You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાનના શાસનમાં પાકિસ્તાનનું અર્થતંત્ર શા માટે ખખડી ગયું છે?
પાકિસ્તાનના સ્ટેટિસ્ટિક્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિદેશ વ્યાપાર વિભાગ 100 ટકા વેપાર ખોટનો સામનો કરી રહ્યો છે.
પાકિસ્તાનની તહેરિક-એ-ઇન્સાફ(પીટીઆઈ)ની સરકારે વેપાર ખોટ તથા ચાલુ ખાતાની ખોટ ઘટાડવા માટે દેશમાં કરાતી આયાત ઘટાડવાની જાહેરાત કરી હતી.
પીટીઆઈ સરકાર ગત નાણાકીય વર્ષમાં નાણાકીય ખોટમાં થોડો ઘટાડો કરી શકી હતી, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતમાં આયાતમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે વેપાર ખોટ વધી રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વધતી વેપાર ખોટ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા માટે એક ખતરનાક સંકેત છે, કારણ કે એ ઘટાડો ચાલુ ખાતાની ખોટ વધારીને વિનિમયના દર પર નકારાત્મક અસર કરે છે અને ડૉલર સામે રૂપિયાની કિંમત પર નકારાત્મક અસર થાય છે.
પાકિસ્તાનનું સ્થાનિક ચલણ હાલ ડૉલરની સરખામણીએ બહુ દબાણ હેઠળ છે, જેનું એક કારણ આયાતને લીધે ડૉલરની માગમાં થયેલો જોરદાર વધારો છે; જ્યારે બીજી તરફ દેશની નિકાસમાં બહુ ઓછી વૃદ્ધિ જોવા મળી છે.
જાણકારોનું કહેવું છે કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશની આયાતમાં મોટી વૃદ્ધિ અને તેના કારણે વધનારી વેપાર ખોટ ખતરનાક છે. દેશના અર્થતંત્ર માટે એ 'રેડ ઝોન' છે, એવું પણ તેઓ કહી રહ્યા છે.
વિદેશ વેપાર વિભાગની કામગીરી
સરકારી આંકડા અનુસાર, ગત વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં જે વેપાર ખોટ 5.8 અબજ ડૉલર હતી, તે આ વર્ષે વધીને 11.6 અબજ ડૉલર થઈ ગઈ હતી.
આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 18.63 અબજ ડૉલરની સામગ્રીની આયાત થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પ્રમાણ ગયા વર્ષના સમાન સમયગાળામાં 11.2 અબજ ડૉલરનું હતું. તેનો અર્થ એ થયો કે આયાતમાં 65 ટકાથી વધુનો વધારો થયો છે.
બીજી તરફ પાકિસ્તાનની નિકાસમાં વૃદ્ધિ જરૂર થઈ છે, પરંતુ તે વધારો 27 ટકાનો જ છે.
ગત નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 5.47 અબજ ડૉલરની નિકાસ થઈ હતી અને વર્તમાન વર્ષના સમાન સમયગાળામાં એ પ્રમાણ 6.9 અબજ ડૉલર રહ્યું છે.
યાદ રહે કે ગત સરકારના શાસનના છેલ્લા નાણાકીય વર્ષમાં દેશની વેપાર ખોટ રેકર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. એ સમયે વેપાર ખાધ વધીને 37 અબજ ડૉલરથી વધુની થઈ ગઈ હતી.
પીટીઆઈ સરકારે તેને ધીમે-ધીમે ઘટાડવાનું શરૂ કર્યું હતું. આ સરકારના શાસનના પહેલા નાણાકીય વર્ષમાં વેપાર ખાધ ઘટીને 31 અબજ ડૉલર અને બીજા નાણાકીય વર્ષમાં ઘટીને 23 અબજ ડૉલર થઈ હતી.
જોકે, ઘટાડાનો એ સિલસિલો જાળવી શકાયો નથી. વર્તમાન સરકારના 2021ની 30 જૂને પૂર્ણ થયેલા ત્રીજા નાણાકીય વર્ષમાં વેપાર ખાધ વધીને ફરી 30 અબજ ડૉલર થઈ ગઈ હતી અને એ પ્રમાણ સતત વધી રહ્યું છે.
પાકિસ્તાન કઈ સામગ્રીની આયાત કરી રહ્યું છે?
પાકિસ્તાન દ્વારા આયાત કરવામાં આવતી સામગ્રી પર નજર નાખીએ તો તેમાં ખાદ્યપદાર્થો, તેલનાં ઉત્પાદનો, વાહનો અને મશીનરીની આયાતમાં મોટો વધારો જોવા મળે છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં આયાત કરવામાં આવેલા સામાનની જ વાત કરીએ તો માત્ર ઑગસ્ટમાં 66,000 ટન ખાંડની આયાત કરવામાં આવી છે, પરંતુ ગયા વર્ષે ઑગસ્ટમાં માત્ર 917 મેટ્રિક ટન ખાંડની આયાત કરવામાં આવી હતી.
આ રીતે ઘઉંની આયાતમાં 70 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે પામ ઑઇલની આયાતમાં 120 ટકા વધારો થયો છે. દાળની આયાતમાં 84 ટકા અને ચાની આયાતમાં 24 ટકા વધારો થયો છે.
બીજી તરફ તેલનાં ઉત્પાદનોમાં લગભગ 128 ટકા વધારો થયો છે. મોટરકારોની આયાતમાં 200 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી છે.
એ જ રીતે મશીનરીની આયાત પણ વધી છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કોરોના વૅક્સિનને કારણે પણ આયાતમાં વધારો થયો છે.
આયાતમાં આટલી વૃદ્ધિનું કારણ શું?
આયાતમાં વૃદ્ધિનાં કારણોની વાત કરતાં અર્થશાસ્ત્રી ખુર્રમ શહઝાદે જણાવ્યું હતું કે ખાદ્ય તથા અન્ય તેલનાં ઉત્પાદનો ઉપરાંત ખાદ્યપદાર્થો, મશીનરી અને વાહનોના વેચાણમાં વધારાના કારણે આયાતમાં વધારો થયો છે.
તેમણે કહ્યું હતું, "આ વસ્તુઓની માગ સંતોષવા માટે સ્થાનિક સ્તર પરનાં સંસાધનો તથા ઉત્પાદનો અપૂરતાં છે. તેથી પાકિસ્તાને તેની આયાત કરવી પડે છે."
ખુર્રમ શહઝાદના જણાવ્યા મુજબ, દેશની નિકાસમાં એટલો વધારો નથી થયો કે આયાતથી સર્જાયેલી વેપાર ખાધને સરભર કરી શકાય અને આ આયાત વધવાનું બીજું મુખ્ય કારણ છે.
તેમણે કહ્યું હતું, "વપરાશ વધવાનું કારણ એ પણ છે કે જ્યારે આવકના સ્રોત વધે છે, ત્યારે વપરાશનું પ્રમાણ પણ વધતું હોય છે."
તેમણે કન્ઝમ્પ્શન એટલે વપરાશમાં થયેલા વધારાને સારી બાબત ગણાવી હતી; અને એવું પણ જણાવ્યું હતું કે વપરાશમાં થયેલા વધારાને આયાતી સામગ્રી દ્વારા સંતોષવામાં આવે તો તેનું નુકસાન દેશે વેપાર ખાધના સ્વરૂપમાં સહન કરવું પડે છે.
આ સંબંધે બીબીસી ઉર્દૂ સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી ડૉ. ફારુક સલીમે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થો ઉપરાંત મશીનરી, મોટરકારો અને તેલનાં ઉત્પાદનોમાં વૃદ્ધિને કારણે આયાતના બિલમાં વધારો થયો છે.
તેમના જણાવ્યા મુજબ, પાકિસ્તાનીઓની આવકમાં વધારો નથી થયો, પરંતુ તેઓ વધારે પ્રમાણમાં ખર્ચ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે 2018થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં માથાદીઠ આવકમાં ઘટાડો થયો છે. 2017માં તેનું પ્રમાણ 1482 ડૉલર હતું, જે અત્યારે ઘટીને 1190 ડૉલર થઈ ગયું છે.
ડૉ. ફારુકે ઉમેર્યું હતું કે વેપાર ખાધ વધવાનું મુખ્ય કારણ નિકાસમાં વૃદ્ધિનો અભાવ છે. સરકારે ગયા નાણાકીય વર્ષમાં 31 અબજ ડૉલરની નિકાસની ઉજવણી કરી હતી.
હકીકતમાં 2013-14ના નાણાકીય વર્ષમાં પણ એટલી જ નિકાસ થઈ હતી. તેમાં ઘટાડો એ પછી શરૂ થયો હતો.
ડૉ. ફારુકે કહ્યું હતું, "ડૉલરના એ સમયના મૂલ્યની સરખામણી આજના મૂલ્ય સાથે કરવામાં આવે તો તેનો અર્થ સ્પષ્ટ છે કે પાકિસ્તાને નિકાસમાં કોઈ વૃદ્ધિ કરી નથી."
તેમણે ઉમેર્યું હતું, "પાકિસ્તાન પામ તેલ, ઘઉં અને ખાંડ સુદ્ધાંની આયાત કરતું હોય તો તેનો અર્થ એ છે કે વ્યાપાર ખાધમાં વધારો થશે. એ ઉપરાંત ટૅક્સટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મોટા પ્રમાણમાં મશીનરી આયાત કરવામાં આવી રહી છે."
