓએ આ ઘટના વિશે આધિકારિક રૂપથી હજી સુધી કોઈ માહિતી નથી આપી.
તાલિબાનના રાજમાં મોતની સજાની આ રીતને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.
તાલિબાનના નેતા મુલ્લા નૂરુદ્દીન તુરાબી બે દાયકા પહેલાં તાલિબાનના શાસન દરમિયાન ગુનેગારને કઠોર સજા આપવા માટે જાણીતા હતા, હાલ તેમને અફઘાનિસ્તાનની જેલોની જવાબદારી સોંપવામાં આવી છે.
તેમણે સમાચાર સંસ્થા એપીને જણાવ્યું કે, "જો જરૂર જણાશે તો તો હાથ-પગ અથવા શરીરનાં અંગ કાપવાની સજા ફરી લાગુ કરવામાં આવશે."
તેમણે કહ્યું કે 1990ના દાયકાની તાલિબાન સરકાર દરમિયાન ગુનેગારોને આ રીતની સજા જાહેરમાં આપવામાં આવતી હતી, પરંતુ નવા શાસન દરમિયાન આવી સજા નહીં આપવામાં આવે.
તેમણે તાલિબાનના શાસનમાં કઠોર સજાની ટીકા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે "કોઈએ અમને એ કહેવાની જરૂર નથી કે અમારા કાયદા કેવા હોવા જોઈએ."
આ વર્ષે 15 ઑગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે આ વખતની તાલિબાન સરકાર સામાન્ય લોકોને અનેક પ્રકારની છૂટછાટ આપશે અને કડક કાયદા લાગુ નહીં કરે.
જોકે દેશના અનેક ભાગોમાં માનવાધિકારોના ઉલ્લંઘનની સાથે લોકો પર ક્રૂરતા આચરવામાં આવતી હોવાના સમાચાર આવી રહ્યા છે.
ગુરુવારે હ્યુમન રાઇટ્સ વૉચે ચેતવણી આપી હતી કે "હેરાતમાં તાલિબાનના લોકો હાઈપ્રોફાઇલ મહિલાઓને શોધી રહ્યાં છે, મહિલાઓના ઘરબહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમના પોશાક અંગે પણ પ્રતિબંધો છે."
ઑગસ્ટમાં માનવાધિકારો માટે કામ કરનારી સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું કે લઘુમતી હજારા સમુદાયના નવ લોકોની હત્યા પાછળ તાલિબાનના લડવૈયાઓનો હાથ હતો.
એ વખતે એમનેસ્ટીનાં મહાસચિવ એગ્નેસ કૅલામાર્ડે કહ્યું કે આ ક્રૂર હત્યાઓ તાલિબાનના જૂના શાસનની યાદ અપાવે છે અને ઇશારો કરે છે કે તાલિબાનનું શાસન કેવી તબાહી સર્જી શકે છે."
90ના દાયકામાં કેવી રીતે અપાતી હતી સજા
તાલિબાનનો અફઘાનિસ્તાન પર પૂર્ણ રીતે કબજો થયો તે અગાઉ બાલ્ખ પ્રાંતમાં તાલિબાનના એક જજ હાજી બદરુદ્દીને બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાનીને કહ્યું હતું કે તેઓ ગુનેગારને કઠોર સજા આપવા માટેની તાલિબાનની રીત અને ઇસ્લામિક કાયદા બાબતે તાલિબાનની સમજણના પક્ષમાં છે.
તેમણે કહ્યું હતું, "શરીયા કાયદામાં લગ્ન પહેલાં સેક્સ ગુનો છે અને તેના માટે મહિલા અથવા પુરુષને જાહેરમાં સો વખત ચાબુક ફટકારવાની જોગવાઈ છે. ત્યારે વિવાહિત લોકોને પથ્થર મારવાની સજાની જોગવાઈ છે અને જે લોકો ચોરી કરે તેમનો ગુનો સાબિત થયા પછી હાથ કાપવાની વાત કહેવામાં આવી છે."
જોકે સત્તામાં આવ્યા પછી તાલિબાન અંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાની છબિ સુધારીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરે છે.
બીજી તરફ તાલિબાનો રૂઢિચુસ્ત અફઘાન લોકો સાથે પણ તાલમેળ બેસાડવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.
1990ના દાયકામાં સંગીત સાંભળનારાઓ અને દાઢી કાપનારાઓને કડક સજા આપવા માટે જાણીતા નેતાઓ કહ્યું કે તાલિબાન કઠોર સજાની જોગવાઈને ચાલુ રાખશે, જોકે લોકોને ટીવી જોવા, મોબાઇલ ફોન વાપરવા અથવા તસવીરો અને વીડિયો બનાવવાની મંજૂરી આપવામાં આવશે.
તાલિબાનની પ્રથમ સરકારમાં પોતાના કામ માટે મુલ્લા નૂરુદ્દીન પ્રતિબંધિત વ્યક્તિઓની સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં છે.
તેમણે કહ્યું કે તાલિબાનની સરકારમાં હાલ વિચારણા ચાલી રહી છે કે આ રીતની સજાને જાહેરમાં આપવામાં આવે કે નહીં. તેમણે કહ્યું કે "આના માટે એક નીતિ બનાવવામાં આવશે."
1990ના દાયકામાં અફઘાનિસ્તાનમાં ગુનેગારોને જાહેરમાં ઈદગાહ મસ્જિદ પાસેના મેદાનમાં કે પછી કાબુલ સ્પૉર્ટ્સ સ્ટેડિયમમાં સજા આપવામાં આવતી હતી.
મુલ્લા નૂરુદ્દીને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "સ્ટેડિયમમાં સજા આપવાના અમારા નિયમની લોકો ટીકા કરે છે પરંતુ અમે અન્ય કોઈના નિયમો અને કાયદાઓ પર કોઈ ટીકા કે ટિપ્પણી નથી કરી."
સંયુક્ત રાષ્ટ્રમાં બોલવાની અનુમતિ ઇચ્છે છે તાલિબાન
આ અઠવાડિયે તાલિબાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ન્યૂ યૉર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નિવેદન આપવાની મંજૂરી આપવાની વિનંતી કરી હતી.
આના જવાબમાં જર્મનીના વિદેશમંત્રી હીકો માસે કહ્યું હતું કે "તાલિબાનની સાથે વાતચીત ચાલુ રાખવી ખૂબ જરૂરી છે, પરંતુ આના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યોગ્ય સ્થાન નથી."
ત્યારે ક્રૅડેન્શિયલિંગ સમિતિનો ભાગ બનેલા અમેરિકાએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રનું અધિવેશન ખતમ થાય એ પહેલાં આ વિશે કોઈ નિર્ણય નહીં લે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો