અજિત ડોભાલ એક રિક્ષાવાળો બનીને કેવી રીતે સુવર્ણ મંદિરમાં ઘૂસ્યા અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓની માહિતી એકત્ર કરી?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • એ એસ દુલત માને છે કે તેઓ ગુપ્તચર માહિતીના વિશ્લેષણના પાઠ નારાયણનને કામ કરતા જોઈને ભણ્યા હતા
  • ભારતીય ગુપ્તચર એજન્સીઓમાં સામ્યવાદના સૌથી મોટા નિષ્ણાત નારાયણન હતા
  • વિપુલ માહિતી ઉપલબ્ધ હોવા છતાં તેઓ નિર્ણય લેવામાં ઉતાવળ કરતા ન હતા
  • ઘણી વાર તો એક ફાઇલ તેઓ કલાકો, દિવસો અને ક્યારેય મહિનાઓ સુધી વાંચતા હતા
  • જવાહરલાલ નેહરુના સમયમાં ગુપ્તચર વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા બી એન મલિક પણ એમ કે નારાયણનને એશિયાના સર્વશ્રેષ્ઠ ગુપ્તચર અધિકારી માનતા હતા
  • ગાંધી પરિવારને નારાયણનમાં બહુ ભરોસો હતો
  • રાજેશ પાઇલટને કાશ્મીરનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારે કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ જાણવા તેઓ નારાયણન પાસે જ જતા હતા
  • નવાઝ શરીફ સાથે સૌપ્રથમ સંપર્ક અજિત ડોભાલે સ્થાપિત કર્યો હતો
  • 1982માં ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે લાહોર પહોંચી ત્યારે ડોભાલના કહેવાથી નવાઝ શરીફે તેમના ઘરે ભારતીય ટીમને ભોજન માટે નોતરી હતી
  • 1988માં હાથ ધરવામાં આવેલા ઓપરેશન બ્લેક થંડરમાં અજિત ડોભાલની ભૂમિકાએ તેમની ખ્યાતિમાં ચાર ચાંદ લગાવી દીધા હતા
  • કંધાર વિમાન અપહરણ કાંડમાં ઉગ્રવાદીઓને છોડવાનું કારણ, ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં કરાયેલો વધારે પડતો વિલંબ હતું

ગુપ્તચર એજન્સીના વડાઓ સામાન્ય રીતે પોતાની આત્મકથા લખવાનું ટાળતા હોય છે અને લખે તો પણ પોતાના સાથીઓનો બેધડક ઉલ્લેખ કરવાથી દૂર રહેતા હોય છે. 'રિસર્ચ ઍન્ડ ઍનેલિસિસ વિંગ (રૉ)ના વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અમરજીતસિંહ દુલતની તાજેતરમાં પ્રકાશિત આત્મકથા ‘અ લાઈફ ઈન ધ શેડોઝ – અ મેમ્વાર’ આમાં અપવાદ છે.

દુલતે આ પુસ્તકમાં તેમના ભૂતપૂર્વ બોસ એમ. કે. નારાયણન અને તેમના જુનીયર અજિત ડોભાલની કાર્યશૈલી વિશેનો પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીત જણાવ્યો છે.

દુલતે લખ્યું છે કે “મેં ઇન્ટેલિજન્સ બ્યૂરોના દિલ્હી ખાતેના વડામથકે વિશ્લેષક તરીકે ચાર વર્ષ ફરજ બજાવી હતી. એ સમયે મને નોર્થ બ્લોકમાં એમ. કે. નારાયણન સાથે એક રૂમમાં કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ જમાનામાં મારા સર્વોચ્ચ વડા એ. કે. દવે હતા. તેમના હાથ નીચે આર. કે. ખંડેલવાલ હતા. નારાયણન તેમને કેડી કહીને બોલાવતા હતા.”

“તમે ફાઇલ પર કઈ રીતે નોટિંગ કરો છો તે જોવા દવે ઉત્સુક રહેતા હતા. ફાઇલ પરની નોટિંગ બાબતે ઘણી વાર તેઓ તેમના સાથીઓને ટોણા મારતા કે તમારા કરતાં તો એક સબ-ઇન્સ્પેક્ટર સારી રીતે લખી શકે. દવેની આ આદતથી ઘણી વાર નારાયણન પણ ચીડાઈ જતા હતા. બીજી તરફ એન. કે. પ્રસાદ હતા. તેઓ બહારથી બહુ કઠોર દેખાતા હતા, પરંતુ અંદરથી બહુ શાલીન હતા. પોતે જે જાણતા હોય તે બધું યુવાનોને બધું શીખવાડવા તત્પર રહેતા.”

સામ્યવાદના સૌથી મોટા નિષ્ણાત હતા નારાયણન

દુલત માને છે કે તેઓ ગુપ્તચર માહિતીના વિશ્લેષણના પાઠ નારાયણનને કામ કરતા જોઈને ભણ્યા હતા. ફિલ્ડ પરથી આવતા દરેક ઉત્સાહી ગુપ્તચર અધિકારીના રિપોર્ટને ટોન ડાઉન કેવી રીતે કરવો એ પણ તેઓ નારાયણન પાસેથી જ શીખ્યા હતા. તમે જે કહેવા ઇચ્છતા હો તે શક્ય હોય તો એક જ પેજમાં જણાવી દેવું એ વાત પણ નારાયણને તેમની શીખવી હતી.

દુલત લખે છે કે “નારાયણન પાસે કોઈ વિષયની ફાઇલ આવે ત્યારે તેઓ તેને થોડો સમય પોતાની પાસે રાખતા હતા અને તેના વિશે ગહન ચર્ચા કર્યા પછી પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરતા હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓમાં સામ્યવાદના સૌથી મોટા નિષ્ણાત નારાયણન હતા. એ સમયે મારો તેમની સાથેનો સંપર્ક મર્યાદિત રહેતો હતો, પરંતુ હું એક મહાન વ્યક્તિત્વની હાજરીમાં કામ કરી રહ્યો છું એ વાતનો અહેસાસ મને હંમેશાં રહેતો હતો. એ પ્રકારના અનુભૂતિ બાદમાં મને આર. એન. કાવની હાજરીમાં થઈ હતી.”

પ્રતીક્ષાની રમતમાં કાબેલ હતા નારાયણન

કાવસાહેબ, નારાયણનથી આ બાબતમાં અલગ હતા. તેઓ કાયમ ચૂપ રહેતા હતા અને લોકો સાથે બહુ ઓછી વાત કરતા હતા. તેમના વિશે એવી કથા પ્રસિદ્ધ હતી કે તેમણે રૉના વડા તરીકે ફરજ બજાવી ત્યાં સુધી તેમનો ફોટોગ્રાફ કોઈ સામયિક કે અખબારમાં પ્રકાશિત થયો ન હતો.

નારાયણન પ્રાપ્ત માહિતીનું લાંબા સમય સુધી વિશ્લેષણ કરતા હતા, જ્યારે કાવને ઍક્શન લેવામાં માનતા હતા. તેઓ ઑપરેશન મૅન હતા. તેમને પોતાના સહજ જ્ઞાન પર બહુ ભરોસો હતો. બન્નેનાં વ્યક્તિત્વમાં મોટો તફાવત હતો, પરંતુ બન્ને ભારતીય ગુપ્તચર એજન્સીના ઉત્તમ અધિકારી હતા.

દુલતે લખ્યું છે કે “નારાયણનને તમે ગમી જાઓ તો તમારી દરેક ચીજ તેમને ગમતી, પરંતુ તેનાથી ઊલટું હોય તો તમારી તકલીફનો ક્યારેય અંત આવતો નહીં. એ સમયે તેઓ આસિસ્ટંટ ડાયરેક્ટરના પદ પર ફરજ બજાવતા હોવા છતાં સમગ્ર ડિપાર્ટમેન્ટમાં ખ્યાતિ મેળવી ચૂક્યા હતા.”

“વિપુલ માહિતી ઉપલબ્ધ હોવા છતાં તેઓ નિર્ણય લેવામાં ઉતાવળ કરતા ન હતા. ઘણી વાર તો એક ફાઇલ તેઓ કલાકો, દિવસો અને ક્યારેય મહિનાઓ સુધી વાંચતા હતા. તેમનું વિશ્લેષણ ઉચ્ચ કોટિનું હોવાનું કારણ આ હતું. કોઈ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં તેનાં તમામ પાસાં બાબતે વિચાર કરવો બહુ જરૂરી હોય છે, એ હું નારાયણન પાસેથી જ શીખ્યો હતો. જાસુસી હંમેશાં પ્રતીક્ષાની રમત હોય છે. હું જેટલા લોકોના સંપર્કમાં આવ્યો એ બધામાં, આ રમત રમવામાં નારાયણનથી વધારે પારંગત કોઈ ન હતું.”

એશિયાના સર્વોત્તમ ગુપ્તચર અધિકારી નારાયણન

નારાયણનની નજર હંમેશાં તેજ રહેતી હતી. તેઓ દુલતથી ઘણા સીનિયર હતા, પરંતુ તેઓ તેમના બૉસ આર. કે. ખંડેલવાલથી ખાસ ખુશ ન હતા એની ખબર બહુ પહેલાંથી પડી ગઈ હતી. તેમની એક નબળાઈ એ હતી કે તેમને પોતાનું ગૌરવગાન કરાવવામાં વધારે રસ હતો.

તેમને તેમની પ્રખ્યાતિનો અંદાજ હતો અને તેઓ કાયમ એવું ઇચ્છતા હતા કે બધા લોકો તેમનાં ભરપૂર વખાણ કરે. તેમને વખાણનારાઓ પણ હતા. જવાહરલાલ નેહરુના સમયમાં ગુપ્તચર વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા બી. એન. મલિક પણ એમ કે નારાયણનને એશિયાના સર્વશ્રેષ્ઠ ગુપ્તચર અધિકારી માનતા હતા. મલિકે ‘માય યર્સ વિથ નેહરુ’ નામનું પુસ્તક લખ્યું છે.

એ. કે. દુલતે લખ્યું છે કે “નારાયણનને મેં ઘણીવાર શુક્રવારની સાપ્તાહિક બેઠકને સંબોધન કરતા જોયા હતા. તેઓ બોલવાનું શરૂ કરે કે તરત જ ઓરડામાં ટાંકણી પડ્યાનો અવાજ પણ સંભળાય તેટલી શાંતિ થઈ જતી હતી. ક્યા વિસ્તારમાં શું થઈ રહ્યું છે એનાથી તેઓ કાયમ માહિતગાર હોય. દરેક માહિતી માટે તેમના પર જ આધાર રાખવો જોઈએ અને દરેક વિષયની માહિતી માટે સૌપ્રથમ તેમને બોલાવવામાં આવે એ તેમને બહુ ગમતું હતું.”

“આ બાબતમાં તેઓ અમેરિકાની ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશનના ભૂતપૂર્વ વડા ઍડગર હૂવર જેવા હતા. ઍડગર હૂવર વિશે એવું કહેવાય છે કે તેઓ તેમના જીવનમાં જેટલા લોકોને મળ્યા હતા એ બધા વિશેની ફાઇલ તેમની પાસે હતી. દિલ્હીમાં સત્તાની પરસાળમાં સારી રીતે આગળ વધવાનું તેમનાથી વધુ સારી રીતે કોઈ જાણતું ન હતું.”

રાજીવ ગાંધી સાથેની નારાયણનની નિકટતા

ગાંધી પરિવારને નારાયણનમાં બહુ ભરોસો હતો. ગુપ્તચર દુનિયામાં તેઓ કાયમ પ્રાસંગિક રહ્યા તેનું કારણ આ છે. ખાસ કરીને રાજીવ ગાંધી ગુપ્તચર માહિતી માટે નારાયણન પર બહુ નિર્ભર રહેતા હતા. રાજીવ ગાંધીને ગુપ્તચર માહિતી મેળવવાનો જબરો શોખ હતો. ગુપ્તચર માહિતી વડે વિદેશનીતિને કઈ રીતે પ્રભાવિત કરી શકાય એ તેઓ જાણતા હતા.

દુલતે લખ્યું છે કે “નારાયણનને મળવું રાજીવ ગાંધીને ગમતું હતું. તેઓ નારાયણનનો આદર પણ કરતા હતા. તેમની બેઠકો મોડી રાત સુધી ચાલતી હતી. તેમાં નારાયણનને કૉફી તથા ચોકલેટ પીરસવામાં આવતાં હતાં.”

“દિલ્હીમાં વિદેશી દૂતાવાસોમાં શું ચાલી રહ્યું છે એ જાણવા રાજીવ ગાંધી હંમેશાં ઉત્સુક રહેતા હતા. ગુપ્તચર બ્યૂરોની ટીમ સાથે અરુણસિંહ અને અરુણ નેહરુ એક વખત એ જાણવા ગયા હતા કે વાસ્તવમાં શું ચાલી રહ્યું છે.”

“નારાયણને મને એક વાર જણાવ્યું હતું કે તેઓ એક ગુપ્ત માહિતીનો સ્રોત જણાવવા માટે તેમની પાછળ પડી ગયા હતા, પરંતુ નારાયણને તેમને જણાવી દીધું હતું કે વડા પ્રધાન, મારું કામ તમને માહિતગાર કરવાનું છે, પરંતુ એ માહિતી મને ક્યાંથી મળી છે તે પૂછવાનો અધિકાર તમને નથી.”

રાજેશ પાઇલટને કાશ્મીરનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારે કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ જાણવા તેઓ નારાયણન પાસે જ જતા હતા.

નવાઝ શરીફનો સૌપ્રથમ સંપર્ક કર્યો અજિત ડોભાલે

નારાયણનના જમાનામાં અજિત ડોભાલ એક ઊભરતા સિતારા હતા. અજિતને પૂર્વોત્તરના મિઝોરમમાં કામ કરવા મોકલવામાં આવ્યા ત્યારે બધાનું ધ્યાન તેમના પ્રત્યે ખેંચાયું હતું.

70ના દાયકામાં આઈઝોલના જિલ્લા મૅજિસ્ટ્રેટ તરીકે કામ કરી ચૂકેલા અને બાદમાં દેશના ગૃહસચિવ બનેલા વી. કે. દુગ્ગલના જણાવ્યા મુજબ, એ દિવસોમાં અજિત ડોભાલ મિઝોરમમાં ફિલ્ડમૅન તરીકે કામ કરતા હતા. ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા લોકો સાથે તેમને સારો એવો સંબંધ હતો.

અજિત ડોભાલે 2006માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે “એક વખત મેં લાલડેંગાના મિઝો નેશનલ ફ્રન્ટના વિદ્રોહીઓને જમવા માટે મારા ઘરે બોલાવ્યા હતા. તેમની પાસે હેવી શસ્ત્રો બતાં. મેં તેમની ખાતરી આપી હતી કે તેઓ સલામત રહેશે. મારાં પત્નીએ તેમના માટે ડુક્કરના માંસની વાનગી બનાવી હતી. જોકે, એ પહેલાં મારાં પત્નીએ ડુક્કરનું માંસ ક્યારેય રાંધ્યું ન હતું.”

આ ઘટના દર્શાવે છે કે જરૂર પડે તો અજિત ડોભાલ એક ડગલું આગળ વધીને પણ કામ કરી શકે છે.

1982થી 1985 સુધી કરાચીમાં ભારતના કૉન્સલ જનરલ તરીકે ફરજ બજાવી ચૂકેલા જી. પાર્થસારથી કહે છે કે “નવાઝ શરીફ સાથે સૌપ્રથમ સંપર્ક અજિત ડોભાલે સ્થાપિત કર્યો હતો. એ સમયે તેમણે પાકિસ્તાનના રાજકારણમાં ઊભરવાનું શરૂ કર્યું હતું. 1982માં ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે લાહોર પહોંચી ત્યારે ડોભાલના કહેવાથી નવાઝ શરીફે તેમના ઘરે ભારતીય ટીમને ભોજન માટે નોતરી હતી.”

ઑપરેશન બ્લૅક થંડરમાં અજિત ડોભાલની ભૂમિકા

1988માં હાથ ધરવામાં આવેલા ઍપરેશન બ્લૅક થંડરમાં અજિત ડોભાલની ભૂમિકાએ તેમની ખ્યાતિમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમની જીવનકથાના લેખકોનું કહેવું છે કે ઉગ્રવાદીઓ સુવર્ણ મંદિરની અલગ ઘૂસી ગયા હતા ત્યારે અજિત ડોભાલ પણ ગુપ્તચર તરીકે મંદિરમાં પ્રવેશી ચૂક્યા હતા.

અજિત ડોભાલના ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત જીવન વૃત્તાંતમાં યતીશ યાદવે લખ્યું હતું કે “1988માં સુવર્ણ મંદિરની આસપાસ રહેતા અમૃતસરના લોકો તથા ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ એક વ્યક્તિને રિક્ષા ચલાવતી જોઈ હતી. એ શખ્સે ઉગ્રવાદીઓને ખાતરી કરાવી દીધી હતી કે તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો સભ્ય છે અને તેને ઉગ્રવાદીઓની મદદ માટે ખાસ મોકલવામાં આવ્યો છે.”

“ઑપરેશન બ્લૅક થંડર શરૂ થયાના બે દિવસ પહેલાં તે રિક્ષાવાળો સુવર્ણમંદિરમાં ઘૂસ્યો હતો અને મહત્ત્વની તમામ બાતમી લઈને ત્યાંથી બહાર નીકળ્યો હતો. સુવર્ણ મંદિરમાં કેટલા ઉગ્રવાદીઓ છે તેનો તાગ તેણે મેળવ્યો હતો.”

એ રિક્ષાવાળો બીજો કોઈ નહીં, પરંતુ અજિત ડોભાલ હતા. કાશ્મીરમાં ડોભાલે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મુચી મોહમ્મદ સઇદ સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો હતો.

દુલત લખે છે કે “મેં અજિત ડોભાલના કાશ્મીરના કામમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો ન હતો, કારણ કે તેઓ એક એવી વ્યક્તિ છે, જે અપેક્ષિત પરિણામ આપશે, તેની મને ખબર હતી. ડોભાલ મારાથી બહેતર જાસૂસ છે, કારણ કે તેઓ ઘટનાઓને નિર્લેપ ભાવથી જુએ છે અને તેથી તેમના માટે વિચારપૂર્વક નિર્ણય કરવાનું આસાન હોય છે.”

અપહરણકર્તાઓ સાથે વાટાઘાટ કરવા કંદહાાર મોકલાયા

દુલત આગળ લખે છે કે “1999માં ભારતીય વિમાનનું અપહરણ કરીને તેને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું ત્યારે મને અને શ્યામલ દત્તાને વ્રજેશ મિશ્રાએ, અપહરણકર્તાઓ સાથે વાટાઘાટ કરવા પોતાના માણસો મોકલવા જણાવ્યું હતું. આ કામ માટે મારી નજરમાં બે યોગ્ય વ્યક્તિ સી. ડી. સહાય અને આનંદ આર્ની હતા. તેઓ બન્ને ઑપરેશનલ અધિકારી હતા અને અફઘાનિસ્તાનને સારી રીતે સમજતા હતા. જોકે, શ્યામ દત્તાએ જણાવેલું કે આ કામ ગુપ્તચર બ્યૂરોમાં કામ કરતા અજિત ડોભાલ અને નહચલ સંધૂથી વધારે સારી રીતે કોઈ નહીં કરી શકે.”

“આખરે એ બન્નેને કંદહાર મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે વિદેશમંત્રાલયમાંના તત્કાલીન સંયુક્ત સચિવ વિવેક કાટ્જુ પણ ગયા હતા. મને એ વાતનું આશ્ચર્ય થયું હતું કે સી. ડી. સહાયને બદલે કંદહારથી ડોભાલ મને સમગ્ર પરિસ્થિતિની માહિતી મોકલી રહ્યા હતા. તેમણે મને કહેલું કે જલદી નિર્ણય કરાવો. અહીં બહુ પ્રેશર છે. ખબર નહીં અહીં ક્યારે શું થઈ જશે.”

લાલકૃષ્ણ અડવાણીએ ક્યારેય પ્રગટ સ્વરૂપે કહ્યું નથી, પરંતુ તેઓ ઉગ્રવાદીઓ સાથે વાટાઘાટ કરવાની તરફેણમાં નહોતા.

અડવાણીના માણસ હોવાને કારણે ડોભાલ પણ આવું જ માનતા હતા. પ્રવાસીઓના બદલામાં ઉગ્રવાદીઓને મુક્ત કરવાની માગણીનો વિરોધ કરી રહેલી એક અન્ય વ્યક્તિ હતી જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લા.

ઉગ્રવાદીઓને છોડવાનો ફારુક અબ્દુલ્લાએ કર્યો વિરોધ

દુલતના એક અન્ય પુસ્તક ‘વાજપેયી – ધ કાશ્મીર યર્સ’માં લખ્યું છે કે ફારુક અબ્દુલ્લાએ ઉગ્રવાદીઓને મુક્ત કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને મનાવવા માટે દુલતને શ્રીનગર મોકલવામાં આવ્યા હતા.

દુલતે આ પુસ્તકમાં લખ્યું છે કે “મને જોતાંની સાથે જ ફારુક અબ્દુલ્લા બોલ્યા હતા કે તમે ફરી આવી ગયા? રુબૈયા સઇદના અપહરણ વખતે પણ તમે આવ્યા હતા. મેં ફારુક અબ્દુલ્લાને કહ્યું હતું કે સર, એ વખતે હું તમારી સાથે હતો, પણ આ વખતે ભારત સરકાર સાથે છું. એ સમયે હું તમારી તરફથી સરકાર સાથે વાત કરતો હતો, આ વખતે સરકાર તરફથી તમારી સાથે વાત કરવા આવ્યો છું.”

“ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે બે પાકિસ્તાની મસૂદ અઝહર અને ઉમર શેખ તમારી સાથે જે કરવું હોય તે ભલે કરે, પણ હું કાશ્મીરી મુશ્તાક અહમદ ઝરગરને છોડીશ નહીં, કારણ કે તેના હાથ પર કાશ્મીરીઓનું લોહી લાગેલું છે.”

એ પછી ફારુક અબ્દુલ્લા, દુલતની સાથે કાશ્મીરના રાજ્યપાલ ગૅરી સક્સેના પાસે ગયા હતા. ફારુકે તેમને કહ્યું હતું કે “હું ઉગ્રવાદીઓને છોડી મૂકવાના નિર્ણયનો હિસ્સો બની શકું તેમ નથી, એ મેં રૉના વડાને જણાવી દીધું છે. હું રાજીનામું આપવાનું પસંદ કરીશ અને એ કરવા જ અહીં આવ્યો છું.”

સક્સેનાએ બ્લૅક લૅબલ સ્કોચની એક બૉટલ કાઢી અને ફારુક અબ્દુલ્લાને કહ્યું હતું કે “ડૉક્ટરસાહેબ તમે લડવૈયા છો. તમે આટલી આસાનીથી હાર માની શકો નહીં.” ફારુકે કહ્યું હતું કે “ઉગ્રવાદીઓને છોડીને કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે, તે આ લોકો જાણતા નથી.”

ગૅરી સક્સેનાએ કહ્યું હતું કે “તમે 100 ટકા સાચા છો, પરંતુ અત્યારે બીજો વિકલ્પ નથી. એ વિશે દિલ્હીમાં વાત જરૂર થઈ હશે. તેમને એવું લાગતું હોય કે આના સિવાય કોઈ વિકલ્પ નથી તો આપણે તેમને સાથ આપવો જોઈએ. ”

દુલાતે લખ્યું છે કે “બીજા દિવસે હું મસૂદ અઝહર તથા ઝરગરને રૉના ગલ્ફસ્ટ્રીમ વિમાનમાં બેસાડીને શ્રીનગરથી દિલ્હી લઈ ગયો હતો.”

ડોભાલ કારકિર્દીના ચરમ શિખરે પહોંચ્યા

કંદહાર વિમાન અપહરણ કાંડમાં ઉગ્રવાદીઓને છોડવાનું કારણ, ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં કરાયેલો વધારે પડતો વિલંબ હતું.

દુલતે લખ્યું છે કે “કંધારમાં ચાલી રહેલી મંત્રણાની સંપૂર્ણ માહિતી મને ડોભાલ સેટેલાઇટ ફોન મારફત આપી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અહીં રહેવું મુશ્કેલ બનતું જાય છે, કારણ કે હવે તેઓ એવી ધમકી આપે છે કે સમાધાન ન કરવું હોય તો અહીંથી ચાલ્યા જાઓ. મને શરૂઆતથી જ ખબર હતી કે ડોભાલ એક દિવસ તેમની કારકિર્દીના ચરમ શિખરે પહોંચશે. એ જવાબદારી માટે ડોભાલથી વધારે યોગ્ય વ્યક્તિ કોઈ ન હતી.”

“નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે હરદીપ પુરીનું નામ સૂચવવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અરુણ જેટલી સિવાય તેમનો બીજો કોઈ ટેકેદાર ન હતો. આખરે નરેન્દ્ર મોદીએ અજિત ડોભાલની પસંદગી કરી હતી.”

“2004માં હું વડા પ્રધાનની ઓફિસમાંથી ફરજમુક્ત થઈ રહ્યો હતો ત્યારે નારાયણને મને પૂછ્યું હતું કે હવે કાશ્મીરનું કામકાજ કોણ સંભાળશે? મેં જરાય સંકોચ વિના કહ્યું હતુઃ ડોભાલ. નારાયણને મને ત્યારે જ કહી દીધું હતું કે ડોભાલ કાશ્મીરનું કામકાજ નહીં સંભાળે, કારણ કે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર બનવાના છે.”

રસપ્રદ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના વિરોધી કૉંગ્રેસ પક્ષના કાર્યકાળમાં અજિત ડોભાલને ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા બનાવવામાં આવ્યા હતા.

જે. એન. દીક્ષિત પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનેલા એમ કે નારાયણન ખુલ્લેઆમ કહેતા હતા કે “કોઈ મામલમાં નરમ વલણ અપનાવવાનું હોય તો હું અમરજીતસિંહ દુલતનો ઉપયોગ કરું છું, પરંતુ કડક હાથે કામ લેવાનું હોય ત્યારે હું ડોભાલને બોલાવું છું.”