"આવું થોડાં-થોડાં વર્ષોના સમયાંતરે કરવામાં આવે છે. તેમાં કામચલાઉ રીતે થોડો લાભ થાય છે, પરંતુ તે કાયમી નિરાકરણ નથી."
પાકિસ્તાનમાં આયાત કરવામાં આવતો ખાદ્યપદાર્થોનો મોટો હિસ્સો દાણચોરી મારફત અફઘાનિસ્તાનમાં પહોંચે છે અને તેને કારણે પાકિસ્તાને વધારે આયાત કરવી પડે છે, એવી ધારણાને ડૉ. ફારુકે ફગાવી દીધી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં નાગરિકો પાસે એટલી ખરીદશક્તિ જ નથી કે તેઓ દાણચોરીથી લાવવામાં આવેલી મોંઘી સામગ્રી ખરીદી શકે.
ડૉ. ફારુકના જણાવ્યા મુજબ, હાલ પાકિસ્તાનને રેમિટન્સ એટલે અન્ય દેશોમાંથી આવતાં નાણાંને કારણે લાભ થઈ રહ્યો છે, અન્યથા પાકિસ્તાનમાં વેપાર ખાધમાંનો ઝડપી વધારો દેશની ચાલુ ખાતાની ખાધનું ગણીત વેરવિખેર કરી શકે છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્ટેટ બૅન્કે અનેક આયાતી ઉત્પાદનો પર 100 ટકા કૅશ માર્જિન લાદ્યું જરૂર લાદ્યું છે; પરંતુ તેનાથી આયાત અટકાવી શકાય નહીં, કારણ કે કિંમત વધારે હોય તો પણ જરૂરી સામગ્રીની વપરાશ યથાવત્ જ રહે છે.
આયાતમાં વૃદ્ધિને કારણે વધતી વેપાર ખાધ બાબતે સરકારનો મત જાણવા પાકિસ્તાનના વડા પ્રધાનના વ્યાપાર મામલાઓના સલાહકાર રઝાક દાઉદનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આયાતમાં વધારો એક જટિલ મુદ્દો છે.
પોતે મીટિંગમાં હોવાનું કહીને તેમણે બાદમાં સંપર્ક કરવા જણાવ્યું હતું, પરંતુ તેમણે આ સંબંધે ફરી કર્યો ન હતો.
વધતી વેપાર ખાધ કેટલી જોખમી?
દેશની વધતી વેપાર ખાધને 'રૅડ ઝોન' ગણાવતાં ડૉ. ફારુક સલીમે જણાવ્યું હતું કે વેપાર ખાદમાં વૃદ્ધિથી દેશ એક દુષ્ચક્રમાં ફસાઈ જાય છે, કારણ કે વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતાની ખાધ પણ વધે છે. તેના પરિણામે વિનિમય દર તથા ચલણનું મૂલ્ય ઘટે છે અને દેશમાં આવક ઘટવાથી ગરીબીમાં વધારો થાય છે.
તેમણે કહ્યું હતું, "વેપાર ખાધ ઘટાડવાના પીટીઆઈ સરકારના બધા દાવા માત્ર સોશ્યલ મીડિયા પર છે અને તેમની ઇચ્છા હોય તો પણ સરકાર પાસે કોઈ નક્કર વ્યૂહરચના નથી. આ મોરચે સરકાર કેટલી સફળ થઈ છે તેનો તાગ પરિણામ પર નજર કરીને મેળવી શકાય છે, પણ પરિણામ દર્શાવે છે કે વેપાર ખાધ ઘટાડવા માટે સરકાર પાસે કોઈ વ્યૂહરચના નથી."
તેમના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષના એક ત્રિમાસિક ગાળામાં જ વેપાર ખાધ લગભગ 12 અબજ ડોલરની હોય તો વર્ષના અંત સુધીમાં તેનું પ્રમાણ કેટલું મોટું હશે તેનો અંદાજ લગાવી શકાય.
ખુર્રમ શહઝાદે જણાવ્યું હતું કે વેપાર ખાધનું પ્રમાણ જીડીપીના ત્રણ ટકા જેટલું હોય તો એ ચિંતાનું કારણ નથી, કારણ કે અર્થતંત્રમાં વૃદ્ધિ તથા વપરાશ માટે પણ આયાત કરવી પડતી હોય છે, પરંતુ વેપાર ખાધનું પ્રમાણ ચાર ટકાથી વધી જાય તો તે દેશના અર્થતંત્ર માટે ખતરાનો સંકેત ગણાય.
તેમણે ઉમેર્યું હતું કે અર્થતંત્રને બહેતર બનાવવા અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે દેશમાં આકરા આર્થિક સુધારા અમલી બનાવી શકાયા નથી. પરિણામે આયાતને લીધે વેપાર ખાધ વધી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો